કાશ્મીરનાં હૈદરપોરામાં એક અથડામણ દરમ્યાન માર્યા ગયેલા બે નાગરિકોમાંથી એક ડો. મુદાસિર ગુલ પણ હતાં. ડો. મુદાસિર ગુલના શબની માંગ માટે આપવામાં આવેલા ધરણા દરમ્યાન તેમની બે વર્ષીય પુત્રી જ્યારે પોતાના પિતાને યાદ કરતા કરતા “બાબા… બાબા…” પોકારવા લાગે છે ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખો નમ થઈ જાય છે.
તેની માતા હુમૈરા ગુલની સાથે આ નાની બાળકી પણ ડો. મુદાસિર ગુલના શબનું માંગ કરનારાઓમાં શામેલ હતી.
હૈદરપોરા એન્કાઉન્ટરમાં ડેન્ટલ સર્જન ડો. મુદાસિર ગુલ પણ માર્યા ગયાં. ડો. મુદાસિર ગુલની સાથે કાશ્મીરના ટોચના વ્યાપારી મોહમ્મદ અલ્તાફ ભટ પણ માર્યા ગયાં.
પતિના શબની માંગને લઈને ડો. ગુલની પત્ની હુમૈરાએ પરિવારના અન્ય સભ્યોની સાથે પ્રેસ કોલોનીમાં ધરણાં આપ્યાં. તે કહે છે કે, “મારા પતિનો કોઈ પણ ઉગ્રવાદી સાથે સંબંધ નહોતો અને તે વૈધ રીતે પોતાની આજીવિકા કમાવી રહ્યા હતા.”
મૃતક ડો. મુદાસિર ગુલની આ બે વર્ષીય પુત્રી કાશ્મીરમાં ધરણાં આપનારી સૌથી નાની વયની પ્રદર્શનકારી બની ગઈ છે. હુમૈરા કહે છે કે, “તે ગઈકાલથી તેના પિતાને શોધતી શોધતી રડી રહી છે. તે રડે છે અને વારંવાર બાબા બાબા પોકારે છે, અને મારી પાસે તેનો જવાબ હોતો નથી. હું ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને આગ્રહ કરું છું કે મારી પુત્રીને તેના પિતાને અંતિમ વખત જોવાની અનુમતિ આપે.”
હુમૈરાએ કહ્યું કે પોલીસને તેમના પતિનું ઓજીડબ્લ્યુ (ઉગ્રવાદીઓ સાથે સંબંધ રાખનાર) હોવાનું સબૂત આપવું જોઈએ. તેણીએ કહ્યું, “જો મારા પતિને ઓજીડબ્લ્યુ (ઓવરગ્રાઉન્ડ વર્કર) સાબિત કરવામાં આવે છે તો પોલીસ મને પણ મારી શકે છે. મારા પતિ ઓજીડબ્લ્યુ નહિ બલ્કે વ્યવસાયે ડોક્ટર હતા. તે લીગલ રીતે પોતાની આજીવિકા કમાવી રહ્યા હતાં, ત્યાં સુધી કે હાલમાં જ રાવલપોરામાં એક લગ્ન સમારોહમાં પોલીસ અધિકારીઓ અને તંત્રનાં અધિકારીઓએ મુદાસિરની સાથે લંચ પણ લીધું હતું. પોલીસ કેવી રીતે તેમની પર OGWનું લેબલ લગાવી શકે છે.”
ડો. મુદાસિરના પરિવાર સાથે થોડાક અંતર દૂર કાશ્મીરનો અન્ય એક નામી વ્યક્તિનો પરિવાર તેમનાં નિધન પર શોક મનાવી રહ્યો છે. મોહમ્મદ અલ્તાફ ભટ એક વેપારી હતાં, હૈદરપોરામાં તેમની એક બહુમાળી બિલ્ડીંગ પણ હતી, જ્યાં આતંકવાદીઓ માર્યા ગયા.
ભટની ભત્રીજી સાઈમા ભટ કહે છે કે, “મારા કાકાની હત્યા કરવામાં આવી છે. એક પૂર્વાયોજિત અથડામણમાં તેમને માનવઢાળના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યાં. તે એક હાર્ડવેરની દુકાન ચલાવતાં હતાં અને એ બિલ્ડિંગના માલિક હતા જ્યાં સુરક્ષા બળ તપાસ માટે આવ્યાં હતાં.”
સાઈમાએ કહ્યું કે એ બિલ્ડિંગ પરિસરમાં કોઈ પણ જાતનો ગોળીબાર થયો નહોતો. “તેમને તપાસ માટે માનવઢાળના રૂપમાં બિલ્ડિંગનાં અંદર ત્રણ વખત લઈ જવામાં આવ્યા અને જ્યારે તેમને કંઈ જ ન મળ્યું, તો કાકાને ત્યાં જ મારી નાખ્યાં.”
સાઈમા કહે છે કે, “પોલીસ તેમના કાકાને ઓજીડબ્લ્યુ તથા ‘આતંકવાદી સહયોગી’ દર્શાવી રહ્યાં છે અને તેમનું શબ પરત કરતાં નથી.”
પોલીસે જણાવ્યું કે કાનૂન વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખતાં, માર્યા ગયેલા આતંકવાદીઓ, તેમના સહયોગીઓ અને ભવન માલિકોના શબને મેડિકો લીગલ ઔપચારિકતાઓને પૂર્ણ કર્યા બાદ હંડવાડા મોકલી દેવામાં આવ્યા છે.
એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, “પોલીસે કાનૂન સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.”
ચારેબાજુથી દબાણ પડ્યાં બાદ અથડામણની તપાસ માટે વિશેષ તપાસનું ગઠન કરવામાં આવ્યું છે. અથડામણ બાદ સંપૂર્ણ કાશ્મીરમાં રોષ વ્યાપી ગયો છે. સોશ્યલ મીડિયા પર અથડામણમાં માર્યા ગયેલા નાગરિકોના ગમગીન પરિવારોના ફોટાઓ અને વિડિયો વાયરલ થઈ રહ્યાં છે.
વિરોધ કરી રહેલા પરિવારોનાં સભ્યો જમ્મુ કાશ્મીરની મુખ્યધારા રાજનીતિના મોટા નેતાઓ સુધી પણ પહોંચ્યા, ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રીઓ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને મૃતકોના પરિવારોએ ટ્વીટ થકી આગળ વધવાની અપીલ કરી અને વિરોધમાં મૃતકોના પરિવારો સાથે શામેલ થવાનું કહ્યું.
મૃતક વ્યવસાયી ભટના ભાઈ ડો. હનીફ અહમદ કહે છે કે, “અમે અમારા ભાઈ અહમદના શબને ઢીલ કર્યા વગર મેળવવા માટે વિરોધ કરી રહ્યાં છીએ. જો પોલીસ અમને તેમના શબ આપતાં નથી, તો અમે તમામ માર્ગોને બંધ કરી દઈશું અને માર્ગો પર વિરોધ પ્રદર્શન કરીશું.”
સમાચાર સૌજન્યઃ ઇન્ડિયા ટુમોરો