Sunday, December 22, 2024
Homeઓપન સ્પેસકુરબાનીની વાસ્તવિકતા અને તેનું ઔચિત્ય

કુરબાનીની વાસ્તવિકતા અને તેનું ઔચિત્ય

ઇસ્લામના આદેશો અને તેનું અર્થઘટન :


કેટલાક લોકો ગેરસમજના કારણે, પૂરતી માહિતીના અભાવે કે પછી પૂર્વગ્રહથી ઇસ્લામના આદેશોનું, કુઆર્નની આયતોનું કે હદીસોનું જાણે-અજાણે ખોટું અને મનમાન્યું અર્થઘટન કરતા હોય છે. ઇસ્લામને સમજવા માટે તેના મૂળ સ્ત્રોતો કુઆર્ન અને સુન્નત (પયગંબર હઝરત મુહમ્મદ સલ્લ.ના કથનો અને આચરણ) અને તેના પ્રવર્તકોના જીવન-ચરિત્રોને સમજવા જાેઈએ. ઇસ્લામે માનવ-જીવનના દરેક પાસા અંગે સચોટ અને નિશ્ચિત નીતિ-નિયમો આપ્યા છે. ઇસ્લામને સમજવું આજે ખૂબ સરળ છે. આવું જ કંઈક કુરબાની વિશે થાય છે; જેમ કે કુરબાનીનો આદેશ, બલિદાનની વાત, બલિદાન આપેલા પ્રાણીનું માંસ ખાવું, ઇબ્રાહીમ તેના પુત્રનું બલિદાન આપે એવું કુઆર્નમાં ક્યાંય નથી, કુઆર્નમાં લખેલી વાતો માનવ-જાત માટે બ્લ્યૂ પ્રિન્ટ સમાન મોકલેલ સંદેશો નથી, કુઆર્નની કેટલીક આયતો રૂપાત્મક અર્થ ધરાવે છે વગેરે.

ઇદુઝ્‌-ઝુહા (કુરબાની)નો તહેવારઃ


જગતના બધા ધર્મોમાં તહેવારોનો મહિમા છે. સ્વાભાવિક જ જુદી-જુદી કોમો પોતાના તહેવારો જુદી-જુદી રીતે ઉજવતી હોય છે. તહેવારો સાથે લોકોની આસ્થાઓ અને ભાવનાઓ જાેડાયેલી છે. મોટાભાગે આ તહેવારોની કોઈને-કોઈ પશ્ચાદભૂમિ હોય છે, જે લોકોને કોઈને-કોઈ સંદેશ આપે છે.
ઇસ્લામના મૂળ બે તહેવારો છે, ‘ઇદુલ-ફિત્ર’ અને‘ઇદુઝ્‌-ઝુહા’. ઇદુલ-ફિત્ર રમઝાનના ઉપવાસોનું ફળ છે અને ઇદુઝ્‌-ઝુહાની પશ્ચાદભૂમિમાં કુરબાનીનો પ્રસંગ અને મક્કા શહેરમાં આવેલ બૈતુલ્લાહ (કાબા)ની હજ્જ-યાત્રા છે. આ બંને તહેવારોનો ઉદ્દેશ્ય લોકોમાં ધાર્મિકતા, નૈતિકતા, માનવ-સેવા અને સહિષ્ણુતાની ભાવનાને બળવત્તર બનાવવાનો છે.
કુરબાનીનો તહેવાર પયગંબર હઝરત ઇબ્રાહીમ (અલૈ.)એ ઈશપ્રેમમાં આપેલ અદ્‌ભુત કસોટીની યાદગાર છે. સૌપ્રથમ માનવી અને પયગંબર હઝરત આદમ (અલૈ.)થી લઈને અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લ.) સૌ ઇસ્લામના પયગંબરો હતા, જેમાં હઝરત ઇબ્રાહીમ (અલૈ.)નો જન્મ આશરે ઈ.સ.પૂર્વે ૨૦મી સદીમાં આજના ઇરાકના ‘ઉર’ નગરમાં થયો હતો. કુઆર્નમાં લગભગ ૭૩ વાર તેમનો ઉલ્લેખ છે, જેમાં તેમના બોધદાયક કિસ્સાઓનું વર્ણન છે. ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી એમ ત્રણ મોટા ધર્મોના અનુયાયીઓ હઝરત ઇબ્રાહીમ (અલૈ.)ને પોતાના પિતામહ કહે છે. કુઆર્ને તેમને ઇસ્લામની મૂળ આસ્થા ‘તૌહીદ’ (એકેશ્વરવાદ)ના અપ્રતિમ આવાહક ઘોષિત કર્યા અને જગત-નિવાસીઓ માટે શ્રેષ્ઠ નમૂનારૂપ ઠરાવ્યા. કુઆર્ને મુસ્લિમ સમુદાયને ‘મિલ્લતે ઇબ્રાહીમી’ (ઇબ્રાહીમનો સમુદાય) કહેલ છે. ઈશ્વરના અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લ.) તેમના વંશજ છે.


કુરબાનીનો યાદગાર પ્રસંગ :


કુઆર્ન અને હદીસોમાં વર્ણિત પયગંબરોના પ્રસંગોમાં હઝરત ઇબ્રાહીમ (અલૈ.) દ્વારા પોતાના વ્હાલા પુત્ર હઝરત ઇસ્માઈલ (અલૈ.)ની કુરબાનીનો પ્રસંગ ખૂબ મહત્ત્વનો છે. કુરબાની અલ્લાહના નિઃસંકોચ આજ્ઞાપાલનની તાલીમ આપે છે. આજ્ઞાપાલનની આ ભાવના ઇસ્લામની મૂળ આસ્થા એકેશ્વરવાદનો તકાદો છે. ઇસ્લામ અનુસાર મનુષ્ય માત્ર અલ્લાહનો જ બંદો છે અને હંમેશા તેના જ કૃતજ્ઞ બનીને રહેવાનું છે. મનુષ્યનું આલોકનું જીવન એક કસોટી છે. કસોટી એ છે કે તે અલ્લાહની આજ્ઞાઓનું પાલન કરે છે કે નહીં ? બંને તહેવારોથી આ જ આસ્થાને તાજી કરવાનો ઉદ્દેશ્ય છે. તેથી જ કુરબાની વિશે હઝરત મુહમ્મદ (સલ્લ.)એ કહ્યું છે કે, ‘‘આ તમારા પિતા હઝરત ઇબ્રાહીમ (અલૈ.)ની યાદગાર છે.’’


કુરબાનીનો પ્રસંગ, તેના આદેશો, હઝરત ઇસ્માઈલના જન્મ, પિતા હઝરત ઇબ્રાહીમ (અલૈ.)નું સ્વપ્ન તેમજ પિતા અને પુત્રનું કુરબાની માટે તૈયાર થઈ જવું, કાબાનું પુનઃનિર્માણ, હજ્જ વગેરે ઘટનાક્રમોનું વર્ણન કુઆર્નની સૂરઃ સાફ્ફાત (૩૭ઃ૯૯-૧૧૧) તેમજ સૂરઃ હજ્જ (૨૨ઃ૩૨-૩૭)માં વિગતવાર છે. અલ્લાહને હઝરત ઇસ્માઈલના પ્રાણ નહોતા જાેઈતા, બલ્કે હઝરત ઇબ્રાહીમ (અલૈ.)ના ઈમાન અને ઈશ-પ્રેમની કસોટીથી જગત-નિવાસીઓને એક સંદેશ આપવાનો હતો. અલ્લાહની આજ્ઞાનુસાર વ્હાલસોયા પુત્રની કુરબાની માટે હઝરત ઇબ્રાહીમ (અલૈ.)એ એવી નિષ્ઠા અને પ્રતિબદ્ધતા દાખવી કે અલ્લાહે અદૃશ્ય-શક્તિથી પુત્ર ઇસ્માઈલની જગ્યાએ એક ઘેટું મૂકાવી દીધું, જેની કુરબાની હઝરત ઇબ્રાહીમ (અલૈ.)એ કરી અને આ પ્રસંગને અલ્લાહે પ્રલય-પર્યંત લોકો માટે અનુકરણીય બનાવી દીધો. આ સમગ્ર પ્રસંગથી એ બોધ આપવામાં આવ્યો છે કે અલ્લાહની આજ્ઞાપાલનનો તકાદો હોય તો મનુષ્ય પોતાની પ્રિય વસ્તુ પણ ઈશમાર્ગમાં કુરબાન કરવામાં કોઈ સંકોચ ન કરે.


કુરબાનીનો આદેશ કુઆર્ન અને હદીસમાં ઃ


કુઆર્નમાં સૂરઃ કૌસર (સૂરઃ-૧૦૮)માં કહેવામાં આવ્યું કે, ‘‘(હે પયગંબર !) અમે તમને કૌસર (સ્વર્ગની એક નહેર) પ્રદાન કરી, તો તમે પોતાના રબ (પ્રભુ-પાલનહાર) માટે જ નમાઝ પઢો અને કુરબાની કરો…’’

સૂરઃ હજ્જ (સૂરઃ નં. રર, આયત-૩૪)માં ફરમાવ્યું, ‘‘દરેક સમુદાય માટે અમે કુરબાનીની એક પદ્ધતિ નક્કી કરી દીધી છે, જેથી (તે સમુદાયના) લોકો તે પશુઓ પર (કુરબાની કરતી વખતે) અલ્લાહનું નામ લે જે તેણે તેમને આપ્યા છે.’’ આનાથી એ હકીકત ઉજાગર થાય છે કે કુરબાની પ્રત્યેક આકાશી ધર્મોમાં ઉપાસનાની વ્યવસ્થાનો એક અનિવાર્ય ભાગ રહી છે. સંભવતઃ તેથી જ દુનિયામાં બધા આકાશી ધર્મોના ધર્મગ્રંથો (વેદ, ઉપનિષદો, મનુસ્મૃતિ, બાઈબલ, તૌરાત વગેરે)માં કુરબાની, બલિદાન, બલિ કે આહુતિનો મહિમાનો ઉલ્લેખ છે.


‘‘તે (કુરબાનીના) પશુઓ પર (કુરબાની કરતી વખતે) અલ્લાહનું નામ લો જે તેણે તમને પ્રદાન કર્યા છે, (કુરબાની કરેલા પશુનું માંસ) પોતે પણ ખાઓ અને ગરીબ-મોહતાજને પણ આપો.’’ (સૂરઃ હજ્જ, ૨૨ઃ૨૮ અને ૩૬)

જે રીતે ઈદુલ-ફિત્રમાં ગરીબોને ‘સદકએ-ફિત્ર’ (ઈદનું દાન) આપવાના આદેશનું પાલન કરીને સમાજના ગરીબો-નિર્ધનોને ઈદની ખુશીમાં સામેલ કરવામાં આવે છે, તે રીતે ઈદુઝ્‌-ઝુહાના પ્રસંગે પણ કુરબાની કરેલ પશુનું માંસ ગરીબોને આપીને તેમને ઈદની ખુશીમાં સામેલ કરવામાં આવે છે. હદીસમાં છે કે પયગંબર સાહેબે ફરમાવ્યું, જે લોકો કુરબાની કરે છે તેઓ કુરબાની કરેલ પશુનું માંસ એ લોકોને પણ આપે જે લોકો કુરબાની કરવાનું સામર્થ્ય નથી ધરાવતા. (હદીસ-સંગ્રહ ઃ જામેઅ તિરમિઝી)


હદીસોમાં છે કે પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લ.) પોતે મદીનામાં રહ્યા ત્યાં સુધી પ્રત્યેક ઇદુઝ્‌-ઝુહાના પ્રસંગે કુરબાની કરતા રહ્યા. પયગંબરના સાથી હઝરત અબૂ હુરૈરહ (રદિ.)નું નિવેદન છે કે પયગંબર સાહેબે ફરમાવ્યું, ‘‘જે વ્યક્તિ સામર્થ્ય ધરાવતો હોય અને પછી કુરબાની ન કરે, તે અમારી ઇદગાહમાં ન આવે (અર્થાત્‌ આ ઈદ એવા લોકો માટે નથી).’’ (હદીસ-સંગ્રહ ઃ મુસ્નદે અહમદ, ઇબ્ને માજહ) પયગંબર (સલ્લ.) દર વર્ષે કુરબાની કરતા હતા. (હદીસ-સંગ્રહ ઃ તિરમિઝી)


હઝરત મખનફ બિન સુલૈમ (રદિ.) કહે છે કે અમે પયગંબર (સલ્લ.)ને હજ્જ પ્રસંગે અરફાતના મુકામે એવું કહેતા સાંભળ્યા કે, ‘‘લોકો ! પ્રત્યેક ઘરવાળાએ દર વર્ષે એક કુરબાની કરવી જરૂરી છે.’’ (તિરમિઝી) કોઈએ હઝરત ઇબ્ને ઉમર (રદિ.)ને પૂછ્યું, ‘‘શું કુરબાની વાજિબ છે ?’’ તેમણે જવાબ આપ્યો, ‘‘પયગંબર (સલ્લ.) અને મુસલમાનો કુરબાની કરતા હતા.’’ (તિરમિઝી) આ જ હદીસ-સંગ્રહમાં એ પણ ઉલ્લેખ છે કે તેમણે લોકોને સંબોધીને ફરમાવ્યું કે તમે લોકો કુરબાનીથી પોતાના હૃદયને ખુશ કરો.


તેથી જ ઇસ્લામના તમામ આલિમો, ધર્મશાસ્ત્રીઓ અને વિદ્વાનોએ કુરબાનીને વાજિબ ઠેરવી છે. ‘વાજિબ’ એવો અમલ છે જે જરૂરી છે, જેને છોડવાથી ગુનેગાર ઠરાય અને છૂટી જાય તો તેને પછીથી અદા કરવી પડે.


કુરબાની અંગે કુઆર્નની કેટલીક આયતોનો વાસ્તવિક અર્થ :


આ સંદર્ભે કુઆર્નની કેટલીક આયતોનું ખોટું અને ગેરસમજભર્યું અર્થઘટન કરવામાં આવે છે. એ આયત આ પ્રમાણે છે ઃ ‘‘ન તેમનું માંસ અલ્લાહને પહોંચે છે, ન તેમનું લોહી, પરંતુ તેને તમારો તકવા (ઈશભય અને નિષ્ઠા) જ પહોંચે છે.’’ (સૂરઃ હજ્જ, ૨૨ઃ૩૭)


કુઆર્નના વિવરણકર્તાઓ આ આયત વિશે કહે છે કે ઇસ્લામ પહેલા આરબો મૂર્તિઓ માટે કુરબાની કરતા તો તેનું માંસ મૂર્તિઓને ચઢાવતા અને તેનું લોહી કાબાની દીવાલો પર ચોપડતા. આનાથી તેઓ એવું માનતા હતા કે કુરબાની કરેલ પશુનું માંસ અને લોહી આ રીતે અલ્લાહને પહોંચે છે. અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાનો આ પરદો લોકોના મનમાંથી હટાવીને કુઆર્ને કહ્યું કે મૂળ જે વસ્તુ અલ્લાહ સુધી પહોંચે છે તે પશુનું માંસ કે તેનું લોહી નહીં, બલ્કે ‘તકવા’ (ઈશપરાયણતા) જ તેના સુધી પહોંચે છે, તેથી માંસને મૂર્તિઓ પર ચઢાવવાની અને તેનું લોહી કાબાની દિવાલ પર ચોપડવાની જરૂર નથી. જાે તમે નિખાસલતાથી કુરબાની કરશો તો તમારી ઈશનિષ્ઠા અલ્લાહ સુધી પહોંચશે અને તેનું પુણ્ય મળશે. આ જ વાત પયગંબર (સલ્લ.)ના એક કથનમાં પણ મળે છે કે, ‘‘અલ્લાહ તમારા ચહેરા અને તમારો રંગ (વર્ણ કે વંશ) નથી જાેતો, પણ તમારા હૃદયો અને તમારું આચરણ જુએ છે.’’


કહેવામાં આવે છે કે કુઆર્નમાં કોઈ પણ જીવને કતલ ન કરવાની આજ્ઞા છે, પશુની હત્યા કરવાની પ્રવૃત્તિ આ આજ્ઞાનો ભંગ છે. એ આયત આ પ્રમાણે છે ઃ ‘‘…અને કોઈ જીવની, જેને અલ્લાહે હરામ (પ્રતિષ્ઠિત) ઠેરવેલ છે, હત્યા ન કરો. એ વાત જુદી છે કે સત્ય માટે આવું કરવું પડે.’’ (સૂરઃ બની ઇસરાઈલ, ૧૭ઃ૩૩ અને સૂરઃ અન્‌આમ, ૬ઃ૧૫૧) કુઆર્નના સમજૂતીકારોના મતે અહીં મનુષ્યના જીવની વાત કરવામાં આવી છે, જેની હત્યા કરવી ન્યાયના તકાદા વિના કાનૂની રીતે પ્રતિબંધિત છે. આ આયતની આગળ-પાછળની આયતો, સંદર્ભ અને તેની પશ્ચાદભૂમિ જાેતાં પણ એ વાત ચોક્કસ છે કે અહીં માનવોને લગતા નીતિ-નિયમો અને કાનૂનની વાત કરવામાં આવી છે. જાનવરો, પશુ-પક્ષીઓ માટે ઇસ્લામે અલગ આદેશો આપ્યા છે, જે તદ્દન સ્વાભાવિક છેે, જે તેના અભ્યાસથી જાણી શકાય છે. ઇસ્લામે પ્રાણીઓ, પશુ-પક્ષીઓ માટે તેના માલિકને જવાબદાર બનાવવામાં આવ્યો છે. તેની ચર્ચાનો અહીં અવકાશ નથી. મૂળભૂત રીતે આ સમગ્ર સૃષ્ટિને તેના માલિક-સર્જનહાર અલ્લાહે મનુષ્ય માટે આધીન કરી દીધા છે, જેનો ઉલ્લેખ ઉપર દર્શાવેલ સૂરઃ હજ્જની કુરબાની અંગેની આયત-૩૭માં પણ છે.


કુરબાનીનો આદેશ અને તેનો હેતુ :


અહીં કુરબાનીના આદેશ અને તેના હેતુ બતાવવામાં આવ્યો છે કે કુરબાની માત્ર એટલા માટે આવશ્યક કરવામાં આવી નથી કે મનુષ્ય પશુઓને આધીન કરવા અંગે અલ્લાહનો આભાર માને, બલ્કે તેની સાથે-સાથે તે એટલા માટે આવશ્યક છે કે મનુષ્ય હૃદયપૂર્વક પોતાના વાણી-વર્તનથી એ વાતનો સ્વીકાર કરે કે માત્ર પશુઓ જ નહીં, બલ્કે તેને પ્રિય તમામ વસ્તુઓનો માલિક અને સ્વામી અલ્લાહ છે. અલ્લાહે જ એ કૃપાઓ તેને પ્રદાન કરી છે. ભૂલથી પણ તેનામાં એવો ભાવ ન જન્મે કે આ બધું તેની મિલ્કત અને સંપત્તિ છે અને તેના વિશે તે પોતાની મરજીમાં આવે તેવો નિર્ણય કરી શકે છે. આ કુરબાની તેનામાં એ ભાવ તાજાે કરે છે, જેનો સ્વીકાર તેણે મૌખિકરૂપે કર્યો છે કે ‘લા-ઇલાહ ઇલ્લલ્લાહ, મુહમ્મદુર્રસૂલુલ્લાહ’ (કોઈ બંદગીને પાત્ર નથી સિવાય અલ્લાહ, અને મુહમ્મદ તેના રસૂલ છે). આ કુરબાનીથી આ એકરાર અને ભાવના જીવંત કરવાનો ઉદ્દેશ્ય છે. આ જ ભાવ એ દુઆમાં પણ વ્યક્ત થાય છે જે કુરબાની કરતી વખતે બોલવામાં આવે છે, જેનો અનુવાદ આ પ્રમાણે છે ઃ
‘‘મેં મારો ચહેરો એ હસ્તી તરફ કરી લીધો, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું છે. હું એકાગ્ર-ચિત્ત થઈને (પયગંબર) ઇબ્રાહીમની મિલ્લત (સમુદાય) પર છું અને હું મુશ્‌રિકો (અનેકેશ્વરવાદીઓ) માંથી નથી. નિઃશંક, મારી નમાઝ અને મારી કુરબાની અને મારું જીવવું અને મરવું સૃષ્ટિના રબ (પ્રભુ-પાલનહાર) અલ્લાહ માટે છે, જેનો કોઈ ભાગીદાર નથી અને મને તેનો જ આદેશ આપવામાં આવ્યો છે અને હું આજ્ઞાંકિતોમાંથી છું.’’


કુરબાની અંગે ગેરસમજ :

કેટલાક લોકો કહે છે કે કુરબાનીનો આદેશ માત્ર હજ્જ-યાત્રાએ જવાવાળા હાજીઓ માટે જ છે. આ એક ગેરસમજ છે. કુઆર્નની સમજૂતી લખનારાઓ કહે છે કે અહીં કુરબાનીનો આદેશ એ સૌ સાધન-સંપન્ન અને સમૃદ્ધ મુસલમાનો માટે છે, જેમણે એક અલ્લાહ અને તેના પયગંબર હઝરત મુહમ્મદ સલ્લ.ના આજ્ઞાપાલનનો એકરાર કર્યો છે. આમ, કુરબાનીના શરઈ હુક્‌મ (ધાર્મિક આદેશ) હોવા અંગે મુસલમાનોમાં સર્વસંમતિ છે.


ઇસ્લામી તહેવારોનું ઔચિત્ય :

ઇસ્લામી તહેવારો અને ઇસ્લામના આદેશોની ખૂબી એ છે કે તે ઉત્સવોની ઉજવણીની સાથે સમાજમાં રૂઢ અને ગૂઢ થઈ ગયેલી ખોટી માન્યતાઓ અને રિવાજાે, અંધશ્રદ્ધાઓ અને અસભ્ય વર્તન-વ્યવહાર તેમજ અનૈતિકતાઓને જડ-મૂળથી ઉખાડી ફેંકે છે અને તેના બદલે તેની વાસ્તવિકતા ઉજાગર કરે છે અને તેનો પ્રાકૃતિક, તાર્કિક અને સરળ વિકલ્પ આપે છે. એકેશ્વરવાદની આસ્થામાં મૂળ વણાયેલ બંદગી અને ઉપાસનાના તકાદાઓમાંથી એક એ પણ છે કે મનુષ્યએ જે-જે સ્વરૂપો, રીતો અને પદ્ધતિઓથી અલ્લાહ સિવાય અન્યોની બંદગી અને ઉપાસના કરી, તે તમામને નિષિદ્ધ કરીને તેને ઇસ્લામે માત્ર અલ્લાહ માટે વિશિષ્ઠ અને વિશુદ્ધ કરી દીધી. આમ, તમે જાેશો કે મનુષ્ય અલ્લાહ સિવાય અન્યો સામે શિષ ઝુકાવે છે, નમે છે તેને પણ ઇસ્લામે અલ્લાહ માટે ખાસ કરી દીધું, અર્થાત્‌ નમાઝને અનિવાર્ય કરી દીધી. મનુષ્યએ અલ્લાહ સિવાય અન્યોને ભેટ-નજરાણા ચઢાવ્યા, તો ઇસ્લામે તેની મનાઈ કરીને તેના બદલે ઝકાત-સદકા (ધર્મદાન) અનિવાર્ય કરી દીધા, જે સમાજના ગરીબો અને જરૂરતમંદોને આપવામાં આવે છે. મનુષ્યએ અન્ય ઉપાસ્યોની તીર્થયાત્રાઓ કરી તો ઇસ્લામે તેના વિકલ્પરૂપે બૈતુલ્લાહ (અલ્લાહના ઘર, કાબા)ની હજ્જ-યાત્રા ફરજિયાત ઠેરવી દીધી, જ્યાં એકેશ્વરવાદ, વૈશ્વિક ભાઈચારા અને સમાનતાની શિક્ષાઓથી હાજીઓને પ્રશિક્ષિત કરવામાં આવે છે. મનુષ્યએ અલ્લાહ સિવાય બીજા કોઈ માટે ઉપવાસ રાખ્યા, તો ઇસ્લામે અલ્લાહ માટે રોઝાને અનિવાર્ય ઠેરવી દીધા, જે ઈશનિષ્ઠા અને સંયમિત જીવનની તાલીમ આપે છે. આ જ પરિપ્રેક્ષ્યમાં કુરબાનીને જુઓ, મનુષ્ય પોતાના માની લીધેલા ઉપાસ્યોને પશુઓની બલિ ચઢાવતો હતો, તો ઇસ્લામે તેને પણ તદ્દન અવૈધ ઠરાવીને માત્ર અલ્લાહ માટે જ જરૂરી કરી દીધું, જેનો ઉદ્દેશ્ય અલ્લાહની આજ્ઞાઓનું ચુસ્તપણે પાલન કરાવવાનો અભ્યાસ છે. આ રીતે ઇસ્લામે ઈશમાર્ગમાં કરવામાં આવતા ત્યાગ અને બલિદાનના ઇરાદાને-નિયતને મૂળ મહત્ત્વ આપી દીધું. આ છે કુરબાનીની વાસ્તવિકતા, તેનું સ્થાન અને તેનું ઔચિત્ય.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments