પ્રશ્ન : અમે અમારા મહોલ્લાની મસ્જિદમાં “મસ્જિદ પરિચય”નો કાર્યક્મ રાખ્યો. દેશવાસી ભાઈઓ અને બહેનોને આમંત્રિત કર્યા. તેઓ મોટી સંખ્યામાં આવ્યા. તેમના સામે ઈસ્લામનો પરિચય રજૂ કર્યો. વુઝૂ, નમાઝ, રોઝા વગેરેની માહિતી આપી. નમાઝમાં અમે શું પઢીએ છીએ ? એ પણ બતાવ્યું. તેઓએ મસ્જિદમાં લોકોને નમાઝ પઢતા પણ જોયા. અંતમાં તેમને સવાલો પૂછવાની તક આપી અને તેમના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા. આ પ્રોગ્રામ પર એ લોકોએ ખુશી વ્યક્ત કરી, તેઓ ખૂબ પ્રભાવિત થયા અને કહ્યું કે અમને તો આ બધી વાતો પ્રથમ વખત જ જાણવા મળી.
મહોલ્લાના અમુક લોકોએ આ બાબતે વાંધો લીધો. તેમણે કહ્યું કે દેશબાંધવોમાં પાકીનો એહસાસ હોતો નથી. કુર્આનમાં તેમને નાપાક કહેવામાં આવ્યા છે અને મસ્જિદમાં પ્રવેશથી રોકયા છે. વધુમાં મસ્જિદમાં દેશવાસી બહેનોને ન બોલાવવી જાેઈએ કેમકે તેમનામાં હિજાબની કલ્પના નથી અને સ્વચ્છતાની પણ. આવા પ્રોગ્રામ જો કરવા જ હોય તો મસ્જિદ સિવાય બીજે કરવા જોઈએ.
મહેરબાની કરીને માર્ગદર્શન ફરમાવશો કે શું અમારૂં કાર્ય ખોટું હતું? શું મસ્જિદ પરિચયના પ્રોગ્રામ મસ્જિદમાં ન કરવા જોઈએ?
ઉત્તર : ઇસ્લામ અને મુસલમાનો સંબંધે દેશવાસીઓમાં ઘણી બધી ગેરસમજણો જોવા મળે છે. લાંબા સમયથી સાથે રહેવા છતાં તેમના દરમિયાન ઊંડી ખાઈ જોવા મળે છે. તેમની ગેરસમજણો દૂર કરવા માટે કરવામાં આવતા પ્રયત્નો પસંદીદા અને વર્તમાન સમયની જરૂરત છે. મસ્જિદો વિષે પણ તેઓ ગેરસમજણોના શિકાર છે. તેમનામાંથી અમુક એમ સમજે છે કે ત્યાં મુસલમાનોને હિંસાખોરી અને વિખવાદી પ્રવૃત્તિઓ કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. (૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં આ વાતનો અનુભવ એ રીતે થયો કે સમગ્ર રાજ્યમાં સવિશેષ ગામડાઓમાં મસ્જિદોને ખૂબ નુકસાન પહોંચાડવામાં આવ્યું અને મસ્જિદોના મિંબર અને મહેરાબ તદ્દન તોડી નાંખવામા આવ્યા જેના પાછળ એ ગેરસમજણ ફેલાવવામાં આવી હતી કે ત્યાં શસ્ત્રોનો સંગ્રહ કરવામાં આવે છે. આવું પાછળના સમયે બિનમુસ્લિમ ભાઈઓએ પોતે રિલીફના કાર્યકરો સામે કહ્યું. – અનુવાદક)
તેમને મસ્જિદોમાં બોલાવવા અને ત્યાં તેમના સામે ઇસ્લામની તાલીમાતનું વર્ણન કરવું અને તેમને નમાઝનું દૃશ્ય બતાવવાથી તેમની ગેરસમજણો દૂર કરવામાં મદદ મળશે. એટલા માટે “મસ્જિદ પરિચય”ના પ્રોગ્રામ કરવામાં કંઈ વાંધાજનક નથી.
કુર્આનમજીદમાં છે કે : “હે લોકો! જેઓ ઈમાન લાવ્યા છો! મુશ્રિકો અશુદ્ધ (નજસ) છે. તેથી આ વર્ષ પછી આ લોકો મસ્જિદે હરામના નજીક ફરકવા ન પામે..” (સૂરઃતૌબા-૨૮)
આ આયતમાં મુશ્રિકોને અશુદ્ધ કહેવામાં આવ્યા છે. તેનો અર્થ જાહેરમાં દેખાતી અશુદ્ધતા નથી. બલ્કે અર્થપૂર્ણ અશુદ્ધતા એટલે કે કુફ્ર અને ર્શિક છે. ઉલ્માએ આ વાત ખુલાસાવાર કહી છે. અલ્લામા અબૂબક્ર જસાસ રહ. ફરમાવે છેઃ “મુશ્રિકો પર ‘નજસ’ શબ્દ એ પાસાથી લાગુ પડે છે કે ર્શિકથી (કે જેના પર તેમની આસ્થા છે) એ રીતે દૂર રહેવું જરૂરી છે જે રીતે અશુદ્ધતા અને ગંદકીથી પરહેઝ કરવી અનિવાર્ય છે એટલા માટે તેમને અશુદ્ધ કહેવામાં આવ્યા છે”(પુસ્તકઃ એહકામુલ કુર્આન-૧૦૮/૩)
અલ્લામા શોકાની રહ.એ લખ્યું છેઃ “પ્રાચીન અને અર્વાચીન ઉલ્માઓની બહુમતી જેમાં આરબ ઉલ્મા પણ સામેલ છે તેમનો મસ્લક એ છે કે કાફિર પોતાની જાતમાં અશુદ્ધ નથી હોતો, એટલા માટે કે અલ્લાહતઆલાએ તેમના ભોજન હલાલ કર્યા છે. અને નબીના વાણી વર્તનથી સાબિત થાય છે કે તેઓ પોતાની જાતમાં અશુદ્ધ નથી. આપ એ તેમના વાસણોમાં ખાધું છે. તેમાં પાણી પીધું છે. તે પાણીથી વુઝૂ કર્યું છે અને તેમને પોતાની મસ્જિદમાં ઉતારો આપ્યો છે.” (પુસ્તકઃ ફતેહ અલકદીર જે ૧૯૯૪માં બૈરુતમા છપાયું ૪૪૬/૨)
ઇમામ નૌવી રહ.એ પણ આ વિષય પર વિસ્તૃત રીતે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા છે. તેઓ લખે છેઃ “કાફિરનો હુકમ પણ સ્વચ્છતા અને ગંદકીમાં મુસલમાન જેવો જ છે. આ જ અમારો (શાફઈ) અને પ્રાચીન ને અર્વાચીન ઉલ્માઓની બહુમતીનો મસ્લક છે. રહ્યો અલ્લાહનો આદેશ કે મુશ્રિકો અશુદ્ધ છે, તો તેનો અર્થ એ નથી કે તેમના શરીરના અંગો, પેશાબ જાજરૂ જેવી ચીજોની જેમ અશુદ્ધ છે. જયારે એ વાત સાબિત થઈ ગઈ કે માણસ શુદ્ધ (તાહીર) છે, ભલે તે મુસલમાન હોય કે કાફિર તો પછી તેનો પસીનો, થુંક અને આંસુ પણ પાક છે. ભલે તે વુઝુ વગર હોય કે સંભોગની સ્થિતિમાં હોય. સ્ત્રી માસિકમાં હોય કે અસ્વચ્છ હોય તો પણ પાક છે. આ બધી વાતો પર મુસલમાનોમાં સર્વસંમતી છે.” (શરહ, સહી મુસ્લિમ ભાગ-૨ વિભાગ-૨ પેઈઝ-૬૬)
નબવી યુગના અનેક પ્રસંગોથી બિનમુસ્લિમોના મસ્જિદ પ્રવેશની સાબિતી મળે છે. બદ્રના યુદ્ધ પછી ઉમૈર બિન વહબ અલ્લાહના રસૂલને (નઉઝુબિલ્લાહ) કતલ કરવાના ઈરાદાથી મદીના ગયો. નબી મસ્જિદમાં હતા. તેણે મસ્જિદમાં જઈને આપ થી મૂલાકાત કરી અને અલ્લાહ તઆલાની તૌફીકથી ઇસ્લામ કુબૂલ કરી લીધો. હુદૈબિયાની સંધિનો ભંગ કર્યા પછી તેને ફરીથી જોડવા અબૂસૂફયાન મદીના આવ્યા તો મસ્જિદે નબવીમાં પણ ગયા. શમામા બિન અયાલ યુદ્ધમાં પકડાઈને આવ્યા તો તેમને મદીના લાવીને મસ્જિદે નબવીના થંભા સાથે બાંધી દેવામાં આવ્યા. રસૂલુલ્લાહ ના સદ્વવર્તનથી તેઓ મુસલમાન થઈ ગયા. કબીલા શકીફનું ડેલિગેશન આપથી મુલાકાત માટે આવ્યું ત્યાં સુધી તેઓ મુસલમાન ન’હોતા થયા, તેમને મસ્જિદે નબવીમાં જ ઉતારો આપવામાં આવ્યો. આ પ્રકારના બીજા બનાવો પણ સીરતના પુસ્તકોમાં જાેવા મળે છે.
મસ્જિદમાં પુરુષોની જેમ સ્ત્રીઓ પણ જઈ શકે છે. તેમના મસ્જિદ પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી.
આવા પ્રોગ્રામ મસ્જિદ સિવાય બીજા સ્થળો ઉપર પણ કરી શકાય છે અને મસ્જિદમાં કરવામાં પણ કંઈ જ વાંધાજનક નથી.
જે સદ્ગૃહસ્થોને “મસ્જિદ પરિચય”ના પ્રોગ્રામમાં આવવાનું આમંત્રણ આપવામાં આવે તેમની સામે મુલાકાત સમયે જ મસ્જિદના સન્માન, પવિત્રતા અને ગૌરવની વાત મૂકી દેવામાં આવે તો તેઓ ચોક્કસ તેનો ખ્યાલ રાખશે. તેઓ પણ આ બધી બાબતો જાળવે છે. આવા પ્રોગ્રામોમાં હાજર રહેવા માટે તેઓ ખૂબ વધારે પ્રબંધ કરે છે અને ઘરેથી નાહી-ધોઈને જ આવે છે.
(પ્રસિદ્ધ કર્તાઃ ઉર્દુ માસિક “ઝિંદગીએ નૌ” સપ્ટેમ્બર-૨૦૨૩ – ગુજરાતી અનુવાદઃ મુહમ્મદ અમીન શેઠ)