રજૂ. મુહમ્મદ હુસૈન બુલા
અજય રાજસ્થાનના કોઈ શહેરમાં રહેતો હતો. તે ગ્રેજ્યુએટ હતો અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, પરંતુ તે પોતાની જિંદગીથી ખુશ નહોતો. દરેક સમયે કોઈ ને કોઈ સમસ્યાથી પરેશાન રહેતો હતો. તે સતત એ બાબતે જ વિચારતો રહેતો હતો.
એકવાર અજયના શહેરમાં કેટલેક દૂર એક ફકીર-બાબાનો કાફલો આવીને રોકાયો. શહેરમાં ચોતરફ બાબાની ચર્ચા હતી. ઘણા લોકો પોતાની સમસ્યાઓને લઈને તેમની પાસે પહોંચવા લાગ્યા. અજયને પણ જ્યારે જાણ થઈ ત્યારે તેણે પણ બાબાની પાસે જવાનો નિશ્ચય કર્યો.
રજાના દિવસે સવાર-સવારમાં અજય તેમના કાફલા પાસે પહોંચી ગયો. ત્યાં સેંકડો લોકોની ભીડ લાગેલી હતી. બહુ રાહ જોયા પછી અજયનો નંબર આવ્યો.
તે બાબાને કહેવા લાગ્યો. “બાબા, હું મારા પોતાના જીવનમાં ખૂબ જ દુઃખી છું. દરેક સમસ્યાઓ મને ઘેરી લે છે, ક્યારેક ઓફિસનું ટેન્શન રહે છે, તો ક્યારેક ઘર પર અણબનાવ થઈ જાય છે. ક્યારેક પોતાની તંદુરસ્તીને લઈને પરેશાન થઈ જાઉં છું. બાબા, કોઈ એવો ઉપાય બતાવો કે જેથી મારા જીવનની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય અને હું ચેનથી જીવી શકું.”
બાબા મુસ્કુરાયા અને બોલ્યાઃ “પુત્ર આજે ખૂબ મોડું થઈ ગયું છે. હું તારા પ્રશ્નનો ઉત્તર કાલે સવારે આપીશ. પરંતુ શું તું મારૂં એક નાનુ સરખું કામ કરીશ?” “જરૂર કરીશ..” અજય ઉત્સાહથી બોલ્યો.
“જો બેટા, અમારા કાફલામાં સો (૧૦૦) ઊંટ છે. અને તેની દેખભાળ કરવાવાળો આજે બીમાર પડી ગયો છે. હું ઇચ્છું છું કે આજની રાત તુ તેમની દેખભાળ રાખ, અને જ્યારે સો એ સો ઊંટ બેસી જાય તો તું પણ સૂઈ જજે. એવું કહીને બાબા પોતાના તંબુમાં ચાલ્યા ગયા.
બીજા દિવસે સવારે બાબા અજયથી મળ્યા અને પૂછ્યુંઃ બેટા, ઊંઘ સારી આવી? તેણે કહ્યું, બાબા હું તો એક ક્ષણ પણ સૂઈ શકયો નથી. મેં બહુ કોશિશ કરી પરંતુ બધા ઊંટોને બેસાડી શક્યો નહીં, કોઈ ને કોઈ ઊંટ ઊભું થઈ જતું હતું. અજય દુઃખી થઈને બોલ્યો.
“હું જાણતો હતો આવું જ થશે, આજ સુધી ક્યારેય એવું નથી થયું કે આ બધા ઊંટ એકીસાથે બેસી ગયા હોય.” બાબા બોલ્યા.
અજય નારાજગીના સ્વરમાં બોલ્યો, તો પછી તમે મને એવું કરવાનું શા માટે કહ્યું?
બાબા બોલ્યાઃ બેટા કાલે રાતે તેં શું અનુભવ કર્યો ? એ જ ને કે ગમે તેટલી કોશિશ કરી લો તમામ ઊંટ એકીસાથે બેસી શકતા નથી. તું જો એકને બેસાડીશ તો બીજુ ઊભુ થઈ જશે.
એવી જ રીતે તું એક સમસ્યાનું સમાધાન કરીશ તો કોઈ કારણસર બીજી સમસ્યા ઊભી થઈ જશે. પુત્ર.. જ્યા સુધી જીવન છે આ સમસ્યાઓ આવતી જ રહેશે. ક્યારેક ઓછી તો ક્યારેક વધુ.
અજયે જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું, તો મારે શું કરવું જોઈએ?
સમસ્યાઓ હોય તો પણ આનંદ માણવાનું શીખો. કાલે રાતે શું થયું. કેટલાક ઊંટ રાત થતાં જાતે જ બેસી ગયા. કેટલાક તારા પ્રયાસોથી બેસી ગયા. પણ કેટલાક ઊંટ તારા પ્રયાસ કરવા છતાં પણ બેસ્યા નહીં, અને જ્યારે પછી તેં જોયું કે તારા ગયા પછી તેમાંથી કેટલાક પોતે જ બેસી ગયા.
સમસ્યાઓ પણ એવી જ હોય છે. કેટલીક તો જાતે જ હલ થઈ જાય છે, કેટલીક આપણા પ્રયાસોથી હલ થાય છે અને કેટલીક આપણી કોશિશ કરવા છતાં પણ હલ થતી નથી. એવી સમસ્યાઓને સમય પર છોડી દેવી જોઈએ. નક્કી સમયે પોતાની જાતે જ સમાપ્ત થઈ જાય છે. અને જેમ કે મેં પહેલાં કહ્યું કે જીવન છે તો કેટલીક સમસ્યાઓ રહેશે. એનો મતલબ એ નથી કે તમે દિવસ-રાત તે બાબતે વિચારતા રહો. એવું હોત તો ઊંટની દેખભાળ કરવાવાળો કદી સૂઈ શકતો જ નહીં. સમસ્યાઓ એક તરફ રાખો અને જીવનનો આનંદ માણો, જ્યારે તેનો સમય આવશે તો તેનું જાતે જ નિરાકરણ આવશે. પુત્ર! ઈશ્વરે આપેલા આશીર્વાદના માટે તેનો ધન્યવાદ કરતા શીખો. પીડાઓ જાતે જ ઓછી થઈ જશે. ફકીર બાબાએ પોતાની વાત પૂરી કરી…
એટલે વાતનું તાત્પર્ય એ કે સમસ્યા માનવજીવન સાથે સંકળાયેલી છે તેને સાથે રાખીને જ ચાલતા રહેવાનું છે જરાપણ ગભરાયા વગર.. સમસ્યાઓના નિરાકરણ પણ આવતા જ રહે છે.