સાહિત્ય અને સમાજ વચ્ચે એક અનેરો સંબંધ છે. સાહિત્ય સમાજને અરીસો દેખાડે છે , તેને સપનાઓ દેખાડે છે અને ઊંચી ઉડાન માટે તેની સામે આકાશની વિશાળતાદર્શાવી તેને નીરખવાની તક આપે છે.
માનવ સમાજ પોતાના સભ્યો સાથે બે પ્રકારના સંબંધ ઇચ્છે છે. એક સ્થાનિક, બીજો વૈશ્વિક. પરંતુ એક સાહિત્યકાર અથવા લેખક પોતાના સમાજ સાથે એક બીજા પ્રકારનો સંબંધ પણ બાંધે છે અને તે છે પ્રતિનિધિત્વ અને પ્રવક્તાનો સંબંધ. આમ તો સમાજનો દરેક સભ્ય પોતાના સમાજનો પ્રતિનિધિ અને તેના વૈચારિક અને બૌદ્ધિક વારસાનો પ્રવકતા હોય છે જ. પણ વિશેષ કરીને એક સાહિત્યકાર પોતાના સ્વભાવ,સૂક્ષ્મદર્શિતા,દૂરદર્શિતા, સંવેદનશીલતા અને અભિવ્યક્તિની શૈલી અને વ્યાપકતાને કારણે જીવંત, સંવેદનશીલ અને સ્વતંત્ર પરંતુ જવાબદાર અને ભરોસામંદ પ્રવકતા ગણાય છે.
જો તમે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જુઓ તો, વિશ્વના મોટાભાગના ક્રાંતિકારી અને મહાન સાહિત્યકારો (હોમર,દાન્તે, હાફિઝ, ગોયટે, સા’દી, ગાલિબ, ઇકબાલ)ની છવિ પોતાની અભિવ્યક્તિના પ્રથમ ચરણમાં સ્થાનિક અથવા કૌમી તરીકેની ઊભી થઈ અને પછી તેઓ વૈશ્વિક સ્તરની માનવીય વિચાર-સંપદાના પ્રહરી તરીકે વિકસી. જેમ કે અલ્લામા ઇકબાલે ક્યારેક એમ લખ્યું કેઃ
“સારે જહાંસે અચ્છા હિંદુસ્તાં હમારા” પણ પછી તેઓ એમ પણ કહી શક્યા કેઃ
“ઇન તાઝા ખુદાઓ મેં બડા સબસે વતન હૈ”
અમુક પ્રકારની માનવીય લાગણીઓ સામાન્ય હોય છે, જેને એક લેખક અથવા સાહિત્યકાર જ સ્પર્શી શકે છે અને તે જ તેને વ્યક્ત કરી શકે છે.તેની બાહ્યદૃષ્ટિ કરતાં આંતરદૃષ્ટિ વધુ કામ કરે છે. દાખલા તરીકે સાદત હુસૈનમન્ટો સિવાય બીજું કોણ સમજાવશે કે આપણા સમાજમાં મોટાભાગના પાત્રો બે વિરુદ્ધ ચહેરાઓ ધરાવે છે. ઇસ્મત ચુગતાઈથી વધુ સ્ત્રીની ખાનગી અને જાતીય મનોવિજ્ઞાનને સમજવું સમાજના એક સામાન્ય પ્રતિનિધિ દ્વારા શક્ય નથી! કૃષ્ણચંદ્ર જ માનવીના યથાર્થ અને અસ્તિત્વની છણાવટ કરી શકે. મીર તકી મીર સિવાય માણસના નાના-મોટા તમામ અનુભવોનો સાક્ષી કોણ હોઈ શકે? ઇકબાલ કરતાં વધુ સારી રીતે માનવ-ચેતના અને મિલ્લત બેદારીનું રણશિંગું કોણ ફૂંકી શકે? કોઈ નહીં. આ તે સંદર્ભ છે જ્યાં સાહિત્યકારના કૌમીય અને વૈશ્વિક બંને પાસાઓ દેખાઈ આવે છે. મોટા ભાગે સાહિત્યકાર મલમ લગાવતો નથી, ઉપચાર કરતો નથી. કારણ કે તે પ્રશ્ન ઊભો કરે છે,જવાબ આપવા માંગતો નથી. એ વાત જુદી છે કે તેના પ્રશ્નોમાં જ ગર્ભિત રીતે ઉત્તર છુપાયેલ હોય છે, પણ તે સીધે સીધો જવાબ આપવાનું ટાળે છે. કારણ કે તેનું કામ નાડી તપાસવાનું છે. તે સીધો જવાબ આપીને કોઈ પાત્રનું મૃત્યુ પસંદ કરતો નથી. જીવનના અર્થો અને તેના વિવિધ પાસાઓ શોધીને લેખક તેને સમાજની આંખ બનીને તપાસે છે અને તેને માનવ સમાજની અદાલતના કટ્ઘરામાં ઊભો કરે છે. લેખક કેવી રીતે જીવવું તે શીખવતો નથી પણ જીવન જીવવાની રીતો સમજાવે છે. સમાજના સામાન્ય લોકો જ્યારે સૂતા હોય છે ત્યારે લેખકની આંખ જાગે છે અને જાગૃતિના આનંદના જામ ભરી સમાજને પીવડાવે છે, સમજણની દૌલત લુટાવે છે અને આંતરદૃષ્ટિ વિકસાવે છે.
વૈશ્વિક હોવાની સાથે સાહિત્યનું એક પાસું વૈયક્તિક પણ હોય છે. એક લેખક અથવા શાયર પોતાની જાતના અનુભવ પણ એવી સરળતા અને ચોટદાર સ્વરૂપે મૂકતો હોય છે કે વાંચનાર અથવા સાંભળનારને એવું જ પ્રતીત થાય છે કે લેખક મારી જ વાત રજૂ કરી રહ્યો છે.
કહાની કુછ મેરી રૂદાદે જહાઁ માલૂમ હોતી હૈ
જો સૂનતા હૈ ઉસી કી દાસ્તાં માલૂમ હોતી હૈ
સાહિત્ય અથવા શાયરી ક્યારેક માનવ જાતની આવી સંકુચિત પરિધિમાંથી જન્મ લે છે પણ આગળ જઈ તે વૈશ્વિક આકાર અને સંપૂર્ણ માનવતાનો અવાજ બની જાય છે. મોટું સાહિત્ય અથવા મોટી શાયરી ત્યારે જન્મે છે જ્યારે કોઈ સંસ્કૃતિ માનવ મસ્તિષ્ક્મા ઉદ્ભવતા મૂળભૂત પ્રશ્નોના સાચા , સચોટ અને તેની પ્રકૃતિને ગમી જાય તેવા જવાબો આપે છે. જેમકે માણસ કોણ છે? કયાંથી આવ્યો છે? કયાં જવાનો છે?શું છે તેના જીવનનો હેતુ?શું સંબંધ છે તેનો આ આખાય બ્રહમાંડ અને વિશ્વ જોડે? શું સંબંધ છે તેનો બીજા માનવો સાથે?તે પોતે આ પ્રશ્નોના જવાબ શોધી શકતો નથી કેમ કે તે આ સંસારમાં વચગાળાના સમયમાં અવતર્યો છે.
સુની હિકાયતે હસ્તી તો દર્મિયાં સે સુની
ન ઇબ્તિદા કી ખબર હૈ ન ઇંતિહા માલૂમ
પણ જ્યારે તેને આ બધા પ્રશ્નોના સચોટ જવાબ મળી જાય છે અને તેને તે આત્મસાત કરી લે છે તો પછી તેનું સાહિત્ય તેની શાયરી વૈશ્વિક જ નહીં પણ આકાશીય બની જાય છે. ત્યારે મોટું સાહિત્ય જન્મ લે છે અને તે સાહિત્ય માનવતાની ધરોહર બની જાય છે . પણ જ્યારે કવિ અથવા સાહિત્યકાર પોતાના પશુત્વથી આગળ જ જઈ શકતો નથી અને તે પણ બીજા પશુઓની જેમ ભૂખ અને જાતીયતાના આવેગમાં સપડાયેલ રહે છે તો પછી એક એવું સાહિત્ય જન્મ લે છે જે અશ્લીલતા અને વાસનાથી સમાજને ભરી દે છે. અને આખા સમાજને એક જંગલમાં પરિવર્તિત કરી દેવાનું નિમિત્ત બને છે.