પરિસ્થિતિનો સામનો કરવાની એક મોટી આવશ્યકતા એ છે કે મુસલમાનોની રક્ષાત્મક અને સામાજિક શક્તિ (Social Power) વધે. મિલ્લતે ઇસ્લામિયા વચ્ચે કરવાનું કામ એ પણ છે કે તેમની દીની (ધાર્મિક) અને નૈતિક સુધારણા થાય અને તેના સાથે એ કાર્યો પણ ખૂબ જ મહત્ત્વના છે, જેને સશક્તિકરણ (Empowerment) કહેવામાં આવે છે, અર્થાત્ સામાજિક શક્તિ વધારવાનું કાર્ય. એ સામાજિક શક્તિ જ હોય છે, જેના દ્વારા લઘુમતીઓ પ્રભાશાળી બને છે, તેમની રક્ષાત્મક યોગ્યતાઓ વધે છે, અપ્રિય અને પ્રતિકૂળ સંજાેગોમાં પણ તેઓ પોતાની ઓળખની સાથે જીવંત રહી શકે છે, અને તેનાથી આગળ વધીને સમગ્ર સમાજનું નેતૃત્વ અને આગેવાની કરવા લાગે છે. શિક્ષણ, આર્થિક શક્તિ વગેરેની સાથે આત્મ-વિશ્વાસ, પોતાના સાંસ્કૃતિક આધારો સાથે ઊંડો સંબંધ, સહમતી અને એકતા, નૈતિક શ્રેષ્ઠતા અને સૌથી વધારે લાભકારિતા, અર્થાત્ સમગ્ર સમાજને લાભ પહોંચાડવાની યોગ્યતા, સામાન્ય રીતે આ બાબતોને સામાજિક શક્તિના મહત્ત્વના અંશોમાં સામેલ કરવામાં આવે છે. અપેક્ષિત લચકદાર વલણનું એક મહત્ત્વનું લક્ષ્ય એ હોવું જાેઈએ કે મુસલમાનોની સામાજિક શક્તિ વધે. નિશ્ચિતપણે ઇતિહાસમાં એવું ઘણી વખત થયું છે કે કોઈ સમૂહ, માનવ-બળની અછત છતાં, આર્થિક સંસાધનોની ઊણપ છતાં અને શૈક્ષણિક, લશ્કરી અને આર્થિક અસામર્થ્ય છતાં દુનિયા પર છવાઈ ગયો અને અન્ય બાહ્ય રીતે શક્તિશાળી જૂથોની સરખામણીએ આગળ વધી ગયો અને તેમના પર પોતાનો પ્રભાવ છોડી ગયો. સ્વયં નબી કરીમ સલ્લ. અને સહાબાએ કિરામ રદિ.નો સમુદાય પોતાની સમકાલીન કોમોની તુલનામાં દેખીતી રીતે આ બધા સંદર્ભોમાં નબળો હતો. પરંતુ તેમ છતાં અમુક દશકાઓમાં તેઓ અડધી દુનિયા પર છવાઈ ગયા. છેવટે એ સમય કયો છે, જે માનવ-સમુદાયોને સફળતા અને સૌભાગ્યથી જાેડી દે છે ? આ પ્રશ્ન સામૂહિક માનસિકતા, સામાજિક વ્યવસ્થા તેમજ ઇતિહાસ અને દર્શન (ફિલસૂફી)નો એક મહત્ત્વનો પ્રશ્ન છે. સ્વયં કુઆર્ન-મજીદે આ પ્રશ્નને ભારપૂર્વક ઉઠાવ્યો પણ છે અને તેનો જવાબ પણ આપ્યો છે.
“ઘણીવાર એવું બન્યું છે કે એક નાનું જૂથ અલ્લાહના આદેશથી એક મોટા જૂથ ઉપર વિજયી થયું છે. અલ્લાહ ધૈર્ય રાખનારાઓનો સાથી છે.” (સૂરઃ બકરહ, આ. ૨૪૯)
કુઆર્ને આ પ્રશ્નોનો ખૂબ જ વિગતવાર જવાબ આપ્યો છે. આધુનિક બૌદ્ધિક સંશોધનોએ પણ આ જ કુઆર્ની દૃષ્ટિકોણની પુષ્ટિ કરી છે.
લઘુમતીનો પ્રભાવ (Minority Influence) આધુનિક સામૂહિક મનોવિજ્ઞાન (Social Psychology)નો એક મહત્ત્વનો વિષય છે. આમાં એ ગતિવિજ્ઞાન (Dynamics) થી ચર્ચા કરવામાં આવે છે, જે કોઈ લઘુમતીને એ યોગ્ય બનાવે છે કે તે સમગ્ર સમાજ પર અસરકારક બને.
આ ડાઇનેમિક્સના સંગ્રહનું નામ સામાજિક શક્તિ છે. સામાજિક શક્તિના નીચે મુજબ ભાગો છે :
(૧) વૈચારિક શક્તિ (Ideological Power) :
અર્થાત્ આ સમૂહની પાસે કોઈ અનન્ય આઇડિયા હોય, જે શેષ લોકો માટે સફળતાની બાંહેધરી આપે. આ આઇડિયાને તેઓ ભારપૂર્વક અને તર્કબદ્ધ રીતે દુનિયાની સામે પ્રસ્તુત કરે. ઇતિહાસ અને સમાજશાસ્ત્રના વિશેષજ્ઞો કહે છે કે જાે કોઈ સમૂહ આવા કોઈ અનન્ય આઇડિયાને દુનિયાની સામે પ્રસ્તુત કરવામાં સફળ થાય છે, તો આ આઇડિયા સ્વયં તેનામાં સામાજિક શક્તિ પેદા કરે છે. અલ્લાહના રસૂલ સલ્લ. અને સહાબા કિરામ રદિ.ની ખરી શક્તિ પણ ઇસ્લામની વિચારધારા હતી. જ્યારે ઇંગ્લિસ્તાન અને જર્મનીના પુસ્તકાલયોમાં બેસીને બે દર્શનશાસ્ત્રીઓએ માર્ક્સવાદનો પાયો નાખ્યો હતો, તે વખતે કોને ખબર હતી કે આ અમુક દીવાનાઓ અડધી દુનિયાને જીતી લેશે ? અથવા જ્યારે ફ્રાન્સમાં થોડાક દર્શનશાસ્ત્રીઓએ કલીસા (ચર્ચ) વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું, તો કોણ કલ્પના કરી શકતું હતું કે આધુનિકતા આગામી કેટલીય સદીઓ સુધી દુનિયા પર શાસન કરશે ? એ જુદી વાત છે કે આ વિચારધારાઓ ઉચિત હતી કે અનુચિત. ખરેખર ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે જ્યારે અમુક લોકોએ એક અનોખો દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો, દૃઢતાની સાથે તેના પર અડગ રહ્યા, તેના પક્ષમાં પ્રજામત બનાવવાની કોશિશ કરતા રહ્યા, તો છેવટે લોકોએ તેનો પ્રભાવ સ્વીકાર્યો અને દુનિયામાં મોટા પરિવર્તનો આવ્યા. આમ, એક નાના સમૂહે આખી વસ્તી પર પ્રભાવ નાખ્યો. આજે મુસલમાનોની પાસે ઇસ્લામ જેવી કૃપા છે. ઇસ્લામની વૈચારિક શક્તિનો સ્વીકાર આજે સમગ્ર દુનિયામાં કરવામાં આવી રહ્યો છે. દુનિયાની વર્તમાન જટિલ સમસ્યાઓના ઉકેલનો આ અનન્ય આઇડિયા છે, જે દુનિયાના સામાન્ય વિચારથી અને તાજેતરના અનુભવોથી ભિન્ન એક નવો દૃષ્ટિકોણ પ્રસ્તુત કરે છે. આ જ્ઞાન અને વિચારથી લઈને નૈતિકતા અને સભ્યતા સુધી તેમજ રાજકારણ અને આર્થિક વ્યવસ્થાથી લઈને સામાજિક અને આધ્યાત્મિકતા સુધી સમગ્ર જીવન અને જીવન-વ્યવસ્થાનો એક અજાેડ નમૂનો (Paradigm) છે. તાજેતરના ઇતિહાસમાં વૈશ્વિક સ્તરે એક-પછી-એક એવી ઘટનાઓ ઘટી અને એવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ ગઈ છે, જેણે વિચારવા-સમજવાવાળી લઘુમતીને આ નમૂના તરફ આકર્ષિત કરી છે. આમ, ઇસ્લામ પાસે એક જબરજસ્ત વૈચારિક શક્તિ બનવાના બધા આંતરિક પરિબળો મોજૂદ છે. નિઃસંદેહ, આજે ઇસ્લામનો અને વિશેષરૂપે એક જીવન-દૃષ્ટિકોણના રૂપમાં ઇસ્લામનો સમગ્ર દુનિયામાં સખત વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને સામૂહિક જીવનમાં ઇસ્લામ તરફ આમંત્રણ આપનારાઓ મોટાભાગની જગ્યાઓએ કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે આ પરિસ્થિતિ પણ ઇસ્લામની વૈચારિક શક્તિની દલીલ છે. જાે મુસલમાનોએ મક્કમતા અને હિંમતથી આ પરિસ્થિતિનો સામનો કર્યો અને પોતાના દૃષ્ટિકોણ અને તેના આમંત્રણ પર અટલ રહ્યા, તો ઇન્-શા અલ્લાહ, પછી આ દૃષ્ટિકોણ પોતાના જીવન-ચક્રના આગળના તબક્કામાં પ્રવેશ કરશે અને દુનિયા ખૂબ ઝડપથી તેના તરફ આકર્ષિત થવાની શરૂ થઈ જશે.
ભારતમાં પણ એ વાતની આવશ્યકતા છે કે મુસલમાનો પૂરેપૂરી શક્તિથી ઇસ્લામનું આમંત્રણ લઈને ઉઠે. આક્રમક કોમવાદના આંદોલનથી દેશના મધ્યમ વર્ગે ખૂબ આશાઓ બાંધી રાખી હતી. આ આશાઓ જ્યારે તૂટશે, તો ખૂબ તીવ્ર નિરાશા છવાઈ જશે. આ પરિસ્થિતિમાં બીજા એક નવા આઇડિયા અને વિચાર માટે નવા નમૂનાની જરૂરત હશે. હકીકત એ છે કે આ દેશમાં મુસલમાનોની નબળાઈનું એક મોટું કારણ એ છે કે તેમણે પોતાની મૂળ શક્તિ, અર્થાત્ ઇસ્લામની વૈચારિક શક્તિનો ઉપયોગ કરવા તરફ ક્યારેય ધ્યાન ન આપ્યું. જાે મુસલમાનોનું એક નાનકડું જૂથ પણ ઇસ્લામ માટે પ્રભાવશાળી નિરૂપણ કરવામાં સફળ થઈ જાય, તો બીજા બધા લાભોની સાથે-સાથે તેનાથી મુસલમાનોની સામાજિક હેસિયત, ઇજ્જત, સામાજિક પ્રભાવ અને પહોંચ અને છેવટે સામાજિક શક્તિમાં વધારો થશે.
(૨) નૈતિક શક્તિ (Power of Values) :
નૈતિક શક્તિનો અર્થ એ છે કે વૈચારિક સમૂહ જે દૃષ્ટિકોણો પર ઈમાન રાખે છે, તેનું પ્રદર્શન તેના જીવનથી પણ થાય. આ વ્યવહારૂ સાક્ષી છે. અર્થાત્ મુસલમાન, વ્યક્તિગત અને સામૂહિક હેસિયતે, ઇસ્લામનો નમૂનો હોય અને તેની વ્યવહારૂ છબી બની જાય, અને આવાહકોના વર્તન-વ્યવહારથી ઇસ્લામ સમજમાં આવવા લાગે. આ જ એ વાત છે, જેને કુઆર્ન આ શબ્દોમાં વર્ણવે છે :
“જેથી તમે દુનિયાના લોકો ઉપર સાક્ષી રહો અને પયગંબર તમારા ઉપર સાક્ષી રહે.” ( સૂરઃ બકરહ, ૧૪૩)
“ન્યાયના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનારા બનો.” (સૂરઃ નિસા, ૧૩૫)
આમ, ન્યાય માટે ઊભા થઈ જવા અને અલ્લાહ માટે સાક્ષી આપવામાં એક સંબંધ છે અને એ સંબંધ સ્પષ્ટ છે, એ છે સમાનતા અને ન્યાયના સંઘર્ષનો હિત-સંબંધ (Concern) અને તેના હેતુઓ લોકોની સામે સ્પષ્ટ બનીને આવી જાય છે.
આ કામ દરેક સ્તરે અપેક્ષિત છે. અર્થાત્ સૌપ્રથમ વ્યક્તિગત જીવનના સ્તરે, જ્યાં એક મુસલમાનના જીવનથી, તેની રહેણી-કરણીથી, નૈતિકતા અને વ્યવહારોથી ઇસ્લામની શિક્ષાઓ પ્રગટ થાય. બીજું વ્યાપક સ્તરે, અર્થાત્ બિનમુસ્લિમ સમાજની સાથે સંબંધ(Social Engagement)ના સ્તરે, જ્યાં મુસલમાનો બિનમુસ્લિમોની સંસ્થાઓ અને અન્ય બિનમુસ્લિમ સમાજની સમસ્યાઓમાં રસ દાખવે. દરેક માટે ન્યાય અને ઇન્સાફ, સમાનતા માટે કામ કરે અને તેમની સામાજિક પ્રવૃત્તિઓ ઇસ્લામની સામાજિક શિક્ષાઓના પ્રદર્શનનું માધ્યમ બને, અને એ જ પ્રમાણે સંસ્થાઓના સ્તરે કે મુસલમાનોની શૈક્ષણિક સંસ્થાઓ, વેપારી અને નાણાકીય સંસ્થાઓ અને એકમો, સામાજિક સંસ્થાઓ વગેરે ઇસ્લામી દૃષ્ટિકોણ અને ઇસ્લામી નમૂનાની અદ્વિતિયતા લોકોની સામે પ્રદર્શિત કરે.
(૩) સામૂહિત વર્તન-વ્યવહાર (Attitude) :
આનાથી અભિપ્રેત એ બાબતો છે, જે મૂળભૂત માનવીય નૈતિકતાનો ભાગ છે. આ એ માનવીય ગુણોનું નામ છે, જે કોઈ કોમને શક્તિશાળી બનાવે છે તથા ઇમામત અને નેતૃત્વના સ્થાને બિરાજમાન કરે છે. કુઆર્ન-મજીદે ઈમાન અને અમલે-સાલેહા (સદ્કાર્યો) પછી ‘સબ્ર’ અર્થાત્ ભાવનાઓ પર કાબૂ, ‘તૌબા’ અર્થાત્ ભૂલોનો સ્વીકાર અને પશ્ચાતાપ તેમજ સ્વયંને બદલવાની યોગ્યતા અને ‘તવક્કુલ’ અર્થાત્ અલ્લાહ પર ભરોસો રાખવો, હકારાત્મક વલણ તથા નિરાશ થયા વગર કોશિશ કરતા રહેવું, આ બધા ગુણોને સફળતા માટે જરૂરી ઠેરવ્યા છે.
‘સબ્ર’ પોતાની વાસના અને લાલસા તથા ભાવનાઓ પર કાબૂ રાખવાની યોગ્યતાનું નામ છે. વાસનાવૃત્તિ અને લાલસા એ અધીરાપણું છે. મનેચ્છાઓની સામે માથું ટેકવી દેવું અધીરાપણું છે. એ જ રીતે લાગણીશીલતા અને ભાવનાઓ સામે હાથ હેઠા મૂકી દેવા અધીરાપણું છે. ‘સબ્ર’ એ છે કે વ્યક્તિને પોતાની જાત પર સંપૂર્ણ કાબૂ પ્રાપ્ત હોય. કોઈ ડગલું પણ તે સમજ-બૂઝથી લીધેલ નિર્ણય વગર ન ભરે. આમ, જે ગુણોને આજે આપણે નિર્ણય-શક્તિ, મન પર કાબૂ, પોતાની જાત પર અંકૂશ વગેરે કહીએ છે, તે બધા ‘સબ્ર’નું જ પરિણામ હોય છે. વ્યક્તિઓની સાથે કોમોનો સામૂહિક સ્વભાવ પણ અમુક ગુણોથી સંલગ્ન હોય છે. જાે કોઈ સમૂહને સરળતાથી ઉત્તેજિત કરી શકાય અને તે ઉત્તેજનામાં આવીને સમજ્યા-વિચાર્યા વગર કોઈ પગલું ભરી બેસે, તો આ સામૂહિક અધીરાપણું છે. એ જ પ્રમાણે કોઈ કોમ સરળતાથી ડર અને ભયની લાગણીની ભોગ બની જાય અને જે પગલાઓને તે સમજી-વિચારીને યોગ્ય અને જરૂરી સમજે છે તેને ડરના કારણે ન ઉઠાવી શકે, તો આ પણ અધીરાપણું છે. અધીરાપણું સમજ-બૂઝ પર નકારાત્મક ભાવનાના વર્ચસ્વનું નામ છે. ઉત્તેજના પણ એક નકારાત્મક ભાવ છે. અતિલાગણીશીલતા પણ એક નકારાત્મક ભાવ છે. ડર અને પાખંડ પણ એક નકારાત્મક ભાવ છે. આ ભાવનાઓને સમઝ-બૂઝથી કાબૂમાં રાખવાનું નામ જ ‘સબ્ર’ છે. આ ગુણ જાે સામૂહિક રીતે આખી કોમમાં ઉત્પન્ન થઈ જાય, તો એક મોટી શક્તિ બની જાય છે. આ શક્તિ પણ સામાજિક શક્તિનો એક મહત્ત્વનો ભાગ છે. ભારતીય મુસલમાનોનો તાજેતરના ઇતિહાસનો અભ્યાસ બતાવે છે કે આપણી ઘણીબધી નિષ્ફળતાઓ અને પરાજયનું કારણ આ શક્તિથી વંચિતતા છે.
ભરોસાનો ગુણ વ્યક્તિઓ અને કોમોનું ધ્યાન સંભાવનાઓ પર કેન્દ્રિત કરે છે. અસમર્થ અને નિષ્ફળ લોકો અને કોમોની એક નબળાઈ એ હોય છે કે તેમનું મોટાભાગનું ધ્યાન બાહ્ય સમસ્યાઓ અને મુશ્કેલીઓ પર હોય છે. તેઓ રાત-દિવસ આના જ રોદણાં રોતા રહે છે અને બાહ્ય સમસ્યાઓના કારણે પોતાના માટે સફળતા અને સૌભાગ્યને સંભવ નથી સમજતા. સવાર-સાંજ તેઓ દુશ્મનોના છળ-કપટ તથા વાસ્તવિક અને અવાસ્તવિક ષડયંત્રોનું માતમ કરતા રહે છે; જ્યારે કે સફળ લોકોની વિશેષતા એ હોય છે કે તેમની નજર પોતાના લક્ષ્ય અને ઉદ્દેશ્ય પર ટકેલી હોય છે. જે કંઈ તેમના સામર્થ્યમાં છે, તેને કરી નાખવા પર તેમનું ધ્યાન વધારે કેન્દ્રિત હોય છે. જે બાબતો તેમની સંભાવનાઓના વર્તુળની બહાર છે, તેના પર વધારે ધ્યાન નથી આપતા. ‘તવક્કુલ’ આ જ સ્પિરિટ પેદા કરે છે. સંભાવનાની અંતિમ હદ સુધી કોશિશ કરવી અને જે બાબતો આપણા અધિકાર-ક્ષેત્રની બહાર હોય, તેને અલ્લાહના હવાલે કરી દેવું જ ‘તવકુકલ’ છે. વિચાર અને માનસિકતાનું આ એક અનોખું જ ઉદાહરણ છે. આ નમૂનો વ્યક્તિઓ અને સમૂહોને ક્રિયાશીલ અને આશાવાદી બનાવે છે.
સામૂહિક જીવનમાં ‘તૌબા’ (પ્રાયશ્ચિત) વાસ્તવમાં સ્વયંને બદલવાની યોગ્યતા (Changeability)નું નામ છે. સફળતા માટે જે સામૂહિક ગુણોની આવશ્યકતા છે, તેમાં એક મહત્ત્વનો ગુણ એ છે કે આપણે નિરંતર આત્મ-મંથન અને આત્મ-નિરીક્ષણ કરતા રહીએ, અને જેવી પોતાની નબળાઈનો અનુભવ કરીએ, સ્વયંને બદલવું આપણા માટે મુશ્કેલ ન હોય. ‘તૌબા’નો શાબ્દિક અર્થ પાછા ફરવું અને રજૂ થવાનો છે. વ્યક્તિ અને કોમોને જાે એ વાતનું સામર્થ્ય પ્રાપ્ત હોય કે તેઓ ઝડપથી પોતાને બદલી શકે, સ્ટેટસને તોડી શકે, જે પરિવર્તનોને સભાનપણે તેઓ યોગ્ય અને અપેક્ષિત સમજતા હોય તેમને ઝડપથી અપનાવી શકે, તો આ તેમના માટે ખૂબ મોટી શક્તિ હોય છે અને આ પણ સામાજિક શક્તિનો એક મહત્ત્વનો ભાગ છે. પડતી અને કમજાેરી કોમોને જડતા અને સ્થગિતતાનો ભોગ બનાવી દે છે. તેમનામાં પરિવર્તનની તીવ્ર પ્રતિકાર-શક્તિ (Change Resistance) ઉત્પન્ન થઈ જાય છે. તેમને પોતાની નબળાઈઓની પ્રતીતી પણ થાય છે. અપેક્ષિત પરિવર્તનની સમજણ પણ હોય છે. પરંતુ આ સમજણ અનુસાર આખી કોમને વ્યવહારૂ રૂપે બદલવી સંભવ નથી હોતું. આ જડતા અને સ્થગિતતા મોટી નબળાઈ હોય છે. તેનાથી કોઈપણ કોમ યુગના તકાદાઓને નિભાવવાની યોગ્યતાથી વંચિત થઈ જાય છે.
(૪) લાભકારિતા (Exchange Power) :
સામાજિક શક્તિ એ વાત પર પણ નિર્ભર હોય છે કે એ સમૂહમાં આખા સમાજને લાભ પહોંચાડવાની યોગ્યતા હોય. આધુનિક સમાજશાસ્ત્ર અને સામૂહિક મનોવિજ્ઞાનમાં આને વિનિમય શક્તિ (Exchange Power) કહે છે. અર્થાત્ કોઈ સમૂહની સામાજિક શક્તિ એ વાત પર નિર્ભર હોય છે કે સમાજના બીજા ભાગો કઈ હદ સુધી તેના પર નિર્ભર (Dependent) છે. તમે સમાજની જરૂરત છો અને સમાજ પોતાની અનેક જરૂરતો માટે તમારા પર, તમારી સેવાઓ અથવા તમારી યોગ્યતાઓ પર નિર્ભર છે, તો તેના પરિણામે સમાજ પર તમને વર્ચસ્વ પ્રાપ્ત થઈ જાય છે. ઘણા મામલાઓમાં સમાજ તમારી વાત માનવા લાગે છે. આ રીતે તમે સમાજનું નેતૃત્વ કરવા લાગો છો. માનવ-વસ્તીઓને લાભ પહોંચાડવા માટે બે વસ્તુઓ આવશ્યક છે. એક – લાભ પહોંચાડવાની ભાવના અને બીજી – યોગ્યતા. કળા-કૌશલ્ય તેમજ યોગ્યતાઓ અહીં સામાજિક સમૂહોને કામ લાગે છે. જાે કોઈ સામાજિક સમૂહ યોગ્યતાઓથી સંપન્ન હોય અને તેનામાં માનવતાને લાભ પહોંચાડવાની ભાવના પણ હોય તો શેષ માનવતા, સંબંધિત મામલાઓમાં તેના પર આધારિત થઈ જાય છે. આ નિર્ભરતા તેની સામાજિક શક્તિમાં વધારો કરે છે. જાે કોઈ કોમમાં ધંધા-વેપારની યોગ્યતા હોય, તો બાકીનો સમાજ ચીજ-વસ્તુઓની જરૂરત માટે તેના પર નિર્ભર હશે. જાે કોઈ કોમમાં ખૂબ ભણેલા-ગણેલા લોકો પેદા થઈ રહ્યા હોય, તો સમાજની શૈક્ષણિક જરૂરતો તેનાથી સંબંધિત થઈ જશે. આજે આંતરરાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ કેટલાક નાના સામાજિક સમૂહો પોતાની વસ્તીથી કેટલાય અંશે વધારે પ્રભાવ અને પહોંચ રાખે છે અને સામાજિક શક્તિ ધરાવે છે. તેનું મૂળ કારણ એ જ છે કે ઉચ્ચ દરજ્જાની યોગ્યતાઓના કારણે સમાજની સેવા તેમના સાથે જાેડાયેલી છે અને સમાજની તેમના પર આ નિર્ભરતા તેમની સામાજિક શક્તિમાં વધારો કરે છે.
આ બધી ચર્ચાથી આપોઆપ મુસલમાનોની પ્રગતિ અને ઉન્નતિનો સમગ્ર કાર્યક્રમ ઉભરીને સામે આવી જાય છે. આનાથી ખ્યાલ આવે છે કે શિક્ષણ, વેપાર વગેરેમાં પ્રગતિ, મુસલમાનોની પ્રગતિનું એક પાસું જરૂર છે, પણ ખૂબ નાનું પાસું છે. પ્રગતિ માટે જરૂરી છે કે મુસલમાનો ઇસ્લામથી જાેડાયેલા હોય. ઇસ્લામી દૃષ્ટિકોણની શક્તિ જ તેમની ખરી શક્તિ છે. આ શક્તિનો ભરપૂર ઉપયોગ કરો. તેની રીત એ છે કે તેઓ પોતે ઇસ્લામ પર ઊંડો વિશ્વાસ પેદા કરે. નિફાક અને (આચાર-વિચારમાં) વિરોધા-ભાસને દૂર કરે. ઇસ્લામ પર મક્કમ થઈ જાય. ઇસ્લામના મૂળ આધારો પર સહમતી ઊભી કરે. ઇસ્લામના પક્ષમાં પ્રભાવશાળી સંવાદ શરૂ કરે અને તમામ પ્રચાર-પ્રસારના સંસાધનોને ઇસ્લામના આમંત્રણ માટે પ્રયુક્ત કરે. આ રીતે વૈચારિક શક્તિ પેદા કરે.
આપણે આગામી થોડાક વર્ષોમાં મુસલમાનો અને મુસ્લિમ સમાજમાં એ રીતે કામ કરવું પડશે કે તેના પરિણામે સમાજમાં નીચે મુજબના પરિવર્તનો આવેઃ
• મુસલમાનો ઇસ્લામ પર ન કેવળ અમલ કરવાવાળા બને, બલ્કે પોતાના ચરિત્ર, સમાજ અને રહેણી-કરણીથી ઇસ્લામની વ્યવહારૂ સાક્ષી આપવાવાળા બને.
• અજ્ઞાનતા દૂર થાય તથા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણનો પ્રસાર થાય.
• સભ્યતા, સૌજન્યશીલતા ફૂલેફાલે અને મુસલમાનોની દેશમાં ઓળખ બદલાય.
• ગરીબી દૂર થાય.
• યોગ્યતાઓનો વિકાસ થાય.
• શક્તિના કેન્દ્રોમાં પ્રભાવ વધે.
(લેખક, જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ છે.)