Friday, April 26, 2024
Homeકેમ્પસ વોઇસવિશ્વ ગુરુ ભારત અને નવી શિક્ષણ નીતિ

વિશ્વ ગુરુ ભારત અને નવી શિક્ષણ નીતિ

✍️ પ્રો. હેમન્તકુમાર શાહ

દુનિયાના વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે અને તે રીતે ભારતે તેની વિશ્વ ગુરુની ભૂમિકા ફરી પ્રસ્થાપિત કરવાની છે એમ શિક્ષણ નીતિના ફકરા નં. 12.8માં કહેવામાં આવ્યું છે. તે માટે દુનિયાની ઉચ્ચ કક્ષાની 100 યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની પરવાનગી આપવામાં આવશે તથા તેને માટે કાયદો ઘડવામાં આવશે એમ પણ આ ફકરામાં કહેવામાં આવ્યું છે.

ફરી વિશ્વ ગુરુની ભૂમિકા પ્રસ્થાપિત કરવાની છે તેનો અર્થ એ થાય કે ભારત ભૂતકાળમાં વિશ્વ ગુરુ હતું. ભૂતકાળમાં ક્યારે ભારત વિશ્વ ગુરુ હતું? શું ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવે એટલા માત્રથી ભારત વિશ્વ ગુરુ થઈ જાય? દુનિયામાં કોણે તમને વિશ્વ ગુરુ કહ્યા હતા? કે પછી તમે વિશ્વ ગુરુ હતા એવું કોણ તમને અત્યારે કહે છે? તમે પોતે જ તમારી જાતને તમે વિશ્વ ગુરુ હતા એમ કહી રહ્યા છો કે શું? અને ભારતનું વિશ્વ ગુરુ થવું એટલે શું? વિશ્વ ગુરુ કોણે થવાનું છે, ભારતના કયા લોકોએ વિશ્વ ગુરુ થવાનું છે? એની વ્યાખ્યા શું?

વળી, વિશ્વ ગુરુ થવાની પ્રક્રિયા શી છે, માત્ર વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં આવે અને વિદેશી વિદ્યાર્થીઓને અને ભારતના વિદ્યાર્થીઓને ભણાવે એટલે ભારત વિશ્વ ગુરુ થઈ જાય? વિદેશી યુનિવર્સિટીઓ કંઈ ભારતના લોકોની સેવા કરવા તો નહિ જ આવે, નફો કરવા જ આવશે, તો ચાલશે? ભારતમાં 2019માં 47,000 વિદેશી વિદ્યાર્થી ભણતા હતા. સરકારનો ઈરાદો 2023 સુધીમાં આ સંખ્યા ત્રણ ગણી કરવાનો છે. અમેરિકામાં 10.95 લાખ અને તેના કુલ વિદ્યાર્થીઓમાં 5.5 ટકા વિદેશી વિદ્યાર્થીઓ ભણતા હતા. સવાલ એ છે કે કેટલા વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં ભણતા હોય તો ભારત વિશ્વ ગુરુ કહેવાય? પાંચમીથી બારમી સદી દરમ્યાન આજના બિહારના નાલંદાના બૌદ્ધ મઠમાં 10,000 વિદ્યાર્થીઓ એકસાથે ભણતા હતા. અત્યારે 47,000 વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં ભણે જ છે. તો ભારત વિશ્વ ગુરુ છે જ એવું ના કહેવાય? માપદંડ શું? એમ લાગે છે કે કોઈક આંકડો નક્કી કરવો જોઈએ અને એ સિદ્ધ થાય એટલે ભારત વિશ્વ ગુરુ થઈ ગયું છે એમ સરકારે જાહેર કરી દેવું જોઈએ.

મહત્ત્વનો સવાલ તો એ પણ છે કે શા માટે ભારતે વિશ્વ ગુરુ થવું છે, એટલે કે વિશ્વ ગુરુ થવાનો ઉદ્દેશ શો છે? એમ થવાથી શું સિદ્ધ થઈ શકશે? ભારતમાં 100 વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ થાય તો 26 વિદ્યાર્થીઓ જ કોલેજમાં જાય છે અને યુનેસ્કો કહે છે કે 2018માં 4.7 કરોડ વિદ્યાર્થીઓ દસમા ધોરણ પહેલાં શાળા છોડી દે છે! પહેલાં આ બધાને ભણાવવાની જરૂર છે પછી જ વિશ્વ ગુરુ થવાય. વિદેશી વિદ્યાર્થીઓને ભારત ના ભણાવે અને દેશના જ વિદ્યાર્થીઓ બરાબર ભણે તેવી વ્યવસ્થા થાય તો ભારતથી વિશ્વ ગુરુ ના થવાય?

ભારત સરકારના કોઈ સત્તાવાર દસ્તાવેજમાં “વિશ્વ ગુરુ” શબ્દ આ રીતે કદાચ પહેલી વાર આ નીતિમાં વાપરવામાં આવ્યો છે. આ બધા પાયાના સવાલો છે અને તેના જવાબો આ નીતિમાંથી મળતા જ નથી. આ માત્ર એક આકર્ષક સૂત્ર છે, એ સિવાય બીજું કશું નથી એમ અછડતી રીતે લાગે છે. વળી, આઝાદી પછી સ્થપાયેલી ભારતની IIT અને IIMના વિદ્યાર્થીઓએ યુરોપ અને અમેરિકાની મહાકાય કંપનીઓ દાયકાઓથી ચલાવી છે એ હકીકત છે. તો પછી દુનિયાની યુનિવર્સિટીઓને ભારતમાં બોલાવવાની શી જરૂર છે? આવશ્યકતા એ છે કે ભારતની યુનિવર્સિટીઓમાં તેવી વિદ્યાકીય સ્વતંત્રતા સાથેનો અને નાણાકીય પર્યાપ્તતાનો માહોલ હોય.

દુનિયાની યુનિવર્સિટીઓ ભારતમાં આવે અને ભારતના વિદ્યાર્થીઓને ભણાવે તેનાથી ભારત વિશ્વ ગુરુ કેવી રીતે બનશે? નીતિની આ દરખાસ્તથી ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આવવાનો માર્ગ ખૂલશે એમ કહી શકાય. જો કે, WTOમાં જે GATS સમજૂતી સેવાઓના વેપારને મુક્ત કરવા માટે છે તેમાં શિક્ષણ ક્ષેત્રને મુક્ત કરવા માટેની જોગવાઈ છે જ. બ્ભારતે તેના પર સહી કરેલી જ છે. ભારત હવે એ દિશામાં આગળ વધી રહ્યું છે એમ લાગે છે.

આલોચક વિચારણા

શિક્ષણ નીતિમાં આલોચક વિચારણા (critical thinking) વિદ્યાર્થીઓમાં વિકસે તે માટેની વાત આઠ વખત કહેવામાં આવી છે. પરંતુ અધ્યાપકો અને શિક્ષકો જો આલોચક વિચારણા કરી શકે તો જ વિદ્યાર્થીઓમાં એવી શક્તિ આવી શકે છે. ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં અને દેશમાં છેલ્લાં છ વર્ષમાં અધ્યાપકોમાં જ આલોચક વિચારણા ખતમ થઈ જાય તે માટેનું વલણ અપનાવવામાં આવ્યું છે. કહેવાતી હિન્દુત્વવાદી બીબાંઢાળ વિચારણા વિકસે તેને માટે જ બંને સ્તરે ભરચક પ્રયાસો કરવામાં આવ્યા છે એ એક વાસ્તવિકતા છે. જ્યાં સુધી અધ્યાપકો સ્વતંત્ર રીતે અને આલોચક રીતે વિચારતા ના થાય અને ના રહે ત્યાં સુધી કોઈ પણ રીતે વિદ્યાર્થીઓ આલોચક વિચારણા કરતા થઈ શકે નહિ અને ત્યાં સુધી, જો વિશ્વ ગુરુ થવાનું ઇચ્છનીય હોય તો પણ, વિશ્વ ગુરુ થઈ શકાય નહિ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments