Monday, October 13, 2025

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeપયગામપાડોશીના હક અને ઇસ્લામી પરંપરા

પાડોશીના હક અને ઇસ્લામી પરંપરા

ઈસ્લામમાં પાડોશીનું ખૂબ મોટું હક છે. માણસ પોતાના સગા–સંબંધીઓ પછી સૌથી વધુ સંબંધ પોતાના પાડોશી સાથે રાખે છે. જીવનની શાંતિ, સુખ અને સમાજમાં ભાઈચારો પાડોશી સાથેના સારા વર્તન પર આધારિત છે.

કુર્આન  અને હદીસમાં પાડોશીનો અધિકાર એટલો ઉંચો છે કે જિબ્રાઈલ અલૈહિસ્સલામ  વારંવાર વસીયત  કરતા રહ્યા કે પાડોશીનો હક આપો—અહીં સુધી કે નબી ﷺને લાગ્યું કે કદાચ પાડોશીને વારસાનો હક આપવામાં આવશે.

માનવ અને તેની સંસ્કૃતિનો આધાર પરસ્પર સહકાર અને સહયોગ પર જ છે. આ દુનિયામાં દરેક મનુષ્ય એક-બીજાની મદદનો જરૂરિયાતમંદ છે. જો કોઈ ભૂખ્યો હોય તો બીજાનો હક્ક છે કે તે પોતાના ભોજનમાં તેને પણ ભાગીદાર બનાવે. જો કોઈ બીમાર હોય તો બીજાએ તેની મુલાકાત અને દેખરેખ કરવી જોઈએ. જો કોઈ આફત કે દુઃખમાં સપડાય તો બીજાએ તેની સાથે સહભાગી બનીને તેના દુઃખનું નિવારણ કરવું જોઈએ. આ નૈતિક પ્રણાલીના આધારે આખી માનવતા ભાઈચારો અને પ્રેમના અખંડ બંધનમાં બંધાય અને કુર્આનના આ શબ્દો “એ પોતાને જરૂર હોવા છતાં બીજાને પ્રાથમિકતા આપે છે”  નો સાચો અર્થ સાબિત થાય.

હઝરત અબ્દુર્રહમાન બિન અબી કુરાદ (રજિ.) કહે છે: એક દિવસ રસૂલુલ્લાહ ﷺ વુઝૂ કરી રહ્યા હતા. સહાબાઓએ તેમના વઝૂનું પાણી લઈ પોતાના શરીર અને ચહેરા પર લગાવ્યું. ત્યારે રસૂલુલ્લાહ ﷺએ પૂછ્યું કે તમે આવું કેમ કરી રહ્યા છો؟ તેમણે જવાબ આપ્યો: “અલ્લાહ અને તેના રસૂલની મોહબ્બતમાં.” ત્યારે તેઓએ ફરમાવ્યું:  “જેને ઈચ્છા હોય કે અલ્લાહ અને તેનો રસૂલ તેને પ્રેમ કરે તો તેને ત્રણ વાતોનું ધ્યાન રાખવું જોઈએ:

  1. જ્યારે બોલે ત્યારે સાચું  બોલે.
  2. જ્યારે તેના પાસે કોઈ અમાનત રાખવામાં આવે ત્યારે વિશ્વાસપૂર્વક પરત કરે.
  3. અને પોતાના પડોશી સાથે સારો વર્તન કરે.” (બૈયહકી – શઅબુલ ઈમાન)

       કોઈ પણ વ્યક્તિની સચ્ચાઈ કે દુષ્ટતા તેના પાડોશીની જુબાની દ્વારા જાણી શકાશે. પયગંબર ﷺ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ એક સહાબીને ફર્માવ્યું “ જ્યારે તમારો પાડોશી તમારા કોઈ કામ વિષે સારી ગવાહી આપે તો જાણી લો કે તમારું કાર્ય સારું છે, અને જ્યારે તમે સાંભળો કે તમારો પાડોશી કહે છે કે તમારું કામ સારું નથી તો જાણી લો કે તે સારું નથી” ( ઇબ્ને માજા)

       એક વાર હઝરત ઉમર રદી. થી કોઈએ એક વ્યક્તિની ભલામણ કરી તો હઝરત ઉમરે પૂછ્યું : શું તમે ક્યારેય તેના પાડોશમાં રહ્યા છો?

       તે વ્યક્તિએ જવાબ આપ્યો ના.. હઝરત ઉમર એ ફરી પુચ્છયું: શું તમે તેની સાથે મુસાફરી કરી છે? તે વ્યક્તિએ જવાબ આપ્યો: ના… હઝરત ઉમરે ફરી પુછ્યું : શું તમે તેની સાથે કોઈ લેવડ દેવડ કરી છે? તેણે જવાબ આપ્યો: ના…

       ત્યારે હઝરત ઉમર રદી. એ કહ્યું તમે તેને માત્ર મસ્જિદમાં નમાજ પઢતા જોયો છે અને માત્ર તેનાથી કોઈ વ્યક્તિ ઓળખી ન શકાય.આનાથી ખ્યાલ આવે છે કે માણસના ચારિત્ર્યની ઓળખ આ ત્રણ સ્થળે થઈ શકે છે. કાં તો તેના પાડોશમાં  રહેવાથી, કાં તેની સાથે મુસાફરી કરવાથી અથવા તેની સાથે નાણાંકીય વહેવાર કરવાથી.

       રસૂલુલ્લાહ ﷺએ પાડોશીનું હક એટલું મહત્વનું ગણાવ્યું કે:

  • પાડોશી પ્રત્યે સારો વર્તન કરવો ઈમાનનો ભાગ છે.
  • જન્નતમાં પ્રવેશ માટે એ શરત છે.
  • પાડોશીને દરેક જાતની પીડાથી બચાવવું અલ્લાહ અને રસૂલﷺથી મૂહાબ્બતની દલીલ  છે.

હદીસોમાં આવ્યું છે કે:

  • જિબ્રાઇલ (અલૈહિસ્સલામ) સતત પાડોશીની ભલામણ કરતા રહ્યા.
  • સાચો મોમિન એ છે જેની કોઈ પણ વાતથી તેનો પાડોશી સુરક્ષિત રહે.
  • જે વ્યક્તિ પેટ ભરાઈને સુઈ જાય અને તેનો પાડોશી ભૂખ્યો રહે – તે મોમિન નથી.
  • પાડોશીઓને ભેટ આપવી, જરૂરિયાત વખતે મદદ કરવી અને તેમના દુઃખ–સુખમાં ભાગ લેવો – એ ફરજીયાત  છે.

       આજના સમયમાં લોકો પાડોશીઓથી બેફિકર થઈ ગયા છે. ઘણી વાર વર્ષો સુધી બાજુમાં રહેતા હોવા છતાં એકબીજાની ખબર નથી લેતા. આ ઈસ્લામની મૂળભૂત શિક્ષણ વિરુદ્ધ છે.

મિસરની ફતેહ પછી , હઝરત ઉમર ઇબ્નુલ-આસ (રદી.) એ સૈન્યને ખસેડવાનો આદેશ આપ્યો. જ્યારે સૈનિકોએ તંબુ ઉખાડવાનું શરૂ કર્યું, ત્યારે તેઓએ જોયું કે એક કબૂતરે ઇબ્નુલ-આસના તંબુ પર માળો બનાવ્યો હતો અને ઇંડા મૂક્યા હતા.  તેમણે કહ્યું, “આ કબૂતર આપણો પાડોશી છે. બચ્ચાં બહાર આવે અને ઉડવા માટે સક્ષમ બને ત્યાં સુધી તંબુ રહેવા દો.” તેમણે તેના માળાની સુરક્ષા માટે એક રક્ષક નિયુક્ત કર્યો. થોડા સમય પછી, જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે તેમને તંબુની આસપાસ એક શહેર બાંધેલું જોવા મળ્યું, જેનું નામ ફુસ્તાત હતું, જેનો અર્થ તંબુ હતો. આ નામ અને ઘટના આપણી સમક્ષ પડોશીઓના અધિકારોનું સન્માન કરવાનું  શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે આ આદેશોને ધ્યાનમાં રાખવું જોઈએ અને આપણે તેનું કેટલું પાલન કરી રહ્યા છીએ તે જોવા માટે આપણી જાતનું મૂલ્યાંકન કરવું જોઈએ.

એક માણસ હઝરત અબ્દુલ્લાહ બિન મસૂદ (રદી.) પાસે આવ્યો અને કહ્યું: મારો એક પાડોશી છે જે મને દુઃખ પહોંચાડે છે, મારા વિશે ખરાબ વાતો કરે છે તેના કારણે હૂઁ મુશ્કેલીમાં મુકાઇ જાઉં છુ.  હઝરત અબ્દુલ્લાહ બિન મસૂદ (રદી.) એ કહ્યું: જાઓ, જો તેણે તમારા મામલામાં અલ્લાહની નાફરમાની કરી છે, તો તમે તેના મામલામાં અલ્લાહની આજ્ઞાનું પાલન કરો. હઝરત હસન બસરી (રહ.) કહે છે: સારો પાડોશી બનવું એ ફક્ત મુશ્કેલી ન પહોંચાડવી જ નથી, પરંતુ સારો પાડોશી બનવું એ મુશ્કેલી સહન કરવું  પણ છે.

       હઝરત અહમદ બિન અસ્કાફ દમિશ્કી રહેમતુલ્લાહ અલયહિ હજ માટે ઘણા વર્ષોથી પૈસા ભેગા કરતા હતા. હજ પહેલાં તેમના પુત્રે કહ્યું કે આપણા પાડોશી ઘરે ગોશ્ત–રોટલી ખાઈ રહ્યા હતા, પણ મને પૂછ્યું પણ નહીં. અહમદ બિન અસ્કાફ ખૂબ દુઃખી થયા અને પાડોશી પાસે ગયા.

પાડોશીએ રડીને કહ્યું: “અમે પાંચ દિવસથી ભૂખ્યા છીએ. અંતે જંગલમાં એક મરેલી બકરી મળી, એનું થોડું માંસ લઈ ઉકાળી ખાધું. શરમના કારણે તમારા પુત્રને કંઈ આપી શક્યા નથી.”

       આ સાંભળીને અહમદ બિન અસ્કાફે કહ્યું: “અફસોસ! મારા ઘરે હજારો દિરહમ–દીનાર છે અને પાડોશી ભૂખ્યા છે. મારો હજ કેવી રીતે કબૂલ થશે؟”
       તેમણે હજ માટે બચાવેલા બધા પૈસા પાડોશીને આપી દીધા.

       તે વર્ષે હજમાં હઝરત ઝુન્નુન મિસરીએ એક ગેબી અવાજ સાંભળ્યો :
“આ વર્ષે અહમદ બિન અસ્કાફ હજ માટે આવ્યા નથી, પણ અમે તેમને હજ્જે-અકબરનું સવાબ આપ્યું છે અને ઘણા હાજીઓને હજને તેમના કારણે કબૂલ કર્યા છે.”

       બીજી આવી જ એક પ્રેરણાદાયક ઘટના ઇતિહાસમાં વર્ણિત છે. : હઝરત અબ્દુલ્લાહ બિન મુબારક રહ. ના પાડોશમાં એક યહૂદી રહેતો હતો. જ્યારે તેણે પોતાનું ઘર વેચવાનું વિચાર્યું, લોકોએ પૂછ્યું કિંમત કેટલી? કહ્યું: “બે હજાર દિનાર – એક હજાર ઘરની કિંમત અને એક હજાર અબ્દુલ્લાહ બિન મુબારક જેવા પાડોશીની કિંમત!”

       આ છે પાડોશીની વાસ્તવિકતા  પહેલાના સમયમાં મુસ્લિમોના અખ્લાક અને પાડોશી પ્રત્યેના સારા વર્તન એટલા મૂલ્યવાન હતા કે તેમના પડોશમાં ઘર મોંઘાં વેચાતા.
       અને  આજે સ્થિતિ ઉલટી છે કે કેટલાક વિસ્તારોમાં મુસલમાનોને ઘર ભાડે પણ નથી મળતું.

       એક બુઝુર્ગે  પોતાના મિત્ર સાથે બનેલી એક ઘટના વર્ણવી છે. એક વાર તે સઉદી અરેબિયાના બજારમાં ખરીદી કરી રહ્યો હતો. તે કહે છે:

       હું કાપડની દુકાનમાં ગયો. દુકાનદાર ખૂબ જ નમ્ર હતો. તે મને કપડાં આપતો રહ્યો અને હું તેને જોઈ રહ્યો. અંતે, મને કાપડનો એક ટુકડો ગમ્યો. મેં કિંમત વિશે વાત કરી. ખૂબ જ સુખદ વાતાવરણમાં, અમારી વચ્ચે ભાવ નક્કી થઈ ગયો. મેં તેને કાપડ કાપવાનું કહ્યું. પણ તે જ ક્ષણે, તેનો સ્વર અચાનક બદલાઈ ગયો. તેણે ખૂબ જ ક્ષમાશીલ સ્વરમાં કહ્યું: મિત્ર! હું આ કાપડ કાપી શકતો નથી. મારી બાજુની દુકાનમાં પણ આ જ વસ્તુ મળે છે. તમને ત્યાં પણ એ જ ભાવે મળશે. કૃપા કરીને ત્યાં જાઓ.

       દેખીતી રીતે, આ મારી સમજની બહાર હતું. મેં તેને કારણ સમજાવવા કહ્યું. પહેલા તો તે ના પાડતો રહ્યો પણ મારા ઘણા આગ્રહ પછી તેણે મને કારણ કહ્યું અને હું તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. દુકાનદારે કહ્યું: આ દુકાનદાર મારો પાડોશી છે અને હું ઘણા સમયથી જોઉં છું કે કોઈ ગ્રાહક તેની પાસે આવ્યો નથી, જ્યારે મારી પાસે ગુજરાન ચલાવવા માટે પૂરતા ગ્રાહકો છે. મેં વિચાર્યું  મારે તમને ત્યાં મોકલવા જોઈએ, જેથી તેની પણ થોડી આવક થઈ જાય, જો તમે ત્યાંથી ખરીદી કરો છો, તો તમને સમાન ગુણવત્તા, સમાન કિંમતનું કાપડ મળશે. જેમાં મારા આ ભાઈને ફાયદો થાય છે અને તમને કંઈ નુકસાન થશે નહીં.

ઈમામ ગઝાલી રહેમતુલ્લાહ અલયહિએ  એક પ્રસંગ લખ્યો છે:
       કોઈના ઘરમાં ઉંદર બહુ થઈ ગયા. કોઈએ બિલાડી રાખવાની સલાહ આપી. ઘરવાળાએ કહ્યું: “જો બિલાડી રાખું તો ઉંદર મારા ઘરમાંથી ભાગીને પાડોશીના ઘરમાં જશે. જે વસ્તુ હું મારા માટે પસંદ ન કરું, એ કેવી રીતે મારા પાડોશી માટે પસંદ કરું? આ મોમીનના શાનને લાયક નથી.”આ નાની વાત છે, પણ સાચા ઈમાન વિના તેનો અમલ શક્ય નથી.

👉 વિચારીએ:

શું આપણી પાસે પણ આવા ઉચ્ચ અખ્લાક  છે?

જરા વિચારો, શું આપણો પાડોશી આપણાં અખ્લાકથી ખુશ છે?

શું આપણાં પાડોશી આપણાં વિષે ખરાબ વિચારે છે?

 ઇસ્લામ પ્રેમ, ભાઈચારો અને હમદર્દી શીખવે છે.

       નબીએ કરીમ ﷺએ પાડોશીના અધિકારો બહુ સ્પષ્ટ કર્યા છે:

  • બીમાર થાય તો મુલાકાત લો.
  • મોત થાય તો જનાજામાં જાઓ.
  • જરૂર હોય તો મદદ અને કર્જ આપો.
  • ભૂલ થઈ જાય તો દરગુજરથી કામ લો.
  • કોઈ ખુશી મળે તો મુબારકબાદ અને શુભેચ્છા આપો.
  • મુશ્કેલી આવે તો સાંત્વના આપો.
  • ઘરની ઈમારત એટલી ઊંચી ન કરો કે તેની હવા બંધ થાય.
  • હાંડીની સુગંધથી તેને તકલીફ ન થાય; સારી વાનગી બને તો થોડું તેના ઘરે મોકલો.

       અલ્લાહ આપણને પાડોશીનો હક અદા કરવાની તૌફીક આપે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments