જમાઅતે ઇસ્લામી હિંદના અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) પર કેન્દ્ર સરકાર દ્વારા લગાવેલા પ્રતિબંધનો વિરોધ કરતાં આને અલોકતાંત્રિક અને ભેદભાવપૂર્ણ જણાવ્યો છે.
મીડિયાને આપેલા એક નિવેદનમાં જમાઅતના અધ્યક્ષે કહ્યું કે, “જમાઅતે ઇસ્લામી હિંદ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) અને તેનાં સંલગ્ન સંગઠનો પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય પર અસહમતી દર્શાવે છે. કોઈપણ સંગઠન પર પ્રતિબંધ લગાવવું ન તો તેનું સમાધાન છે અને ન જ લોકતાંત્રિક સમાજને શોભા આપે છે.”
અહીં એ જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) અને તેના સહયોગી સંગઠનો પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરેલ નોટિફિકેશન અનુસાર રિહૈબ ઇન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (CFI), ઓલ ઇન્ડિયા ઇમામ્સ કાઉન્સિલ (AIIC), નેશનલ કન્ફિડરેશન ઓફ હ્યુમન રાઇટ્સ (NCHRO), નેશનલ વિમેન ફ્રન્ટ (NWF), જુનિયર ફ્રન્ટ (JF), એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન (EIF) અને રિહૈબ ફાઉન્ડેશન (કેરળ)ને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરેલ નોટીફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “આ સંગઠન કાયદા વિરોધી કૃત્યોમાં શામેલ રહ્યાં છે, જે દેશની અખંડતા, સાર્વભૌમત્વ અને સુરક્ષાની વિરૂદ્ધ છે અને જેનાથી શાંતિ તથા સાંપ્રદાયિક સદભાવનો માહોલ ખરાબ થવા અને દેશમાં ઉગ્રવાદને પ્રોત્સાહન મળવાની આશંકા છે.”
જમાઅતે ઇસ્લામી હિંદના અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે, “સંગઠનો પર પ્રતિબંધ લગાવવાની સંસ્કૃતિ પોતાનામાં બંધારણ દ્વારા સંરક્ષિત મૌલિક અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને લોકતાંત્રિક ભાવના અને મૂળભૂત નાગરિક સ્વતંત્રતાની વિરૂદ્ધ છે. લોકોને આ સંગઠનો, તેમની નીતિઓ અને ભાષણબાજીથી મતભેદ હોઇ શકે છે.”
જમાઅતે ઇસ્લામી હિંદે કહ્યું કે, “અમે હંમેશા ઘણાં મામલાઓમાં તેમનો વિરોધ કર્યો છે, પરંતુ આ કોઈ સંગઠન પર પ્રતિબંધ લગાવવો અને તેમના કેડરને હેરાન કરવાનું કારણ નથી બની શકતું.”
આગળ કહ્યું કે, “દેશમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા એ પોલીસ અને વ્યવસ્થા તંત્રનું કર્તવ્ય છે. જો કોઈ વ્યક્તિ કાયદો તોડે છે કે કોઈ ગુનો કરે છે તો તે વ્યક્તિ પર કેસ ચલાવી શકાય છે અને કાયદાની જોગવાઇ મુજબ તેને નિવારી શકાય છે. ન્યાયાલયો તેમની પર લાગેલા આરોપો વિશે નિર્ણય કરશે. જ્યાં આ લોકોને પણ તેમને નિર્દોષ સાબિત કરવાની તક મળશે. જો કે નિરાધાર એક આખા સંગઠન પર પ્રતિબંધ લગાવવો અયોગ્ય અને અલોકતાંત્રિક છે.”
તેમણે કહ્યું કે, “હાલમાં જ, આપણે ઘણાં ફ્રિંજ અને કટ્ટરપંથી સમૂહોને જાહેરમાં નફરત ફેલાવતા અને હિંસાનું આહ્વાન કરતાં જોયા છે. આ સમૂહો નિર્ભય થઈને કામ કરી રહ્યાં છે અને તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી પ્રતિબંધ પસંદગીયુક્ત, ભેદભાવપૂર્ણ અને પક્ષપાતપૂર્ણ પ્રતીત થાય છે.”
જમાઅતે આ પ્રતિબંધ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “આનાથી જનતા અને સરકારની વચ્ચે અવિશ્વાસની ભાવના વધશે અને દેશને ખોટો સંદેશો જશે. જમાઅતે ઇસ્લામી હિંદે આના પરથી ઝડપથી પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે.