નવરાત્રી ઉત્સવ 29 સપ્ટેમ્બરથી શરૂ થયો ત્યારથી છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ‘ગરબા’ સ્થળોએ પ્રવેશતાં મુસ્લિમો પર અનેક હુમલાઓ થયાં છે. નવ દિવસનો તહેવાર, જે હિન્દુઓ ઉપવાસ કરીને અને તહેવારની ઉજવણી માટે નૃત્ય કરીને ઉજવે છે, તે 5 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. ગરબામાં, હિન્દુ પુરૂષો અને સ્ત્રીઓ પરંપરાગત પોશાક પહેરીને દુર્ગા માતા, જેને હિન્દુ સમુદાય દ્વારા દેવી માનવામાં આવે છે, તેમની પ્રતિમાની આસપાસ નૃત્ય કરે છે.
ગુજરાતમાં, બજરંગ દળ અને અન્ય હિંદુત્વ કટ્ટરપંથી સંગઠનોના સ્વયંસેવકોએ મુસ્લિમોને તેમનાં ઓળખ પત્રો પરથી ઓળખ્યાં બાદ તેમને માર માર્યો. સમગ્ર દેશમાંથી સ્થળાંતરિત કામદારોની મોટી વસ્તી ધરાવતા ઔદ્યોગિક શહેર સુરતમાં, હિંદુ કટ્ટરપંથીઓએ ગરબા આયોજકો દ્વારા ભાડે રાખેલી ખાનગી કંપનીઓનાં મુસ્લિમ સુરક્ષા કર્મચારીઓ પર પણ હુમલો કર્યો હતો.
મધ્યપ્રદેશમાં, પોલીસે ઈન્દોર અને અન્ય શહેરોમાં ગરબાનાં સ્થળોમાં પ્રવેશવાના આરોપમાં એક ડઝનથી વધુ મુસ્લિમોની ધરપકડ કરી હતી. આ મુસ્લિમોને બજરંગ દળના કાર્યકરોએ પકડીને પોલીસને હવાલે કર્યા હતાં. પોલીસે તેમની સામે જાહેર શાંતિ ભંગ કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 151 હેઠળ ગુનો નોંધ્યો હતો. જો કે તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ રાજ્યના સંસ્કૃતિ સંવર્ધન મંત્રી અને ગૃહમંત્રીએ ગરબા સ્થળોમાં મુસ્લિમોના પ્રવેશ સામે નિવેદન આપ્યા બાદ આ ઘટનાઓ ઘટી હતી. તેણીએ કહ્યું હતું કે ગરબા સ્થળો ‘લવ જેહાદ’ (મુસ્લિમ છોકરાઓ દ્વારા હિન્દુ છોકરીઓને ફોસલાવીને ભગાડી જવાનું કૃત્ય)નું માધ્યમ બની ગયા છે. આ પછી, ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ જાહેરાત કરી હતી કે ગરબા સ્થળોમાં પ્રવેશ ફક્ત ઓળખ કાર્ડ દેખાડવા પર જ મળશે.
મંત્રી ઉષા ઠાકુરે કારણ આપ્યું કે મુસ્લિમો માં દુર્ગામાં માનતા નથી; તેથી, તેઓએ ગરબામાં ન જવું જોઈએ. નવરાત્રિ ઉત્સવનો સંપૂર્ણ સાર એ ત્રણ દિવસ માં દુર્ગાની પૂજા છે, ત્યાર પછીના ત્રણ દિવસ દેવી લક્ષ્મી અને છેલ્લા ત્રણ દિવસ દેવી સરસ્વતીની પૂજા. હિન્દુઓ ગરબા મેદાનના મધ્યમાં સ્થાપિત તેમની મૂર્તિઓના મંદિરની આસપાસ નૃત્ય કરીને ત્રણે દેવીઓની પૂજા કરે છે.
જો કે મધ્યપ્રદેશના મંત્રીનો વાંધો તેમની અન્ય ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા સમાન છે, પરંતુ હકીકતમાં તેઓ ખોટા નથી કારણ કે ગરબાનાં કાર્યક્રમમાં જે કંઈ પણ કરવામાં આવે છે તે ‘શિર્ક’ (એટલે કે સર્વશક્તિમાન અલ્લાહ સાથે કોઈ હસ્તીને અથવા કંઈક વસ્તુને ભાગીદાર બનાવવું, મૂર્તિપૂજા અને બહુદેવવાદ) સિવાય બીજું કંઈ નથી. જે ઇસ્લામના મૂળભૂત શિક્ષણ વિરુદ્ધ છે. ઇસ્લામ ‘શિર્ક’ અને બહુદેવવાદને સંપૂર્ણપણે નકારી કાઢે છે અને લોકોને એક અને માત્ર એક જ ઈશ્વરની ઉપાસના કરવા આમંત્રણ આપે છે. પવિત્ર કુર્આન સર્વશક્તિમાન ઈશ્વર સિવાય અન્ય કોઈને ન અનુસરવા માટે આદેશ આપે છે. શું મુસ્લિમ યુવાનો અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા અને શાંતિ અને સુમેળ સુનિશ્ચિત કરવા વહીવટીતંત્ર અને પોલીસને મદદ કરવા માટે ગરબા કાર્યક્રમો અથવા આવા અન્ય કાર્યક્રમોમાં જવાનું ટાળશે?
જો કે, મુસ્લિમ ધાર્મિક તહેવારોમાં બિન-મુસ્લિમોની હાજરીને લઈને મુસ્લિમોને આવી કોઈ સમસ્યા નથી. મુસ્લિમો હિંદુઓ અને અન્ય તમામ ધર્મના લોકોને તેમજ કોઈપણ ધર્મમાં માનતા ન હોય તેવા નાસ્તિકોને મસ્જિદો અને ઈદગાહોમાં આમંત્રિત કરે છે. જમાઅત-એ-ઈસ્લામી હિન્દ (JIH) અને તેના આનુષંગિકો સહિત અનેક મુસ્લિમ સંગઠનો રાષ્ટ્રીય રાજધાની અને દેશના અન્ય સ્થળોએ ‘મસ્જિદની મુલાકાત લો’ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે. જેથી અન્ય ધર્મોના લોકોને અને નાસ્તિકોને ઈસ્લામ અને મુસ્લિમ સંસ્કૃતિ વિશે શિક્ષિત કરી શકાય.
તમામ સંપ્રદાયોના મુસ્લિમોએ હંમેશા તેમની મસ્જિદોમાં અને ઈદગાહમાં ખુલ્લા હાથે તેમનું સ્વાગત કર્યું છે. ઘણી જગ્યાએ મુસ્લિમો વિવિધ રાજકીય પક્ષો નેતાઓ અને NGOs ના કાર્યકરોને ઈદની ઉજવણી માટે આમંત્રણ આપે છે. દેશભરમાં સૌથી પ્રસિદ્ધ આંતરધર્મ સંમેલનો એ રમઝાન મહિના દરમિયાન યોજવામાં આવતા ઇફતાર કાર્યક્રમો છે. પરંતુ એક પણ મુસ્લિમ, પોલીસ અને સરકારી એજન્સીઓ દ્વારા કટ્ટરપંથી તરીકે લેબલ કરેલ લોકોએ પણ, તેનો વિરોધ કર્યો નથી. તેઓ, તેના બદલે, આંતરધર્મ સંમેલનોને પ્રોત્સાહિત કરે છે.
અન્ય ધર્મના લોકો સામેની ગેરસમજ દૂર કરવા માટે તેમજ એકબીજાની સંસ્કૃતિને સમજવા માટે આંતરધર્મ સંમેલનો જરૂરી છે. વિવિધ સંસ્કૃતિઓ વિશેની ગેરસમજ જ સાંપ્રદાયિક તણાવ અને હિંસા પેદા કરે છે. ભૂતકાળમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્થપાયેલા ‘ઑલ એજ્યુકેશન કમિશને’ પણ એક બીજાના ધર્મ અને સંસ્કૃતિને વધુ સારી રીતે સમજવા માટે સમગ્ર દેશમાં શાળાના વિદ્યાર્થીઓને તમામ ધર્મોના મૂળભૂત સિદ્ધાંતો શીખવવાની ભલામણ કરી હતી.
લેખ સૌજન્યઃ ઇન્ડિયા ટુમોરો