Thursday, May 30, 2024
Homeમનોમથંનસામાજિક પરિવર્તન શા માટે અને કેવી રીતે..??

સામાજિક પરિવર્તન શા માટે અને કેવી રીતે..??

સામાજિક પરિવર્તન એ એક ક્રાંતિકારી સૂત્ર છે. સમાજના વિવિધ જૂથો જુદી જુદી રીતે સામાજિક પરિવર્તન લાવવા માંગે છે અને તેની વિવિધ વ્યાખ્યાઓ વર્ણવે છે. ઉદાહરણ તરીકે, કેટલાક લોકો ભૌતિક પરિવર્તનને સામાજિક પરિવર્તનનું પરિણામ કહે છે, જેમ કે કૃષિ પછી ઔદ્યોગિક ક્રાંતિનો યુગ અને પછી આઈટી ક્રાંતિનો યુગ. પરિણામે, સમાજ અને સામાજિક વલણ વગેરેમાં જે પરિવર્તનો આવ્યા છે. કેટલાક લોકો બૌદ્ધિક અને વૈચારિક પરિવર્તનને સામાજિક પરિવર્તન માને છે, જેના પરિણામે સભ્યતામાં પરિવર્તન આવે છે. પરિવર્તનના આ બે મુખ્ય પાસાઓ છે.


સામાજિક પરિવર્તનને સમજવા માટે સૌપ્રથમ સમાજને સમજવો પણ ખૂબ જરૂરી છે કે સમાજ શું છે? સમાજનું મૂળ એકમ વ્યક્તિ છે, આ મૂળભૂત એકમમાંથી કુટુંબ અને સામાજિક સંસ્થાઓ અસ્તિત્વમાં આવે છે. આ દૃષ્ટિકોણથી, સમાજના ત્રણ મૂળભૂત ઘટકો છેઃ વ્યક્તિ, કુટુંબ અને સામાજિક સંસ્થાઓ. સમાજની આ ટૂંકી સમજણ પછી, એ સમજવું સરળ છે કે સામાજિક પરિવર્તન માટે વ્યક્તિનું પરિવર્તન જરૂરી છે અને વ્યક્તિ એ કોઈ રોબોટ કે પ્રાણીનું નામ નથી પરંતુ તે એક વિચારશીલ સર્જનનું નામ છે, તેથી તેનામાં પરિવર્તન માટે પણ તેનો અકીદો અને તેની વિચારધારા પણ અત્યંત મહત્વની છે. તેના બદલે, એવું કહેવું જાેઈએ કે અકીદો અને વિચારધારાનું મહત્વ વ્યક્તિને બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ રીતે વ્યક્તિઓના એક બીજાને મળવાના પરિણામે વ્યક્તિના અકીદા અને વિચારધારાનો પ્રભાવ સમાજમાં દેખાય છે અને તેના આધારે સભ્યતાઓ અસ્તિત્વમાં આવે છે.


આ સમગ્ર ચર્ચાનો સારાંશ એ છે કે સામાજિક પરિવર્તનનો આધાર વાસ્તવમાં અકીદો અને વિચારધારા છે. માનવ ઇતિહાસનો ઉપરછલ્લો પ્રાથમિક અભ્યાસ પણ આ સૂચવે છે. તેથી આપણે જાેઈએ છીએ કે છેલ્લા સો વર્ષના ઈતિહાસમાં વિશ્વમાં ત્રણ વિચારધારાઓનું વર્ચસ્વ હતું, ફાસીવાદ, સામ્યવાદ અને મૂડીવાદ. આ બધા વિચારો એક પછી એક મૃત્યુ પામ્યા. ૧૯૪૫માં ફાસીવાદ, ૧૯૧૯માં સામ્યવાદ અને ૨૦૦૮માં મૂડીવાદ વિશ્વના મંચ પરથી ગાયબ થઈ ગયો. આ વાતનો ઉલ્લેખ યુવલ નોહ હરારીએ તેમના પુસ્તક “21 lessons for the 21st century” માં કર્યો છે, જેમાં તેમણે તારણ કાઢ્યું છે કે વિશ્વ હવે Disillusionment (નિરાશા)ના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે, એવી કોઈ વિચારધારા નથી કે જે વધુ સારા સમાજના નિર્માણમાં આગવી ભૂમિકા ભજવી શકે.


જાે વિચાર કરવામાં આવે તો ખબર પડે છે કે તાજેતરના ઈતિહાસમાં અત્યાર સુધી સમાજમાં જે વિચારો પ્રચલિત હતા તે શુદ્ધ ભૌતિક વિચારો હતા, આ વિચારોમાં અકીદો અને ધર્મનું અસ્તિત્વ જ નહોતું, બલ્કે અકીદો અને ધર્મને નિરુત્સાહિત કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા ૧૦૦ વર્ષના અનુભવે સાબિત કર્યું છે કે ધર્મ વિના માણસ પોતાની અને દુનિયાની વાસ્તવિકતા સમજી શકતો નથી. એવી જ રીતે એક પછી એક ખોટી વિચારધારાથી તે ઠોકર ખાતો રહે છે. મૌલાના અબુલ આ’લા મૌદુદી રહ.એ એક જગ્યાએ આ દૃશ્ય પર ટિપ્પણી કરતાં લખ્યું છે કે “યે કમનસીબીના ધક્કા છે”.


આ દુર્ભાગ્યોથી બચવા માટે માણસે અલ્લાહ અને વહીનો સ્વીકાર કરવો જાેઈએ અને તેમના માર્ગદર્શન હેઠળ સામાજિક પરિવર્તનનું સ્વપ્ન જાેવું જાેઈએ અને તેના માટે પ્રયત્નશીલ રહેવું જાેઈએ. ઇસ્લામ આ સંબંધે માત્ર સિદ્ધાંત નથી ધરાવતો, પરંતુ ભૂતકાળનો અદ્‌ભૂત ઇતિહાસ પણ ધરાવે છે, જે દર્શાવે છે કે ઇસ્લામના આધારે સામાજિક પરિવર્તન શા માટે જરૂરી છે? સામાજિક પરિવર્તન માટે જે રીતે અન્ય વિચારધારાઓ અપનાવવામાં આવી હતી તેવી જ રીતે ઇસ્લામ પણ અપનાવવામાં આવે તે જરૂરી છે. સમાજના નિષ્ણાત વર્ગે પણ આ હેસિયતથી ઈસ્લામનો અભ્યાસ કરવો જાેઈએ. અને તેને મોટા પાયા પર ચર્ચાનો વિષય બનાવો જાેઈએ.ઇસ્લામમાં માનનારાઓએ તેને વ્યક્તિ અને સમાજના સુધારક તરીકે રજૂ કરવો જાેઈએ, તેની તરફેણમાં શૈક્ષણિક અને વ્યવહારિક પ્રયાસો કરવા જાેઈએ અને તેના આમંત્રણનો પ્રચાર કરવો જાેઈએ.


સામાજિક પરિવર્તન, સમાજ, સામાજિક સંસ્થાઓ અને સામાજિક પરિવર્તનના પાયા પર ચર્ચા પછી, મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે સામાજિક પરિવર્તન કેવી રીતે થશે. આ પ્રશ્ન આ માટે મહત્વપૂર્ણ છે કારણ કે જ્યાં સુધી સિદ્ધાંતનો સંબંધ છે, ઘણા લોકો શ્રેષ્ઠ સિદ્ધાંતો રજૂ કરે છે પરંતુ અમલીકરણ માટે લેવાયેલ માર્ગ સિદ્ધાંત સાથે જ અસંગત હોય છે. જાે કોઈ વિચાર સારો હોય અને તેનો અમલીકરણ ક્રૂરતા અને જબરદસ્તીથી કરવામાં આવે તો તેનું કોઈ મહત્વ નથી, દુનિયાના કોઈ સંસ્કારી સમાજને તે પસંદ નથી પડે. આનું ઉદાહરણ એ જ છે કે ગંદા બાઉલમાં તાજું દૂધ પીવડાવવામાં આવે. તેથી, સમાજને બદલવા માટે જે પણ વિચારો રજૂ કરવામાં આવશે, પછી તે ધાર્મિક વિચારો હોય કે બિન-ધાર્મિક વિચારો, તેના સામાજિક પ્રભાવનો માર્ગ હંમેશા રચનાત્મક, શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક હોવો જાેઈએ, નહીં તો તેના પરિણામો ખૂબ જ ખતરનાક હશે.


છેલ્લે આ કે સામાજિક પરિવર્તન એક મહાન કાર્ય છે જે લાંબી ક્રમિક પ્રક્રિયાથી પસાર થાય છે. તેથી દરેક વ્યક્તિએ આ બાબતે પોતાનું યોગદાન આપવું જાેઈએ. દરેક એવો વ્યક્તિ જે સમાજને બદલવાનું સપનું જુએ છે, તેણે પોતાને શ્રેષ્ઠ લાગે તેવા વિચારના આધારે પોતાની વ્યક્તિગત યોજના બનાવવાની જરૂર છે અને સમાજની સમસ્યાઓના ઉકેલ માટે વ્યવહારુ અને બૌદ્ધિક માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવો જાેઈએ. તેથી, વ્યક્તિઓએ માત્ર સમાજને બદલવાનું સ્વપ્ન ન જાેવું જાેઈએ, પરંતુ આ બાબતે ગંભીરતાથી સંઘર્ષ કરવો જાેઈએ, લોકોના માનસ બદલવા અને વ્યાપક ચર્ચા કરીને હૃદય જીતવા માટે સતત કાર્ય કરવું જાેઈએ. તો જ એક મહાન સામાજિક પરિવર્તન શક્ય બની શકે છે. તેનાથી વિપરિત, વ્યક્તિગત ધોરણે વ્યવહારિક પ્રયાસો કર્યા વિના માત્ર સામાજિક પરિવર્તનના નારા લગાવવાથી સ્વપ્ન તો જાેઈ શકાય છે, પરંતુ તે સ્વપ્ન વાસ્તવિકતામા પરિવર્તીત થઈ શકતું નથી..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments