તબ્લીગી જમાતના મરકઝ (મુખ્યાલય) ને લઈને મીડિયા દ્વારા આ દિવસોમાં વિવિધ પ્રકારના ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે. સમગ્ર મીડિયા એક પ્રોજેક્ટની જેમ નિઝામુદ્દીન અને મરકઝની પાછળ છે. આ સમગ્ર પ્રકરણને જોતા, એક વાત સ્પષ્ટ કહી શકાય કે આ માત્ર એક યોગાનુયોગ નથી, પરંતુ મીડિયા દ્વારા વર્ગ વિશેષને નિશાન બનાવવાનો એક પ્રયોગ પણ છે.
પાછલા અઠવાડિયાના મીડિયા પ્રયોગને સૂક્ષ્મ નજરે જોતા અનેક તથ્યો એવા છતા થાય છે જે મીડિયાના ભયંકર અને કદરૂપા ચહેરાને દર્શાવે છે અને આ સૂચવે છે કે અમુક મીડિયા બ્રાન્ડ સિવાયના તમામ મીડિયા ગૃહો કોરોનાના બહાને કોઈ એક સમુદાય વિશેષને ટાર્ગેટ બનાવી રહ્યા છે.
નિઝામુદ્દીન કેસ 2 દિવસ પહેલા પ્રકાશમાં આવ્યો હતો, પરંતુ એક અઠવાડિયા પહેલા જ દેશના મોટા અને ઉદાર મીડિયા હાઉસ ‘ધ હિન્દુ’ એ એક કાર્ટૂન પ્રકાશિત કર્યું હતુ જેમાં કોરોનાને એક મુસ્લિમ વેશભૂષામાં દાર્શાવવામાં આવ્યુ હતુ. કાર્ટૂન મુસ્લિમ પોશાકમાં બંદૂકથી દુનિયા પર હુમલો કરી રહ્યો હતો. જ્યારે કેટલાક લોકોએ તે કાર્ટૂન સામે વાંધો ઉઠાવ્યો, ત્યારે સાંજ સુધીમાં કાર્ટૂન બદલવામાં આવ્યું અને કોરોનાના ચિત્રમાં થી કુર્તા (મુસ્લિમ પોશાક)ને દૂર કરવામાં આવ્યો.
સાંજ સુધી ‘ધ હિન્દુ’ એ કાર્ટૂન પર અફસોસ કર્યો, પણ માફી માંગી નહીં. તે સમયે, ન તો કોરોનાના ઘણા કેસો નોંધાયા હતા અને ન તો ખાસ સમુદાયોના લોકો સંક્રમિત મળ્યા હતા.
તેવી જ રીતે, એક અઠવાડિયા પહેલા જ ટ્વિટર પર #CoronaJihad હેશ ટેગ ચલાવવામાં આવી રહ્યો હતો. કોરોના સામે લડવા માટે વિશ્વભરમાં એકતા બતાવવામાં આવી રહી હતી અને સરકારો કોરોના પરીક્ષણ માટે પ્રયોગશાળાઓ વિકસાવી રહી હતી, પરંતુ ભારતમાં શાસક પક્ષનો આઇટી સેલ સમુદાય કોઈ ખાસ સમુદાય વિરુદ્ધ #CoronaJihad હેશ ટેગ ચલાવીને નફરત ફેલાવવામાં વ્યસ્ત હતો.
એક અઠવાડિયા પહેલા, કાશ્મીરમાં કોરોનાને લઈ મૃત્યુનો કેસ સામે આવ્યો હતો. તેના આગલા દિવસે સમાચારપત્રોમાં વિવિધ પ્રકારના સમાચારો જોવા મળ્યા. કેટલાક સમાચારપત્રોએ લખ્યું કે, થોડા દિવસો પહેલા હજથી આવ્યો હતો અને કોરોનાનાં લક્ષણો મળ્યાં હતાં. જો કે, હજ માટે આ સમય નથી અને કોઈ પણ પત્રકાર અથવા મીડિયા જે કોઈ સમાજનો અહેવાલ આપી રહ્યા હોય તેની પાસે એટલી અપેક્ષા તો રાખવામાં આવે છે કે તેઓ ઓછામાં ઓછી એટલી માહિતી ચોક્કસ રાખતો હશે કે કોઈ હજ પર ક્યારે જાય છે. પરંતુ આ રોગને હજ અને ધર્મની સાથે જોડીને ભ્રમ ફેલાવવાવાળામાં કોઈ પણ કચાશ છોડવામાં આવી નથી.
ગઈ કાલે નિઝામુદ્દીન સ્થિત તબ્લીગી જમાતના મુખ્યાલયથી એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે તબ્લીગી મરકઝે લોકડાઉન પછી તમામ યાત્રાળુઓને ઘરે મોકલવાનું શરૂ કર્યું હતું અને બાકી રહેલા લોકોને મોકલવા એસડીએમ અને ડીસીપી નો સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો ન હતો.
મીડિયા, તબ્લીગી મરકઝના આ સત્તાવાર નિવેદન પછી કોઈ પણ પોલીસ અધિકારીની પૂછપરછ કરવાને બદલે, સતત ટીવી સ્ક્રીન પર સમુદાય વિશેષના પોશાક, તેમની ઓળખ દર્શાવીને, ‘કોરોના બોમ્બ’, ‘તબ્લીગી જેહાદ’, ‘કોરોના કેન્સર’, ‘દેશની સાથે તબ્લીગી વિશ્વાસઘાત ‘, જેવા ડઝનેક ઉશ્કેરણીજનક શબ્દો લખી તે દેશની નવી પેઢી(generation)ના મગજમાં તે પહેરવેશ અને આસ્થાની પ્રત્યે નફરત અને ગુસ્સો ભડકાવવાનું કામ કરી રહ્યા છે.
પત્રકારો કે જેમણે સરકાર પર સવાલ ઉઠાવવા જોઈએ કે વિદેશથી આવેલા તબ્લીગી યાત્રાળુઓને એરપોર્ટ પર શા માટે સ્ક્રિનીંગ કરવામાં આવ્યા ન હતા, જ્યારે તેમનામાં કોરોનાના લક્ષણો મળી આવ્યા હતા, તે પત્રકારો ધર્મ અને આસ્થાને લક્ષ્ય બનાવતા ‘કોરોના જેહાદ’ નામ આપી રહ્યાં છે.
જે પત્રકારોએ નિઝામુદ્દીન જઇને એસડીએમને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે જ્યારે મરકઝે એ યાત્રાળુઓને લઇ જવા માટે વાહનની મદદ માંગી હતી, ત્યારે તમે તેમને મદદ શા માટે આપી ન હતી. તે પત્રકારો નિઝામુદ્દીનના તબ્લીગી મુખ્યાલય જઈને જમાતના મરકઝ ને ‘જેહાદ નું મરકઝ’ બતાવી રહ્યા છે.
આ સમગ્ર પ્રકરણ દર્શાવે છે કે એક પૂર્વાયોજિત ષડ્યંત્ર હેઠળ કોરોનાના બહાને મીડિયા, સરકારી મશીનરી અને આઇટી સેલ દ્વારા દેશના લઘુમતી વર્ગના એક વિશેષ વર્ગને દેશનો દુશ્મન અને કોરોનાનું કારણ બતવવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ શાહીન બાગના ધરણાને કહ્યું હતું કે આ સંયોગ નથી પ્રયોગ છે, પરંતુ મીડિયા દ્વારા સર્જિત તબ્લીગી જમાતની વિરુદ્ધ ષડ્યંત્રથી આ સ્પષ્ટ થાય છે કે સરકારના રક્ષણ હેઠળ દેશના મુસ્લિમો, તેમની સંસ્થાઓ, તેમની જમાત અને તેમની ઓળખને નિશાન બનાવવાનો આ સંયોગ પણ છે અને પ્રયોગ પણ છે.
કોરોના એક ચોક્કસ સમય પછી સમાપ્ત થશે પરંતુ કોરોનાના બહાના હેઠળ મીડિયા દ્વારા ટીવી સ્ક્રીનો પર અને સમાચારપત્રોના માધ્યમથી મુસલમાનોની વિરુદ્ધ દેશમાં હિંસા અને નફરતના જે બીજ વાવવામાં આવી રહ્યા છે તે દેશ માટે લાંબા ગાળાના હશે અને દેશ માટે કોરોનાથી વધુ જોખમી સાબિત થશે.
લઘુમતીઓ અને મુસ્લિમોની વિરુદ્ધ મીડિયાએ જે ગૃહયુદ્ધની શરૂઆત કરી છે તે આ દેશની ઓળખ, દેશની અસ્મિતા અને દેશની એકતા અને અખંડિતતા માટે ખૂબ જ જોખમી છે.
સૌજન્યઃ ઇન્ડિયા ટુમોરો