સુરત,
નોવેલ કોરોના વાયરસને ડામવા માટે સરકાર તરફથી લોકડાઉનની ઘોષણા બાદ ઘણા બધા પરિવારો અને રોજગાર માટે આવેલા પરપ્રાંતીય લોકો માટે એક ટંક ભોજન મેળવવું પણ દોહ્યલું બની ગયું છે. ત્યારે “સમાજના રસોડા”નો વ્યાપ અમદાવાદથી સુરત સુધી પહોંચી ગયો છે. જમાઅતે ઇસ્લામી હિંદ સાથે સંલગ્ન ઇસ્લામી રિલીફ કમિટી (ગુજરાત) સુરત શાખા એ એક અનોખી શરૂઆત કરી છે, જે “સમાજનું રસોડુ” નામથી ઓળખાય છે. આ સમાજનું રસોડું શરૂ કરવાનો ઉદ્દેશ્ય આ છે કે, સમાજમાં રહેનારા દરેક વ્યક્તિ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સંવેદનશીલ બને અને પોતાની સામાજિક જવાબદારી અદા કરે.
ઇસ્લામી રિલીફ કમિટી ગુજરાત સુરત શાખાના ઇન્ચાર્જ અરશદ હુસેન શેખએ જણાવ્યું કે અમે આના માટે સૌથી પહેલા કેટલીક સોસાયટીઓમાં લોકો સાથે મુલાકાતો કરી અને તેમને આ કામ માટે પ્રોત્સાહિત કર્યા. અમે બધાને કહ્યું કે દરેક ઘરે ફક્ત એક જરૂરતમંદ વ્યક્તિ માટે વધારાનું જમવાનું બનાવે, અમારા સેવક લોકો આપના ઘરેથી આ ફૂડ પેકેટ મેળવી લેશે અને જે ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ હશે તેને તેના ઘરના દ્વાર સુધી પહોંચાડી આપશે.
વધુમાં કહ્યું કે, “આ કામ અમુક પસંદ કરાયેલ વિસ્તારોમાં જ શરૂ કરવામાં આવ્યું. જેમાં અલ્લાહનો આભાર છે કે ઉમરવાડા/ભાઠેનાની એક સોસાયટી, લિંબાયતની એક સોસાયટી, રાંદેરની એક સોસાયટી અને એક શાલીમાર સોસાયટી અને સલાબતપુરાથી કુલ ૩૪૫ ફૂડ પેકેટ જમા કરવામાં આવ્યા અને જરૂરિયાતમંદ ફેમિલી સુધી પહોંચાડવામાં આવ્યા. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકામાંથી ફૂડ રિસિવિંગ સેન્ટરમાંથી ફૂડ પેકેટ માટે કોલ આવ્યો હતો, જેમાં અમે લોકોએ અમુક જવાબદાર ગ્રૂપ સાથે સંપર્ક કરી સુરત મહાનગર પાલિકાને ૩૦૦ જેટલા ફૂડ પેકેટ જમા કરાવ્યા જ્યાંથી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યા. તેમજ વધુમાં ચાર જરૂરતમંદ પરિવારો એવા હતા કે જેમને ૬૭૦૦ રૂપિયાની અનાજ કીટ પણ આપવામાં આવી. આ કામનો આજે ત્રીજો દિવસ હતો અને આવનારા દિવસોમાં હજુ વધુ આયોજનબદ્ધ રીતે કામ કરીશું જેથી કોઈ પણ જરૂરિયાતમંદ ભૂખ્યો ન રહે.
સંસ્થાના એક સદસ્ય સરફરાઝ મોમિન “યુવાસાથી” સાથે પોતાનો અનુભવ શેર કરતા તેમણે કહ્યું કે, એક મહિલા જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેઓનું ગુજરાન અમારી સંસ્થા દ્વારા અપાયેલ રાશન કિટ ઉપર ચાલી રહ્યું છે. એ મહિલા પણ સમાજના રસોડામાં પોતાનો યોગદાન આપી રહ્યા છે. જ્યારે અમે તેઓને પૂછ્યુ કે તમારૂ ગુજરાન પોતે એ રાશન કિટથી થઈ રહ્યું છે તો તેમણે કહ્યું કે, “આ મારુ કિટ જે દસ દિવસ ચાલી શકતું હતું હવે તે આઠ દિવસ ચાલશે પરંતુ ઓછામાં ઓછું કોઈ બીજા જરૂરતમંદને ખાવાનું તો મળી જશે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, “સમાજના રસોડા”નો વધ્યો વ્યાપ. પહોંચ્યું, અમદાવાદથી સૂરત સુધી…