શનિવારે અચાનક તમામ ન્યુઝ ચેનલોને ભાવતું મળી ગયું. મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામું આપી દેતા આ સમાચાર બ્રેકિંગ ન્યુઝના મથાળા હેઠળ સોશિયલ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ફરતા થઈ ગયા. 7 ઓગસ્ટ 2016ના રોજ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ વર્તમાન રાજ્ય સરકારને પહેલીવાર 182માંથી 100 કરતાં ઓછી સીટો મળી હતી જે ભાજપ માટે ખતરાની ઘંટી સમાન હતું. એમ તો જોવા જઈએ તો પાછલા ત્રણ વિધાનસભાની ચૂંટણીઓમાં મળેલ સીટોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે.
પરંતુ પહેલી વાર એવું જોવામાં આવ્યું કે ભાજપને 100નો આંકડો પાર કરતાં દાંતે પરસેવો છૂટી ગયો તેમ છતાં રૂપાણી પોતાની મુખ્યમંત્રી તરીકેની પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા હતા. અમિત શાહના નજીકના વિશ્વાસુ રૂપાણી રાજકીય કામગીરી બજાવવામાં કોઇ ખાસ ઉપલબ્ધી ધરાવતા ન હોવા છતાં માત્ર આરએસએસ અને અમિત શાહના કારણે મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ રાજકારણમાં કોઇ ક્યારે દોસ્ત અને ક્યારે દુશ્મન બની જશે તે કહેવું મુશ્કેલ છે કહેવાય છે કે 2019થી મોદી અને રૂપાણી વચ્ચે કોઈ વાત વાતચીત થઈ નથી. મોદી અને શાહ વચ્ચે પણ ચાવીરૂપ હોદ્દાઓ મામલે વિરોધાભાસ જોવામાં આવ્યું છે. રૂપાણીની પસંદગી એ મોદી અને શાહ વચ્ચેના વિરોધાભાસને ફ્લાઇટ કરી દીધું છે કેમ કે મોદી રૂપાણીને મુખ્યમંત્રી તરીકે જોવા માંગતા ન હતા.
રૂપાણીનું રાજીનામું કેટલાક કારણો ના પરિણામ સ્વરૂપે આવ્યું છે:
પહેલું કારણ છે કોવિડ-19 ની મહામારીમાં સરકારની સરેઆમ નિસ્ફળતા. રાજ્ય સરકાર દ્વારા વેન્ટિલેટરની અછત હોસ્પિટલમાં બેડ ની અછત પછી બીજી લહેરમાં ઓક્સિજનના બાટલા ની અછત અને મુખ્યમંત્રીના સાવ બીનજવાબદાર વિધાનોએ ભાજપને રૂપાણી બાબતે વિચારતું કરી દીધું હતું. વિકાસની વાતો કરતા કરતા મોદી ગુજરાતના મુખ્યમંત્રીથી દેશની સર્વોચ્ચ ખુરશી પર બિરાજમાન થયા અને સ્વાસ્થ્ય જેવી મૂળભૂત જરૂરિયાતની અપૂરતી વ્યવસ્થા ગુજરાતના વિકાસની ચાડી ખાય છે.
બીજું કારણ છે 2022 માં આવનારી ચૂંટણી. કોવિડ-19ની નિષ્ફળતાની અસર આગામી ચૂંટણી પર ન થાય તે માટે રૂપાણીને રાજીનામા માટે પ્રેરિત કરવામાં આવ્યું હોય તેમ લાગે છે. રૂપાણી ના પાંચ વર્ષના સાસન ની સમીક્ષા કરીએ તો રૂપાણીએ કોઈ એવું ખાસ કામ કર્યુ નથી જેને લોકો સમક્ષ રજૂ કરી શકાય તેથી ચૂંટણીમાં ભાજપને જીતવા માટે જરૂરી હતું તે રૂપાણીને પદ પરથી હટાવી દેવામાં આવે.
ભાજપ માટે 2022માં ચૂંટણી જીતવી હોય તો તેને ન છૂટકે પાટીદાર ઉમેદવારને જ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવું પડે આવી પરિસ્થિતિમાં ભુપેન્દ્ર પટેલની વરણી ભાજપની ચૂંટણી જીતવાની એક રણનીતિ તરીકે જોઈ શકાય. ભુપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલના વિશ્વાસુ મનાય છે. આનંદીબેન પટેલ ઘાટલોડિયાથી ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં દાખલ થતા હતા એ જ ઘાટલોડિયા વિધાનસભા પરથી ભુપેન્દ્ર પટેલને લડાવી વિધાનસભામાં મોકલવામાં આવ્યું હતું આનંદીબેન પટેલ સાથે સારા સંબંધો હોવાના કારણે ભુપેન્દ્ર પટેલ મોદી તરફી ગ્રુપના છે તેથી તેમને મુખ્યમંત્રી તરીકે બઢતી આપવામાં આવી છે.
તેમનું નેતુત્વ ભાજપને સત્તા અપાવશે કે ગુમાવશે તે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં નિર્ધારિત થશે.