ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ક્રાંતિ સુધી વ્યક્તિ માટે મનની શાંતિ અને બાહ્ય જીવનમાં શાંતિનો પ્રશ્ન આટલો જટિલ નહોતો. પરંતુ આજે, જ્યારે કે વ્યક્તિનું જીવન તેની વ્યક્તિગત અને સામૂહિક જવાબદારીઓ અને અન્ય સામાજિક સંદર્ભોને ધ્યાનમાં રાખીએ તો ઘણું એડવાન્સ થઈ ગયું છે, આંખોને આંજી નાખતી ભૌતિક પ્રગતિના કારણે લોકોના જીવન-ધોરણ અને જીવનની જરૂરિયાતોમાં આવેલ ધરમૂળનાં પરિવર્તનો અને મનેચ્છાઓના ઘોડાપૂરને લઈને માનવીય મૂલ્યોની વ્યાખ્યાઓ અને તેનાં અર્થઘટનો બદલાયાં છે, ત્યારે લોકોના જીવનમાંથી મૂળભૂત માનવીય અને નૈતિક મૂલ્યો ધીમે-ધીમે વિદાય થઈ રહ્યા છે અને તેની જગ્યા હવે એવા વર્તન-વ્યવહારે લઈ લીધી છે જેને પ્રચલિત ભાષામાં અનૈતિકતા અને ભ્રષ્ટાચાર કહી શકાય. આ બધું આજની ભૌતિક સુખસગવડોને અનુચિત રીતે પામવાની સ્પર્ધાને કારણે છે. આ લક્ષ્યને પામવાના અનુસંધાનમાં બીજી બધી જવાબદારીઓ, ચાહે વ્યક્તિગત હોય કે સામાજિક, ગૌણ બની ગઈ છે અને આજના માનવીની પ્રાથમિકતાઓમાં એ વાત સામેલ થઈ ગઈ છે કે તે વધુમાં વધુ ધન પ્રાપ્ત કરે. ‘ઝર, જમીન ઔર ઝન’ (ઝરઝવેરાત, જમીન અને સ્ત્રી)ને ક્યારેક તમામ ઝઘડાઓનું મૂળ કહેવાતું હતું અને તેનાથી બચવાની તાકીદ કરવામાં આવતી હતી, આજના માનવીએ આ જ વસ્તુઓને પોતાની પ્રાથમિકતા બનાવી લીધી છે. જાે તેના પાસે આ વસ્તુઓ છે તો તે સભ્ય અને શ્રેષ્ઠ છે, અને નથી તો પછી ચાહે તેનું ચરિત્ર ઉજળું અને નિષ્કલંક કેમ ન હોય, તે સભ્ય અને શ્રેષ્ઠ લોકોની યાદીમાં સામેલ નથી. આવી સ્થિતિમાં શાંતિની બહાલી થોડીક મુશ્કેલ બની ગઈ છે.
વર્તમાન યુગમાં શાંતિની બહાલીના બે સ્તર છે : એક સ્તર એ છે જ્યાં સામાન્ય માનવી ઊભો છે અને બીજું સ્તર એ છે જ્યાં બીજા લોકોને તે ઊભેલા જુએ છે. સામાન્ય માનવીથી અભિપ્રેત એ છે કે તે પોતાના મન અને હૃદયથી લઈને પોતાના ઘર અને પરિવાર સુધી યથાશક્તિ શાંતિની સ્થાપનાની કોશિશ કરે, અને કોઈ એવી વાત કે ઘટના ન બનવા દે, જેનાથી શાંતિ પ્રભાવિત થતી હોય. બીજા સ્તર પર સમાજના લોકો અને તેની આસપાસના લોકો જ્યાં તે પોતાના જીવનનો નિશ્ચિત રૂપે કેટલોક સમય વિતાવે છે અથવા જેમની સાથે તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સંબંધો-સંપર્કોની આવશ્યકતા રહે છે તેમની વચ્ચે શાંતિ-સલામતીને બહાલ રાખવામાં ભરપૂર યોગદાન આપે.
ઇસ્લામી શિક્ષા :
શરીઅત (ઇસ્લામી ધર્મશાસ્ત્ર)માં બે મુખ્ય પારિભાષિક શબ્દો છે : ઇસ્લામ અને ઈમાન. ઇસ્લામનું મૂળ ‘સિલ્મ’ છે અને ઈમાનનું ‘અમ્ન’. આ બંનેનો અર્થ એક જ છે, અર્થાત્ શાંતિ અને સલામતી. એ જ પ્રમાણે મુસલમાનોના પરિચય માટે પણ બે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે : એક ‘મુસ્લિમ’ અને બીજાે ‘મોમિન’. આ શબ્દો પણ ઉપરોક્ત બંને શબ્દોના મૂળથી નીકળેલા છે અને તેના અર્થો પણ એ જ થાય છે, જે ઉપરોક્ત શબ્દોના થાય છે; અર્થાત્ શાંતિ અને સલામતીને માનનાર, શાંતિ અને સલામતીનો વાહક. તેનો અર્થ એ થયો કે જે વ્યક્તિ સ્વયં પોતાના માટે અને બીજાઓ માટે શાંતિ અને સલામતીને માને છે અને તેની કામના કરે છે તે ‘મુસ્લિમ’ છે, અને જે પોતાના માટે અને બીજાઓ માટે ‘અમન’ને માને અને ચાહે છે તે ‘મોમિન’.
પયગંબર હઝરત મુહમ્મદ ﷺએ પોતાના અંતિમ હજ્જ (હજ્જતુલ વિદાઅ)ના પ્રવચનમાં પયગંબર હઝરત મુહમ્મદ ‘મુસ્લિમ’ અને ‘મોમિન’ની સ્પષ્ટતા આ રીતે કરી હતી : ‘‘મુસ્લિમ એ છે જેની જીભ અને હાથથી બીજા લોકો સુરક્ષિત રહે, અને ઈમાનવાળો એ છે જેનાથી લોકોના પ્રાણ અને સંપત્તિ સુરક્ષિત રહે.’’ (સુનન અન્-નસઈ, ૪૯૯૫)
શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ (Coexistence)ના સંદર્ભમાં દિવ્ય ગ્રંથ કુર્આનનું માર્ગદર્શન અત્યંત સ્પષ્ટ છે. કેટલીક આયતો નીચે દર્શાવવામાં આવે છે :
(૧) ‘ધર્મના મામલામાં કોઈ બળજબરી નથી. હવે સાચી વાતને (માર્ગદર્શનને) ખોટા વિચારોથી (પથભ્રષ્ટતાથી) જુદી પાડી દેવામાં આવી છે.’ (સૂર: બકરહ, ર:રપ૬)
(ર) ‘તમારા માટે તમારો ધર્મ છે અને મારા માટે મારો ધર્મ.’ (સૂર: કાફિરૂન, ૧૦૯:૬)
(૩) ‘અલ્લાહ સિવાય જેમને આ લોકો પોકારે છે, તમે તેમના માટે અપશબ્દોનો પ્રયોગ ન કરો. એવું ન થાય કે તેઓ હદથી આગળ વધીને અજ્ઞાનતાવશ અલ્લાહ માટે અપશબ્દોનો પ્રયોગ કરવા લાગે.’ (સૂર: અન્આમ, ૬:૧૦૮)
આ બધી શિક્ષાઓ ‘મરજિયાત’ નથી, બલ્કે કુર્આન અને પયગંબરના સાહેબના આદેશો છે, જેનું પાલન ઇસ્લામને માનનારાઓ માટે કર્તવ્ય છે. હવે અનાથી પણ વધીને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વની શિક્ષા બીજે ક્યાં હોઈ શકે છે ? આનો અર્થ એ થયોકે ઇસ્લામના પ્રચારમાં કોઈપણ પ્રકારની બળજબરી ઉચિત નથી, અને ઈમાન એ જ વિશ્વસનીય છે, જેમાં મન-હૃદયની શાંતિની સાથે લોકો માટે શાંતિ અને સલામતીની કલ્પના અને કોશિશ સામેલ હોય. કુર્આનમાં ઉલ્લેખ છે કે –
(૧) ‘હે પયગંબર ! કહો – હે ગ્રંથવાળાઓ ! આવો એક એવી વાત તરફ, જેને અમારા અને તમારા વચ્ચે સમાન છે, એ કે આપણે અલ્લાહ સિવાય કોઈની ઉપાસના ન કરીએ અને તેના સાથે કોઈને ભાગીદાર ન ઠેરવીએ અને પરસ્પર આપણામાંથી કોઈ એક-બીજાને અલ્લાહ સિવાય કોઈને પોતાનો પ્રભુ-પાલનહાર ન બનાવે.’ (સૂર: આલે ઇમરાન,૩:૬૪)
(ર) ‘પોતાના પ્રભુ-પાલનહારના માર્ગ તરફ લોકોને તત્ત્વદર્શિતા (Wisdom), સદુપદેશ અને સહાનુભૂતિની સાથે બોલાવો તેમજ તેમના સાથે એવી રીતે સંભાષણ, સંવાદ અને ચર્ચા કરો જે ઉત્તમ હોય.’’ (સૂર: નહ્લ, ૧૬:૧૨૫)
પહેલી આયતમાં જગતના તમામ માનવોને એકસરખી અને સમાન વાતો તથા એ સર્વમાન્ય હકીકતોનું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, જેને સ્વીકારવામાં કોઈને કોઈ વાંધો ન હોઈ શકે, જ્યારે બીજી આયતમાં મુસલમાનોને તાકીદ કરવામાં આવી રહી છે કે તેઓ પોતાની વાત બીજાઓ સામે અત્યંત તત્ત્વદર્શિતા, સમજદારીથી તેમજ વિવેક અને સહાનુભૂતિપૂર્વક મૂકે.
રહી અનુચિત હિંસા અને આતંકવાદ (Terrorism)ની વાત, તો તે આરંભથી અંત સુધી ઇસ્લામથી વિરુદ્ધ છે. આ સંદર્ભમાં પણ કુર્આનમાં સ્પષ્ટ આદેશો અને માર્ગદર્શન મળે છે. કુર્આનમાં છે કે –
(૧) ‘જેણે કોઈ વ્યક્તિની હત્યાના બદલે કે ધરતી પર બગાડ અને ઉપદ્રવ ફેલાવવા સિવાય કોઈ અન્ય કારણસર હત્યા કરી, તેણે જાણે કે સમગ્ર માનવ-જાતની હત્યા કરી અને જેણે કોઈને જીવન પ્રદાન કર્યું, તેણે જાણે કે સમગ્ર માનવ-જાતને જીવન પ્રદાન કર્યું.’ (સૂર: માઈદા, ૫:૩૨)
(ર) ‘ધરતીમાં બગાડ પેદા કરવાની કોશિશ ન કર. નિશ્ચયપણે અલ્લાહ બગાડ અને ઉપદ્રવ કરનારાઓને પસંદ કરતો નથી.’ (સૂર: કસસ, ર૮:૭૭)
અહીં હત્યાનો બદલો કે વળતરનો અમલ કોઈ મુસ્લિમ પોતાની ઇચ્છાથી કે મરજીથી નથી કરી શકતો, બલ્કે તેના માટે ઇસ્લામી રાજ્ય તેની વ્યવસ્થા કરશે, અથવા ન્યાયના તકાદાઓને પૂર્ણ કરીને શાસન દ્વારા તેનો નિર્ણય કરવામાં આવશે.
અગાઉ દર્શાવેલ આયત (૩:૬૪)માં એક બીજાે નિર્દેશ એ પણ છે કે આપણે સૌ તેને ઐતિહાસિક દૃષ્ટિબિંદુથી જાેઈએ; અર્થાત્ શરૂઆતમાં તો બધાનો ધર્મ એક જ હતો, તમામ લોકો દુનિયાના પ્રથમ માનવી આદમ (અલૈ.)ના સંતાનો છે અને આદમને ઈશદૂત અને ખલીફા (Vicegerent) બનાવીને આ જગતમાં મોકલવામાં આવ્યા હતા. તે પછી સમયાંતરે લોકોએ અલગ-અલગ માર્ગો અને પંથો બનાવ્યા અને અપનાવી લીધા. આ આયતમાં એ વાતની સ્પષ્ટતા છે કે પહેલાં તો આપણે બધા એક જ બિંદુ અને એક જ ‘કલેમા’ પર એકત્ર હતા. આવો, ફરી એ જ કલેમા તરફ પાછા વળીએ અને એ જ બિંદુ પર એકત્ર થઈ જઈએ. કુર્આનમાં ઉલ્લેખ છે કે – ‘આરંભમાં સૌ મનુષ્યો એક જ સમુદાય હતા, પાછળથી તેમણે અલગ-અલગ માન્યતાઓ અને પંથ બનાવી લીધા.’ (સૂર: યૂનુસ, ૧૦:૧૯)
એવું કેવી રીતે બની શકે કે માતા પોતાના પુત્રને, જાે તે વિદ્રોહી બની ગયો હોય અને હદ વટાવી ગયો હોય, પોતાની તરફ બોલાવે અને તેની આંખોમાં તેના માટે પ્રેમ અને મમતા ન હોય ! એ જ પ્રમાણે એવું કેવી રીતે હોઈ શકે છે કે મુસલમાનો લોકોને અલ્લાહ તરફ બોલાવે અને તેમની દૃષ્ટિમાં તેમના માટે સ્નેહ અને સહાનુભૂતિ ન હોય, તેમના લહેજામાં પ્રેમ ન હોય અને તેમનામાં અપનત્વનો અંશ જાેવા ન મળે.
અલ્લાહ પોતાના બંદાઓ પર કેટલો મહેરબાન છે ? એક પ્રસંગે પયગંબર સાહેબ પાસે અમુક કેદીઓ આવ્યા. કેદીઓમાં એક સ્ત્રી હતી, જેની છાતી દૂધથી ભરેલી હતી અને તે (પોતાના બાળકને શોધવા) આમ-તેમ દોડી રહી હતી. એટલામાં એક બાળક તેને કેદીઓમાં મળ્યું, તો તેને તરત જ પોતાની છાતીએ વળગાડી દીધું અને તેને દૂધ પીવડાવવા લાગી. પયગંબર સાહેબે (આ જાેઈને) પોતાના સાથીઓને કહ્યું : ‘તમે વિચારી શકો છો કે આ સ્ત્રી પોતાના બાળકને આગમાં ફેંકી શકે છે ?’’ સાથીઓએ જવાબ આપ્યો : ‘‘કદાપિ નહીં, જાે તેને અધિકાર હોય તો તે પોતાના બાળકને આગમાં નથી ફેંકી શકતી.’’ આ વાત પર પયગંબર સાહેબે ફરમાવ્યું : ‘‘અલ્લાહ આનાથી પણ ખૂબ વધારે પોતાના બંદાઓ પર દયા કરવાવાળો અને મહેરબાન છે, જેટલી આ સ્ત્રી પોતાના બાળક પર મહેરબાન હોઈ શકે છે.’’ (સહીહ બુખારી, ૫૯૯૯)
આવો, પયગંબર હઝરત મુહમ્મદ (ﷺ)ના નિમ્ન-લિખિત બોધવચનો અને શિક્ષાઓ પર એક દૃષ્ટિપાત કરીએ. પયગંબર સાહેબે ફરમાવ્યું –
(૧) મહાપાપ આ છે : અલ્લાહના સાથે તેની ઉપાસનામાં બીજાો ભાગીદાર બનાવવું, માતા-પિતાની અવજ્ઞા, કોઈ અનુચિત-ગેરકાયદેસર હત્યા કરવી અને જૂઠા સોગંદ ખાવા. (સહીહ બુખારી, ૬૬૭૫)
(ર) મહાન અલ્લાહ ફરમાવે છે : હે મારા બંદાઓ ! મેં મારા માટે અત્યાચાર અને અન્યાય કરવાનું અવૈધ ઠેરવી લીધું છે, તમે પણ પરસ્પર એક-બીજા પર અત્યાચાર અને અન્યાય ન કરો. (હદીસ : મુસ્લિમ, કથન : હ. અબૂઝર રદિ.)
(૩) ગુનાહે-કબીરા (અર્થાત્ મહાપાપ) આ પ્રમાણે છે : અલ્લાહની સાથે કોઈને ભાગીદાર ઠેરવવું, માતા-પિતાની અવજ્ઞા કરવી, કોઈ જીવની હત્યા કરવી અને જૂઠા સોગંદ ખાવા. (હદીસ : બુખારી, મુસ્લિમ, કથન : હ. અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.)
(૪) મહાપ્રલયના દિવસે મહાન અલ્લાહ સૌથી પહેલા લોકોના જે મામલાઓનો નિર્ણય કરશે તે હત્યાના મામલાઓ હશે. (હદીસ : બુખારી, મુસ્લિમ, કથન : હ. અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રદિ.)
(૫) મહાન અલ્લાહ એવા માણસ પર દયા કરશે, જે ખરીદ-વેચાણ વખતે અને કરજનો તકાદો કરવામાં નરમીથી વર્તે. (હદીસ : બુખારી, કથન : હ. જાબિર રદિ.)
(૬) સમસ્ત મખ્લૂક (સર્જનો) અલ્લાહનો પરિવાર છે, અને તેને પોતાના સર્જનોમાંથી સૌથી વધારે પ્રિય એ છે, જે તેના પરિવારજનો સાથે સદ્વ્યવહાર કરે. (હદીસ : બયહકી)
મનુષ્યોની સાથે પ્રેમ, માણસાઈ અને સૌજન્યશીલતાથી વ્યવહાર કરવાનું તથા તેના મનુષ્યત્વના ગૌરવ અને સન્માનનો સ્વીકાર કરવાનું આકાશી માર્ગદર્શન પર નિમ્ન-લિખિત હદીસ (પયગંબર સાહેબનું કથન)થી વધીને બીજી કોઈ દલીલ અને પુરાવો ભાગ્યે જ મળી શકે. પયગંબર સાહેબના એક પ્રિય સાથી હઝરત અબૂ હુરૈરહ રદિ.નું કથન છે કે –
‘‘કયામત-મહાપ્રલયના દિવસે મહાન અલ્લાહ ફરમાવશે : હે આદમની સંતાન ! હું બીમાર હતો અને તે મારી સેવાચાકરી ન કરી. બંદો કહેશે : હે અલ્લાહ ! તું તો બંને લોકનો પાલનહાર છે, ભલા હું તારી સેવાચાકરી કેવી રીતે કરી શકતો હતો ? ત્યારે મહાન અલ્લાહ ફરમાવશે : શું તને એ વાતની ખબર નહોતી કે મારો ફલાણો બંદો બીમાર હતો અને તે પછી પણ તું તેની સેવાચાકરી માટે ન ગયો ? શું તું એ વાત નહોતો જાણતો કે જાે તું તેનો હાલચાલ પૂછવા જતો તો મને તેની પાસે પામતો ? અલ્લાહ ફરમાવશે : હે આદમની સંતાન ! મેં તારાથી ભોજન માંગ્યું, તો તેં મને ન ખવડાવ્યું. તે કહેશે : હે અલ્લાહ ! તું તો બંને લોકનો પાલનહાર છે, ભલા હું તને કેવી રીતે ખવડાવી શકતો હતો ? ત્યારે અલ્લાહ ફરમાવશે : શું તું ભુલી ગયો હતો કે મારા ફલાણા બંદાએ તારાથી ભોજન માંગ્યું હતું અને તેં ઇન્કાર કરી દીધો હતો. શું તને એ વાતની જાણકારી નહોતી કે જાે તું તેને ખાવાનું ખવડાવતો તો મને તેની પાસે જાેતો ? મહાન અલ્લાહ ફરમાવશે : હે આદમની સંતાન ! મેં તારાથી પાણી માંગ્યું હતું અને તેં મને પાણી આપ્યું નહીં. તે કહેશે : હે અલ્લાહ ! તું તો બંને લોકનો પાલનહાર છે, ભલા હું તને કેવી રીતે પાણી પીવડાવી શકતો હતો ? મહાન અલ્લાહ ફરમાવશે : શું તને યાદ છે કે મારા ફલાણા બંદાએ તારાથી પાણી માંગ્યું હતું અને તેં મનાઈ કરી દીધી હતી. શું તને એ વાતની ખબર નહોતી કે જાે તેં તેને પાણી પીવડાવ્યું હોત તો તેને મારી પાસે જાેતો ? (હદીસ : મુસ્લિમ) અત્રે નોંધનીય છે કે અહીં કેવળ ‘આદમની સંતાન’ અર્થાત્ મનુષ્યની વાત કરવામાં આવી છે, ‘મુસ્લિમ’ નહીં.