નવી દિલ્હી,
“શાહીન બાગે પરિવર્તન આણ્યું છે, મહિલા શક્તિની નવી ધારણા સર્જી છે.” જમાઅતે ઇસ્લામી હિંદના મહિલા વિભાગના સચિવ અતિયા સિદ્દીકાએ સીએએ, એનઆરસી અને એનપીઆર અને મહિલા સંઘર્ષ પર પત્રકાર પરિષદમાં આ વાત કહી.
પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયામાં આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતાં જમાઅતની સહસચિવ રહમતુન્નિસાએ કહ્યું કે અમે સમાનતા, ન્યાય અને બંધુત્વમાં માનીએ છીએ. અમે સીએએ વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યા છીએ, કારણ કે તે અન્યાય છે. દેશની અર્થ-વ્યવસ્થા ડૂબી રહી છે. રાષ્ટ્રને જે પડકારોનો સામનો છે સરકાર તેની અવગણના કરીને પોતાના લોકોની નાગરિકતા છીનવી લેવાના કાર્યો કરી રહી છે. પરિષદનો કેન્દ્રિય વિષય એ હતો કે દેશભરમાં નાગરિક સ્વાતંત્ર્ય, લોકશાહી અને સ્વતંત્રતાના રક્ષણ માટે મહિલાઓ દ્વારા તાજેતરમાં અપનાવાયેલી રીતોની પ્રશંસા કરવી. સમગ્ર વિશ્વ મહિલા પ્રદર્શનકારીઓની હિંમત અને પ્રતિકારને બિરદાવી રહ્યું છે, જે ભેદભાવ અને અન્યાય સામે સંઘર્ષ અને રેલીની પ્રેરણારૂપ બની છે. નિર્દોષ નાગરિકો પર થતા અતિરેક સામે તેઓ ઊભા થયા છે અને સ્પષ્ટપણે પોતાના મત વ્યક્ત કરી રહ્યા છે.
આ પત્રકાર પરિષદમાં લોકરાજ ઓર્ગેનાઇઝેશનના સુચરિતા, દિલ્હી યુનિવર્સિટીના પુષ્પાંજલિ, જમાઅતે ઇસ્લામી હિંદ, દિલ્હીના શાઇસ્તા રફ્અતે પણ સંબોધન કર્યું હતું.