• અભય કુમાર દુબે
(સીએસડીએસ, દિલ્હીમાં પ્રોફેસર અને ભારતીય ભાષા કાર્યક્રમના નિર્દેશક)
ખેડૂતો બજારની માગ જાેઈને પાકની વાવણી કરતા નથી, ખેતરમાં પેદા થયેલા માલની પ્રકૃતિ અલગ હોય છે
સરકાર કહે છે કે, ત્રણેય ખેડૂત કાયદાને લીધે ખેડૂતોને પોતાની ઉપજ ‘બજાર’માં જ્યાં ઇચ્છે, જેને ઇચ્છે અને ફાયદાના ભાવે વેચવાની ‘આઝાદી’ મળી જશે. સવાલ એ છે કે, આ દાવામાં જે ‘બજાર’ છે, તે કેવા પ્રકારનું છે અને તેને જે ‘આઝાદી’નો વિશ્વાસ અપાવાઈ રહ્યો છે, તેનું પાત્ર શું છે?આ બજારની સંરચના એ બજાર જેવી છે, જેમાં આપણે ટીવી, ફ્રીજ, કમ્યુટર, કાર કે અન્ય નાના-મોટા ઉપભોકતા સામાન ખરીદીએ છીએ? કે જે બજારની સરકાર ચર્ચા કરી રહી છે, તેમાં ખેડૂતના પાકના ભાવ એવી રીતે જ નક્કી થશે, જેવી રીતે કારખાનામાં બનતા માલના ભાવ નક્કી કરાય છે? જે રીતે આ ઉપભોક્તાઓની વસ્તુઓનો ‘સેલ’ લાગે છે, શું એવી જ રીતે ખેડૂતોની ઉપજની પણ આગામી દિવસોમાં ‘સેલ’ લાગી શકે છે? ખેડૂતો માટે સરકાર પાસે જે ‘બજાર’ની યોજના છે, શું તેમાં એવો અનિવાર્ય લઘુત્તમ નફો ખેડૂતોને પણ મળી શકે છે?
આ તમામ સવાલોનો માત્ર એક જ જવાબ છે – ‘ના’. પ્રથમ વાત એ છે કે, ખેડૂત દુનિયામાં ગમે ત્યાં ફેક્ટરી માલિકની જેમ બજારની માગ જાેઈને વાવણી કરતો નથી. બધા ખેડૂતોનો પાક એક ચોક્કસ સમયે જ પાકે છે અને વેચાવા માટે તૈયાર થાય છે. તેઓ તેને ફેકટરીના માલની જેમ દૂર-દૂરના વિસ્તારોમાં મોકલી શકતા નથી. તેઓ પાક તૈયાર થતાં જ સ્થાનિક બજારમાં લઈ જવા મજબૂર હોય છે. કારખાનામાં બનેલી વસ્તુઓની પડતર કિંમત, ટેક્સ, જાહેરાત અને બીજા ઉપરના ખર્ચા, ત્યાર પછી સેલમાં વેચવાની પરિસ્થિતિને મિલાવીને તેના ઉપર નફો ચડાવીને ‘માર્ક-અપ’ બનાવાય છે. તેનાથી દરેક સ્થિતિમાં નફાની ગેરન્ટી રહે છે.ખેતરમાં પેદા થયેલા માલની પ્રકૃતિ અલગ છે. તેમાં નાનો અને ગરીબ ખેડૂત (દેશમાં ૮૦%) ઓછી પેદાશને કારણે આવક ઘટવાના જાેખમનો પણ સામનો કરે છે. વધુ પેદાશ થાય તો પણ ભાવો નીચે જતા રહેવાને તેની આવક કાયમ શૂન્ય જેટલી થઈ જાય છે. માત્ર મોટો ખેડૂત જ એટલો સક્ષમ હોય છે કે, પોતાની વધુ પેદાવારની સ્થિતિમાં પાકને પોતાના ગોડાઉનમાં મુકીને રાખીને ભાવ ઊંચા થવાની રાહ જાેઈ શકે છે. નાનો ખેડૂત લોન અને પાકના ચક્રની સાથે જ મંડળીની સાથે બંધાઈ રહેવા માટે મજબૂર છે.
પોતાના ત્રણ કાયદા દ્વારા સરકાર જે ‘બજાર’નું નિર્માણ કરીને ખેડૂતોને ‘આઝાદી’ આપવા માગે છે, શું તે ‘બજાર’ ખેડૂતોની આ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી શકશે? ભારત સરકારના બે પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કૌશક બસુ અને રઘુરામ રાજનનું માનવું છે કે, આ કાયદા ઉપરથી તો સારા દેખાય છે, પરંતુ જાે ઝીણવટપૂર્વક તેની સમીક્ષા કરાય તો સ્પષ્ટ થાય છે કે, તેમાં નાના અને ગરીબ ખેડૂતોના હિતોની સુરક્ષાની વ્યવસ્થા કરાઈ નથી. આખરે આ ‘બજાર’માં ખેડૂતોને કોર્પોરેટ મૂડીની સાથે ભાવ-તાલ કરવા પડશે. સ્પષ્ટ છે કે કોર્પોરેટ કંપનીઓ ખેડૂતો સાથે સીધો સંપર્ક તો કરવાની નથી. તે આજના વચેટિયાઓની જેમ બીજા કેટલાક નવા એજન્ટો દ્વારા ખેડૂતોની ઉપજને જમા કરાવીને ખરીદશે. આજે જ્યારે કમીશનખોરીથી રૂપિયા કમાનારા વચેટિયાના હાથે ખેડૂત લૂંટાય છે, તો આ બદલાયેલી સ્થિતિમાં તેને લૂંટાતા કોણ બચાવશે? ડર એવો છે કે, પ્રારંભિક કડવા અનુભવ પછી નાના ખેડૂતો પોતાની જમીન મોટા ખેડૂતોને વેચવા વિચારવા લાગશે. નાના ખેતર મોટા ખેતરોમાં વેચવા વિચારવા લાગશે. નાના ખેતર મોટા ખેતરોમાં સામેલ થઈ જશે. આ રીતે ‘બજાર’ અને ‘આઝાદી’ વચ્ચે ફસાયેલો નાનો ખેડૂત પોતાનું અસ્તિત્વ ગુમાવતો જશે.