પૃથ્વી ઉપર ભાષાનું અસ્તિત્વ કદાચ જીવન જેટલું જ પ્રાચીન છે. દરેક સજીવની પોતાની એક ભાષા છે જેના વડે તેઓ વાત ચીત કરે છે. જુદા જુદા પ્રાણીઓની પોતાની આગવી ભાષા છે જેમાં તેઓ સ્વર, શરીર કે સંકેતોનો ઉપયોગ કરે છે. ટેક્નોલોજીના આ યુગમાં મનુષ્યએ પ્રોગ્રામિંગની ભાષા વિકસિત કરી છે. ઉદાહરણ તરીકે પાયથોન અને જાવાને લઈ શકાય. એવી જ રીતે ગાણિતિક સંકેતો અને તાર્કિક પ્રણાલીઓ પણ એક પ્રકારની ભાષાનું જ કાર્ય કરે છે. આ બધી ભાષાને સમજવું ખૂબ જ જટિલ અને અઘરું કામ છે. પ્રકૃતિમાં ભાષાની આ વિવિધતા તેના સૌંદર્યને વધારે છે. ક્ષણિક વિચારો કે જો બધા જ પક્ષીઓ એકજ રીતે કલરવ કરતાં હોત અને બધા પ્રાણીઓના અવાજમાં એકરૂપતા હોત તો સાંભળીને તેમને ઓળખવું કેટલું મુશ્કેલ બની જાત. અને બધા એક સાથે કિલકિલાટ કરતાં હોત તો ઘોંઘાટ જ લાગત. પરંતુ સર્જનહારે આ સંસારને સૌંદર્યપૂર્ણ અને વિવિધતા સભર બનાવ્યું છે અને તેના માટે જ તો આ વિવિધતા રાખવામાં આવી છે.
મનુષ્યની જેમ એની ભાષા પણ તેની વિશેષતા છે. અલ્લાહ ફરમાવે છે, “તેણે જ મનુષ્યને પેદા કર્યો અને તેને બોલતાં શીખવાડયું.” (સૂર: રહેમાન, આયત 3, 4). તેનું એક સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે. ભાષા પોતે જ વિવિધ સમુદાયો કે રાષ્ટ્રની વિશિષ્ટતાને વ્યક્ત કરે છે. કેટલીક ભાષાઓ ખૂબ જ પ્રાચીન છે અને કેટલીક ભાષાઓ કેટલાક ફેરફાર સાથે અથવા બીજી ભાષાઓના મિશ્રણ સાથે આજે પણ બોલાય છે, જે તેમના પોતાના વ્યાકરણ અને શબ્દ-ભંડોળ સાથે સંપૂર્ણપણે વિકસિત કુદરતી ભાષાઓ છે. આ ઉપરાંત, બહેરા મૂંગા સમુદાયો દ્વારા ઉપયોગમાં લેવાતી સાંકેતિક ભાષાઓ પણ છે અને અંધ લોકો માટે પણ બ્રેઇલ લિપિ વિકસાવાઈ છે. માનવે જેમ સાંસ્કૃતિક પ્રગતિ કરી છે તેવી જ રીતે ભાષાઓ પણ ગતિશીલ રહી છે. ભાષા પણ અલ્લાહની એક નિશાની છે:
“અને તેની નિશાનીઓમાંથી આકાશો અને ધરતીનું સર્જન અને તમારી ભાષાઓ અને તમારા રંગોમાં ભિન્નતા છે. નિશ્ચિતપણે આમાં ઘણી નિશાનીઓ છે બુદ્ધિશાળી લોકો માટે.”(સૂર: રૂમ, આયત-૨૨)
ભાષા એક એવું માધ્યમ છે જેના દ્વારા વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ અને માહિતી અન્ય લોકો સાથે શેર કરે છે. આર્થિક અને સામાજિક વિકાસ તથા ભૌતિક સમૃદ્ધિમાં ભાષાઓનું જ્ઞાન અને નિપુણતા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભાષા વડે જ જ્ઞાન અને માહિતી આગામી પેઢીઓ સુધી હસ્તાંતરણ થાય છે. જીવનના રંગમંચ ઉપર હાસ્યના પડઘા અને રુંદણના ઝટકા ભાષાને જ આભારી છે. ફક્ત વિજ્ઞાનની પ્રગતિમાં અને ઇતિહાસના દૃશ્યોને સુરક્ષિત રાખવામાં જ ભાષાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ નથી, પણ વ્યક્તિની પોતાની વેદના અને ભાવને રજૂ કરવમાં પણ ભાષાનું સ્થાન મોખરે છે.
એક ભાષાકીય સર્વેક્ષણ મુજબ, હાલમાં વિશ્વમાં આશરે 6,800 ભાષાઓ બોલાય છે. લગભગ 41,000 વિવિધ બોલીઓ છે. ઇતિહાસ સાક્ષી છે કે વિજેતા સમુદાયે હંમેશાં સામાન્ય સમાજને પ્રભાવિત કર્યો છે. ક્યાંક સત્તાના નશામાં શત્રુની દરેક વસ્તુને નષ્ટ કરવાની કુચેષ્ટા દેખાય છે તો ક્યાંક હારેલી કોમો વિજેતાઓની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતી જોવાય છે. તેથી જ તેમની ભાષા બોલવામાં પણ તેઓ ગૌરવ અનુભવતા હોયછે. હાલમાં આજના નવયુગમાં વૈશ્વિકરણના લીધે કેટલીક બોલીઓ અને ભાષાઓ ઝડપથી લુપ્ત થઈ રહી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ભાષાનો પ્રભાવ વધી રહ્યો છે.
2001ની ભારતની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં 122 મુખ્ય ભાષાઓ અને 1599 અન્ય ભાષાઓ હતી. જોકે ભારતીય બંધારણ દ્વારા ૨૨ ભાષાઓને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. આ રીતે ભારત વિશ્વના સૌથી વધુ ભાષાકીય રીતે વૈવિધ્યસભર દેશોમાંનો એક છે. એમાં કોઈ બે મત નથી કે ભાષા કોઈ દેશ અથવા જૂથની ઓળખ, તેની ચોક્કસ સંસ્કૃતિ, પરંપરાઓ અને ઇતિહાસને પ્રતિબિંબિત કરે છે, તેથી તેની સુરક્ષા કરવા માટે વ્યક્તિગત કે સામૂહિક રીતે વિશેષ પગલાં લેવા જોઈએ. પરંતુ કોઈ પણ ભાષા અન્ય ભાષા કરતાં હલકી કે શ્રેષ્ઠ હોતી નથી. વ્યક્તિ પોતાની વાત અન્ય વ્યક્તિને સરળતાથી સમજાવી શકે તે પૂરતું જ ભાષાનું મહત્વ હોય છે. તમે કોઈ મૂંગા બહેરાને પોતાની ભાષામાં ન સમજાવી શકો. ભલે તમે સાહિત્યના કેટલાય મોટા નિષ્ણાંત હોવ, તેના માટે તમારે સાંકેતિક ભાષા જ વાપરવી પડે. વ્યક્તિ જે માહોલમાં જન્મે અને ઉછરે છે તેનો કુદરતી પ્રભાવ પડે જ છે. ક્યારેય એવું પણ બને કે વ્યક્તિ પોતાના ઘરમાં જુદી ભાષા બોલતો હોય અને બહાર જુદી, કારણકે બહારની વ્યક્તિ તેમની માતૃભાષામાં સહજ ન પણ હોય. આ ખૂબ જ પ્રેક્ટિકલ પરિસ્થિતિ છે.
પશુ-પક્ષીઓની ભાષાઓ જુદી જુદી હોવા છતાં તેમની વચ્ચે કોઈ ભાષા વિવાદ નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પ્રગતિમાં મનુષ્યે વિકસિત કરેલ ભાષામાં કૉઈ ઘર્ષણ નથી. પછી વિવિધ ભાષા બોલતા મનુષ્યમાં ઝગડો કેમ છે!! મનુષ્ય કે જે બીજા સજીવોના મુકાબલામાં શ્રેષ્ઠતાના ખૂબ જ ઊચ્ચ સ્થાને બિરાજમાન છે તેઓ ભાષાને લઈને કેમ એક બીજા સામે બાંયો ચઢાવે છે. ભાષા આધારિત સંઘર્ષો સમગ્ર વિશ્વમાં સામાન્ય છે. આ સંઘર્ષો ત્યારે ઉદ્ભવે છે જ્યારે કોઈ ચોક્કસ ભાષાને પ્રાધાન્ય આપવામાં આવે છે, જે અન્ય ભાષાઓ બોલનારાઓ સમક્ષ અન્યાય અને ભેદભાવની લાગણી પેદા કરે છે. દરેક જૂથ પોતાના પ્રદેશમાં પોતાની ભાષાનું પ્રભુત્વ જોવા માંગે છે. આ સંઘર્ષોના કારણો સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પ્રાદેશિક કરતાં વધુ રાજકીય અને આર્થિક છે. મને આ વિવાદમાં પણ તુષ્ટિકરણની ગંધ આવે છે. મૂળ મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવા આવા ક્ષુલ્લક મુદ્દાઓ ઘડી કાઢવામાં આવે છે અને જનતા લાગણીમાં વહી જાય છે. એક કહેવત છે, “દુખે છે પેટ અને કુટે છે માથું”
ભારતમાં ભાષા વિવાદ બ્રિટિશ યુગની દેણ છે. એપ્રિલ 1900માં ઉત્તર-પશ્ચિમ પ્રાંતોની વસાહતી સરકારે નાગરી અને ફારસી-અરબી લિપિ બંનેને સમાન સત્તાવાર દરજ્જો આપતો આદેશ જારી કર્યો હતો. જેનો ઉર્દૂ સમર્થકોએ વિરોધ અને હિંદી સમર્થકોએ સતકાર કર્યો. જો કે, આ હુકમ વધુ પ્રતીકાત્મક હતો કારણ કે તેમાં નાગરી લિપિનો વિશિષ્ટ ઉપયોગ કરવાની જોગવાઈ નહોતી. હિંદી અને ઉર્દૂ ભાષાકીય અને સાંસ્કૃતિક રીતે અલગ થતા રહ્યા. સાંસ્કૃતિક રીતે ઉર્દૂને મુસ્લિમો સાથે અને હિંદીને હિંદુઓ સાથે ઓળખવામાં આવી. ૧૯૨૦ના દાયકામાં આ વ્યાપક તફાવતની ગાંધીજીએ નિંદા કરી, જેમણે હિંદી અને ઉર્દૂ બંનેના પુન:વિલયને પ્રોત્સાહન આપ્યું. તેને હિન્દુસ્તાની નામ આપ્યું, જે નાગરી અને ફારસી બંને લિપિઓમાં લખાયેલું હતું. હિંદુસ્તાની બેનર હેઠળ હિંદી અને ઉર્દૂને એકસાથે લાવવાના તેમના પ્રયાસમાં તેઓ નિષ્ફળ ગયા, છતાં તેમણે અન્ય બિન-હિંદુસ્તાની ભાષી વિસ્તારોમાં હિંદુસ્તાનીને લોકપ્રિય બનાવી.
૧૯૩૦માં, દક્ષિણ ભારતમાં હિંદી લાદવાનો ભારે વિરોધ થયો. આપણા દેશમાં ઘણા રાજ્યો પણ ભાષાઓના આધારે રચાયા છે. નવીનતમ સંઘર્ષ મરાઠી અને હિંદી વચ્ચે છે. તે ત્યારે શરૂ થયો જ્યારે મહારાષ્ટ્ર સરકારે ત્રિભાષી નીતિ હેઠળ શાળાઓમાં હિંદીને ત્રીજી ફરજિયાત ભાષા તરીકે જાહેર કરવાનો ર્નિણય લીધો.
ઉર્દૂ-હિંદી વિવાદ પાછળ મૂળ કારણ કોમવાદ હતું. એ વાક્ય ખૂબ જ પ્રસિદ્ધ છે કે કોઈ સમુદાયના ઇતિહાસને નાબૂદ કરવા માંગો છો તો તેની ભાષા ખતમ કરી દો. સ્વતંત્રતા પછી ખૂબ જ ચાલાકીથી ઉર્દૂના પ્રભાવને ધીમે ધીમે ઓછો કરવામાં આવ્યો. એ કોમવાદી લોકોનો ધ્યેય માત્ર ઉર્દૂને ભુંસવવાનો ન હતો, બલ્કે તેના સ્થાને સંસ્કૃતને મૂળ ભાષા તરીકે પ્રસ્થાપિત કરવાનો હતો, જે રીતે યહૂદીઓએ પોતાની મૃત ભાષા હિબ્રૂને જીવંત કરી હતી. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા હિંદી તેમનું પ્રથમ ચરણ છે. તેથી તેઓ સમગ્ર ભારતમાં હિંદીને પ્રચલિત કરવા માંગે છે. ઉર્દૂની સાથે મુસ્લિમોને પણ હાંસીયામાં ધકેલી દેવામાં આવ્યા. પોતાની ઓળખ પ્રત્યે અસુરક્ષાનો ભાવ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદનું કારણ હોઇ શકે છે. જો ખરેખર એવું છે, તો એટલું જ કહીશ કે જેવુ વાવ્યું છે તેવું જ લણશો.
આજે વિવિધ રાજ્યોમાં જે ભાષા કે પ્રાંત વિવાદ ઊભો થયો છે તેની પાછળ એક કારણ બેરોજગારી પણ છે. સ્થાયી લોકોને એવું લાગે છે કે પરપ્રાંતિઓના કારણે તેમના માટે સંસાધન અને અર્થોપાર ર્જનના અવસરો ઓછા થયા છે. આના કારણે ભાષાની સાથે પ્રાંતવાદ પણ જોડાઈ ગયો છે. પોતાના ક્ષુલ્લક લાભ માટે આપણી વૈવિધ્યસભર વિશિષ્ઠતા ઉપર તરાપ મારવી પોતાની ભારતીયતાની આબરૂના કાંકરા કરવા જેવું છે.
મોંથી ‘વસુધેવકુટુંબકમ’ના સૂત્રો પોકારતા લોકોએ તેના મૂળ આત્માને પ્રસ્થાપિત કરવાની જરૂર છે. નહિતર જાતે પગ પર કુહાડો મારવા જેવું થશે. ભારતની બધી જ ભાષાઓ અને બોલીઓ આપણો સહિયારો વારસો છે. આપણે બધાએ આ હૃદયપૂર્વક સ્વીકારવું જોઈએ. ભાષા દરેક વ્યક્તિની વ્યક્તિગત પસંદ છે તેને બીજા પર થોપી ન શકાય. કોઈ પણ ભાષાને હલકી કક્ષાની ગણવી કે તે જુથ પ્રત્યે પક્ષપાત કે નિમ્ન કક્ષાની લાગણી રાખવી ખોટું છે. આ માનસિકતા વસુધેવકુટુંબકમના નારાને જ પ્રભાવિત નથી કરતી બલ્કે વૈવિધ્યસભર ભારતીય ઓળખ ઉપર પણ કુઠરાઘાત કરે છે.
ભાષા વિશે ઇસ્લામની શિખામણ બિલ્કુલ સ્પષ્ટ અને વ્યવહારિક છે. આરબો પોતાની ભાષાના અહંકારમાં એટલા ગળાડૂબ હતા કે અન્ય ભાષિઓને અજમી એટલે મૂંગો કહેતા હતા. હઝરત મુહમ્મદ ﷺએ પોતાના અંતિમ પ્રવચનમાં જે ઉદઘોષણા કરી તે આપણા માટે કિમતી ભાથું છે. આપ ﷺએ કહ્યું, “હે લોકો! યાદ રાખો કે તમારો રબ(પાલનહાર) એક છે, અને તમારા પિતા (આદમ) એક છે. સાવધાન! કોઈ આરબને બિન-આરબ પર, કોઈ બિન-આરબને આરબ પર, કોઈ ગોરાને કાળા પર, કે કોઈ કાળાને ગોરા પર કોઈ શ્રેષ્ઠતા નથી. ખરેખર, અલ્લાહની નજરમાં સૌથી વધુ સન્માનીય તે છે જે સૌથી વધુ પરહેઝગાર છે.” (બહકી ૨૩૪૮૯)
તમામ ભાષાઓ અલ્લાહની જ છે તેની નજરમાં વાસ્તવિક મહત્ત્વ કોઈ ચોક્કસ ભાષાનું નથી, પરંતુ શિક્ષણ, શિખામણ, સમજણ અને સમજૂતીનું છે, અને ભાષા શિક્ષણ, શિખામણ, સમજણ અને અનુસરણનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. તેથી અલ્લાહે લોકોને સત્ય સંદેશથી વાકેફ કરાવવા તેમની જ ભાષામાં રસુલ મોકલવાની વ્યવસ્થા કરી. અલ્લાહ કહે છે: “અમે પોતાનો સંદેશ આપવા માટે જ્યારે પણ કોઈ રસૂલ મોકલ્યો છે, તેણે પોતાની કોમની ભાષામાં જ સંદેશ આપ્યો છે જેથી તે તેમને સારી રીતે સ્પષ્ટતાપૂર્વક વાત સમજાવે, પછી અલ્લાહ જેને ચાહે છે ભટકાવી દે છે અને જેને ચાહે છે માર્ગદર્શન પ્રદાન કરે છે, તે સર્વોપરી અને તત્ત્વદર્શી છે.” (સૂર:ઇબ્રાહિમ, ૪)
આ આયત રાષ્ટ્રવાદ, દેશભક્તિ અને વંશીય અને ભાષાકીય તફાવતોના મૂળ કાપી નાખે છે, જે આજે આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સંઘર્ષો, યુદ્ધો અને વિવાદોનું કારણ છે.
વાંચક મિત્રો! હઝરત મુહમ્મદ ﷺના જીવનચરિત્રના અભ્યાસ પરથી જાણવા મળે છે કે આપ ﷺએ હઝરત ઝૈદ બિન સબિત રદિ.ને હિબ્રુ અને સિરિયાક શીખવાની સલાહ આપી હતી, અને તેમણે ખૂબ જ ટૂંકા સમયમાં આ ભાષાઓ શીખી પણ લીધી અને તેમના દુભાષિયા બન્યા. તેમના સિવાય ઘણા સાથીઓ વિવિધ ભાષાઓ જાણતા હતા.
વૈશ્વિકરણના કારણે આજે આપણે ભાષાઓના યુગમાં જીવી રહ્યા છીએ. ભાષાઓના મહત્વને ધ્યાનમાં રાખીને, આપણે આપણી માતૃભાષા સિવાયની અન્ય ભાષાઓ પણ શીખવી જોઈએ. ભાષાના નામે રાજકારણ એટલી હદે વધી જાય કે સમાજ વિભાજીત થાય, માણસોમાં એકબીજા પ્રત્યે દ્વેષ અને દુશ્મનાવટ ઊભી થાય અને માણસોના હૃદય એકબીજાથી તૂટી જાય તે યોગ્ય નથી. ભાષા માત્ર માધ્યમ છે, લક્ષ્ય નથી. તેથી ભાષાના નામે રાજકારણ રમવાને બદલે તમામ ભાષાઓનો સમાન આદર થવો જોઈએ અને કોઈ વસ્તુ બીજા પર લાદવી ન જોઈએ. મારી એક સલાહ આ પણ છે કે કોઈ ભાષા તમે શીખો કે ન શીખો તમારી ઈચ્છા. પરંતુ પ્રેમની ભાષા જરૂર શિખજો. એ તમામ ભાષાઓમાં સૌથી શ્રેષ્ઠ ભાષા છે. •••