- ડંકેશ ઓઝા
અઢારમી લોકસભા બને તે માટે તેના ૫૪૩ સભ્યોને ચૂંટવા દેશમાં ૧૯ એપ્રિલથી ૧ જૂન, ૨૦૨૪ સુધી સાત તબક્કામાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. તે પછી ૪થી જૂને મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. સાંજ સુધીમાં પરિણામો લગભગ આવી ગયા હતાં. નવી લોકસભા નવા તૈયાર કરાયેલા સંસદ ગૃહમાં મળશે.
ભારતમાં ચૂંટણીઓ માટે બે ખાસ વપરાતા શબ્દો છેઃ ‘મુક્ત અને ન્યાયી.’ આ ચૂંટણીઓ ‘મુક્ત’ રીતે લડાઈ પણ એ ‘ન્યાયી’ હોવા બાબતે રાજકીય પંડિતો એકમત નથી. આપણી લોકશાહીનો વિકાસ કંઈક એવો થઈ રહ્યો છે કે ચૂંટાયેલા અને નહિ ચૂંટાયેલા રાજકીય લોકો જેટલી આઝાદી અને જેટલી મુક્તિ અનુભવે છે તેટલી આઝાદી સામાન્ય પ્રજાને નસીબ થતી નથી! આઝાદીના અમૃતમહોત્સવની ઊજવણી થઈ અને શતાબ્દી તરફ આપણે આગેકૂચ કરી રહ્યા છીએ ત્યારે દેશની પ્રજા સાચી આઝાદીનો અનુભવ કરી રહી નથી, એ હકીકત છે. એને માટે જવાબદાર કોણ એ અલગ લેખનો વિષય બની શકે છે.
આપણે ત્યાં સમવાયી તંત્રવાળી લોકશાહી છે. અંગ્રેજીમાં એને ‘ફેડરલ ડેમોક્રસી’ કહીએ છીએ. એનો અર્થ એટલો જ કે આપણે ત્યાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કેન્દ્ર સ્થાને સેંટ્રલ અથવા યુનિયન ગવર્નમેન્ટ છે. દેશ એક રહી શકે અને રાખવામાં આવે એ માટે મજબૂત કેન્દ્ર સરકારનો ખ્યાલ છે. આ અર્થમાં પણ સંસદીય ચૂંટણી મહત્ત્વની બને છે.
આ વખતનો ચૂંટણી પ્રચાર અત્યંત વિભાજક અને દ્વેષપૂર્ણ રહ્યો એવું વ્યાપક અવલોકન છે. લોકશાહીની ગુણવત્તા વધારવી હોય તો ચૂંટણી નિમિત્તે લોકશિક્ષણ થવું જાેઈએ. વળી, એ કાર્યમાં ચૂંટણી ન લડતા હોય એવા સમજુ લોકોએ પણ પ્રચાર મેદાનમાં આવવું જાેઈએ. ઉમેદવારો અને રાજકીય પક્ષો તે નથી કરતા એમ આપણે કહીએ છીએ પણ બાકીના પણ તે નથી કરતા એ મોટી નિષ્ફળતા છે.
આવો માહોલ હોવા છતાં ભારતીય લોકશાહીમાં એવું કોઈક તત્ત્વ છુપાયેલું છે જે એવો ‘ચુકાદો ’ પ્રગટ કરે છે જે સરેરાશ રીતે યોગ્ય દિશાનો હોય છે. રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીથી શરૂ કરીને, પ્રચાર દરમ્યાન મતદારોને આડા અને ઊભા બધી રીતે વહેરવાનો જ પ્રયત્ન કરે છે. તેમ છતાં કુલ રક્મનો લઘુત્તમ સાધારણ અવયવ બરાબર સાચો નીકળે છે. પછી એના અર્થઘટનો ચાલ્યા કરે છે.
વ્યક્તિ પોતે કહે કે હું અવતારી પુરુષ છું ત્યારે એનાં પરિણામો વિપરીત આવવાની સંભાવના વધી જતી હોય છે. બધા લોકોની શ્રદ્ધા એવી પાંગળી હોતી નથી કે તે આવું બધું સ્વીકારી લે. જે પક્ષ સત્તા ભોગવતો હતો તે ફરી સત્તા મળે એ માટે બધું જ કરી છૂટે એ સાવ સ્વાભાવિક વાત છે. પછી પરિણામોથી નિરાશ થવા વારો આવે ત્યારે સ્વસ્થતા જાળવવી એ અઘરૂં હોય છે.
વિરોધપક્ષ વિનાની લોકશાહી સર્જવાનો પ્રયાસ કરવો એ પાયાનું બિનલોકશાહી કૃત્ય છે. લોક સંમતિથી બંધારણને સુધારી પણ શકાય. એની ના ન હોઈ શકે. પરંતુ પાયાના કાર્યકરોની નિષ્ઠા ડગી જાય એટલો દૂષિત માલ રાજકીય રીતે આયાત કરવો એ વિઘાતક પુરવાર થઈને જ રહે એ સાબિત થયું. અહંકાર અને અહંકારી ભાષાના પ્રયોગો કોઈને ગમતા હોતા નથી. એની વરવી પ્રતિક્રિયાઓ આપણને જાેવા મળી.
હિંદુ બહુમતી વધુ મહત્ત્વની અને લઘુમતી બધી રીતે દોષિત એવી વિચારધારા સાથે આગળ વધી રહેલા પક્ષની પાંખો કપાઈ અને બીજા પક્ષો સાથે તડજાેડ કરીને સરકાર રચવી પડશે એવી સ્થિતિ ઊભી થઈ તે એક રીતે સારૂં છે તો બીજી રીતે ખરાબ પણ છે.
વળી પાછી ભારતીય લોકશાહી સંયુક્ત સરકારોના સમયમાં પ્રવેશી છે એ દેશ માટે સારૂં નથી. વચ્ચે સંયુક્ત સરકારોનો બહુ લાંબો સમયગાળો આવી ગયો જે એકંદરે આપણને સારો લાગ્યો નથી. લોકશાહી પ્રક્રિયામાં આત્યંતિક વલણો ધરાવતા પક્ષોને સુધરવું પડે છે, વિચારધારાના અગ્રહો છોડવા પડે છે. એક સ્વસ્થ મનોવલણવાળી સરકાર બનીને પ્રગટ થવું પડે છે, એ સારૂં છે. તો બીજી તરફ, આવી સરકારો કેટલી ચાલશે એ સવાલ ઊભો રહે છે અને દેશ પર અને સરકાર પર મધ્યસત્ર ચૂંટણીઓની તલવાર સતત લટકતી રહે છે. આ ઇચ્છનીય તો નથી પણ અનિવાર્ય બનીને સામે આવે છે.!
છેલ્લા દસ વર્ષમાં પ્રજાનું વધુ પડતું રાજકીયકરણ થયું છે એ અતિ ચિંતાનો વિષય છે. રાજકીય જાગૃતિ વધી નથી પણ બહુમતી પક્ષે ધ્રુવીકરણની જે હરીફાઈ ચાલે છે તેણે દેશનો માહોલ અત્યંત દૂષિત કરી મૂક્યો છે. આ માનસિકતામાંથી એવા અભિપ્રાયો જન્મે છે કે હિંદુઓ ગદ્દારી કરી રહ્યા છે. અયોધ્યાની હાર અને બનારસની ઓછી લીડ પચાવવા માટે જે ઉદાર વલણ જાેઈએ એ અદૃશ્ય થઈ ગયું છે. સોશિયલ મીડિયા એ હદે એકાંતિક અને એક પક્ષી બની ગયું છે. જેને એન્ટી સોશિયલ મીડિયા કહેવું ન ગમે પણ થઈ તો રહ્યું જ છે.!
જે આપણી સાથે નથી તે બધાં આપણી સામે છે એવા માનસથી સમાજ કે સરકાર એકેય સ્વસ્થ રીતે આગળ ન વધી શકે. ‘પાર્ટી વીથ અ ડિફરન્સ’ના સૂત્ર સાથે ભાજપ ભારતીય રાજકારણમાં પ્રવેશ્યો હતો. એ પક્ષ બીજા પણ એવું કરે છે એ દલીલનો સહારો ન લઈ શકે. એની પાસે રાજકારણને યોગ્ય દિશામાં વાળવાનો વિકલ્પ હતો પણ સત્તાનું રાજકારણ વ્યક્તિ અને પક્ષને ક્યાં લઈ જાય છે તે આજે આપણે નિરાશ બનીને જાેઈ રહ્યા છીએ. સીધી સાદી વાત એટલી તો સાબિત થઈ રહી છે કે હિંદુત્વની રાજકીય વ્યાખ્યાને પ્રજાએ નકારી છે. ગમે તેવી મોટી વ્યક્તિ કેમ ન હોય, વ્યક્તિવાદ એ વંશવાદ જેટલી જ ખરાબ બાબત છે.
આશા રાખીએ કે નહેરુ સાથેની સ્પર્ધામાં સત્તા સ્થાને બેસવાની જેમને ત્રીજીવાર તક સાંપડી છે તે પક્ષ અને નેતા પૂરી સમય મર્યાદા સુધી સરકાર ચલાવી જાણે. વિરોધ પક્ષ પણ બદલાની ભાવનાથી સરકાર પડે અને મધ્ય સત્ર ચૂંટણીઓ માથે આવી પડે એવું વાતાવરણ સર્જવાને બદલે સરકાર સરખી રીતે કામ કરે છે કે નહિ એ માટેની સતર્કતા જારી રાખે એ જરૂરી છે.
રાજકારણમાં પૈસાનું અને ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. ચૂંટાયેલા સભ્યો તેમાંથી બાકાત નથી એ મસમોટી ચિંતાનો વિષય છે. નોટા મતોની ટકાવારી વધી રહી છે એ પણ એનો સંકેત કરે છે. ગત લોકસભા કરતાં નવી લોકસભામાં કુલ મહિલા સભ્યોની ટકાવારી ઓછી થઈ છે એ પણ હકીકત છે. આપણે બધા કોમી ધોરણે નહિ પણ નાગરિકતાના ધોરણે લોકશાહીની મૂલવણી કરતાં શીખીએ એ સાચા વિકાસની સાચી દિશા છે. સરકારે તો ઠીક નાગરિકોએ પણ દેશ માટે સાચા અને સારા પુરવાર થવાનું છે.