Tuesday, December 10, 2024
Homeકેમ્પસ વોઇસSIO, ગુજરાત અને CERT દ્વારા આયોજિત વિદ્યાર્થી સંસદમાં આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં...

SIO, ગુજરાત અને CERT દ્વારા આયોજિત વિદ્યાર્થી સંસદમાં આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં વિદ્યાર્થીઓ અને યુવાઓને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો.

સ્ટુડન્ટસ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO), ગુજરાત  અને સેન્ટર ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (CERT), દિલ્હી દ્વારા 28 ઓગષ્ટ, રવિવારે સર્કિટ હાઉસ, શાહીબાગ, અહમદાબાદ ખાતે “વર્તમાન શૈક્ષણિક પરિસ્થિતિનું પૃથક્કરણ : સમસ્યાઓ અને સંભવિત ઉકેલો” વિષય ઉપર વિદ્યાર્થી સંસદનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆતમાં ઇબ્રાહિમ શેઠ (રિસર્ચ એસોસીએટ, CERT) એ કાર્યક્રમના ઉદ્દેશ્યને સમજાવતા જણાવ્યું કે અમે સમજીએ છીએ કે શિક્ષણ અને શૈક્ષણિક વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓ અને યુવાઓના અન્ય મુદ્દાઓ આગામી વિધાનસભાની ચૂંટણીના મહત્વના મુદ્દાઓ તરીકે વિવિધ રાજકીય પક્ષોના મેનીફેસ્ટોમાં સામેલ થવા જોઈએ અને આજની આ વિદ્યાર્થી સંસદમાં આ જ વિષય ઉપર વિમર્શ કર્યા પછી કેટલાક ઠોસ મુદ્દાઓ અને વિદ્યાર્થી સમુદાયની રજૂઆતો વિવિધ રાજકીય પક્ષો સમક્ષ મૂકવામાં આવશે.

કાર્યક્રમના પ્રથમ સેશનના અધ્યક્ષ ડૉ. ઇફતીખાર મલિક (પ્રમુખ, મર્કઝી તાલીમી બોર્ડ, ગુજરાત) એ તેમના વક્તવ્યમાં ગુજરાતની શાળાકીય પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો. જેમાં તેમણે વિવિધ  સમસ્યાઓ જેવી કે પ્રાથમિક સ્તરે થી માધ્યમિક સ્તરે થઈ રહેલા ડ્રોપઆઉટ, સરકારી શાળાઓનો અભાવ, શિક્ષકોની અછત, શાળા શિક્ષણમાં ભગવદગીતાનો સમાવેશ, નવી શિક્ષણ નીતિ વગેરે વિષયો ઉપર પ્રકાશ પાડ્યો. તે પછી સેશનને સંવાદ માટે ખુલ્લું મુકતા હાજર રહેલ વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોએ ઉપરોક્ત વિષયો ઉપર પોતાના પ્રશ્નો, મંતવ્યો, ઉકેલો રજૂ કર્યા. સેશનના અંતે મુનવ્વર હુસૈન (પ્રદેશ સચિવ, SIO ગુજરાત) એ કહ્યું કે સમાજના વિકાસ માટે શિક્ષણને સર્વસમાવેશી બનાવવું આવશ્યક છે. શિક્ષણ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, પછી તે શહેરી નાગરિક હોય કે છેવાડાના ગામમાં રહેતો વ્યક્તિ, દરેકને સમાન શિક્ષણની તકો મળે તે જરૂરી છે. તે માટે સરકારને યોગ્ય પગલાં લેવા જોઈએ. સેશનનું સમાપન કરતાં તેમણે જણાવ્યું કે અમે આપના તરફથી શાળાકીય શિક્ષણને લાગતા આપના મહત્વપુર્ણ સૂચનો અને ભલામણોને વિવિધ રાજકીય પક્ષો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.

કાર્યક્રમના બીજા સેશનના અધ્યક્ષ સાદત હુસૈન (રિસર્ચ સ્કોલર, JNU) એ ભારતની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને તેના  ઐતિહાસિક પરિપેક્ષમાં રજૂ કરી. તેની સાથે ઉચ્ચ શિક્ષણમાં જુદા જુદા સમુદાયોની હિસ્સેદારી, શૈક્ષણિક સંસ્થાનોની ગુણવત્તા, ખાનગીકરણ, શિક્ષણમાં આરક્ષણ, બેરોજગારી, અધ્યાપકોની ભરતીમાં ભેદભાવ વગેરે વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કર્યા. તે પછી કાર્યક્રમમાં હાજર રહેલા સહભાગીઓએ દરેક વિષય ઉપર વિગતવાર ચર્ચા કરી.

કાર્યક્રમના અંતિમ સંબોધનમાં જાવેદ કુરેશી (પ્રદેશ પ્રમુખ, SIO ગુજરાત) એ પરસ્પર સંવાદનું મહત્વ જણાવતા કહ્યું લોકતાંત્રિક દેશમાં દરેકે પોતાના વિચારો અને મંતવ્યો મૂકવાનો અધિકાર છે. આવા કાર્યક્રમો થકી વિવિધ વિચારસરણી ધરાવતા લોકોએ સંવાદ કેળવવો જોઈએ અને રચનાત્મક અભિગમ સાથે ભેગા મળીને સમસ્યાઓનું  સમાધાન મેળવવાના પ્રયાસો કરવા જોઇએ. વધુમાં તેમને કહ્યું કે શિક્ષણ અને યુવાઓના પ્રશ્નો વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો  હોવો જોઈએ અને તેનો સમાવેશ રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં થવો જોઈએ. તેની સાથે તેમણે જણાવ્યું કે આ પ્રયાસને આગળ વધારતા SIO ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત એક વિદ્યાર્થી મેનીફેસ્ટો પણ ટૂંક સમયમાં બહાર પાડશે. અંતે તેમણે હાજર જનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થી અને યુવા સંગઠનના સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments