ત્રિપુરાના ઘણા જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી હિન્દુત્વ સંગઠનોએ લઘુમતીઓના મંદિરો, મસ્જિદો, મિલકતો અને દુકાનોને નિશાન બનાવ્યા હોવાના અહેવાલો છે. કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાના આધારે આ ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. ઘણા દિવસોથી બની રહેલી આ ઘટનાઓ પર પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી ન હોવાનો આરોપ છે.
છેલ્લા 5 દિવસમાં પાંચ જિલ્લાઓમાં 12 મસ્જિદોમાં તોડફોડ કરવામાં આવી છે, મસ્જિદોને નુકસાન થયું છે અને ઘણી મસ્જિદોમાં ધાર્મિક પુસ્તકોને આગ લગાવવામાં આવી છે.
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાના દિવસે થયેલ કોમી ઘટનાને લઈને હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા ત્રિપુરામાં જુદા જુદા સ્થળોએ અનેક મસ્જિદોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. શુક્રવારે પણ ઘણી મસ્જિદો પર હુમલા થયા હતા, શનિવારે ઘણી મસ્જિદોમાં આગ લગાવવાના સમાચાર છે.
વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુત્વવાદી સંગઠનો પર આરોપ લગાડવામાં આવી રહ્યો છે કે તેમના દ્વારા મશાલ સરઘસ કાઢીને દુકાનો, મસ્જિદો અને વિશેષ સમુદાયની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યો છે.
શનિવારે રાત્રે પાલ બજારમાં એક મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી અને ધાર્મિક પુસ્તકોને કથિત રીતે બાળી નાખવામાં આવ્યા હતા. શનિવારે જ કલામચેરા બજારમાં એક મસ્જિદમાં તોડફોડ કરવામાં આવી હતી. શનિવારે જ કૈલાશહર પોલીસ સ્ટેશનના શમીમ અહમદની બેકરીની દુકાનને નિશાન બનાવવામાં આવી હતી.
તેવી જ રીતે 17 ઓક્ટોબરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુસ્લિમ વેપારી અબ્દુલ મન્નાનના ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈદે મિલાદુન્નબી નિમિત્તે ઘણી જગ્યાએ વાતાવરણ બગાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
મુસ્લિમ સમુદાયની ઘણી દુકાનો અને મિલકતોને નુકસાન થયાના અહેવાલો પણ છે..
આ ઘટના સંદર્ભે ત્રિપુરા પોલીસ વિભાગ સાથે વાત કરતા કોઈ પણ પોલીસ અધિકારીનો કોલ રિસીવ થતો નથી, મોટાભાગના નંબરો પર સંપર્ક થતો નથી.
ત્રિપુરાની રાજધાની અગરતલાના પોલીસ કંટ્રોલ રૂમ (હેડક્વાર્ટર) એ અલ્પસંખ્યકોના મંદિરો પરના હુમલા અંગે ઇન્ડિયા ટુમોરોને કોઇપણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમના અધિકારીએ કહ્યું, “અમે ફોન પર આવી માહિતી આપી શકતા નથી. દિલ્હી કંટ્રોલ રૂમ સાથે વાત કરો, અમને લોકોને આવી માહિતી આપવાનો અધિકાર નથી.”
જ્યારે પૂછવામાં આવ્યું કે ત્રિપુરાનો મામલો છે તો દિલ્હી સાથે કેમ વાત કરવામાં આવે ? અગરતલા કંટ્રોલ રૂમના અધિકારીએ કહ્યું, “અમે આ પ્રકારની માહિતી દિલ્હી MHAને આપીએ છીએ. અમે તમને કે મીડિયાને કોઈ માહિતી આપી શકતા નથી. અમને પ્રેસ લોકો સાથે વાત કરવાની મંજૂરી નથી. ” એમ કહીને ફોન કાપી નાખ્યો હતો.
ઇન્ડિયા ટોમોરો સાથે આ ઘટના વિશે વાત કરતા ઉત્તર ત્રિપુરાની ધર્મનગર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સીપીઆઈએમ નેતા અમિતાભ દત્તાએ કહ્યું હતું કે, “આ પ્રકારની ઘટનાને લોકશાહીમાં કોઈ સ્થાન નથી અને વિશ્વમાં ક્યાંય પણ લઘુમતીઓ પર હુમલા નિંદનીય છે.”
સીપીઆઈએમના નેતા અને ઉત્તર ત્રિપુરાની કદમતલા-કુર્તી વિધાનસભાના ધારાસભ્ય ઇસ્લામુદ્દીને ઈન્ડિયા ટુમોરો સાથે વાત કરતા સરકારને નિશાન બનાવી છે અને સ્વીકાર્યું છે કે મસ્જિદો અને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ધારાસભ્ય ઇસ્લામુદ્દીને કહ્યું, “ઘણી મસ્જિદો પર હુમલા થયા છે, વાતાવરણ શાંતિપૂર્ણ નથી. પોલીસે હજુ સુધી તોફાનીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. આ ઘટના અંગે અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી અધિકારીઓને મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે મુખ્યમંત્રીને મળવાનું વિચારી રહ્યા છીએ. “
ત્રિપુરાના રાજવી પરિવાર સાથે જોડાયેલા કલાકાર અને રમતવીર પ્રદ્યોત માણિક્યએ પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વિસ્તારમાં શાંતિ જાળવવાની અપીલ કરી હતી.
શુક્રવારે આ હુમલાઓના સંદર્ભમાં, માનવાધિકાર સંગઠન એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ (APCR) અને વિદ્યાર્થી સંગઠન (SIO) ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાના ડીએમ અને એસપીને મળ્યા અને ઘટના અંગે એક મેમોરેન્ડમ સુપરત કર્યું.
વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુત્વવાદી સંગઠનો પર આરોપ લગાડવામાં આવી રહ્યો છે કે તેમના દ્વારા મશાલ સરઘસ કાઢીને દુકાનો, મસ્જિદો અને વિશેષ સમુદાયની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યો છે.
આ સંગઠનોની રેલી હતી, એવો આરોપ છે કે વિશ્વ હિન્દુ પરિષદની રેલી બાદ હિંસા, હુમલા અને તોડફોડના મામલા સામે આવ્યા છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવની વિધાનસભા ચંદ્રપુરમાં એક મસ્જિદને નિશાન બનાવવામાં આવી છે.