એક બાદશાહ હતો. તેણે પોતાના પ્રધાનોથી કહી રાખ્યું હતું કે હું જેની વાત પર એમ કહું કે “અરે વાહ” તો તમારે તેનું મોઢું મોતીઓથી ભરી દેવાનું…
એક વખત બાદશાહ શિકાર કરવા ગયો. તેના સાથે મોટામોટા દરબારીઓ હતા અને પ્રધાનો પણ હતા. અને થોડુંક લશ્કર પણ હતું. બાદશાહ એક જંગલ પાસે પહોંચ્યો. જંગલના સમીપ જ તેણે જોયું કે એક ઘરડો માણસ અમુક છોડ જમીનમાં લગાવી રહ્યો છે. બાદશાહે તે વૃદ્ધને બોલાવ્યો. તે આવ્યો – સલામ કર્યો અને અદબથી ઊભો રહ્યો.
બાદશાહે તેનાથી કહ્યું, “તમે આટલા બધા વૃદ્ધ થઈ ગયા છો તમારી ભ્રમરો સુદ્ધાં સફેદ થઈ ગઈ છે – હવે તો જાણે કબરમાં પગ લટકી રહ્યા છે – આજે મરી જાવ કે કાલે – છતાં આ છોડ કેમ રોપી રહ્યા છો. આ છોડ શું આઠ દસ વર્ષમાં ફળ આપશે ખરાં! અને તમે તે ફળ ખાવા જીવતા રહેશો ખરાં!!”
વૃદ્ધે બાદશાહને અરજ કરી, “હુઝુર!” મારા વડવાઓએ જે છોડ લગાવ્યા હતા અને છોડમાંથી વૃક્ષ બની ગયા તો તેના ફળ મેં ખાધા…? હવે હું મારા પછી આવનારાઓ માટે આ છોડ રોપી રહ્યો છું. મારા પછી મારા બાળકો અને વંશજો આ છોડના ફળ ખાશે. જેમ તેમણે પોતાની ફરજ નિભાવી તેમ હું પણ મારી ફરજ પૂરી કરૃં છું…
વૃદ્ધની આ વાત બાદશાહને ખૂબજ ગમી તેની જીભથી નીકળ્યું, “અરે વાહ” બાદશાહની જીભથી આ શબ્દ સાંભળતા જ એક અધિકારીએ આગળ વધીને તે વૃદ્ધનું મોઢું મોતીઓથી ભરી દીધું. વૃદ્ધે મોતી પોતાના ખીસામાં મૂક્યા અને પછી બોલ્યો, “હુઝુર! હું માનતો હતો કે મારા હાથથી રોપેલા છોડવા દસ બાર વર્ષ પછી ફળ આપશે પરંતુ મને તો આજે જ આ કામનો બદલો મળી ગયો.”
બાદશાહ તો આ સાંભળીને ખુશ થઈ ગયો, કહ્યું “અરે વાહ” સાંભળીને અધિકારીએ ફરીથી વૃદ્ધનું મોઢું મોતીઓથી ભરી દીધું, વૃદ્ધે મોઢામાંથી મોતી કાઢીને ગજવામાં મૂકયા અને કહ્યું, હુઝુર! મારા હાથે રોપેલ આ છોડ જ્યારે વૃક્ષ બનીને ફળ આપશે ત્યારે તેને બજારમાં લઈ જઈને વેચવા પડશે, પરંતુ મને તો ઘર બેઠાં તેની રકમ મળવા લાગી – એમ કહેવું જોઈએ કે આ તો કુવો તરસ્યા પાસે પોતે જ આવી ગયો.!!
“અરે વાહ, વાહ ભાઈ વાહ” બાદશાહ તો આ વાત સાંભળી ખૂબ જ પ્રસન્ન થઈ ગયો અને તેના મોઢામાંથી બે વાર આ શબ્દો નીકળ્યા અધિકારીએ બે વખત વૃદ્ધનું મોં મોતીઓથી ભરી દીધું. વૃદ્ધે મોંે માંથી મોતી કાઢી કાઢીને ખીસામાં મુકતા કહ્યું,
હુઝુર! મેં મારા વડવાઓથી સાંભળ્યું હતું કે જે દેશનો બાદશાહ ખેડૂતો, માળીઓ અને હસ્તકલાકારોનું સન્માન કરે છે તે દેશના લોકો આજ રીતે માલદાર થતા જાય છે અને તેમના ધનમાં બરકત થાય છે. જેવી રીતે હું આપથી બરકત પ્રાપ્ત કરી રહ્યો છું.
આ વાત ઉપર તો બાદશાહ એટલો ખુશ થઈ ગયો કે ત્રણવાર “અરે વાહ” શબ્દો તેમના મોઢામાંથી નીકળ્યા. આ વખતે ત્રણ વાર વૃદ્ધનું મો મોતીઓથી ભરી દેવામાં આવ્યું. વૃદ્ધ હજુ કંઇક કહેવા માંગતા હતા કે બાદશાહના સલાહકારે આવીને તેમને કહ્યું.
હે સમજદાર બુઝુર્ગ! દરબારનો કાયદો છે કે જે વ્યક્તિની વાત પર બાદશાહની જીભથી ત્રણવાર “અરે વાહ” નીકળે તો તેને મો માંગ્યુુ ઈનામ આપવામાં આવે છે એટલે હવે બાદશાહથી જે ઇચ્છો તે માંગો.
વૃદ્ધ ખેડૂતે અરજ કરી, હુઝુર અમે બાગબાનો અને ખેડૂતોને સૌથી વધારે જરૃર પાણીની પડે છે. તે વગર ખેતી કરવી જ મુશ્કેલ થઈ ગઈ છે જો આપ અમારા ખેતરો અને બગીચાઓ માટે નહેરો ખોદાવી આપો તો અમે આપનો જીવનભર ઉપકાર માનીશું અને આપના માટે હંમેશા દુઆ કરીશું.
બાદશાહે આ ઘરડા ખેડૂતની વાત માની લીધી. અને નહેર ખોદાવવાનો હુકમ આપી દીધો વૃદ્ધ ખૂબજ ખુશ થતો પાછો વળ્યો તેના હાથમાં મોતીઓથી છલોછલ ઝોળી પકડેલી હતી.
તે એ વાતે પણ ખુશ હતો કે તેની એક અરજના કારણે કેટલા બધા ખેડૂતોને પાણી મળશે, તેઓ સારી ખેતી કરી શકશે અને તેમને રાહત મળશે.
આ વાર્તા આપણને બોધ આપે છે કે આપણએ તમામના લાભનું વિચારવું જોઈએ.