માનવીની નૈતિક સમજ એક કુદરતી વસ્તુ છે જેના કારણે તે અમુક ગુણોને પસંદ અને અમુકને નાપસંદ કરે છે. વ્યક્તિગત રીતે માણસોમાં આ ભાવના ભલે ઓછાવત્તા પ્રમાણમાં હોય પરંતુ સામૂહિક રીતે માનવતાએ અમુક નૈતિક ગુણો હંમેશા સારા ગણ્યા છે અને અમુકને ખરાબ.
સત્ય, ન્યાય, વચન-પાલન અને અમાનત કે ઈમાનદારીને માનવ પ્રકૃતિએ હંમેશાથી પ્રશંસનીય ગણ્યા છે અને કદી કોઈ એવો સમય નથી આવ્યો જ્યારે જૂઠ, અન્યાય, વચનભંગ તેમજ ખયાનત કે બેઈમાનીને સારા માનવામાં આવ્યા હોય. સહાનુભૂતિ, દયાભાવ, ઉદારતા તેમજ મોટું મન ધરાવતા ગુણોની માણસો હંમેશ કદર કરતા રહ્યા છે. પરંતુ સ્વાર્થવૃત્તિ, વજાહૃદયતા, મૂંજીપણં અને સંકુચિત મનોદશાને કયારેય ઉચ્ચ સ્થાન મળ્યું નથી. ધીરજ, સહનશીલતા, અડગવૃત્તિ, હિમ્મત તેમજ બહાદુરી એવા ગુણો છે જે સદાથી પ્રશંસાપાત્ર ઠર્યાં છે અને અધીરાઈ, સ્વચ્છંદતા, અનિશ્ચિતપણું, કમ હિમ્મતી અને કાયરતાના કદીય વખાણ કરવામાં આવ્યા નથી. સંયમ, સ્વાભિમાન, ભલાઈ તેમજ મળતાવડા સ્વભાવને હંમેશા સદ્ગુણો માનવામાં આવ્યા છે પરંતુ એવું કદી નથી બન્યું કે મનેચ્છાઓની ગુલામી, અતડાપણું, અસભ્યતા અને આડા વર્તનને સદ્ગુણો માનવામાં આવ્યા હોય. ફરજભાન, વફાદારી, મહેનત અને જવાબદારીભર્યા વર્તનનો હંમેશા આદર કરવામાં આવ્યો છે અને ફરજ ભૂલેલા, બેવફા, કામચોર તથા બિનજવાબદાર લોકોની કદી કદર કરવામાં નથી આવી. એ જ પ્રમાણે સામૂહિક જીવનના સારા તેમજ નરસા ગુણો વિષે પણ માનવતા સદા એકમત રહી છે.
કદરને લાયક હંમેશા તે જ સમાજ રહ્યો છે જેની અંદર વ્યવસ્થા તથા શિસ્ત હોય, સહિષ્ણુતા અને સહકાર હોય, પ્રેમ અને હિતેચ્છા હોય, સામુદાયિક ન્યાય અને સામાજિક સમાનતા હોય. ભેદભાવ, અંધેર, અશિસ્તવર્તન, જુદાઈ અને એક-બીજાથી ભૂંડું ઇચ્છવું જુલ્મ, અન્યાય તથા અસહિષ્ણુતાને કદી સામૂહિક રીતે ઇચ્છવા યોગ્ય ગુણો ગણવામાં નથી આવ્યા. એ જ સ્થિતિ ચારિત્ર્યની ભલાઈ અને ભૂંડાઈની પણ છે. ચોરી, વ્યભિચાર, ખૂન, લૂંટફાટ, છેતરપિંડી અને લાંચરૃશ્વત કદી સારા કાર્યો તરીકે માનવામાં નથી આવ્યા. ભૂંડી ભાષા, માણસોને દુઃખ પહોંચાડવાની મનોવૃત્તિ, કોઈનું પીઠ પાછળ ભૂંડું બોલવું, ચાડી કરવી, અદેખાઈ, ખોટા આરોપ અને કંકાસવૃત્તિને કદી ભલા કાર્યો ગણવામાં નથી આવ્યા. વિશ્વસધાતી, ઘમંડી, ઢોંગી, દ્વિપક્ષી અનીતિવાળા, હઠધર્મી અને અદેખા લોકોને કદી ભલા માણસો માનવામાં આવ્યા નથી. એથી વિરૂદ્ધ મા-બાપની સેવા, સગા-સંબંધીઓની મદદ પાડોશીઓ સાથે સદ્વર્તન, મિત્રો સાથે પ્રેમ, કમજોર લોકોની હિમાયત, અનાથો અને લાચારોની દેખરેખ, બીમારોની સેવા-સુશ્રુષા અને દુઃખીઓની મદદ આ કાર્યો હંમેશા ભલા માનવામાં આવ્યા છે. સદાચારી, મધુરભાષી, સારા સ્વભાવવાળા તથા બીજાના હિતેચ્છુ લોકો સદા માનની દૃષ્ટિએ જોવામાં આવ્યા છે. માનવતાએ હંમેશા પોતાનો સારો વિભાગ તે જ માણસોને ગણ્યા છે જેઓ સત્યવાદી અને ખરા હોય, જેઓ પર દરેક બાબતમાં વિશ્વાસ મૂકી શકાય, જેમની આંતરીક તેમજ બાહ્ય બન્ને સ્થિતિ સમાન હોય, જેમની વાણી અને વર્તનમાં ફેર ન હોય, જેઓ પોતાના હક્ક પર સંતુષ્ટ તેમજ બીજાઓના હક્ક અદા કરવામાં ઉદાર હોય, જેઓ પોતે શાંતિથી રહે અને બીજાઓને પણ શાંતિ આપે, જેમના અસ્તિત્વથી દરેકને ભલાઈની આશા હોય અને કોઈને પણ બુરાઈની શંકા ન હોય.
આ પરથી જણાયું કે માનવીય અખ્લાક (નૈતિક ધોરણો) તે વિશ્વવ્યાપી હકીકતો (સત્યો) છે જેમને બધા જ માણસો સદાથી જાણે છે. ભલાઈ અને બુરાઈ કોઈ છુપી વસ્તુઓ નથી કે જેમને શોધવી પડે. એને તો માનવતા પ્રથમથી જ ઓળખે છે, જેમની ઓળખ માનવ પ્રકૃતિમાં જ આપી દેવામાં આવે છે. આ જ કારણે કુઆર્નમજીદ પોતાની ભાષામાં ભલાઈને ‘મઅરૃફ’ અને બુરાઈને ‘મુન્કર’ વર્ણવે છે. અર્થાત્ ‘મઅરૃફ’ તે વસ્તુ છે જેને બધા ભલાઈ તરીકે ઓળખે છે અને ‘મુન્કર’ તે છે જેને ભલાઈ કે સદ્ગુણ તરીકે કબૂલ નથી કરતું. આ જ હકીકતને કુઆર્ન બીજા શબ્દોમાં આ રીતે વર્ણવે છે ઃ ‘ફઅલહમહા ફુજૂરહા વતકવાહા’ અર્થાત માનવહૃદયને ખુદાએ બુરાઈ અને ભલાઈની જાણકારી ઇલ્હામી અર્થાત પ્રાકૃતિક રીતે જ પ્રદાન કરી દીધી છે.
નૈતિક વ્યવસ્થાઓ વિવિધ કેમ છે ?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે ભલાઈ અને બુરાઈ સર્વવિદિત વસ્તુઓ છે અને દુનિયા હંમેશા અમુક ગુણોના સારા અને અમુક ગુણોના નરસા હોવા પર એકમત રહી છે તો પછી દુનિયામાં વિવિધ પ્રકારની નૈતિક વ્યવસ્થાઓ કેમ છે ? એમની વચ્ચે તફાવત કયા ધોરણે છે ? તે કઈ વસ્તુ છે જેના કારણે આપણે કહીએ છીએ કે ઇસ્લામની પોતાની એક અટલ અને કાયમી (Permanent) નૈતિક વ્યવસ્થા છે ? અને નૈતિક બાબતમાં ઇસ્લામનો તે ફાળો (Contribution) કયો છે જેને તેની વિશેષતા કહી શકાય ? આ સવાલોને સમજવા માટે જ્યારે આપણે જગતની વિવિધ નૈતિક વ્યવસ્થાઓ તરફ નજર કરીએ છીએ તો પ્રથમ દૃષ્ટિએ જ જે ભેદ અથવા તફાવત આપણને દેખાય છે તે વિવિધ નૈતિક ગુણોને જીવનની સામૂહિક વ્યવસ્થામાં સમાવવામાં અને તેમનામાં તફાવતનું કારણ એ જણાય છે કે ખરેખર તેઓ નૈતિક ભલાઈના જ્ઞાનનું પ્રાપ્તિસ્થાન નક્કી કરવામાં ભિન્ન છે અને એમની વચ્ચે એ વિષે પણ તફાવત છે કે કાનૂનોને અમલી બનાવવાની તે શક્તિ (Sanction) કઈ છે જે આપણી વિશેષતા ગણી શકાય અને તે કઈ વિશેષ વસ્તુઓ છે જે માણસને એ કાનૂનનું પાલન કરવા માટે પ્રેરે છે. પરંતુ જ્યારે આપણે આ તફાવતના પણ કારણો શોધીએ છીએ તો અંતે જે હકીકત આપણને જણાઈ આવે છે તે એ છે કે તેઓની વચ્ચે આ બ્રહ્માંડ વિષેના વિચાર, બ્રહ્માંડમાં માનવીનું સ્થાન અને માનવજીવનના ધ્યેય વિષે મતભેદ છે. આ જ મતભેદોએ મૂળથી લઈને ડાળ સુધી એમની આત્મા, પ્રકૃતિ અને રૃપોને એક-બીજાથી બિલ્કુલ જુદા બનાવી દીધા છે. મનુષ્યના જીવનની બાબતમાં મૂળ નિર્ણયાત્મક સવાલો આ છે ઃ જગત (વિશ્વ કે બ્રહ્માંડ)નો કોઈ ખુદા છે કે નહીં ? અગર છે તો એક છે કે અનેક જેની ખુદાઈ માન્ય રાખવામાં આવે ? એના ગુણો ક્યા છે ? આપણી સાથે એનો સંબંધ શું છે ? એણે આપણા માર્ગદર્શનનો કોઈ પ્રબંધ કર્યો છે કે નહિં ? આપણે એની સામે જવાબદાર છીએ કે નહિં ? અગર જવાબદાર છીએ તો આપણે કઈ બાબતનો જવાબ આપવાનો છે ? અને આપણા જીવનનો હેતુ તથા પરિણામ શું છે જેને ધ્યાનમાં રાખીને આપણે કાર્યો કરીએ ? આ સવાલોના જવાબ જે પ્રકારના હશે તે જ પ્રકારની જીવનવ્યવસ્થા બનશે અને એ જ મુજબ નૈતિક વ્યવસ્થા પણ તૈયાર થશે.
આ ટૂંક વિવેચનમાં મારા માટે એ અઘરું છે કે હું દુનિયાની વિવિધ જીવન વ્યસ્થાઓની ચર્ચા કરીને બતાવું કે તેમનાથી કઈ કઈએ આ પ્રશ્નોના ઉત્તર ધારણ કર્યા છે અને જવાબોએ એમના રૃપ તથા માર્ગ નિર્ધારિત કરવામાં કેવી અસર કરી છે ? હું કેવળ ઇસ્લામ વિષે જ અરજ કરીશ કે તેણે આ સવાલોના કયા જવાબ ધારણ કર્યા છે અને એના ધોરણે કેવી વિશેેષ પ્રકારની નૈતિક વ્યવસ્થા તૈયાર થશે.
ઇસ્લામનો જવાબ
આ બાબતે ઇસ્લામનો જવાબ એ છે કે આ વિશ્વનો ખુદા છે અને તે એક જ છે. તેણે જ બ્રહ્માંડ નિર્માણ કર્યું છે. તે જ માલિક, હાકિમ (રાજ્યકર્તા) અને પરવરદિગાર કે પાલનહાર છે અને તેનો કોઈ ભાગીદાર નથી અને તેની જ તાબેદારીથી આ વિશ્વનો સમસ્ત વહીવટ ચાલી રહ્યો છે. હકીમ (જ્ઞાની) છે અને કેવળ તે જ સર્વ સત્તાધીશ છે. ખુલ્લી તથા છુપી વસ્તુઓનો જાણનાર છે, તે કોઈ પણ જાતની ખોડ, ભૂલ, કમજોરી કે ખરાબીથી પાક છે અને એની ખુદાઈ એ રીતે ચાલી રહી છે જેમાં કોઈ જાતની લાગ-લપેટ કે આડાઈ નથી. મનુષ્ય એનો જન્મથી જ બંદો છે અને માણસનું કામ એ જ છે કે તે પોતાના માલિકની બંદગી અને તાબેદારી કરે. એના જીવનનો માર્ગ કદી એ સિવાય ઠીક હોઈ શકતો જ નથી કે તે (જીવન) સંપૂર્ણપણે ખુદાની બંદગી હોય. એ બંદગીની રીત નક્કી કરવી એ માનવીનું પોતાનું કાર્ય નથી, પરંતુ તે ખુદાનું કાર્ય છે જેનો એ બંદો છે. ખુદાએ તેના માર્ગદર્શન માટે પયગમ્બરો (સંદેશવાહકો) મોકલ્યા અને પુસ્તકો (કિતાબો) ઉતાર્યા છે માનવી ફરજ છે કે તે પોતાનો જીવનમાર્ગ માર્ગદર્શનના આ જ સ્ત્રોતોમાંથી ધારણ કરે. માણસ પોતાની જિંદગીના એકેએક કાર્ય બદલ ખુદા સમક્ષ જવાબદાર છે અને એ જવાબ એણે આ જગતમાં નહિં પરંતુ આખિરત (પરલોક)માં આપવાનો છે. દુનિયાની વર્તમાન જિંદગી ખરેખર પરીક્ષાની મુદ્દત છે અને અહીં માનવીની બધી જ મહેનત અને પ્રયત્નો એ ધ્યેય પર કેન્દ્રિત થવા જોઈએ કે તે આખિરતની જવાબદારીમાં પોતાના ખુદા સમક્ષ સફળ થાય. માનવી પોતાના સમગ્ર અસ્તિત્વ સાથે આ પરીક્ષામાં સામેલ છે. એની બધી જ શક્તિઓ તેમજ કાબેલિયતો અર્થાત યોગ્યતાઓની આ કસોટી છે. આખા વિશ્વમાં જે જે વસ્તુઓ સાથે જે જે પ્રકારનું એને કામ પડે છે તે બધાની નિષ્પક્ષ તપાસ થવાની છે કે મનુષ્યે કોની સાથે કેવું વર્તન દાખવ્યું અને એ તપાસ તે હસ્તી (અલ્લાહ) કરવાની છે જેણે પૃથ્વીના અણુઓ ઉપર, તેમજ હવા તેમજ પાણી ઉપર, વાતાવરણની લહેરો ઉપર અને સ્વયં માનવીના દિલ તેમજ મસ્તિષ્ક ઉપર તથા હાથો, પગો ઉપર કેવળ એના હલનચલનનો જ નહી બલ્કે એના વિચારો અને ઇરાદાઓની પણ નોંધ (Record) મેળવી રાખી છે.
આ છે તે જવાબ જે ઇસ્લામે જીવનના પાયાના પ્રશ્નોના ઉત્તર રૃપે આપ્યો છે. વિશ્વ તેમજ માનવી વિષેના આ ખ્યાલ તે અસલી અને સર્વોચ્ચ અંતિમ ભલાઈ નિર્ધારિત કરી દે છે, જેનું જ્ઞાન ઇન્સાનના પ્રયત્નો અને અમલો (કાર્યો)નું ધ્યેય હોવું જોઈએ અને એ છે ખુદાની રઝા (ખુશી). આ છે તે ધોરણ જેના પર ઇસ્લામી નૈતિક-વ્યવસ્થામાં કોઈ પણ કાર્ય પદ્ધતિ તપાસીને ફેંસલો કરવામાં આવે છે કે એ ભલી છે કે બુરી. આ નિર્ધારથી અખ્લાકને તે કેન્દ્રબિંદુ પ્રાપ્ત થઈ જાય છે જેની આજુબાજુ આખું નૈતિક જીવન ફરે છે અને તેની સ્થિતિ લંગરવિહોણા વહાણ જેવી નથી રહેતી જેને પવનના સપાટા અને સમુદ્રના મોજા ગમે તે દિશાએ ઘસડતા ફરે. આ નિર્ધાર એક એવું કેન્દ્રિત ધ્યેય નજર સમક્ષ મૂકી દે છે જેના આધારે જીવનમાં બધા જ નૈતિક ગુણોની યોગ્ય હદો, યોગ્ય સ્થાનો અને યોગ્ય અમલી રૃપો પણ નક્કી થઈ જાય છે અને આપણને તે સ્થાયી નૈતિક ધારાધોરણે (Values) પ્રાપ્ત થઈ જાય છે જે તમામ બદલાતી પરિસ્થિતિઓ તથા સમયોમાં પોતાને સ્થાને કાયમ રહી શકે. વળી સૌથી અગત્યની વાત એ છે કે ખુદાની ખુશી ધ્યેય બની ગયા પછી અખ્લાક (ચારિત્ર્ય)ને એક અતિ ઉચ્ચ અવકાશ મળી જાય છે, જેના કારણે નૈતિક પ્રગતિની શકયતાઓ અનંત બની શકે છે અને કોઈ સ્થાને પણ ખુદગર્ઝી કે મતલબપરસ્તી અર્થાત્ સ્વાર્થ વૃત્તિની ખરાબી એને કલંકિત કરી શકતી નથી.
નૈતિક ભલાઈ-બુરાઈનું ધોરણ અર્પણ કર્યા પછી ઇસ્લામ વિશ્વ તથા માવન વિષેના તે જ વિચાર વડે આપણને નૈતિક ભલાઈ તથા બુરાઈના જ્ઞાનનો બીજો કાયમી માર્ગ પણ આપે છે. એણે આપણા નૈતિક જ્ઞાનને કેવળ બુદ્ધિ અથવા ઇચ્છાઓ યા અનુભવો કે વિવિધ ઇન્સાની વિદ્યાઓ પર અવલંબિત નથી કર્યું કે સદા બદલાતા નિર્ણયોથી આપણા નૈતિક કાનૂનો પણ બદલાતા રહે અને તેમને કોઈ મક્કમતા પ્રાપ્ત જ ન થઈ શકે. પરંતુ તે (ઇસ્લામ) આપણને એક નિશ્ચિત સ્ત્રોત આપે છે અર્થાત્ ખુદાની કિતાબ અને એના રસૂલ સ.અ.વ.ની સુન્નત જેના વડે આપણને દરેક જમાનામાં નૈતિક સૂચનો મળ્યા કરે છે અને એ સૂચનો એવા છે કે તે નાની ઘરેલૂ બાબતથી માંડીને આંતરરાષ્ટ્રીય રાજકારણના પ્રશ્નો સુધી દરેક ઠેકાણે આપણું માર્ગદર્શન કરે છે. વળી એ સૂચનો એવા વિસ્તૃત છે કે જે વડે માનવજીવનની પ્રત્યેક બાબત એ નૈતિક (અખ્લાકી) નિયમોના બંધનોમાં આવી જાય છે અને આપણને કોઈ પણ સ્થળે નૈતિક જ્ઞાન માટે કોઈ બીજા માર્ગની જરૃર પડવા નથી દેતા. વળી સૃષ્ટિ અને ઇન્સાન વિષેના આ ઇસ્લામી દૃષ્ટિકોણમાં અમલ કરવાની શક્તિ (Sanction) પણ મોજૂદ છે અને તે છે ખુદાનો ભય, આખિરત (પરલોક)ના સવાલ-જવાબની બીક અને હંમેશ માટે ભવિષ્ય ખરાબ થઈ જવાની ધાસ્તી. જોકે ઇસ્લામ એક શક્તિશાળી પ્રજામત પણ કેળવવા માગે છે કે જે સમૂહજીવનમાં વ્યક્તિઓ તેમજ સમૂહોને નૈતિક સિદ્ધાંતોની પાબંદી માટે બળજબરી કરે અને એવું રાજ્યતંત્ર પણ બનાવવા માગે છે જેની સત્તા નૈતિક કાનૂનને બળપૂર્વક અમલી બનાવે. પરંતુ તેનો મૂળ વિશ્વાસ આ બાહ્ય દબાણ પર નથી પણ તે આંતરિક દબાણ પર છે જે ખુદા અને આખિરતની માન્યતા (Belief in Life Hereafter) માં સમાયેલું છે. નૈતિક હુકમો આપતા પહેલાં ઇસ્લામ માણસના મનમાં એ વાત ઉતારવા માગે છે કે તારો સંબંધ તે ખુદા સાથે છે જે દરેક સમયે દરેક ઠેકાણે તને જોઈ રહ્યો છે. તુ આખી દુનિયાથી સંતાઈ શકે છે પણ તેનાથી છુપાઈ નથી શકતો. આ જગતને છેતરી શકે છે પણ તેને છેતરી નથી શકતો; જગત તો કેવળ તારા જાહેર સ્વરૃપને જ જુએ છે પરંતુ તે તો તારી નીયતો(સંકલ્પ) અને ઇચ્છાઓને પણ જાણી લે છે. દુનિયાના આ ટૂંકા જીવનમાં ભલે તું ગમે તેવું કરી લે, પરંતુ એક દિવસ તારે જરૃર મરવાનું છે અને તે અદાલતમાં રજૂ થવાનું છે જ્યાં વકીલાત, લાંચ-રૃશ્વત, ભલામણ, ખોટી સાક્ષી કે છેતરપિંડી વગેરે કંઈ જ નહિ ચાલે અને તારા ભવિષ્ય વિષે સાફ નિષ્પક્ષ ફેંસલો થઈ જશે.
આ માન્યતા બેસાડીને જાણે ઇસ્લામ પ્રત્યેક ઇન્સાનના દિલમાં પોલીસનો પહેરો ગોઠવી દે છે જે અંદરથી હુકમોનું પાલન કરવા માટે મજબૂર કરે છે પછી ભલે બહાર હુકમોનું પાલન કરવા માટે કોઈ પોલીસ, અદાલત અને જેલ હોય કે ન હોય. ઇસ્લામના નૈતિક કાનૂનોનું પીઠબળ ખરી રીતે આ અકીદાઓ (માન્યતાઓ) જ છે જે એને અમલી બનાવે છે. પ્રજામત અને સરકારની સત્તા એના અનુમોદનમાં હોય તો તે વધુ સારી વાત છે નહિતર કેવળ આ ઈમાન પણ મુસ્લિમ વ્યક્તિઓ તેમજ મુસ્લિમ કોમને સીધા માર્ગે ચલાવી શકે છે, પરંતુ એ શરતે કે દિલોમાં ખરેખર ઈમાનને સ્થાન હોય ?
ભલા કાર્યોની પ્રેરણાઃ
વિશ્વ અને માનવી વિષેનો આ દૃષ્ટિકોણ તે તત્ત્વો પણ પૂરા પાડે છે જે માનવીને નૈતિક નિયમોનું પાલન કરવા પ્રેરે છે. ઇન્સાનનું એ વાત પર રાજી થઈ જવું કે તે ખુદાને માને અને તેની બંદગીને પોતાનો જીવન માર્ગ બનાવી લે એ જ એ વાત માટે પૂરતું પ્રેરણારૃપ છે કે તે હુકમોનું પણ પાલન કરે જેના વિષે એને ખાતરી થઈ જાય કે એ ખુદાના હુકમો છે. આ પ્રેરણાની સાથે જ બીજું શક્તિશાળી પ્રેરક તત્ત્વ આખિરત વિષેની એ માન્યતા પણ છે કે મનુષ્ય ખુદાઈ આજ્ઞાઓનું પાલન કરશે તેના માટે સદા રહેનાર જીવનમાં એક ઉજ્જવળ ભવિષ્ય નિશ્ચિત છે પછી ભલે દુનિયાની આ અસ્થાયી જિંદગીમાં એને ગમે તેટલી મુશ્કેલીઓ, નુકસાનો અને તકલીફો સહન કરવી પડે. એથી વિરૂદ્ધ જે માણસ અહીંયાથી ખુદાના હુકમોનું અનાદર કરીને જશે તેને કાયમની સજા ભોગવવી પડશે. પછી ભલે દુનિયાના આ ટૂંકા જીવનમાં એ ગમે તેવી મજાઓ લઈ લે. આ આશા અને ડર કોઈના દિલમાં સમાઈ જાય તો એમનામાં એવી જબરજસ્ત પ્રેરક શક્તિ પેદા થાય છે કે તે તેને એવા સંજોગોમાં પણ ભલાઈ માટે તૈયાર કરી શકે છે જ્યાં ભલાઈનું પરિણામ આ જગતમાં ભયંકર હાનિકારક જણાતું હોય અને એવા સંજોગોમાં પણ તેને બુરાઈથી દૂર રાખી શકે છે જ્યાં બુરાઈ ઘણી જ આકર્ષક અને લાભકારક જણાતી હોય.
ઇસ્લામી નૈતિક વ્યવસ્થાઓની વિશેષતાઓઃ
ઉપલા વિવેચન પરથી એ વાત જણાય છે કે ઇસ્લામ વિશ્વ વિષેનો પોતાનો દૃષ્ટિકોણ, ભલાઈ-બુરાઈના ધોરણો, નૈતિક-જ્ઞાનનું પ્રાપ્તિસ્થાન, પોતાના કાનૂનને અમલી બનાવવાની શક્તિ તથા પ્રેરક તત્ત્વો અલગ ધરાવે છે અને એના જ વડે નૈતિક ભલાઈઓને પોતાના ધોરણો મુજબ જીવનના બધા જ વિભાગોમાં અમલી બનાવે છે. આ જ કારણે એમ કહેવું યોગ્ય છે કે ઇસ્લામ પોતાની એક સંપૂર્ણ તેમજ સ્થાયી નૈતિક-વ્યવસ્થા ધરાવે છે. એ વ્યવસ્થાની એમ તો ઘણી વિશેષતાઓ છે, પરંતુ એમાંની ત્રણ સૌથી વધુ દેખીતી છે જેમને એનો મહત્વનો વિશેષ ફાળો કહી શકાય. પહેલી વિશેષતા એ છે કે તે ખુદાની ખુશનુદી (પ્રસન્નતા)ને ધ્યેય બનાવીને ચારિત્ર્ય માટે એક એવું ઉચ્ચ ધોરણ પૂરૃં પાડે છે જેની કોઈ સીમા નથી રહેતી. જ્ઞાનનો એક સ્ત્રોત(કે પ્રાપ્તિસ્થાન) નક્કી કરીને તે ચારિત્ર્યને સ્થિરતા પૂરી પાડે છે જેમાં પ્રગતિની શકયતાઓ તો છે પરંતુ એવી મક્કમતા અને સ્થિરતાઓ કે ફેરબદલ અશકય છે. વળી ઇસ્લામ ખુદાના ડર વડે અખ્લાકને અમલી બનાવવાની તે શક્તિ આપે છે કે જે બાહ્ય દબાણ વિના માણસ પાસે એનું પાલન કરાવે છે અને ખુદા તેમજ આખિરત (પરલોક)ની માન્યતા વડે માનવીમાં તે પ્રેરણા પ્રદાન કરાવે છે જે તેનામાં આપમેળે જ નૈતિક કાનૂન પર અમલ કરવાની ઉમંગ તથા ઉત્સુકતા પેદા કરે છે. બીજી વિશેષતા એ છે કે તે વિના કારણે નિરર્થક વાતો વડે અમુક પ્રકારના વિચિત્ર નૈતિક ધોરણો રજૂ નથી કરતો અને ન તો માનવી જેને જાણતો આવ્યો છે એવા નૈતિક ધોરણોમાં કંઈ વધઘટ કરવાનો પ્રયત્ન કરે છે. તે જ નીતિઓને લે છે જેને બધા જ સારી રીતે સમજે છે અને એમનામાંથી પ્રત્યેકનું યથાયોગ્ય સ્થાન, સામૂહિક-જીવન, દેશનું રાજકારણ, આર્થિક કારોબાર મંડી-બજાર, સ્કૂલ, અદાલત (કચેરી), પોલીસ લાઈન, મિલિટરી કેમ્પ, રક્ષણક્ષેત્ર કે સુલેહની સભા બધાને આવરી લે છે અને જીવનનું કોઈ અંગ કે વિભાગ એવો નથી રહેતો કે જે અખ્લાકની સર્વવ્યાપી અસરથી બચી જાય. દરેક સ્થળે અને જીવનના પ્રત્યેક વિભાગમાં તે અખ્લાક (નૈતિકતા)ને આજ્ઞાકારી બનાવે છે અને એ વાતનો પ્રયત્ન કરે છે કે જીવનના કારોબાર કે વ્યવહારની લગામ મનેચ્છાઓ, સ્વાર્થ કે લાભવૃત્તિના બદલે અખ્લાક (નૈતિકતા) ના હાથમાં રહે.
ત્રીજી વિશેષતા એ છે કે માનવવંશ પાસે એક એવી જીવનવ્યવસ્થાની માગણી કરે છે જે ‘મઅરૃફ’ (ભલાઈ) પર રચાયેલી હોય અને ‘મુન્કર’ (બુરાઈ)થી પાક હોય. એની દઅવત(આમંત્રણ) એ જ છે કે આવો આપણે તે ભલાઈઓની સ્થાપના કરીએ અને વિસ્તારીએ જેમને માનવતાના આત્માએ હંમેશા ભલી ગણી અને ચાલો તે બુરાઈઓને દબાવીએ અને નાબૂદ કરી દઈએ જેમને માનવતાએ સદા બૂરી સમજી છે. આ દઅવતને જે લોકોએ માન્ય રાખી તેને એકત્રિત કરીને ઇસ્લામે એક ઉમ્મત બનાવી જેનું નામ મુસ્લિમ હતું અને એક ઉમ્મત બનાવવાનો ધ્યેય કેવળ એ જ હતો કે તે ભલાઈઓને કાયમ કરવા અને ફેલાવવા અને બુરાઈઓને દબાવવા માટે ક્રિયાશીલ વ્યવસ્થા કરે. હવે જો એ જ ઉમ્મતના હાથે ભલાઈઓ રોકવા અને બુરાઈઓ ફેલાવા લાગે તો એ શોક કરવા જેવી વાત છે. સ્વયં તે ઉમ્મતને માટે પણ અને આખી દુનિયાને માટે પણ.