જમાઅતે ઇસ્લામી હિંદના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અને જાણીતા ઇસ્લામી વિદ્વાન પ્રોફેસર કે. એ. સિદ્દીક હસન સાહેબની ફાની દુનિયામાંથી વિદાય
પ્રો. કે. એ. સિદ્દીક હસન સાહેબ ભારતના કેરળના ઇસ્લામિક વિદ્વાન હતા. તે વિઝન 2016ના મુખ્ય આર્કિટેક્ટ હતા. તેમણે જમાઅતે ઇસ્લામી હિંદના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી.
હસન સાહેબે યુનિવર્સિટી કોલેજ, તિરુવનંતપુરમ અને મહારાજા કોલેજ, એર્નાકુલમ સહિત વિવિધ કોલેજોમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તેમણે 1990 થી 2005 સુધી જમાઅતે ઇસ્લામી હિંદ-કેરળના પ્રમુખ તરીકે સેવા આપી હતી.
તેઓ માધ્યમમ દૈનિક અને સાપ્તાહિકના સંસ્થાપકોમાં સામેલ હતા, જે હવે કેરળના અગ્રણી અખબારોમાંનુ એક છે અને સાત દેશોમાંથી પ્રકાશિત થતું પ્રથમ ભારતીય અખબાર છે.
અંકારા યુનિવર્સિટીના પ્રો. ઉમેર અનસે તેમના શોક સંદેશમાં ફેસબુક ઉપર લખ્યું હતું કે, “મને નથી ખબર કે હિંદની ઇસ્લામી મિલ્લતે સ્વાતંત્ર્ય પછી કયારેય કોઈ એવી વ્યક્તિઓને જન્મ આપ્યો હોય, જેનામાં ઇકબાલ ના મર્દે મોમિનના આટલા બધા ગુણો એકી સાથે એકઠાં થયા હોય, જેટલા પ્રોફેસર સિદ્દીક હસનના વ્યક્તિત્વમાં એકઠા થયા હતાં. તેમને માત્ર જમાઅતે ઇસ્લામીના નેતા તરીકે ઓળખવા બહુજ અપૂરતી ઓળખ ગણાશે. એમની સાચી ઓળખ મેળવવા કેરાલાના મુસ્લિમો ને પૂછવું પડે, જેમના માટે આજે ભારે દુખનો દિવસ છે. તેમના ડહાપણ સભર વ્યક્તિત્વ અને નેતૃત્વ માટે ગમે તે એવોર્ડ અપૂરતો હશે. કોઈ માનવ શરીર, ધૈર્ય અને સાદગીનું પ્રતિક, એમના જેવું મેં નથી જોયું. કેરાલા રાજ્યના મુસલમાનો ભારતના તમામ મુસલમાનોમાં નબવી યુગ અને નબીએ અકરમ સ.અ. વ.ના અનુસરણ માં, સૌથી નજીકના મુસલમાનો છે. તેઓ આજે પોતાના પરવરદિગાર સમક્ષ હાજર થઈ ગયાં છે. સંતૃષ્ટ આત્મા અને એવી સ્થિતિમાં કે તેઓ અલ્લાહથી રાજી હોય અને અલ્લાહ તેમનાથી રાજી.”
જમાઅતે ઇસ્લામી હિંદના સચિવ ડો. મોહિયુદ્દીન ગાઝી સાહેબે કહ્યું કે, આજે અલ્લાહના વલી (દોસ્ત) ચાલ્યા ગયા છે. ખૂબ મહાન વ્યક્તિ, મહાનતાના પર્યાય, જેનાથી અમે હિંમત અને જુસ્સાનો પાઠ લેતા, જેમનાથી મળીને ઇમાનની તાજગી પ્રસરી જતી, જેમણે કંઈક કરી છૂટવાની રૂચિનો સંચાર કર્યો, જેમના એક ઈશારે બધું જ ત્યજી દેવા તૈયાર થઈ જતાં, અલ્લાહની રહેમત થાય સિદ્દીક હસન સાહેબ આપ પર.. મારૂં દિલ આપની યાદોનું સુંદર સઁગ્રહસ્થાન છે.”
આ પ્રસંગે જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ શકીલઅહમદે જણાવ્યું છે કે “પ્રોફેસર કે. એ. સિદ્દીક હસન સાહેબના અવસાનના સમાચાર ભારે આઘાત સમાન પુરવાર થયા. અલ્લાહતઆલા મર્હૂમની કબ્રને નૂરથી ભરી દે, તેમની મગફિરત ફરમાવે અને જન્નતુલ ફિરદૌસમાં ઉચ્ચ દરજ્જાથી નવાઝે.” વધુમાં જણાવ્યું કે, સિદ્દીક હસન સાહેબનું નામ ઇસ્લામી તેહરીકના વડીલોમાં મોખરે છે જેમની પાસેથી ઘણા લોકો ગતિશીલતા, સારૂં સંચાલન અને શિષ્ટાચાર શિખ્યા છે. માંદગી અને અન્ય બિમારીઓને કારણે તે વર્ષોથી સક્રિય જાહેર જીવનથી દૂર હતા. પરંતુ તેમ છતાં, તેમનું અસ્તિત્વ આપણા જેવા ઘણા લોકો માટે પ્રોત્સાહનનું માધ્યમ હતું. હવે તેઓ ઇતિહાસનો એક ભાગ બની ગયા છે, પરંતુ તેમના ઇતિહાસ અને તેમની જીવની આવનારી પેઢીને પ્રેરણા આપવાનું ચાલું રાખશે. અલ્લાહ તેમના કુટુંબિજનો અને સંબંધિતોને સબ્રે-જમીલ એનાયત કરે, અને તેમનો બહેતર વિકલ્પ અર્પે.”