મનુષ્ય જીવન ખૂબ જ જટિલ છે. તેની વાસ્તવિકતા પર પ્રકાશ પાડતાં અલ્લામા ઇકબાલે ખૂબ જ સરસ પંક્તિ કહી છે જેનો ભાવાર્થ છે, “આ મનુષ્ય રહસ્યને ઉજાગર કરવાવાળો છે અને પોતે એક રહસ્ય છે.” વ્યક્તિ કોણ છે? એ પ્રશ્ન જ નક્કી કરશે કે જીવનની દિશા શું હોવી જાેઈએ. તેના બે જવાબ હોઈ શકે, અને બંને જવાબ ઉપર એક વિચારધારાનું નિર્માણ થાય છે. હું આકસ્મિકરૂપે પ્રાકૃતિક પસંદગીના પરિણામે અસ્તિત્વમાં આવેલો એક જીવ માત્ર છું. મારી વિશેષતા માત્ર મારી બુદ્ધિ છે. બાકી બીજી બધી રીતે મારૂં અસ્તિત્વ એક પશુથી વિશેષ નથી. હું એક સામાજિક પ્રાણી છું. મારૂં અસ્તિત્વ સ્વતંત્ર છે, મારા જીવન પર મારો અધિકાર છે. વ્યક્તિગત કે સામાજિક જીવનમાં આવતી આંટી-ઘૂંટીનું નિરાકરણ લાવવા હું સક્ષમ છું. હા, સામાજિક પ્રાણી હોવાથી મારે બીજાને નુકસાન નથી પહોંચાડવું, પરંતુ મારે મારી ઇચ્છા મુજ્બ જીવવામાં કોઈ અડચણ ન જાેઈએ. મૃત્યુ એ જીવનનો અંત માત્ર છે. મૃત્યુ પછી કશું નથી. આ માનસિકતાએ eat, drink and be marryની વિચારધારાને જન્મ આપ્યું.
ચર્ચાના અત્યાચારોના કારણે લોકો ધર્મથી વિમુખ થવા લાગ્યા. તે દરેક વસ્તુનો વિરોધ કરવામાં આવ્યો જે ધર્મ સાથે જાેડાયલી હતી, અને જીવનની સમગ્ર ઇમારતનો આધાર ભૌતિકવાદી વિચારધારા પર મૂકવામાં આવ્યો. વીસમી સદીના વર્ષો સુધી પશ્ચિમે સ્ત્રીઓને મૂળભૂત અધિકારોથી વંચિત રાખી જેના પરિણામે જાેરદાર પ્રતિક્રિયા ઊભી થઈ અને નારીવાદી વિચારો જાેતજાેતાંમાં આખી દુનિયામાં ફેલાઈ ગયા. નારીવાદી આંદોલનકારીઓએ gender biasness (લૈંગિક ભેદભાવ)ને મુદ્દો બનાવી તેને નાબૂદ કરવાનું બીડું ઝડપ્યું. માર્કસવાદી વિચારકોએ પણ તેને ઉત્તેજન આપ્યું કે જે કાર્ય પુરુષ કરી શકે છે તે સ્ત્રી પણ કરી શકે છે. તે જ અરસામાં ઔદ્યોગિકરણના કારણે વર્કફોર્સની જરૂર ઊભી થઈ અને સ્ત્રીઓને પણ ઘરથી બહાર કાઢવામાં આવી. સ્ત્રીને સશક્ત કરવા તેમની લગ્ન પ્રથાને હતોત્સાહિત કરી. તેના કારણે પરિવારના મૂળ ઊખડવા લાગ્યા. વ્યક્તિની જાતીય ઇચ્છા કે જે લગ્નના પવિત્ર બંધન અને પારિવારિક જવાબદારીઓ સાથે સંકળાયેલી હતી તેની પૂર્તિ માટે લીવ ઇન રિલેશનશિપ, વેશ્યાવૃત્તિ, અનૈતિક સંબંધો વધવા લાગ્યા. આગળ વધીને સમલૈંગિકતાને પ્રાકૃતિક ઘટના માનવામાં આવી. મૂડીવાદી સામ્રાજ્યવાદે કામેચ્છાની પૂર્તિ માટે સેક્સ ટોયસ બનાવી આપ્યા. વ્યક્તિનું કેન્દ્ર માત્ર તેની જાત રહી ગઈ. આમ મૂળભૂત રીતે વ્યક્તિવાદ, લૈંગિક સમાનતા અને અશ્લીલતાએ પશ્ચિમી સમાજના તાણા-વાણા વેર-વિખેર કરી નાખ્યા.
Eleanor mills નામની એક વ્યક્તિ spectator નામના સામયિકમાં લખે છે કે તેમના વયની ૨૦ વર્ષની મઘ્યમવર્ગની છોકરીઓ કે જેઓ સ્વસ્થ અને સુંદર છે, બાળકો પેદા કરવા નથી માગતી. કેમકે તેઓ બે જ વસ્તુઓમાં રુચિ લે છે. એક છે સ્વરૂપ અને બીજી દોલત; તેથી તેઓ લગ્ન જેવી ઝંઝટ પાળવા નથી માગતી.
હું સંપૂર્ણપણે આઝાદ છું, હું બંધનો સાથે જીવવા નથી માગતી. હું ઇચ્છું તેમ આર્થોપાર્જન કરૂં, હું ઇચ્છું તેમ પોતાની જાતીય જરૂરતો પૂર્ણ કરૂં, હું ઇચ્છું તેવા કપડાં પહેરૂં, દુપટ્ટો તને પસંદ છે તો તારા મોઢે રાખ. હું ઇચ્છું તેમ રહું, લગ્ન કરવા કે ન કરવા અને બાળકો પેદા કરવા કે ન કરવા તેના માટે હું સ્વતંત્ર છે. હું કોઈ મશીન નથી. હું એ કરીશ જેમાં મને મજા આવશે. મારી રહેણી-કરણી હું પોતે નક્કી કરીશ. કેમકે “મારૂંં જીવન મારી મરજી.”
પરિણામ
આ હતું વિચારોનું પ્રદૂષણ કે જેણે ન માત્ર પારિવારિક વ્યવસ્થાની ઘોર ખોદી નાંખી, બલ્કે સમગ્ર સમાજને છિન્ન-ભિન્ન કરી નાખ્યું. “મારૂં જીવન મારી મરજી” સૂત્ર જેટલો સોહામણો હતો તેના પરિણામ તેટલા જ કડવા આવ્યા. યુવાનીના નશામાં તેને ભવિષ્યનું અંધકાર ન દેખાયું. ધીમે ધીમે તેનું સ્વરૂપ ઢળી ગ્યું, તેમાં કોઈ આકર્ષણ ન રહ્યું, વૃદ્ધાવસ્થા કે જયારે તેને બીજા આધારની સૌથી વધુ જરૂર હતી તે એકલી અટૂલી પડી ગઈ. માનસિક ડિપ્રેશનની શિકાર થઈ ગઈ. બિહામણી મોત મરી, અથવા આત્મહત્યા કરી લીધી. હવે અંતિમ અવસ્થામાં થતી તકલીફોનું નિરાકરણ લાવવા મરસી કિલિંગ (ઇચ્છા મૃત્યુ)ને કાયદાકીય કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. લગ્ન વગર પેદા થયેલા બાળકોનું શિક્ષણ-પ્રશિક્ષણ બગડ્યું તેના પરિણામે બાળ અપરાધોમાં વૃદ્ધિ થઈ. સંબંધોની પવિત્રતા ખત્મ થવા લાગી. બળાત્કારની ઘટનાઓ અને ગર્ભપાતના આંકડાઓ વધવા લગ્યા. વૃદ્ધાશ્રમોની સંખ્યા પણ વધી. સ્ત્રીએ જ આ નારાઓને આવકાર્યા હતા. તેમણે જ વધુ ભોગવવું પડ્યું. પુરુષોની સમકક્ષ બનવામાં તેણે પોતાનું સ્ત્રીત્વ ગુમાવી દીધું. પોતાની ઓળખ ઊભી કરવા જતાં પોતાનું અસ્તિત્વ જ ખોઈ બેસી. સશક્તિકરણની દોડમાં પરિવાર શક્તિ જતી રહી. અધિકારની લડાઈમાં ફરજ ચૂકી ગઈ. સ્વમાનની શોધમાં આત્મદોષથી પીડાઈ. મોહક જીવન-શૈલીના ફંદામાં ફસાઈને ચિંતાને શરણે થઈ.
“મારી મરજી”નું દૃષ્ટિકોણ કેટલું સફળ થયું? બદલાયું શું ?
સમયનું ચક્કર ઘૂમ્યું પરંતુ સ્ત્રીની સ્થિતિમાં વિશેષ પરિવર્તન ન આવ્યું. દૂધપીતી પ્રથાથી મૃત્યુ પામતી હવે જન્મ પહેલાં જ ગર્ભપાત થકી મરવા લાગી. આત્માવિહીન સમજવામાં આવતી હવે સામગ્રી (comodity) બની ગઈ. ગુલામી જેવી પરિસ્થિતિમાંથી નીકળી તો હવે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ફસાઈ ગઈ. મજબૂરીમાં વેશ્યાવૃત્તિ ગમન કરતી હવે વિકાસ પામી કોલ-ગર્લ બની ગઈ. કાલે પુરુષ પ્રધાનતાને આધીન હતી. આજે ભૌતિકતાની ગુલામ બની ગઈ. કાલે સતિ થવું પડતું હતું, આજે આત્મહત્યા કરવી પડી રહી છે. સ્ત્રીને કયાંય ન્યાય નથી મળ્યો. એક છેડાથી બીજા છેડા સુધી સેંકડો વર્ષોની લાંબી સફર ખેડ્યા પછી પણ તે માનભેર જીવન માટે તરસતી રહી. પહેલાં ખોટી ધાર્મિકતાની વેદના વેઠતી હતી. હવે આજે સ્વતંત્ર વિચારોના ઘાથી પીડાઈ રહી છે. બલ્કે કંઈક અંશે આર્થિક પગભરતા આવી છે, પરંતુ એકંદરે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે.
આ પરિસ્થિતિ માત્ર સ્ત્રી સુધી સીમિત નથી, એ પુરુષો કે જેમણે પોતાની મનેચ્છાઓની ગુલામી કરી તેઓ પણ છેવટે સુંદર અને નૈતિક સમાજની રચનામાં નિષ્ફળ જ ગયા. જાતીય આવેગોએ તેના વાસ્તવિક અસ્તિત્વનું શિરચ્છેદ કરી નાખ્યું, પ્રાકૃતિક અને અપ્રાકૃતિક, કાયદાકીય અને ગેરકાનૂની એમ બધી રીતે કામ-ક્રીડામાં લિપ્ત થઈ ગયો. જીવનનો એક માત્ર ઉદ્દેશ્ય જયારે મનોરંજન અને વૈભવી જીવન ઠર્યો તો સાચા-ખોટા, વૈધ-અવેધ, નૈતિક- અનૈતિક, બધા જ ધોરણો નેવે મૂકી એની પ્રાપ્તિ માટે મશ્ગૂલ થઈ ગયો. તેના લીધે વિવિધ પ્રકારના ભયંકર રોગોનો ભોગ બન્યો, પરિવારો તૂટવા લાગ્યા, અત્યાચાર અને હિંસાનો વિકાસ થયો. વિશ્વાસ અને સંતોષે વિદાય લીધી. પ્રેમ, ધૈર્ય, ત્યાગ,સમતા અને સહિષ્ણુતા કે જેઓ ચરિત્ર નિર્માણ અને સમાજ રચનામાં ખમીરનો ભાગ ભજવતા હતા લકવાગ્રસ્ત થઈ ગયા.
આજે મનુષ્ય ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ સમક્ષ ઘૂંટણિયે પડયા છે, લાચાર અને વિવશ. કોઈ માર્ગ સૂઝતો નથી. પાખંડી ધાર્મિકતાના પરિણામ પણ ભોગવ્યા અને જાતે સર્જેલી આધુનિકતાની ફસલ પણ લણી, પરંતુ નિરાશા સિવાય કશું જ હાથ ન આવ્યું. જીવન વિશે બીજા જવાબમાં તેની સફળતાનું રહસ્ય છુપાયેલું છે. આ જવાબ તેની પ્રકૃતિથી સુમેળતા ધરાવે છે.
જીવન વિશે મનુષ્યનો બીજો જવાબ
વિચારનું બીજું બિંદુ એક આ છે કે હું ઈશ્વરની અનુપમરચના છું. તે સર્જનહાર હોઈ મનુષ્યની તમામ વસ્તુઓથી વાકેફ છે,વ્યક્તિ માટે શું ખોટું અને શું સાચું છે તે જ સાચી રીતે બતાવી શકે. હું તેનો ગુલામ અને આજ્ઞાકારી છું.મને પોતાની જાત પર પોતાનું શાસન કરવાની પરવાનગી નથી. હું ખલીફા( નાયબ) છું, તેથી મારે તેના જ આદેશોનું પાલન કરવું અનિવાર્ય છે. જીવનનો એક ઉદ્દેશ્ય છે. તે હેતુને પૂર્ણ કરવો મનુષ્યની જવાબદારી છે.તેના ઉપર પરલોકમાં સફળતા અને નિષ્ફળતાનો આધાર છે.તેણે જ વિચાર અને આચરણની સ્વતંત્રતા આપીને મોકલ્યો છે.ઇચ્છું તે માર્ગ અપનાવી શકું એ મારી બુદ્ધિમત્તા ઉપર છોડી દેવામાં આવ્યું છે. હું તેની સમક્ષ ઉત્તરદાયી છું.
મનુષ્યનું જીવન ખૂબ જ જટિલ હોવાથી તેના માટે એવા સિદ્ધાંતો બનાવવા સહેલા નથી કે જેના થકી તમામ મનુષ્યોને ન્યાય અને સંતુલિત વ્યવસ્થા મળે અને તેઓ હળી-મળીને જીવનની નૈયા પાર કરે. તેના માટે ત્રુટી રહિત જ્ઞાન અને પોતાના ર્નિણયોને અમલમાં મૂકવાની શક્તિ હોવી જરૂરી છે. મનુષ્ય સંસારનો સૌથી બુદ્ધિશાળી અને બળવાન હોવા છતાં તેની શક્તિ સીમિત છે. આ બંને વસ્તુઓ માત્ર આપણા સર્જનહારમાં જ છે. અલ્લાહે માણસને જાત-ઇચ્છા અને ઇશ-ઇચ્છાનો માર્ગ અને ભેદ સ્પષ્ટ રૂપે બતાવી દીધા છે, અને તેને પોતાની મરજીનું જીવન જીવવા માટેની છૂટ પણ આપી છે.
“જેણે જીવન અને મૃત્યુનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારા કર્મ કરનાર છે.” (સૂરઃ મુલ્ક-૨)
તેથી સમજદારી આમાં જ છે કે વ્યક્તિ “મારૂં જીવન મારી મરજી” કરતાં “મારૂં જીવન તારી મરજી” મુજબ જીવે. આમાં જ જીવનની સાર્થકતા અને સફળતા છુપાયેલી છે. અલ્લામા ઇકબાલ રહ.એ એટલે જ કહ્યું હતુંં:
તૂ રાઝે કુન ફૂકાં હૈ, અપની આંખો પર અયાં હો જા
ખુદી કા રાઝ્દાં હો જા ખુદા કા તરજુમા હો જા