હઝરત અબૂહુરૈરહ રદી.ની રિવાયત છે. રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું : “મુસલમાન મુસલમાનનો ભાઈ છે, ન તો તેની ઉપર જુલ્મ કરે અને ન તો તેને નિઃસહાય છોડી દે.” ‘તકવા અહીં છે.’ (ત્રણ વખત) પોતાની છાપી તરફ ઇશારો કરીને આપ સ.અ.વ.એ ફરમાવ્યું : “માણસ માટે બુરા થવા માટે આટલું જ બસ છે કે તે મુસલમાન ભાઈને તુચ્છ અને હલકો સમજે, દરેક મુસલમાનનું લોહી, માલ અને ઇજ્જત બધા મુસલમાનો ઉપર હરામ છે (માટે આદરણીય છે).” (મુસ્લિમ, મિશ્કાત-બાબુશ શફક્કત પા. ૪૧૪)
આ હદીસમાં કેટલીક વાતો તરફ ઇશારો કરવામાં આવ્યો છે.
૧) ઇસ્લામી ભાઈચારોનો તકાદો છે કે એક મુસલમાન બીજા મુસલમાન ઉપર પોતે પણ જુલ્મ ન કરે, ન તો જાલિમો મારફતે થવા દે, ન તો આર્થિક, કૌટુંબિક અને શારીરિક તેમજ જ્ઞાાનમાં ચઢિયાતા હોવાના લીધે પોતાના કરતાં બીજાઓને તુચ્છ સમજે.
૨) તકવાનું મૂળ કેન્દ્ર હૃદય છે. જો હૃદયની ભૂમિકા તકવાના બીજ મજબૂત રીતે રોપાઈ જાય તો પછી માણસનું બાહ્ય જીવન પણ એક અમલ દ્વારા ખીલી ઊઠે છે. પરંતુ જો હૃદયમાં તકવા જ ન હોય તો પછી બહાર દેખાતા તકવાના શણગારથી ચારિત્ર્યમાં કોઈ સારો ફેરફાર પેદા થતો નથી ન તો તેની આખિરત જ સુધરે છે.
૩) મુસ્લિમ સમાજમાં કોઈ પણ મુસલમાનના પ્રાણ, માલ કે આબરૃ ઉપર હુમલો કરવો સૌથી ખરાબ ગુનો છે. આની સજા દુનિયામાં પણ સખત છે અને આખિરતમાં પણ એવી વ્યક્તિ ખુદાની સજામાંથી છૂટી શકશે નહીં.
સૌજન્ય: મોતી અને માણેક (હદીસ સંગ્રહ)