બિલ ક્લિન્ટન જ્યારે અમેરિકાના પ્રમુખની હૈસિયતથી ભારત પ્રવાસે આવ્યા તો છડેચોક કહ્યું કે તેમના આ ભારતના પ્રવાસનો હેતુ રાજકીય અને રાજદ્વારી હોવા ઉપરાંત એક ખાસ હેતુ તાજમહેલ જોવો પણ છે. તે સાથે તેમણે એમ પણ કહ્યું કે, ‘હંુ વિશ્વના માનવોને બે ભાગમાં વિભાજિત કરું છું. એક ભાગ તે જેણે તાજમહેલ જોયો છે અને બીજો એ છે જેમણે તાજમહેલને જોયો નથી. અત્યાર સુધી હું બીજા પ્રકારના લોકોમાં હતો પરંતુ હવે પહેલા પ્રકારના લોકોમાં શામેલ થઈ ગયો છું.’ બિલ ક્લિન્ટનથી અગાઉ પણ મોટા પ્રમાણમાં ‘વિશ્વ વિભૂતિઓએ ભારત આવીને તાજમહેલને શાનદાર શબ્દોમાં બિરદાવી ચૂકયા છે. પરંતુ આ કેટલી વિચિત્ર અને હાસ્યાસ્પદ વાત લાગે છે કે ખુદ ભારતમાં આ મહાનતમ ઈમારત સમયાંતરે વિવાદમાં સપડાઈ જાય છે- ખાસ કરીને સ્વતંત્રતા પછી આ સિલસિલો સતત વધતો જઈ રહ્યો છે. તાજો વિવાદ એ છે કે ઉત્તરપ્રદેશ સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના મહત્ત્વના જે પ્રવાસ સ્થળોનો પ્રવાસ ગાઈડમાં સમાવેશ કર્યો છે તેમાં તાજમહેલનો તદ્દન ઉલ્લેખજ નથી !! જ્યારે લોકોએ આ જરા પણ ન સમજાય તેવી બાબતે પ્રશ્નોનો મારો ચલાવ્યો તો પ્રવાસન વિભાગ મુશ્કેલીમાં આવી ગયું અને પોતાના દોષને છવારવા એમ કહેવા લાગ્યું કે આ તો ભૂલથી રહી ગયું છે. (આઝાદી પછી આજ સુધી કયારેય પણ રહી ગયું ?) તાજમહેલને રાજ્યના પ્રવાસ વિભાગમાં સૌથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત છે કેમ કે તે મબલખ આવક અને હૂંડિયામણ રળી આપતું ઐતિહાસિક પ્રવાસી સ્થળ છે તેના મહત્ત્વનો સ્વીકાર છેવટે યોગી આદિત્યનાથે પણ કરવો પડયો.
નેતાઓની વાતો
પરંતુ પ્રવાસન વિભાગ અને મુખ્યમંત્રીના નિવેદન પછી પણ કેબિનેટના એક પ્રધાન સતત એમજ કહી રહ્યા છે કે મુખ્ય સ્થળોની યાદીમાં તાજમહેલનું નામ કાઢી નાંખ્યું છે એ સાચું જ થયું છે. પ્રધાન લક્ષ્મીનારાયણ ચૌધરીએ ટાયરસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એક પ્રોગ્રામમાં કહ્યું કે પ્રવાસન યાદીમાંથી તાજમહેલનું નામ કાયમ માટે કાઢી નાંખીને તેની જગ્યાએ ગુરૃગોરખનાથ પીઠનું નામ શામેલ કરી દેવું જોઈએ. કેમ કે તેની હેસિયત એક ધર્મસ્થાનની છે. તેના સાથે કરોડો લોકોની ધાર્મિક શ્રદ્ધા જોડાયેલી છે. જ્યારે કે તાજમહેલ સાથે કોઈપણ સમાજની આસ્થા જોડાયેલ નથી. આ મહેલ માત્ર એક સહેલગાહ સ્થળ છે. દેશના વર્તમાન શાસકો અને તેમના સમર્થકોનો આ નક્કી કરેલો તરીકો છે કે લીડર કંઈક બોલે છે અને સમર્થકો કંઈ બીજું જ…. આ બધી વ્યવસ્થિત ગોઠવણી હોય છે. સમર્થક જાણે છે કે નેતાજી વાસ્તવમાં શું ઈચ્છે છે. તેમણે શું બોલવાનું છે કે શું કરવાનું છે…. યુપીના પ્રધાનનું આ નિવેદન તાજમહેલ કોઈ ધર્મ કે સમાજથી જોડાયેલો નથી, કદાચ રાજ્યના માજી પ્રધાન આઝમખાનના નિવેદનથી જોડાયેલું છે જેમાં તેમણે કહ્યું હતું કે, ‘મુસલમાનો માટે પણ તાજમહેલની કોઈ ગણના નથી, તે માત્ર એક કબ્રસ્તાન છે. તેને તોડી નાંખવામાં આવે તે યોગ્ય છે. તે ગુલામીની નિશાની છે. જો તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવે તો સૌથી પહેલા પાવડો હું ચલાવીશ…’
…. મત યોગ્ય છે પણ…
ખાન સાહેબનો મત તદ્દન યોગ્ય છે કે મુસલમાનો સમીપ પણ તાજમહેલની કોઈ ધાર્મિક હેસિયત નથી. તે એક કબર પર બનાવેલો મહેલ છે અને કબરો ઉપર ભવ્ય પાકી ઈમારતો બનાવવી ઇસ્લામી કાનૂન મુજબ ખોટું છે. પરંતુ ખાન સાહેબે સમય અને સંજોગોની દૃષ્ટિએ પણ વિચારવું જોઈએ કે તેઓ એક અનુભવી અને પાકટ આગેવાન છે. યુપી અને મુસલમાનો માટે તેમની મોટી સેવાઓ છે. તેઓ જાણે છેક ે દેશના એક ખાસ વર્ગ માટે સમૂહની નજરમાં તાજમહેલ માત્ર એટલા માટે ખટકે છે કે તે એક મુસ્લિમ બાદશાહે બનાવેલ ઈમારત છે અને બાંધકામની દૃષ્ટિએ એટલી બેનમૂન અને અદ્વિતીય છે કે સમગ્ર વિશ્વમાં પંકાય છે, અને સ્વીકૃત છે. જેથી તેના સાથે આ ગંદી રમત લાંબા સમયથી ચાલી રહી છે. કયારેક એને મંદિર સાબિત કરવાના પ્રયત્નો થાય છે. કયારેક તેજો મહાલય કહીને કોઈ રાજાનો મહેલ બતાવાય છે અને કયારેક કંઈ નથી મળતું તો આમ તેમ બકવાસ કરીને નજરઅંદાજ કરવાના પ્રયત્નો થાય છે. જેમ કે યુપીના પ્રધાન બોલ્યા. આઝમખાન સારી રીતે જાણે છકે આજે સમગ્ર સંઘર્ષ પ્રણાલી-ચિહનો અને સભ્યતા-સંસ્કૃતિ અને ઓળખનો છે. એક વર્તુળ દેશમાં એવા લોકોનું છે જેઓ મુસલમાનોથી જોડાયેલી કોઈપણ ચીજને સાંખી લેવા તૈયાર નથી. આ પરિસ્થિતિમાં શું તેમનું આવું નિવેદન અને વલણ બીજાઓ માટે સહાયકર્તા સાબિત નહીં થાય ? તેમણે આ મામલાનું આ દૃષ્ટિએ પણ વિહંગાવલોકન કરવું જોઈએ. આપણા ઇતિહાસમાં એવા દૃષ્ટાંતો પણ જોવા મળે છે કે અમુક ખાસ સંજોગોમાં આલીમોએ અમુક અર્થહીન અને અસ્પષ્ટ કાર્યોને પણ ચલાવી લીધા છે. જ્યારે તેના ઉપર માત્ર ઓળખના નામે હુમલાઓ કરવામાં આવ્યા હોય. જેમ કે અત્યારે તાજમહેલ પર થઈ રહ્યા છે આ સંદર્ભે વધારે યોગ્ય મત અને ખુલાસો વર્તમાન આલીમો જ આપી શકે.