હાલમાં જ આપણે દેશની આઝાદીની ૭૦મી વર્ષગાંઠ ઉજ્વી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૫મી ઓગષ્ટની તૈયારીઓ ધૂમ-ધામથી થઈ. આઝાદીના આ દિવસને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે, અને આઝાદી દિવસ મહત્ત્વપૂર્ણ હોય તેમાં કાંઈ ખોટું પણ નથી. પરંતુ તેની વાસ્તવિકતા સાથે તે મનવાય તે પણ ખૂબ જ જરૂરી છે. તે દરેક સર્જન માટે સર્જનહારની મોટી ભેટ છે. સ્વતંત્રતા કે આઝાદીની સુંદર ભાવના દરેક જીવધારીના સ્વભાવમાં સામેલ છે જે તેના સર્જનહારે તેની પ્રકૃતિમાં મૂકેલ છે. આથી કોઈપણ જીવધારીને કેદ-બંધનભર્યું જીવન કદાપિ પસંદ કે સ્વીકાર્ય નથી. પરંતુ તેમાં એક ખાસ યાદ રાખવા જેવી બાબત આ છે કે તે વિશેષ અને સીમિત હોય છે, અને હોવી જોઈએ. પરંતુ જો એ આઝાદી વધુ પડતી અને નિરંકુશ બની જાય તો પછી એ કોઈ ઘર, પરિવાર જ શું રાજ્યો અને દેશો માટે પણ હાનિકારક બની જાય છે. એના અનેક ઉદાહરણ આપણી આસપાસ જોવા મળી શકે છે.
આપણે પોતાના પ્રાણો હોડમાં મૂકયા, લોહી પાણીની જેમ વહેવડાવ્યું અને પોતાના જાન-માલ વિ. કુર્બાન કરી દીધા, ત્યારે કયાંક હિંદુસ્તાન અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો, પરંતુ એ આઝાદી હાસલ કરી લીધા છતાં પણ કયારેક કયારેક એવું લાગે છે કે જાણે આપણે આજે પણ કોઈ ને કોઈ રીતે અને કોઈ ને કોઈ દરજ્જામાં એક યા બીજી રીતની ગુલામીની સાંકળોમાં જકડાયેલા છીએ. તફાવત માત્ર આટલો છે કે અગાઉ કોઈ બીજો આપણી ઉપર સવાર હતો અને આજે કોઈ અન્ય સવાર થયેલ છે. પહેલાં આપણે અંગ્રેજોની એક પ્રકારની ગુલામીમાં જકડાયેલા હતા અને આજે બીજા લોકોની જુદા પ્રકારની ગુલામીમાં જકડાઈ ગયા છીએ. એ જ અરાજકતા, એ જ અંધાધૂંધી, એ જ ગરીબી અને એ જ પક્ષપાત અને ભેદભાવ જે આઝાદી પહેલાં હતા એ તમામ વત્તા-ઓછા પ્રમાણમાં કે કોઈ અન્ય સ્વરૃપમાં આજે પણ બાકી છે ને જોવા પણ મળે છે.
બીજું આ કે આજે ન તો પહેલા જેવા સાચા શાસકો રહ્યા છે અને ન તો પ્રજાના દુઃખ-દર્દને પોતાના દુઃખ-દર્દ સમજાવાવાળા આગેવાનો- કહેવાતા રાજકારણીઓ ‘કાર્ય’ના બદલે અવારનવાર એવા ‘કૌભાંડ’ કરી નાખે છે કે કોઈને સ્હેજેય અણસાર સુદ્ધાં નથી આવતો અને જ્યારે તેની ખબર પડે છે ત્યારે તો ‘રફે-દફે’ થઈ ગયું કે ‘ઠેકાણે પડી ગયું’ હોય છે. એ પછી તેમના પર વર્ષો સુધી કેસો ચાલતા રહે છે અને અંતે એ રાજકારણીઓ તમામ આરોપોમાંથી મુકત થઈ જાય છે. એક અવસરે અણ્ણા હજારેને હજાર વાતોની એક વાત કહી નાખી હતી કે આ દેશને જેટલા રાજકારણીઓએ લૂંટયા છે એટલા તો અંગ્રેજોએ પણ નથી લૂટયો. હવે એવા નેતાઓ કયાં રહ્યા છે જેમને આમ-પ્રજાના સુખ-ચેન તથા આરામની એટલી ચિંતા રહેતી હતી કે ંતેઓ પોતાનું દિવસનું ચેન અને રાતની ઊંઘ સુદ્ધાં કુર્બાન કરી દેતા હતા. હવે એ રાજકારણીઓ કયાં છે જે જન-સાધારણ વિશે એટલું બધું વિચારતા હતા કે સ્વયં પોતાના વિશે વિચારવા માટે તેમની પાસે ફુરસદ સુદ્ધાં મળતી ન હતી અને જ્યારે તેઓ આ દુનિયાથી રવાના થતા તો તેમની પાસે તેમની અંતિમક્રિયા માટે પણ રકમ રહેતી ન હતી. આજે ‘સબકા સાથ સબકા વિકાસ’ જેવા લોભામણા સૂત્રો તો પોકારાય છે પરંતુ તે માત્ર કહેવા પૂરતા જ હોય છે.
આમ તો આઝાદી મેળવવામાં સૌ લોકોએ ભાગ લીધો હતો પરંતુ આ હકીકતથી ઇન્કાર કરી શકાય તેમ નથી કે મુસલમાનોએ જ ભારતને આઝાદ કરાવવા માટે પ્રયત્નો શરૃ કર્યા હતા, અને તેના માટે ભારે યાત્નાઓ સહન કરી ખતરનાક સજાઓ બરદાસ્ત કરી, જાતજાતની મુસીબતો વેઠી, તકલીફોનો સામનો કર્યો અને અજમાયશોમાં ઘેરાયા, છતાં તેઓ માત્ર આઝાદીની લડતમાં લાગેલા રહ્યા એટલું જ નહીં બલ્કે બીજાઓને પણ આના માટે જાગૃત કરતા રહ્યા. પરંતુ આજે મુસલમાનોને જ નહીં બલ્કે દલિતોને પણ લક્ષ્ય બનાવાઈ રહ્યા છે. નાની-નાની વાતો માટે કમજોર તથા નિર્દોષોને ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યા છે, કયારેક કયારેક તો મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવે છે. અવારનવાર દેશના વિવિધ સ્થળોએ ભારતીય નારીની આબરૃના લીરે-લીરાં ઉડાડવામાં આવે છે પરંતુ તેની સામે બોધરૃપ સજાઓ અપાતી નથી. પરિણામે એવી ઘટના બંધ થતી કે ઘટતી પણ નથી. દેખીતું છે કે આપણી પ્રણાલીમાં કયાંક ને કયાંક તથા કંઈક ને કંઈક અંશે ખામી છે કે પછી જે છે તેને લાગુ કરવામાં કયાંક ગમે તે કારણસર બેદરકારી દાખવવામાં આવે છે જેના કારણે મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વો તેનો લાભ ઉઠાવતા રહે છે. અંગ્રેજોથી આઝાદી મેળવ્યા બાદ આપણને જે સૌથી ખરાબ ‘ભેટ’ મળી છે તે છે ભ્રષ્ટાચાર. તે એટલે સુધી કે શિક્ષણ-પ્રશિક્ષણ ધામો શિક્ષણ સંસ્થાઓ તથા જીવન-રક્ષક હોસ્પિટલો પણ હવે આનાથી બચી નથી.
આજે ગરીબો વધુ ગરીબ બનતા જઈ રહ્યા છે જ્યારે ઉદ્યોગપતિઓ કે ધનિકો વધુ ધનવાન બનતા જઈ રહ્યા છે. આજે જરૂરત છે એવા નેતાઓની કે જેઓ પોતાના ઘર ભરવાના બદલે ગરીબોની ઝોલીઓ છલકાવી દે. દર વર્ષે માત્ર આઝાદીનું જશ્ન બનાવી લેવાને પૂરતું ન માની શકાય, બલ્કે આઝાદીના ફળ દરેકને મળે અને ગરીબી, ભૂખમરો, ભ્રષ્ટાચાર તથા બેઈમાની તથા ભાષાવાદ, પ્રાંતવાદ, જ્ઞાાતિવાદ અને કોમવાદ તેમજ ફાસીવાદ, સામ્રાજ્યવાદ, સામંતશાહી તથા મૂડીવાદથી પણ આઝાદી મળે અને તેમનાથી પણ મુકત થઈએ એ ખૂબજ જરૂરી છે. *