Friday, November 22, 2024
Homeપયગામનેતૃત્વના ગુણો અને સીરતે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ

નેતૃત્વના ગુણો અને સીરતે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ

કોઈ પણ સમાજ, સંગઠન કોમ કે પાર્ટીને સફળતાના શિખરે પહોંચાડવામાં નેતૃત્વની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો નેતૃત્વ સારૃં ન હોય તો તે સમાજ, સંગઠન કે પાર્ટી ધારેલા ધ્યેય સુધી પહોંચી શકતી નથી. નેતુત્વ ની અપરિપકવતા કે ખોટા નિર્ણયના કારણે તેઓ આવતી સમસ્યઓ થી પોતાનું માથું પછાડી મૃતપ્રાપ થઈ જાય છે.કે પછી સદીઓ પાછળ જતા રહે છે. આજે કોર્પોરેટ કલ્ચરમાં તો નેતૃત્વનું મહત્વ ખુબજ વધી ગયું છે. મોટી મોટી કંપનીઓ તેમના મેનેજરો, ટીમ લીડરો કે ઉચ્ચ હોદ્દા ધરાવતી વ્યક્તિઓ માટે અવારનવાર લીડરશિપ ડેવલોપમેન્ટ વર્કશોપ યોજતી હોય છે. કે જેથી તેમની કપંની સારી પ્રગતિ કરી શકે. ઈતિહાસ ના પૃષ્ઠો ઉલ્ટાવીને જોશો તો ખબર પડશે કે મોટી મોટી ક્રાંતિઓ પાછળ સારા નેતુત્વનું યોગદાન રહેલું છે. ખેલના મેદાનમાં સારા ખેલાડીઓ હોવા છતાં નેતૃત્વના ગેરવ્યાજબી નિર્ણયો ના કારણે ટીમ હારી જાય છે. અને ઓછી ગુણવત્તાના ખેલાડીઓ જો સારા નેતૃત્વ હેઠળ ટીમવર્ક સાથે રમે તો પણ તેઓ વિજય મેળવે છે. ટૂંકી અવધિમાં કેટલીક કંપનીઓને સારી એવી પ્રગતિ કરતા તમે જોઈ હશે. તેની પાછળ પણ સફળ નેતૃત્વ જવાબદાર છે. આજના યુગમાં તો સફળ નેતા બનાવવા ઘણું લખાયું છે. Management personal/ development અને મનોવિજ્ઞાાન ના નિષ્ણાતો એ ઘણા બધાં ગુણો તરફ આંગુલી નિર્દેશ કર્યો છે. મેનેજમેન્ટ ના નિષ્ણાતો મુજબ નેતૃત્વમાં વ્યક્તિની ઓળખ દીર્ધ દ્રષ્ટિ, ઉમંગ, આત્મવિશ્વાસ અને પબ્લિક રિલેશન જેવા ગુણો જરૂરી છે. કેટલાક ના મત મુજબ વ્યક્તિની માનસિક સ્થિતિ થી પણ વાકેફ હોવું જોઈએ. તો કેટલાક હિમ્મતં અને આત્મવિશ્વાસને જરૂરી ગણે છે. અમુક લોકો નેતૃત્વને જ્ઞાાનસભર અને નવી ટેકનોલોજી થી પરિચિત જોવા માગે છે.

આ લેખમાં ટુકમાં આ જણાવવાનો પ્રયત્ન કર્યો છે. કે આજથી ૧૪૦૦ વર્ષ પહેલા “સરવરે કાયનાત” (જગતગુરૃ) સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ નેતૃત્વના કયા ગુણો વર્ણર્યા છે. કે જે મહાન પયગમ્બર અને નેતા એ માત્ર ૨૩ વર્ષની ટુકીં મુદ્દતમાં આરબની સંપૂર્ણ કાયાપલટ કરી નાખી જેનો બીજો કોઈ દાખલો આપી ન શકાય. આ સફળતા માત્ર રાજનૈતિક સફળતા ન હતી. બલ્કે નૈતિક આધ્યાત્મિક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિ એ પણ સફળ ક્રાંતિ હતી. વિરોધી વાતાવરણ અને કપરા સંજોગોમાં ઈ.સ. ૬૧૦ માં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એકલા એ ઈસ્લામી ચળવળની શરૃઆત કરી. અને જોત જોતા માંજ તે સમય ના સુપર પાવર રોમ અને ઈરાન જેવી મહાસત્તાઓ ગણાતી તેમના ચરણો નીચે આવી ગઈ. આ કેવી રીતે શક્ય બન્યું ? ટુંકો જવાબ છે. સફળ નેતૃત્વના કારણે ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન ઝરમર થી નેતૃત્વ માટે ના જે ગુણો શીખવા મળે છે તે નીચે મુજબ વર્ણવી શકાય.

લક્ષ્ય (મિશન) :

નેતૃત્વ સામે તેનું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. આપ (સ.અ.વ) ને શરૃઆતમાં જ તેમનો ધ્યેય બતાવી દેવામાં આવ્યું હતું (સૂરઃ મુદસ્સિર૧.૨) આગળી પર ગણી શકાય તેટલા લોકો ની શક્તિ હોવા છતાં આપ (સ.અ.વ) ને કહેવામાં આવ્યું ” અલ્લાહના દીનની સ્થાપના કરો…” (સૂરઃ શૂરા.૧૩). આખો મક્કા આપ (સ.અ.વ) ની દા’વતનો દુશ્મન હતો. મુસલમાનો ની હાલત ખુબજ દયનીય હતી. છતાં આપ (સ.અ.વ) મક્કાના સરદારો ને કહેતાઃ ” હું એવો કલ્મો લઈને આવ્યો છું. જો તમે તેને કબૂલ કરી લેશો તો અરબ અને અજમ (બિન અરબ) તમારા ચરણો માં આવી જશે. જેમની વચ્ચે પેઢીઓ સુધી લોહિયાળ યુધ્ધો થતા હતા. જેમની ન કોઈ રાજકીય શક્તિ હતી. એવા લોકોને મહાસત્તા બનવાની ભવિષ્યવાણી કરવી કેટલી આશ્ચર્ય ઉપજાવનાર વાત હતી. સફળ નેતૃત્વમાં આ સ્પષ્ટ હોવું જોઈએ કે તેને ક્યાં પહોંચવું છે તેની મંઝિલ શું છે.?

નેતૃત્વની ઈચ્છા ન કરોઃ

હઝરત અબ્દુર્રહમાન (રદિ.) બિન સમરા થી રિવાયત છે કે આપ (સ.અ.વ) એ કહ્યું કે, સ્વયં ઇમારત (નેતૃત્વ)ની ઇચ્છા ન કરો, જો તે તમને તમારી ઈચ્છા મુજબ મળશે તો તેના વિષયમાં તમે તમારી ઈચ્છાઓના દાસ થઈ જશો અને જો તે તમને ઈચ્છા વગર મળશે તો તમારી મદદ કરવામાં આવશે.” દેખીતી રીતે કહી શકાય કે કોઈ પણ માણસ જે હોદ્દાની ઈચ્છા ધરાવતો હશે તેમાં તેમનો કોઈને કોઈ સ્વાર્થ છુપાયલો હશે. અને જેને ઈચ્છા વગર તે મળશે તે હોદાની જવાબદારી ને સમજતો હશે અને લોકોએ તેની ઉપર વિશ્વાસ કરી જે જવાબદારી સોંપી છે તે તેને નિસ્વાર્થતાના ભાવથી પૂર્ણ કરવાના પ્રયત્નો કરશે. તો તેમાં અલ્લાહ તેની મદદ કરશે.

સર્જન શક્તિ:

નેતૃત્વમાં ગજબની સર્જન શક્તિ હોવી જોઈએ. કુરૈશની સાથે અરબના કબિલાઓના ટોળેટોળાનું ૧૦ હજારનું જંગી લશ્કર મદીના ઉપર ચઢાઈ કરવા આવ્યું. તેમના ફોજીઓના બૂટો અને ઘોડાઓની ટાપોના ધમધમાટથી મદીના ની ધરતી ધણધણી ઉઠી અને મુસલમાનો ના કલેજા તાળવે આવી ગયા. (સૂરાઃ અહઝાબ, ૧૦) ત્યારે આપ (સ.અ.વ) એ હઝરત સલમાન ફારસી (રદિ.) ની સલાહ થી મદીનાની ફરતે ખન્દક (ખાઈ) ખોદવાનો હુકમ કર્યો. જેના કારણે તેમને સફળતા મળી. આરબો યુધ્ધની આ નવી રીતથી બિલ્કુલ અજાણ હતા. તેઓએ આવું થશે તેમ સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું.

સાથીઓના ઉત્સાહમાં વધારો કરવોઃ સારા નેતૃત્વ માટે આ આગવું ગુણ છે. તેના વગર સાથીઓના વિશ્વાસ તે જીતી શકતો નથી. આપ (સ.અ.વ) તેમના સહાબા(સાથીઓ)ના ઉત્સાહમાં સતત વધારો કરતા હતા. તેમની સાથે કાર્ય કરતા મસ્જિદે નબવીનું નિર્માણ હોય કે ખંદકની ખુદાઈ આપ (સ.અ.વ) દરેક ક્ષણ તેમની સાથે રહી પોતે પણ કામમાં ભાગ લેતા. દા’વતનું મેદાન હોય કે યુધ્ધનું મેદાન તેમના ઉત્સાહમાં વધારો કરતા સહાબાઓને વિવિધ ઈલકાબો આપી સમ્માનિત કરતા.

રિસ્ક લેવોઃ

સારા નેતૃત્વમાં આ મહત્વપૂર્ણ ગુણ પણ હોય છે. તેના વગર તે પ્રગતિના સોપાનો સર કરી શકતા નથી. આળસ, આત્મવિશ્વાસ માં કમી નિષ્ક્રીયતા સફળતાના શત્રુ છે. આપ (સ.અ.વ) એ પણ તેમના જીવનમાં ઘણા એવા નિર્ણયો લીધા છે. જેમાં ખૂબજ રિસ્ક હતા. પણ પાછળથી એ નિર્ણય સફળ રહ્યા. આમા જંગે બદ્રનો એક દાખલો આપી શકાય. આપ (સ.અ.વ) પાસે બે વિક્લ્પો હતા. એક મક્કાના વેપારી કાફલા પર હુકમો (જેની આવકથી મક્કાવાસીઓ મુસલમાનો ને નાબૂદ કરવા માગતાં હતા) અને બીજો કાફલાને બચાવવા આવતા મક્કા વાસીઓનું સશસ્ત્ર લશ્કર ( જે મુસલમાનો ને પણ નાબુદ કરવા માગતા હતા) ઉપર હુમલો કેટલાક મુસલમાનો ગરીબી, તંગી અને નાદારીના કારણે પહેલો વિકલ્પ પસંદ કરતા હતા. અલ્લાહ એ પણ બે જુથોમાંથી એક જૂથ પર ફતેહની ખુશખબરી આપી દીધી હતી. (સૂરઃ અનફાલ ૭.૮) પરનું આપ (સ.અ.વ) બીજો વિકલ્પ પસંદ કરતા હતા પછી બધા મુસલમાનો બીજા વિકલ્પ પર સંમત થઈ ગયા.

હિમ્મત:

નેતૃત્વ હિમત વગર અધૂરો છે. ગમે તેવા સંજોગો હોય પણ જો નેતૃત્વ હિમ્મતવાન હોય તો તે પાર પાડી શકાય . જંગે ઉહદ અને જંગે હુનૈનમાં જયારે મુસલમાનોના કદમ ઉખડી ગયા અને તેમનામાં નાશભાગ મચી ગઈ તે વેળા એ આપ (સ.અ.વ) એ જે હિમ્મત દાખવી એ સફળ યોધ્ધાનું ઉદાહરણ પૂરૃં પાડે છે. હુનૈનની ખીણમાં દુશ્મનના ઓચિંતા હુમલાથી ઈસ્લામી લશ્કરમાં અફડાતફડી અને નાશભાગ મચી ગઈ. તે દૃશ્ય વર્ણવતા હઝરત બરાઅ બિન આઝિબ (રદિ.) ફરમાવે છે. લોકો ને નાસતા જોઈને આપ (સ.અ.વ) પોતાની જગ્યાએ મક્કમ રહ્યા. સવારી પરથી ઊતરી ગયા અને જલાલભર્યા સ્વરે આ પંક્તિઓ લલકારવા લાગ્યા. ” હું અલ્લાહનો નબી છું એમા જૂઠનો અંશ સરખો નથી”…. અને સહાબાઓ પણ વળ્યા ફરીથી એકેઠા થયા અને જંગમાં વિજયી બનયા.

ચારિત્રય:

કોઈ પણ નેતૃત્વ ચારિત્રય વગર આત્મા વગરના શરીર જેવું છે. એ એવો ગુણ છે કે જેના વડે મોટા-મોટા કાર્યો પાર પાડી શકાય. આપણા સમાજમાં તો પ્રોફેશનલ ચારિત્ર્ય હોય છે. નૈસર્ગિક કે પ્રાકૃતિક નથી. આપ (સ.અ.વ) ના ઉચ્ચ ચારિત્રય થી કોણ વાકેફ નથી. દુશ્મનો પણ તેને સ્વીકારવા મજબુર છે. વાયદો પુરો કરવો, અમાનત સચવી, લોકોને માફ કરવા, પ્રેમ કરવો, લોકોની સમસ્યાઓ હલ કરવી, તેમને માર્ગદર્શન પૂરૃં પાડવું, તેમની ખામીઓ દુર કરવી, તેમજ હકારાત્મક વલણ વિકસાવવો, ટિકા- ટિપ્પણો અને ઈર્ષાથી દુર રહેવું, સમયનો સદઉપયોગ કરવો, વડીલોનું આદર વગેરે ઘણા બધા ગુણો અહી વર્ણવી શકાય.

પબ્લિક રિલેશન:

નેતૃત્વ માટે આ ગુણ ખુબજ મહત્વ પૂર્ણ છે. તેના વડે ધ્યેય પ્રાપ્તિ ત્વરીત બને છે. કાર્ય પ્રગતિ કરે છે. અને સમાજમાં પ્રભાવ પેદા થાય છે. આપ (સ.અ.વ) ની દાવત જાહેર હતી. નાનો હોય કે મોટો સ્ત્રી હોય કે પુરૃષ, યુવાન હોય કે વૃદ્ધ, સ્વતંત્ર હોય કે ગુલામ બધાથી સંપર્ક રાખતા. એકેશ્વરવાદ ના રંગમાં સમગ્ર અરબ રંગાઈ જાય તે હેતુએ આપ (સ.અ.વ) મક્કાના જુદા- જુદા કબીલાના સરદારોથી મળતા. તેમની સામે ઈસ્લામનો સંદેશ મૂકતા. તેના માટે તેઓ તાઈફ પણ ગયા. મદીના પહોંચ્યા તો ત્યાના ં આડોશ- પાડોશના રાજાઓને પત્રો મોકલી આંતરરાષ્ટ્રીય સંપર્કો વિકસવ્યાં તેમને ઈસ્લામનો સંદેશો આપ્યો.

આ સિવાય પણ સીરતે નબવી (સ.અ.વ) ના જીવનથી નેતૃત્વ માટેના ગુણો નીચે પ્રમાણે આપી શકાય.

સારા વકતા – પરિપૂર્ણતા – દ્ધઢ શ્રધ્ધા – સતત સંઘર્ષ – જ્ઞાાન અને તત્વ દર્શિતા – ઈશ્વરને ઉત્તરદાયિત્વનું ભાવ

ધૈર્ય અને સહનશીલતા – ઈમાનદારી અને વિશ્વાસ – ન્યાય અને સમાનતા – સગંઠન શક્તિ અને સલાહસૂચન

બીજાને અગ્રમિતા આપવી – વ્યક્તિગત સંપર્ક અને માર્ગદર્શન – કરૃણા, સાહિષ્ણુતા અને મધુરવાણી –

વિનમ્રતા અને પરિપકવતા – ઉત્સાહ અને કાર્યક્ષમતા – સુઘડતા અને સંસ્કારિતા – નિષ્ઠા અને નિઃસ્વાર્થતા – વિગેરે.

આ એ ગુણો છે જે નેતૃત્વમાં ચાર ચાંદ લગાડે છે. આવા ગુણો ધરાવતો નેતૃત્વ લોકોના શરીર પર નહી તેમના હૃદયો પર રાજ કરે છે. આ ગુણો લખવા અને વાંચવામાં જેટલા સરળ છે અમલ (કર્મ) કરવામાં તેટલા જ કઠિન છે. જે લોકો આવા ગુણોને ભૌતિક લાભ મેળવવા અપનાવશે તેમને તે મળશે. અને જેઓ માત્ર તેમના પ્રોફેશન સુધી આ ગુણો ને જીંવત કરશે તેમને તે મળશે. પરંતુ જે લોકો અલ્લાહની પ્રસન્નતા માટે પ્રાકૃતિક રીતે પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરશે. તેઓ જે તે પ્રોફેશન માં પણ પ્રગતિ કરશે અને દુનિયા તથા આખિરત ના લાભો પણ મેળવશે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments