શરત એ હોય કે જવાબ પૂરી નિષ્ઠા સાથે આપવાનો છે અને સવાલ પૂછવામાં આવે કે સાહેબ, એકના સમીપ બે વત્તા બે ચાર થાય છે અને બીજાના સમીપ બે વત્તા બે પાંચ થાય છે તો બતાવો કે એક સાચો છે કે બીજો… તો દરેક જાણકાર વ્યક્તિ એક ક્ષણનો વિલંબ કર્યા વગર આ પ્રશ્નનો સાચો જવાબ કહી દેશે… બલ્કે તે કહેશે કે, આ તો કંઇ પૂછવાની વાત છે? પરંતુ આ વિશ્વમાં ગણનાપાત્ર સંખ્યા એવા લોકોની છે જેમણે ઉપરોક્ત સવાલ ઉપર રીતસર વિચાર કરવો પડશે. તેઓ વારંવાર તમારા તરફ જોશે કે તમે આવો અઘરો સવાલ કેમ પૂછ્યો? અને વિરોધ કરશે કે સવાલ વધુ ચોખવટ સાથે વિસ્તૃત કરીને કરવામાં આવે જેથી જવાબ આપવો સરળ થઈ જાય. પણ જો તમે એમ કહો કે ના, સવાલ બરાબર છે અને ચોખવટની જરૃર નથી તો તેઓ વિચારમાં ડુબી જશે અને ભારે મનોમંથન પછી તેમનો જવાબ એક કે બીજો નહીં હોય … બલ્કે કંઇક આમ હશેઃ
(૧) જો પ્રથમ વ્યક્તિ મારી જાતીનો છે અને બીજો વ્યક્તિ અન્ય જાતીનો છે તો ચોક્કસ પ્રથમ વ્યક્તિ સાચો છે. મારી જાતી મહાન છે અને સચ્ચાઈનો ઠેકો અમારા જ પાસે છે.
(૨) જો પ્રથમ અને બીજો વ્યક્તિ બંને મારી જાતીના છે તો પ્રથમ સાચો છે અને બીજો ખોટો છે. પરંતુ મારો વ્યક્તિગત મત એ છે કે બીજાને પોતાનો મત જાહેર કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત હોવી જોઈએ. કેમકે તેનો મત એટલો ખોટો છે કે કોઈ તેના ઉપર ધ્યાન નહીં આપે અને છેવટે તેની બુદ્ધિ ઠેકાણે આવી જશે. મારી જાતી મહાન છે અને સહિષ્ણુતા અમારો ઇજારો છે.
(૩) જો બીજો વ્યક્તિ મારી જાતિનો છે અને પ્રથમ અન્ય જાતીનો છે તો ચોક્કસ બીજો વ્યક્તિ જ સાચો છે. તેમની વાત ખોટી હોઈ પણ કેવી રીતે શકે? અને પેલો દુષ્ટ પ્રથમ વ્યક્તિ મારો શત્રુ છે. તેને ઝેર અને ઘૃણા ફેલાવવાની સ્વતંત્રતા આપી ન શકાય. મારી જાતીનું હિત એમાં છે કે તે મોંફાટ પ્રથમનું મોં તોડી નાંખવામાં આવે અથવા તેના ગળે ટૂંપો દેવામાં આવે… મારી જાતી તો મહાન અને સર્વોપરી છે.
ભારત સહિત વિશ્વના તમામ ભાગોમાં જોવા મળતા આવા લોકોને ‘રાષ્ટ્રવાદી’ કહેવાય છે. પ્રચલિત પરિભાષામાં રાષ્ટ્ર શબ્દનો ઉપયોગ લોકોના એક એવા સમૂહ માટે બોલાય છે જેમનામાં સમાનતા જોવા મળતી હોય. આ સમાનતા ભાષાની હોઈ શકે છે અથવા પછી રંગ, વંશ, ક્ષેત્ર, ધર્મ, પરંપરા, સભ્યતા, મૂલ્યોની, સમાનતા જેટલી વધુ હશે રાષ્ટ્રવાદની ભાવના એટલી પ્રબળ હશે. આ સમાનતાની મૌજૂદગી માત્ર કોઈ કોમના અસ્તિત્વ માટે પુરતી નથી. આ સમાનતાના કારણે જ્યાં સુધી વ્યક્તિઓમાં એક હોવાની ભાવના જાગૃત નથી થતી ત્યાં સુધી તે કોમ નથી બનતી. બીજી વાત એ કે વ્યક્તિઓ અને કોમમાં આ સમાનતાને બીજી તમામ સમાનતા ઉપર અગ્રતા આપવી પડશે. નહીંતર તેમનો રાષ્ટ્રવાદ નિષ્ફળ થઈ જશે. દૃષ્ટાતરૃપે સમાન ભાષાના કારણે તમામ તામિલ એક કોમ છે. અને સમાન ભૌગોલિક દેશના કારણે તમામ ભારતીય એક કોમ છે. (જેમાં તામીલ પણ શામેલ છે.) હવે જો તામીલભાષી પોતાના ભાષાકીય રાષ્ટ્રપણાને પોતાના ભૌગોલિક રાષ્ટ્રપણા ઉપર પ્રાથમિકતા આપે તો તેઓ સાચા અર્થમાં ‘તામીલ રાષ્ટ્રવાદી’ હશે. આ જ રીતે જો તેમણે ભૌગોલિક રાષ્ટ્રપણાને પ્રાથમિકતા આપી તો જ તેઓ ભારતીય રાષ્ટ્રવાદી હોઈ શકે છે.
એક થવાની આ ભાવના જ્યારે કોઈ કોમમાં પેદા થઈ જાય છે તો આ એકતાના પરિણામે સંયુક્ત ધ્યેયો જેમકે સ્વતંત્રતા અને પ્રજાસત્તાક માટે સંઘર્ષ કરવો અને ભોગ આપવો આસાન બની જાય છે અને આમાંથી રાષ્ટ્રવાદ કે નેશનલીઝમનો જન્મ થાય છે. જે આ સદીની શક્તિશાળી રાજકીય વિચારસરણી બની ગઈ છે. મજેદાર વાત એ છે કે કોમ આધારિત રાષ્ટ્ર બની ગયા પછીનો તબક્કો કોઈપણ કોમ માટે સૌથી વધુ આજમાઈશનો હોય છે. રાષ્ટ્રીય ચળવળના તબક્કામાં રાષ્ટ્રનું નિર્માણ એક ધ્યેય સ્વરૃપે સામે આવે છે અને બહારની સામ્રાજ્યવાદી શક્તિઓથી મુકાબલો હોય તો રાષ્ટ્રવાદનો જાદુ માથા ઉપર ચઢી જાય છે. પરંતુ શત્રુ ગેરહાજર હોય તો પ્રજાને રાષ્ટ્રવાદનો ખોરાક નિયમિત આપવો પડે છે. રાષ્ટ્રગીતથી લોકોની ભાવના જગાડતા રહેવું પડે, સૈન્યની મહત્ત્વતાના ગીતો ગાતા રહેવું પડે. રાષ્ટ્રીય વિભૂતીઓના કારનામાઓના યશોગાન કે ઘડવામાં આવેલી વાર્તાઓનો પ્રચાર થાય છે. રાષ્ટ્રના શત્રુ માનીને ઘણા નિર્દોષોને જીવતા દફનાવી દેવામાં આવે છે. રાષ્ટ્રગાન, રાષ્ટ્રઝંડા અને રાષ્ટ્રીય નિશાનીઓના સન્માન માટે કાયદાઓ બને છે. રાષ્ટ્રીયતાનો પાઠ નિશાળોમાં બાળકોને પઢાવવામાં આવે છે.
તાત્પર્ય એ કે રાષ્ટ્રીયતાની વૃદ્ધિના યુગમાં રાષ્ટ્રવાદ કે નેશનાલિઝમ કોમને એક ઓળખ પૂરી પાડે છે. એક વારસો અને એક જીવનધ્યેય આપે છે.
રાષ્ટ્રવાદનો ઐતિહાસિક પ્રવાસ
દેશથી પ્રેમ તદ્દન એવી રીતે પ્રાકૃતિક ભાવના છે. જેવી રીતે માનવીને પોતાના મા-બાપ અને પરિવારથી પ્રેમ હોય છે. એટલે જ કહેવાય છે કે સ્વભાવિક રીતે પોતાના જન્મસ્થાનની બુનિયાદ ઉપર એકત્રિત થવાની અદમ્ય ઇચ્છાને નિર્ધાર જોવા મળે છે. એટલે ચોક્કસપણે એમ કહી શકાય કે રાષ્ટ્રવાદનો આરંભ આ જ પ્રાકૃતિક નિર્ધાર સાથે થયો છે. રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રભક્તિ પણ એક આધુનિક વિચારસરણીની કોઈ ખાસ ક્ષણ કે ઘટનાની પેદાઈશ નથી. અલબત્ત ખૂબ સાવધાની સાથે એમ કહી શકાય કે યુરોપમાં મધ્યયુગમાં ધર્મ અને ચર્ચની અસરો ધરતી અને માનવજાત પાસે ઓછી થતી ગઈ એ જ ગતિથી રાષ્ટ્રવાદની ભાવના લોકોમાં જડ પકડતી ગઈ અને ૧૭૮૯માં ફ્રાંસની ક્રાંતિએ નેશનાલીઝમના આ ફુગ્ગામાં ખૂબજ હવા ભરી દીધી. તે પછી તો રાષ્ટ્રવાદ જાણે “મહારોગ”ની જેમ ફેલાઈ ગયો.
સામાન્ય રીતે જ્યારે રાષ્ટ્રવાદનો શબ્દ બોલવામાં આવે છે તો આ ત્રણમાંથી કોઈ એક અર્થ સમજવામાં આવે છે. પ્રથમ, એક ભાવના જે સમાન સભ્યતાના ગુણો (ભાષા, વંશ, ધર્મ વગેરે)ના બંધનથી માનવોના એક સમૂહને જોડી રાખે છે. સામાન્ય રીતે આ ભાવના કોઈ ખાસ ધ્યેયપ્રાપ્તિ જેમકે દેશની સ્વતંત્રતા માટે આધારરૃપ સાબિત થાય છે. દ્વિતિય દેશથી અથવા કોમથી આસ્થા, વફાદારી અને તેના માટે ભોગને ઉચ્ચ કક્ષાનો સમજવો. તૃતીય દેશ અને કોમથી વધારે પડતી અને ગાંડપણની હદે પ્રેમ. પોતાની કોમ કે જાતીની શ્રેષ્ઠતા ઉપર સંપૂર્ણ આસ્થા અને બીજી જાતીઓ માટે અપમાન અને તુચ્છપણું.
આપણે એ જોઈએ કે રાષ્ટ્રવાદના આ ત્રણ અલગ અલગ અર્થ નથી બલ્કે ત્રણ તબક્કા છે. રાષ્ટ્રવાદની શરૃઆત હંમેશા પ્રથમ ભાવના અને તબક્કાથી થાય છે અને મોટા ભાગે ત્યારે થાય છે જ્યારે જે તે જાતીનું સર્વાંગી ધોરણે શોષણ થતુ હોય છે. ત્યાંથી આગળ નેશનાલીઝમ બીજા તબક્કામાં પ્રવેશે છે. ત્યારે તેની ચોક્કસ પ્રકારની ઓળખાણ નક્કી કરવામાં પ્રયત્નો થાય છે. જે લોકો આ ચોક્કસ પ્રકારની પરિભાષાનો વિરોધ કરે છે તેઓ પોતાના લોકોમાં પણ પોતાનું મહત્ત્વ ગુમાવી દે છે. અહીંથી રાષ્ટ્રવાદ ધીરે ધીરે દબાતા પગલે પોતાના ત્રીજા તબક્કામાં દાખલ થઈ જાય છે જે લોકો આ ચોક્કસ પરિભાષાનો વિરોધ કરે છે તેમને હવે કોમ અને રાષ્ટ્રનો દગાબાજ અને દેશદ્રોહી ગણવામાં આવે છે. ટીકાને અપમાન – શિખામણ કે સલાહને અદાવત અને વિરોધને બગાવત સમજવામાં આવે છે. આમ તો દરેક યુગમાં રાષ્ટ્રવાદને “શત્રુ”ની જરૂરત હોય છે પરંતુ આ તબક્કામાં આ જરૂરત એટલી તીવ્રતા ધારણ કરી લે છે કે જો શત્રુ બહારનો ન મળે તો અંદરથી શોધી લેવામાં આવે છે. નેશનાલીઝમની કોમ કે જાતી માટે તે જ હેસીયત છે જે શરીરના માટે કેન્સરની. કેન્સરને ફેલાવવાની અને રમત રમવાની તક મળે તો તે એટલી હદે વણસી જાય છે કે શરીરનું નષ્ટ થઈ જવું નિશ્ચિત થઈ જાય છે.
જાપાન અને બ્રિટન જેવા નાના દેશોએ નેશનાલીઝમના આધારે જે તબાહી મચાવી છે તેનાથી સાબિત થાય છે કે રાષ્ટ્રવાદમાં ફાસીવાદ, સામ્રાજ્યવાદ અને આપખુદશાહીના જીવાણું સ્વાભાવિક રીતે મોજૂદ હોય છે. સમય અને સંજોગો જેમ જેમ અનુરૃપ થતા જાય છે તેમ તેમ પ્રત્યેક જીવાણું પોતાનો રંગ બતાવતા જાય છે. બિસ્માર્ક હોય કે મુસ્તુફા કમાલ, હિટલર હોય કે મુસોલીની પોતાના પ્રવાસનો આરંભ રાષ્ટ્રની ખુશહાલી અને વિકાસના નારા સાથે જ કરે છે અને કોમને આ સાથે હયાત (અમૃત) પીવડાવે છે અને જે પછી પાછળથી પોતાની જ કોમ કે રાષ્ટ્ર માટે ભયંકર ઝેર સાબિત થાય છે.
હવે એમ કહેવાય છે કે આજનો જમાનો જુદો છે. આજની દુનિયા સહઅસ્તિત્વના સિદ્ધાંત પર કાયમ છે. અહીં કોઈ દેશ બીજા ઉપર આક્રમણ નથી કરતું. પરંતુ આ એક ગેરસમજણ પર આધારિત વાત છે. આજે પણ તેવું જ છે જેવું પહેલા હતું. માત્ર વાસણ બદલાયું છે. જે ફેરફાર થાય છે તે પ્રકાર, અંદાજ, ફેશન, ટેકનોલોજી અને નારાઓનો હોય છે. જેમકે પહેલાં ઘોડા-ઊંટ ઉપર પ્રવાસ થતો હતો અને હવે પ્લેનથી. આ ફેરફાર તો છે પણ કંઇ સૈદ્ધાંતીક ફેરફાર નથી.
જોકે આ ઉપરના સ્તરના ફેરફારની પણ અસરો હોય છે પરંતુ તેનાથી કોઈ આધારભૂત પરિવર્તન થતુ નથી. જેમકે ગ્લોબ્લાઈઝેશનના કારણે આજે લોકો મોટી સંખ્યામાં સ્થળાંતર બીજા દેશોમાં કરી રહ્યા છે. જેના કારણે એક મિશ્ર સમાજ અસ્તિત્વમાં આવે છે. પરંતુ આ દીવાસ્વપ્ન છે કે આ મિશ્ર સમાજે રાષ્ટ્રવાદની ભાવનાને નિર્બળ બનાવી દીધી છે. આજે પણ અમેરિકામાં વસવાટ કરતા વિદેશી લોકો પોતાને અમેરિકાના મુખ્ય રાષ્ટ્રપ્રવાહમાં શામેલ કરવા અનહદ જનત કરે છે. આજે પણ રાષ્ટ્રના નામે શરણાર્થી વિરોધી ચળવળો અમેરિકા અને યુરોપમાં કાર્યરત છે અને પ્રતિદિન આગળ ધપી રહી છે. શું ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અને હિટલર કે મુસોલીનીની વકવાસમાં સમાનતા નથી? જો જમાનો આટલો બધો બદલાઈ ગયો છે તો કેમ ટ્રમ્પ જેવાના જીતવાના ચાન્સ ઉભા થઈ ગયા છે? અને આ એ દેશની હાલત છે જેની આધુનિકતા ઉપર સમગ્ર વિશ્વ ઈમાન લાવી ચૂક્યુ છે.
આજની દુનિયામાં પણ એક દેશનું બીજા ઉપર આક્રમણ ધારણા બહારનું નથી રહ્યું. ઇરાક-અફઘાનિસ્તાન-સિરિયાના હુમલાઓ આજના યુગમાં જ થયા છે. પરંતુ સત્ય એ છે કે વિસ્તારવાદના વલણમાં કમી એ રીતે આવી છે કે કોઈ દેશ બીજા દેશ ઉપર હુમલો કરીને તેના ઉપર કબજો નથી કરતો. આવું એટલા માટે નથી થયું કે સત્તાધીશો કોઈ “ગાંધી”થી થપથ કરી ચુકયા છે પરંતુ આજના વિશ્વમાં કોઈ દેશનું આધિપત્ત જમાવા કબજો કરવાની જરાપણ જરૃર નથી, જેના કારણે આર્થિક અને સૈનિક નુકસાન પણ થાય અને બદનામી થાય તે વધારામાં!! આ કામ તદ્દન સરળતાથી કોઈક ઇઝરાઇલને સુરક્ષાની ખાત્રી આપીને, શસ્ત્રોના વેચાણથી, સમગ્ર વિશ્વમાં એમ એસ સેઝ કાયમ કરીને, તેલના ઉપર કંન્ટ્રોલ કરીને અને લોકોમાં અપ્રિય હોય તેવા સત્તાધીશોને કઠપુતળી બનાવીને સરળતાથી કરી શકાય જ છે ને! Rogue State અને Confessions of an Economic Hitman જેવા પુસ્તકો “આજ”ની આ દુવિધામાં ગ્રસ્ત લોકોની આંખો ખોલી નાંખવા પુરતા છે.
જ્યારે રાષ્ટ્રવાદની વાત થાય છે તો ચર્ચામાં સામાન્યપણે અમુક બીજી કલ્પનાઓ પણ રજૂ કરવામાં આવે છે. જેમકે દેશભક્તિ (Patrotism), મિસ્રસમાજ (Pluralism), સાંસ્કૃતિક બહુલતા(Multi Culturalism) વગેરે. આ ત્રણ કલ્પનાઓની પ્રથમ ખામી તેમના લક્ષણો છે. બીજી ખામી એ છે કે પોતાના તમામ લક્ષણો છતાં તેમની એક પશ્ચાદભૂમી પણ છે. જેથી આવામાં તેના અર્થઘટનની વહેતી ગંગામાં હાથ ધોવા અને તેમના નિશ્ચિત અર્થઘટનને નજરઅંદાજ કરીને પોતાના તરફથી ઉભા કરેલા અર્થના આધારે તેમનામાં અને ઇસ્લામમાં સમાનતા શોધવાના પ્રયત્નો કરવા ભલાઈ ફેલાવનારી ઉમ્મતના મોભાને અનુરૃપ નથી.
રાષ્ટ્રવાદની વિકલ્પના રૃપે બીજી વિચારસરણીઓ પણ આપણા સામે આવે છે. જેમકે ઇન્ટરનેશનાલીઝમ, માર્કસવાદ વગેરે પણ આ બધામાં માર્કસવાદે પોતાની બહોળી અસરો ઉભી કરી છે. તેણે ન માત્ર રાષ્ટ્રવાદને રોકયો બલ્કે ગત સદીમાં કાયદેસર રીતે એક વ્યવસ્થા ચલાવવાની કોશિશ કરી. પરંતુ છેવટે તે પણ તે જ સમસ્યાઓનો શિકાર થઈ ગયું જે નેશનાલીઝમમાં જોવા મળે છે. ફરક માત્ર એટલો છે કે માર્કસવાદની લીટી ભૌગોલિક આધાર ઉપર નહીં બલ્કે માનવવર્ગોના આધાર ઉપર ખેંચવામાં આવે છે. બુદ્ધિ પરેશાન થઈ જાય છે કે આ બંનેમાં કઈ વ્યવસ્થા વધારે મજાકપાત્ર છે.
આ પરિપેક્ષ્યમાં ઇસ્લામની માન્યતા સમતોલન પર આધારિત છે. માનવીને સ્વાભાવિક રીતે પોતાના પરિવાર, ભાષા, ક્ષેત્ર અને અન્ય ઘણી ચીજોથી પ્રેમ હોય છે. ઇસ્લામ આ પ્રેમના વિરુદ્ધ નથી, બલ્કે તે પસંદપાત્ર ચીજ છે. ઇસ્લામ આ પ્રેમને રીતભાત શિખવે છે. ઇસ્લામ કહે છે જેમ તમને તમારા પરિવાર, ભાષા, ક્ષેત્રથી પ્રેમ છે તે જ પ્રમાણે બીજાઓને પણ છે. ન તમે પોતાની આ બધી ચીજોના કારણે કોઈનાથી શ્રેષ્ઠ છો ન કોઈ બીજો તમારાથી શ્રેષ્ઠ છે. આ ફરક તો માત્ર એટલા માટે જ છે કે તમે એક બીજાને ઓળખો. અને ઉચ્ચતાનું કોઈ માપદંડ જો છે તો તે તકવા એટલે કે ઇશભય છે. જેનો ન કોઈ ખાસ વર્ગ, રંગ, ભાષા કે વર્ણ અને જાતી કે વિસ્તાર સાથે સંબંધ છે. એટલે ટૂંકમાં ઇસ્લામ વંશીય, ભાષાકીય, રંગની, ધાર્મિક કે નાગરિકોના સમુહ આધારિત રાષ્ટ્રવાદને બદલે ઇસ્લામ વૈચારિક અને વૈશ્વિક રાષ્ટ્રવાદની વાત કરે છે.
એક મિત્રએ ધ્યાન દોર્યું કે કેમ્પસો અનો ઓફીસો બલ્કે ભારતના ખાસ પરિપેક્ષ્યમાં લગભગ દરેક જગ્યાએ એક સવાલ ગુગલી બોલરના બોલની જેમ ફેંકવામાં આવે છે જે ઊંઘી દિશામાં ફરે છે અને તે સવાલ છે: “તમે પહેલાં મુસલમાન છો કે ભારતીય?”
આ સવાલનો જવાબ અમર્ત્યસેન પોતાના પુસ્તક ‘Identy and Violence’માં સરસ આપ્યો છે કે દરેક મનુષ્યનું માત્ર એક જ વ્યક્તિત્વ નથી હોતું, ઘણા બધા હોય છે. એક વ્યક્તિ એક જ સમયે એક મુસલમાન, એક વૈજ્ઞાનિક, એક સામાજિક કાર્યકર, એક બંગાળી, એક ભારતીય અને એક પિતા હોઈ શકે છે અને આ વિવિધ વ્યક્તિઓમાં કોઈ ભેદ નથી. લગભગ મૌલાના મુહમ્મદ અલી જૌહરના મનમાં આવો જ કોઈ સવાલ હશે જ્યારે તેમણે ગોળમેજી પરિષદમાં વકતવ્ય આપતા કહ્યું હતું, “જ્યાં મામલો ખુદાની આજ્ઞાનો હોય, હું પ્રથમ મુસલમાન છું, દ્વિતિય મુસલમાન છું અને અંતે પણ મુસલમાન છું તેના સિવાય કંઇ જ નહીં… પરંતુ જે બાબતોનો હિન્દુસ્તાનથી સંબંધ છે, હિન્દુસ્તાનની સ્વતંત્રતા સાથે સંબંધ છે, હિન્દુસ્તાનની ખુશહાલી અને વિકાસથી સંબંધ છે… હું પ્રથમ હિન્દુસ્તાની છું, દ્વિતિય હિન્દુસ્તાની છું અને અંતે પણ હિન્દુસ્તાની છં અને તેના સિવાય કંઇ જ નહીં… મારો સંબંધ એક જ શરીરના બે વર્તુળોથી છે. અલબત્ત આ વર્તુળોનું કેન્દ્ર એક નથી. એક વર્તુળ હિન્દુસ્તાનનું છે અને એક મુસ્લિમ જગતનું… અમે આ બંને વર્તુળોથી સંબંધ ધરાવીએ છીએ… અને અમે આ બેમાંથી કોઈને છોડી શકતા નથી.”
મૌલાનાને આ વાતમાં થોડો ફેરફાર કરીને જો મુસ્લિમજગતની જગ્યાએ ઇસ્લામને જોવામાં આવે તો ઇસ્લામની આ બાબતે પરિકલ્પના તદ્દન સ્પષ્ટ થઈ જશે. દરેક મનુષ્યની જેમ મુસલમાન પણ અસંખ્ય વર્તુળોથી સંબંધ ધરાવે છે. ખાસ વાત માત્ર એટલી છે કે અમારા તમામ વર્તુળો એક મોટા વર્તુળ ઉપર આધારિત છે. તે મોટું વર્તુળ ઇસ્લામ છે. અલ્લાહની સીમાઓનું છે જેનાથી આપણે આગળ વધી શકતા નથી. દેશની ભલાઈની સાચી ખેવના અને ઇસ્લામ ઉપર અમલ ન માત્ર એ કે તેમના વચ્ચે કોઈ વિરોધાભાસ છે બલ્કે આ ભલાઈની ખેવના તો ઇસ્લામના શિક્ષણના તદ્દન અનુરૃપ છે. અલબત્ત અમુક મોં-માથા વગરની વાતો જે દેશપ્રેમની કસોટીરૃપે રજૂ કરવામાં આવે છે, જેમકે વંદેમાતરમ ગાવું, ભારતમાતાનો નારો લગાવવો અથવા ભારતની ક્રિકેટ ટીમની તરફેણ કરવી વગેરે… તો તેનો દેશની ભલાઈની ખેવના કે દેશપ્રેમ સાથે કોઈ સંબંધ નથી. દેશ અને દેશની માટી અમારા માં-બાપ કે ભાગ્યવિધાતા કદાપી નથી પરંતુ આ દેશના પ્રત્યેક નાગરિકથી આપણે ભાઈચારા અને ભાતૃત્ય ભાવનાનો સંબંધ છે. પોતાના દેશબંધુઓને પ્રેરણા, સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર,અધિકારો, હક્કો, વિકાસ અને ખુશહાલી… આમ આ દરેક સમસ્યા આપણી સમસ્યા છે. સહીયારી સમસ્યા છે. પોતાના દેશને સીધા અને સાચા માર્ગે ચલાવવો અને તેને અંદરના અને બહારના શત્રુઓથી બચાવવો આપણી ફરજ અને જવાબદારી છે. અને એક એવી ફરજ જો તેને અદા કરવામાં ચૂક થઈ જાય કે નિષ્ફળ જઈએ તો અલ્લાહને તેનો જવાબ આપવો જ પડશે.
ઊંડા ચિંતન-મનન પછી જ્યારે બેનીડીકટ એન્ડરસરએ નિષ્કર્ષ ઉપર પહોંચ્યો કે રાષ્ટ્ર એક બનાવટી અથવા ઉપજાવી કાઢેલી કોમ છે… જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રવાદને એક મોટી લાનત ઠેરવી… જ્યારે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આઈન્સટાઈને તેને માનવતા માટે શિતળાની ઉપમા આપી (તે સમયે શિતળાના રોગનો કોઇ ઇલાજ ન હતો) તો આ આશા રાખવામાં આપણે યથાર્થ છીએ કે આંખો ઉપરથી અજ્ઞાનતાના ગાઢ આવરણો જ્યારે હટી જશે તો વૈચારિક રાષ્ટ્રવાદ અને દેશપ્રેમની ઇસ્લામી કલ્પના પણ અજાણ અને અજનબી નહીં રહે અને રાષ્ટ્રવાદ-રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમની વાતો કરનારા વિચાર કરશે અને ઇસ્લામની આ માનવપ્રેમથી છલોછલ કલ્પના સામે વાત કરતાં પણ અચકાશે. *
(રાષ્ટ્રવાદ અને નેશનાલીઝમ વિષય ઉપર જમાઅતે ઇસ્લામીના સ્થાપક મૌલાના મૌદૂદી (રહ.)એ પોતાના બે પુસ્તક “મસ્લએ કૌમીઅત” અને “મુસલમાન ઔર મૌજૂદા સિયાસી કશ્મકશ”માં ખૂબજ છણાવટ સાથે પ્રકાશ પાડ્યો છે. જેથી આ વિષયને વધુ ઊંડાણથી સમજવા માટે આ પુસ્તકોનું અધ્યયન ફળદાયી રહેશે.)
– સંકલનઃ મુહમ્મદ અમીન શેઠ