મણિપુર રાજ્યનું માલેમ બસ સ્ટેન્ડનું તા. ૨ નવેમ્બર, ૨૦૦૦નો દિવસ એક કવિયિત્રી આ માલેમ બસ સ્ટેન્ડ પર ઊભી હતી. અને અચાનક કેટલાક સુરક્ષાકર્મીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૃ કર્યો. અને દસેક જેટલા નવયુવાનોને મોતને ઘાટ ઉતારી દીધા. આ કરૃણ દૃશ્ય જોઈને તે યુવાન કવિયિત્રીનું હૃદય દ્રવી ઊઠયું.
ભારતીય બંધારણ તો કોઈક આતંકવાદી કે ગુનેગારને પણ આ રીતે મારી નાંખવાની અનુમતિ નથી આપતું, તો આ ક્યા કાનૂન સંદર્ભે કરવામાં આવ્યું.
આ કવિયિત્રીનું નામ હતું ઇરોમ શર્મીલા ચાનુ, જેમણે આ કાળા કાયદાની વિરુધ્ધ લડવાનો દૃઢ નિર્ણય કર્યો. આ કાયદો કે જેનું નામ AFSPA “Armed Forces (Special Powers) Acts” સુરક્ષા કર્મીઓને કોઈ પણ વ્યક્તિને શંકાના આધાર પર ગોળી મારી શકવાનો અધિકાર આપે છે. આ કાયદો પૂર્વોત્તરના રાજ્યો તેમજ કાશ્મીરમાં લાગુ પડેલ છે. ઇરોમ શર્મિલાએ છેલ્લા ૧૬ વર્ષથી આ કાયદા વિરુદ્ધ ભૂખ હડતાળ (અનશન) આચરેલ હતી. તેમને આત્મહત્યાના પ્રયાસના આરોપસર પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યા અને નાકમાં નળી નાખીંને અન્ન પાણી આપતાં રાખી જીવાડવામાં આવતા રહ્યા. આમને આમ તેઓ ૧૬ વર્ષ સુધી લડતા રહ્યા. અને દુર્ભાગ્યવશ હારતા રહ્યા.
ગયા વર્ષે દિલ્હી હાઇકોર્ટમાં તેઓ ભાંગી પડયા અને અશ્રુભીની આંખે કહી રહ્યા હતા, “હું જીવતી રહેવા માંગું છું, હું જીવવા માંગું છું, લગ્ન કરવા માંગું છું, પ્રેમ કરવા માંગુું છું, પરંતુ તેના પહેલા ઇચ્છું છું કે અમારા પ્રદેશમાંથી આ કાળા કાયદાને નાબૂદ કરવામાં આવે.” અંતે ઇરોમ શર્મિલાએ નક્કી કર્યું કે તેઓ ચૂંટણીમાં જંપલાવીને આ કાયદા વિરુદ્ધ લડત આપશે. તેઓ ૨૦વ૭ની મણિપુરની વિધાનસભા ચૂંટણીમાં મણિપૂરના પૂર્વમુખ્યમંત્રી વિરુદ્ધ ઉભા રહ્યા. પરંતુ લોકતંત્રની કરૃણતા તો જુઓ કે તેઓ માત્ર અને માત્ર ૯૦ મતો પ્રાપ્ત કરી શક્યા જે NOTA કરતાં પણ ઓછા હતા. જે પ્રદેશની જનતાના અધિકાર માટે જેઓ ૧૬ વર્ષ સુધી લડતા રહ્યા. તેમને એ લોકોએ ૯૦ મતોનું ‘ઇનામ’ આપ્યું. ઇરોમ ફરી એક વખત રડી પડયા અને જાહેર કર્યું કે “હવે તેઓ ક્યારેય રાજનીતિમાં પાછા નહીં ફરે”
આ એ જ લોકતંત્ર છે જે રાજાભૈયા જેવા અત્યાચારીને જંગી બહુમતિથી વિજયી બનાવી શકે છે, પરંતુ તેમના જ અધિકારો માટે લડતી આ નિરાધાર કવિયિત્રીને કારમી હાર માટે મજબૂર કરે છે. આ લોકતંત્રમાં નોટબંધીના કતારમાં ઊભેલી ૧૫૦ જેટલી વ્યક્તિઓના મૃત્યુ, ઉત્તરપ્રદેશમાં કુપોષણથી પીડાતી યુવતીઓ, એન્કેફેલાઇટીસથી પીડાતા લાખો બાળકો કોઈ મુદ્દો નથી એમ જ ૧૬ વર્ષના કાયમી અનશન પણ કોઈ મુદ્દો નથી.
૧૬ વર્ષથી અનશન કરતી ઇરોમ તેવી જ રીતે પરાજિત થઈ છે જેવી રીતે મણિપુરમાં મનોરમાં હારી હતી, જેવી રીતે મનોરમા કાંડમાં ન્યાય મેળવવા પ્રદર્શન કરી રહેલી નિર્વસ્ત્ર મહિલાઓ હારી હતી. જેવી રીતે બસ્તરમાં મક્કમ હિડમે અને સુખમતી હારી હતી. અને મૂળભૂત સવાલ એ જ છે કે શું આ ઇરોમ શર્મિલાની હાર છે કે લોકતંત્રની હાર?