Friday, November 22, 2024
Homeમનોમથંનલ્યો!! હવે નાર્કો જીહાદ !!

લ્યો!! હવે નાર્કો જીહાદ !!

ગુજરાત ની રૂપાણી સરકારે જતાં પહેલા ધર્માંતરણ નો નવો કાયદો 2003 ના કાયદાને સુધારીને કર્યો. આ કાયદાની ઘણી કલમો વિવાદાસ્પદ હતી. અને સ્પષ્ટ રીતે પાયાના અધિકારો સાથે ટકરાતી પણ હતી. હાઇકોર્ટમાં તેને ચેલેન્જ કરવામાં આવ્યો અને કોર્ટે તેની ઘણી બધી કલમો ઉપર સ્ટેટ્સ કો ઓર્ડર આપી દીધો. સરકારે તેમાંથી કલમ-૫ ને સુધારવા ફરીથી અરજી કરી જેને પણ સ્પષ્ટ રીતે હાઇકોર્ટે નકારી દીધી. લવજેહાદ શબ્દપ્રયોગ જ્યારથી પ્રચલિત કરવામાં આવ્યો છે ત્યારથી જ તે અત્યંત વિવાદાસ્પદ રહ્યો છે. ગુજરાત સરકારે પણ આ ધર્માંતરણના કાયદામાં ક્યાંય તેનો ઉલ્લેખ નથી કર્યો, છતાં બધી ચર્ચાઓ માં સેન્ટર સ્ટેજ ઉપર આ લવજેહાદ શબ્દપ્રયોગ ચર્ચાની એરણે રહ્યો.
હવે તો જાણે જીહાદ ગુજરાતીમાં જેહાદ, શબ્દ પ્રયોજવાની હરીફાઈ લાગી ગઈ છે. લેન્ડજેહાદ, કોરોનાજેહાદ, નાર્કોજેહાદ..વિગેરે.. અને હવે છેલ્લે ગુજરાત સરકારના એક સેક્રેટરી ભટ્ટ સાહેબે ડીજીપીને પત્ર લખ્યો છે. તેમાં બીજા બધા ગુનાઓ ની સાથે આ લવજેહાદ નો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે. આની ઉપર ઘણા સંગઠનોએ વાંધો લીધો છે અને તેનો અહેવાલ પણ અખબારોએ છાપ્યો છે.


આપણે નાના હતા ત્યારે ભૂત, પ્રેત, ચુડેલ અને આવા વહેમોથી આપણને ડરવાનું શીખવાડવામાં આવ્યું. આજે પણ ઘણા અખબારો અને ટીવી સિરિયલોમાં અગોચર મનની અજાયબીઓ છપાતી- બતાવાતી રહે છે. અને તેની ખાસ અસર મોટી ઉંમરે વૈજ્ઞાનિક અભિગમથી વિચારવાળા લોકો માં પણ દેખાય છે. હવે આ જ રીતે મુસલમાનોને ટાર્ગેટ કરીને જેહાદ શબ્દ જે રીતે ઉછાળવામાં આવી રહ્યો છે તે ક્યાં જઈને અટકશે તે કહેવું ઘણું મુશ્કેલ છે.ભૂત પ્રેતની જેમજ મુસલમાનનું આ ભયંકર સ્વરૂપ બિન મુસ્લિમ દેશ બંધવોના માનસપટ પર આવીજ ડરામણી અસર ઉભી કરેછે.આ અસરોથી પ્રભાવિત માનસ બધીજ કોમન સેન્સ એટલેકે સાદી સમજ બાજુ પર મૂકી આ ચિત્રણ જેમનું તેમ સ્વીકારી લેછે. આનું કારણ સમજવાની જરૂર છે. જે રીતે હિન્દુત્વ વાદી લોકો ખાસ કરીને આર.એસ.એસ થી જોડાયેલ સંસ્થાઓ જે અપપ્રચાર અને કુપ્રચાર મુસલમાનો તથા ઇસ્લામ બાબતે હથોડા પીટીને મીડિયામાં ફેલાવી રહી છે, તેના લીધે જેહાદ શબ્દ બહુ catchy આકર્ષક બની ગયો છે. જિહાદ શબ્દ સંઘર્ષ દર્શાવે છે,તેમાં બીજાને મારી નાંખવાની વાત જ નથી. આ સમજૂતી પછી પણ તેનો પ્રચલિત ઉપયોગ હવે સ્પષ્ટ રીતે ઇસ્લામ- મુસલમાનોને બદનામ કરવા સારુજ લેવાઈ રહ્યો છે,તે પણ સમજવું રહ્યું.


અફઘાનિસ્તાન પ્રકરણ ચાલતાં ઇસ્લામોફોબિયાને ભારતમાં, દેશભરમાં હવે દોડવું હતું અને ઢાળ મળી ગયો છે. કાયદાને ઘોળીને કઈ રીતે પી જવું તે આ હિન્દુત્વવાદી અનિષ્ટ તત્વો ને હવે ખૂબ ફાવી ગયું છે. માધ્યમોમાં પણ કટાર લેખકો, તંત્રીઓ અને એન્કર્સ સીધી તથા આડીઅવળી બંન્ને રીતે તેને ચગાવેલ રાખે છે. મુસલમાનોને જે રીતે કોર્નર કરી દીધા છે, તેમાં તેમનો ખુલાસો નતો રાજકીય પક્ષો કે માધ્યમો સમજવા તૈયાર છે, ન તો બીજા સમુદાયના લોકો. આજે દ્વેષ અને કિન્નાખોરીએ જે વરવું સ્વરૂપ ધારણ કરી લીધું છે તેને સુધારતા ઘણા વર્ષો લાગી જશે, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. બિનસાંપ્રદાયિક લોકો, સીવીલ સોસાયટી, સમજુનાગરિકો, બૌદ્ધિકો, બધા જ લાચારી અનુભવી રહ્યા છે અને નિરપેક્ષ ભાવે આ નાટક નિહાળી રહ્યા છે. એક તરફ અફઘાનિસ્તાનના પ્રશ્ને લઘુમતી તથા મહિલાઓ બાબતે જે આશંકાઓ આપણા માધ્યમો તથા બુદ્ધિજીવીઓ વ્યક્ત કરી રહ્યા છે તેજ પ્રશ્નો અહીં આપણી આસપાસ જ વિકરાળ સ્વરૂપે પ્રગટ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવે છે, તે સાચે જ આશ્ચર્યજનક છે.
હવે આવીએ આ લેખના મુખ્ય મુદ્દા તરફ. કેરાલાના એક બિશપ,જોસેફ કાલારંગાટ્ટુ નાર્કોટિક જેહાદ ના નારા સાથે મેદાનમાં કૂદી પડ્યા છે. આ સંઘ પરિવારનો શબ્દપ્રયોગ ખ્રિસ્તી પાદરી દ્વારા વાપરવો કેટલો ખતરનાક છે, તે સમજવું કોઈના માટે મુશ્કેલ નથી. ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં ધાર્મિક સમુદાયો વચ્ચેના સંબંધો ખૂબ નાજુક હોય છે. દેશ, કોઈ ધર્મ કે માન્યતાને સીધી રીતે એક ને બીજા પર સરસાઈ નથી આપી શકતો. નાગરિકને અધિકાર આપે છે કે તે પોતાની પસંદગીનો ધર્મ અને માન્યતા અપનાવી શકે છે. આ સંતુલન સીધી કે આડકતરી રીતે બગડવું ન જોઈએ તે જોવાની જાળવવાની રાજ્યની ફરજ છે. કોઇ પણ ધર્મને ખતરનાક બતાવવો અને તે પણ કોઇ મજબૂત આધાર વગર, તે ખરેખર સમાજના ધાર્મિક સોહાર્દને છિન્નભિન્ન કરી શકેછે. કેરાલા ના ત્રણે ધર્મો હિન્દુ મુસ્લિમ તથા ઈસાઈએ આ ધ્યાન રાખવું પડે. એ વાત સાચી છે કે આજનું યુવાધન બહુ જ ઝડપથી નશાની લતે ચઢી રહ્યું છે અને તેને સંભાળવું આપણા સૌની સહિયારી ફરજ બની રહે છે, ત્યારે કોઈ એક કોમ કે સમુદાયને નિશાન બનાવવું બિલકુલ યોગ્ય નથી. ગુજરાતમાં અદાણી બંદરેથી હમણાંજ 3000 કિલો ડ્રગ પકડાયું, જેની કિંમત 2100 કરોડ અંકાઈ છે,તે અતિ ભયંકર પરિસ્થિતિ દર્શાવેછે. આ તો ડ્રગ કારોબારમાં હિમશીલાની ટોચ છે તેમ ઘણા નિષ્ણાતોનું આકલન છે.આનાથી ધ્યાન હઠાવવા નવા ફન્દા ગોઠવવા પડે. જે મીડિયા 59 ગ્રામ ડ્રગને લઈ સુશાંતસિંહ રાજપુત કેસમાં દિવસો સુધી ચૂપ નહોતું રહેતું,તે એકદમ ચૂપ છે તે સમજવું રહ્યું.અફઘાનિસ્તાન કે મુસ્લિમ એન્ગલ શોધવાની કોશિશો પણ થઈ રહી છે જેથી પ્રજાને ભ્રમિત કરી શકાય.


કેરાલા એવું રાજ્ય છે જ્યાં ત્રણેય ધર્મોના સમુદાયો ઘણા મોટા પ્રમાણમાં વસી રહ્યા છે. રાજકીય તથા આર્થિક હરીફાઈમાં ખાસ કરીને સંસાધનો ની વહેંચણી માં જેમકે શિષ્યવૃત્તિ કે રોજગારી માં આ બહુ તીક્ષ્ણ રીતે વર્તાય છે. દરેક સમુદાયને પોતાનો હિસ્સો પ્રમાણસર માગવાનો અધિકાર છે. અને રાજકીય પ્રભુત્વ આ બાબત ને ચોક્કસ બનાવી શકે છે.ધાર્મિક નેતાગીરીને સરકારની કેટલીક પોલિસીઓ પોતાના હિતને નુકસાન કારક લાગી શકેછે અને આ સરકારની જવાબદારી છે કે તે આ ભ્રમ અને ભય દૂર કરે. કેરલ એક વિશિષ્ટ રાજ્ય છે. હિંદુ બહુમતિ ની સાથે મુસ્લિમ તથા ખ્રિસ્તી લોકો દ્વારા તે એક સંતુલિત અને મજબૂત રાજકીય તથા ચૂંટણીલક્ષી સમીકરણ બનાવે છે. ખ્રિસ્તી બહુમતી તો ફક્ત ઉત્તરપૂર્વીય રાજ્યો મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ વિ. માં જ જોવા મળે છે એટલે કેરાલામાં ખ્રિસ્તી પાદરીના આ ઉદગારો સંઘ પરિવારની વિભાવનાને જ મજબૂત કરે છે, તે સમજવું રહ્યું. અને આ સાચે જ ખતરાની ઘંટડી છે કેમકે સંઘ પરિવારની આ જાળમાં તેઓ જાણે-અજાણે ફસાઈ રહ્યા છે.


છેલ્લા કેટલાક વર્ષોથી કેરાલાના ખ્રિસ્તીઓ રાજ્ય સરકારના મુદ્દાઓને લઇ મુસલમાનોને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને મુસલમાનોને સરકારી સહાયમાં જે મોટો ફાળો મળી રહ્યો છે, તે બાબતે. રાજકીય પંડિતો તથા માધ્યમોની વાત માનીએ તો કેથોલિક ચર્ચ ભાજપ ની નજીક સરકી રહ્યું છે. ભાજપાની ટોચની નેતાગીરી સાથે આ વર્ષની શરૂઆતમાં જે મીટીંગો થઇ તેની અસર પણ વર્તાઇ રહી છે. ખ્રિસ્તી ચર્ચ બીજેપી તથા આરએસએસ થી સુરક્ષિત નથી અને ભયભીત પણ છે. છતાં દેશની બદલાયેલા રાજકીય પરિસ્થિતિમાં તેને પડકારવાની પરિસ્થિતિમાં નથી. હવે, જ્યારે કોંગ્રેસમાં દમ નથી રહ્યો તો રાજકીય રીતે ભાજપ ની સોડ માં ભરાવવું તેને વધારે લાભદાયી દેખાઈ રહ્યું છે. કેથોલિક ચર્ચ હજારો શિક્ષણ સંસ્થાઓ અને સ્વાસ્થ્ય કેન્દ્રો ચલાવી રહી છે. સાથે સાથે હજારો NGO પણ ચલાવી રહી છે, જે વિદેશથી ફંડ મેળવી આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચલાવે છે. સરકાર દ્વારા fcra નો સકંજો મજબૂત થતા ફંડ ની અછત વર્તાઈ રહી છે. મોદી સરકારે ખ્રિસ્તીઓના ફાધર્સ અને સિસ્ટર ને જે લાભો ઇન્કમટેક્સ માં મળતા હતા તે પણ રદ કરી દીધા છે. આ બધા કારણોસર ચર્ચ હવે ભારે નાણાભીડ અનુભવી રહ્યા છે. ચર્ચની મિશનરી પ્રવૃત્તિઓ ખાસ કરીને ધર્મ પરિવર્તન, જે દલિતો અને આદિવાસીઓ માં થઈ રહ્યું હતું, તેના લીધે ભાજપ અને હિન્દુ જમણેરી સમૂહ સાથે તેનો મનમેળ શક્ય નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની જાન્યુઆરી 2021 ની મીટીંગમાં આ બધા મુદ્દા ચર્ચાયેલ. પરંતુ ચર્ચ નેતાઓએ આ જવાબ મીડિયામાં આપવાનું ટાળી દીધેલ.


આ રાજકીય અને જમીની પરિપ્રેક્ષ્યમાં ભાજપા કેરાલામાં પોતાનો પગપેસારો કરી શકતું નથી. તેથી તેને મુસલમાન અથવા ખ્રિસ્તીઓનો સહયોગ મેળવવો ખૂબ જરૂરી છે. હવે જ્યારે ઇસ્લામોફોબિયા તેના શિખરે છે ત્યારે મુસલમાનો સાથે બેસવું વિચારીજ નથી શકાતું. એટલેજ ખ્રિસ્તીઓને પડખે લેવાનો વિકલ્પ જ બચી રહે છે. કેમકે ભાજપાનો મુખ્ય મુદ્દો મુસલમાનો સામેનો દ્વેષ ટકાવવો, ધ્રુવીકરણ માટે ખૂબ જરૂરી છે. કેરાલાના દ્વિપક્ષીય રાજકારણમાં ત્રીજું પરિમાણ ઉભુ કરવાના ખેલ ચાલાકીથી ગોઠવાઇ રહ્યા છે, તે સમજવું રહ્યું. ભવિષ્યમાં રાજકીય સત્તા મેળવવા આ ચાલ ખૂબ જરૂરી છે. આ પરિપ્રેક્ષ્યમાં કોમવાદી હિન્દુ પરિબળોનું પાદરીના આ વિધાન ના ટેકા માં આવી જવું અને તેમના ઘર બહાર સહયોગ સારુ દેખાવ કરવા પણ બિલકુલ સ્વાભાવિક છે. દક્ષિણ ભારતના આ રાજ્યમાં જ્યાં કોમી સૌહાર્દ જળવાયેલો છે અને જ્યાં કોમી તુફાનો બિલકુલ નથી થયા, ત્યાં આવું વાતાવરણ સંઘપરિવારને ખૂબ જ લાભદાયી બની રહેશે, તેમાં બેમત નથી. કોંગ્રેસના પ્રમુખ તથા આગેવાનો પણ આ પાદરીને સીધો સહયોગ કરી રહ્યા છે. UDF તથા LDF બંન્ને આ ખ્રિસ્તી પાદરી ના થાબડભાણા કરી રહ્યા છે જે રાજકીય મજબૂરીની ચાડી ખાય છે. ખુદ મુખ્યપ્રધાન પીનયારી વિજયનનો અભિગમ ગંભીર ચિંતાનો વિષય છે. પાદરીના સામે પગલા લેવાનું તો બાજુ પર રહ્યું, તેઓએ તો સીધો બચાવ કર્યો કે પાદરીએ આ વાત ફક્ત પોતાના અનુયાયીઓ સમક્ષ વ્યાસપીઠ ઉપરથી કરેલી છે. આ કોઈ તેમનું જાહેર મંતવ્ય નથી. અને તેથી જ કોઈ કાયદાકીય મુદ્દો તેમની સામે લેવા માટે છેજ નહીં. વધુમાં તેમણે આ પણ ખુલાસો કર્યો કે પાદરીનું નાર્કોટિક જેહાદ નું મંતવ્ય સમુદાયો વચ્ચે દુશ્મનાવટ માટે નથી બોલાયું. પાદરીના મતે મુસ્લિમ આતંકવાદીઓ તેમના ધર્મને આગળ લઈ જવા સારુ બિન મુસ્લિમોનો ખાત્મો ઈચ્છે છે અને લવ જેહાદ તથા narkotik જેહાદ ને પ્રોત્સાહન આપે છે તે મંતવ્ય સાચે જ ખૂબ જ ગંભીર અને વાંધાજનક છે. દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વ આનંદના મત મુજબ આ એક ગુનાહિત કૃત્ય છે અને મુસ્લિમો સામે ધિક્કાર ફેલાવવાના કૃત્ય છતાં મુખ્યમંત્રી તેમની સામે કોઈ કાયદાકીય પગલાં લઇ નથી રહ્યા. મુખ્યમંત્રી જ્યારે એવું કહી રહ્યા છે કે કોઈને પણ જાહેરમાં in public ધિક્કાર ફેલાવવા બાબતે ચલાવી નહી લેવાય ત્યારે privately- અંગત રીતે મુસ્લિમો સામે પાદરી દ્વારા આ કૃત્ય ચલાવી લેવાશે તેવો આડકતરો સંદેશ પણ તેઓ આપી રહ્યા છે .રાજકીય પંડિતોના મત મુજબ ખ્રિસ્તીઓ ભાજપ તરફ સરકી ન જાય તે સારુ મુખ્યમંત્રી આ ચાલ ચાલી રહ્યા છે. મુસ્લિમ વેપારીઓ નો વિરોધ કરવાનું એલાન પણ આ પાદરી કરી ચુક્યા છે. બે મોટી ખાદ્યાન્નના વેપાર કરતી કંપનીઓને પાદરીઓએ નિશાન બનાવેલ. કેરાલાના આ બહુ જ પ્રતિષ્ઠીત વહેપારીઓ છે તે ધ્યાને લેવું રહ્યું. આ કાંઈ CPMના મુખ્યમંત્રી પહેલીવાર મુસ્લિમો વિરુદ્ધ નથી બોલ્યા. 2010માં અચ્યુતઆનંદ વસ્તી વધારા મુદ્દે તથા આંતરધર્મીય લગ્નો બાબતે આજ વાત બોલી ચૂક્યા છે. પોતાની કેડર ને પણ CPM સંઘી ભાષામાં જ પાદરી નો પક્ષ લઈ મુસ્લિમો સામે ઉશ્કેરણી કરી રહ્યો છે. માધ્યમમ દૈનિકના એક અહેવાલ મુજબ ધર્માંતરણ નો સૌથી વધુ ફાયદો તો કેરાલા માં હિન્દુઓને થયો છે. 506 જણાએ ધર્માંતરણ કર્યું છે, તેમાંથી 241 જણ ઇસ્લામ અથવા ખ્રિસ્તી ધર્મ થી હિંદુ ધર્મ તરફ ગયા છે. જ્યારે કે 144 લોકોએ ઇસ્લામ અંગીકાર કર્યો છે. અને 119 લોકો ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા છે .પાનોલી કમિટીના અહેવાલ જે સાચર કમિટી સંદર્ભે બનાવેલ હતી તે મુજબ વેલ્ફેર સ્કીમના 80% મુસ્લિમોને અને 20 ટકા ખ્રિસ્તી ઓને મળવાપાત્ર થાય છે. આ રેશિયો તેમની પરિસ્થિતિ મુજબ આકલન થયા પછી નક્કી થયેલ છે. વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ આ મુદ્દાને હવે મુસ્લિમો વિરુદ્ધ ચર્ચ ને મુકવામાં સંઘ પરિવાર સફળ થયો છે તે સમજવું રહ્યું.


બધા ધાર્મિક સમુદાયો તથા સીવીલ સોસાયટીએ આની ગંભીર નોંધ લેવી જોઈએ. જોકે મોટાભાગના ચર્ચ તથા સીવીલ સોસાયટીના લોકોએ અને વખોડી કાઢયું છે તેની સરાહના પણ કરવી રહી.


કેરાલામાં આ ઉપમહાદ્વીપમાં સૌથી જૂની મસ્જિદ છે તો સૌથી જૂનો ખ્રિસ્તી સમુદાય પણ ત્યાં જ છે અને આ જ વિરાસત અને ધરોહર છે જેની જાળવણી આપણે સૌએ મળીને કરવાની છે. યુપી તથા અન્ય રાજ્યોની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ધાર્મિક મુદ્દાઓને વળ ચઢાવી ચગાવવામાં આવી રહ્યા છે ઉમર ગૌતમ ના પછી મૌલાના કલીમ સિદ્દીકી સાહેબ ની ધરપકડ કરી આ ખાઈને સતત પહોળી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તે કોઈનાથી છૂપું નથી રહ્યું. સરકાર નો નબળો દેખાવ ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન તેને પજવી રહ્યો છે અને નફ્ફટાઈ તથા ચાલાકી દ્વારા પ્રજાને ભરમાવવા નવા નવા તિકડમ આવતાં જ રહેશે તે નક્કી છે.


આશા રાખીએ પ્રજા કોઈ તિકડમ થી દોરવાયા વગર કોમી સૌહાર્દ જાળવી રાખશે અને ચૂંટણીમાં પણ નિર્ભિક રીતે ભરમાયા સિવાય પોતાનો મત પ્રગટ કરશે.અને તોજ સાચી લોકશાહી આપણા દેશમાં મહોરશે…


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments