અઝાનનો અવાજ સાંભળતાં જ અમે ખેલ-કૂદ અને કામકાજ બંધ કરીને નમાઝ માટે જઈએ છીએ. નમાઝ અમે પાંચ વખતે મસ્જિદમાં પઢીએ છીએ. મસ્જિદ અલ્લાહનો દરબાર છે. મસ્જિદમાં ઘણી ચીવટથી પવિત્ર અને સ્વચ્છ થઈને જઈએ છીએ. સલામ કરીને અંદર દાખલ થઈએ છીએ. બરાબર વુઝૂ કરીએ છીએ.
વુઝુ કરવાની રીત:- વુઝુ પણ મને સારી રીતે આવડે છે. કોશિશ કરીને એવી જગ્યાએ બેસું છું કે મોઢૂં કાબાની તરફ રહે અને પાણી એવી જગ્યાએ પડે કે છાંટા ઉપર ઊડી ન શકે. વુઝુની નિયત (ઇરાદો) કરૃં છું. પછી “બિસ્મિલ્લાહ હિર્રહમા નિર્રહીમ” પઢીને ત્રણ વાર બંને હાથ કાંડા સુધી ધોઈ નાખું છું, પછી ત્રણ વાર મોમાં પાણી નાખીને સારી રીતે કુલ્લી અને કોગળા કરૃં છું તથા દાંત સાફ કરૃં છું. ત્યારબાદ ત્રણવાર નાકમાં પાણી નાખીને ડાબા હાથની છેલ્લા આંગળીથી બરાબર નાક સાફ કરૃં છું. પછી ત્રણવાર મુખ (ચહેરો) ધોઉ છું, ત્યારબાદ ત્રણ ત્રણ વાર બંને હાથને કોણી સુધી ધોઉં છું. પહેલાં જમણો હાથ અને પછી ડાબો, પછી બંને હાથ પાણીમાં બોળીને માથું, કાન વગેરેનો મસહ કરૃં છું. પછી ત્રણ ત્રણ વાર બંને પગ ધોઉં છું. પહેલા જમણો પગ પછી ડાબો. આ રીતે વુઝુ કરીને એક તરફ બેસી જાઉં છું.
મસ્જિદમાં અમે શોરબકોર તદ્દન નથી કરતા. મસ્જિદ અલ્લાહનું ઘર છે. અલ્લાહનું ઘર આપણે ઘણું પાક-સાફ, ચોખ્ખું રાખીએ છીએ, પોતે પણ ગંદકી ફેલાવતા નથી અને કોઈને ગંદકી કરવા દેતા પણ નથી. અલ્લાહ ગંદકીને ઘણી નાપસંદ કરે છે. ક્યાંય ગંદકી નજરે પડે તો અમે તરત જ સાફ કરી નાખીએ છીએ.
– રજૂઆત : મુહમ્મદ કાસિમ