Thursday, April 25, 2024
Homeકેમ્પસ વોઇસવેકેશનનો સદ્ઉપયોગ

વેકેશનનો સદ્ઉપયોગ

જાવેદ ખૂબ જ ખૂશ હતો. ઇબ્રાહીમ પૂછયું કેમ જાવેદ બહુ ખુશ દેખાય છે કોઇક ખજાનો મળ્યો કે શું? જાવેદ બોલ્યો, આખુંુ વર્ષ ગધેડાની માફક પુસ્તકોનું વજન ઉચકવાથી માંડ છુટ્ટી મળશે. હાશ, ગોખણપટ્ટીની બલાથી પણ હવે રાહત મળશે. ઇબ્રાહીમે પૂછ્યું, કેમ શાળા છોડી દીધી. જાવેદ બોલ્યો, ના પણ કાલથી વેકેશન છે. રજાની મજા જ કંઇક ઓર હોય છે.

રજાઓ આવે એટલે બાળકોમાં અનેરો ઉલ્લાસ જોવા મળે બધા પોતપોતાની રીતે રજાઓ માણવાની પ્લાનિંગ કરે. રજાઓ માણો પણ યાદ રાખો, કંઇક શીખો, માત્ર હા હુલ્લા, શોર બકોરમાં કે વ્યર્થ સમય બગાડી રજાઓનો દુરૃપયોગ ન કરો. હઝરત અલી રદિ.એ ફરમાવ્યું “બરબાદ થઇ એ વ્યક્તિ જેના બે દિવસ એક સરખા ગયા.” એટલે દરરોજ કંઇ નવું શીખવાનું રાખો. જ્ઞાનમાં, ઇબાદતમાં, ચારિત્ર્યમાં, પ્રતિભામાં. દરરોજ કંઇકને કંઇક વધારો થવો જ જોઇએ. પણ વર્તમાન શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીને એટલી વ્યસ્ત રાખે છે કે બીજી કોઇ પ્રવૃત્તિ કરી શકતો નથી. મદ્રસા, સ્કૂલ, ટ્યુશન, હોમવર્ક વિગેરેમાં જ વિદ્યાર્થી એટલો વ્યસ્ત રહે છે કે ઘરના બીજા સભ્યો સાથે વાત કરવાની ફુરસત પણ નથી મળતી. રજાઓ એમના માટે શુભ સમાચાર લઇને આવે છે. આમ પણ આ સ્પર્ધાત્મક યુગમાં ટકવા માટે પુસ્તકિયા જ્ઞાન સિવાય પણ એવું કંઇક હોવું જોઇએ જે તમારા વ્યક્તિત્વમાં વધારો કરે. તો આવો આપણે ટૂંકમાં જોઇએ કે આપણી રજાઓ કઇ રીતે વિતાવવી જોઇએ. નવું કરો ,નવું વિચારો.

સારી આદત કેળવવી :

સફળ વ્યક્તિઓ કોઇ પ્રવૃત્તિ જમાના પ્રમાણે નહીં પણ જુદી રીતે કરતો હોય છે. તમને રજાઓમાં સારી ટેવ પાડવી એ અજબ વાત લાગતી હશે. પણ વાસ્તવમાં એ તમને દરેક જગ્યાએ ખૂબ કામ લાગશે. રોજની પ્રવૃત્તિમાં વિદ્યાર્થી એટલા વ્યસ્ત રહે છે કે તેમને પોતાની જાત વિશે જ વિચારવાનો સમય મળતો નથી. તમારામાં કઇ ખૂબીઓ છે કઇ ખામીઓ છે એ તમે ક્યારેય વિચાર્યું છે? બહુમતીનો જવાબ ના માં હશે. તમારી હાલની સારી નરસી આદતોનું લિસ્ટ બનાવો અને પછી કઇ કઇ આદતો વિકસાવવી અને કઈ ખામીઓને દૂર કરવી સમય પ્રમાણે વહેંચી દો અને તેની ચકાસણી કરતા રહો.

મૂવી (ફિલ્મો) :

તમે વિચારતા હશો કે આમાં ક્યાં કઇ શીખવા મળે છે. એ તો આપણે જોતા જ હોઇએ. પણ મિત્રો સાચું કહેજો આપણે એે જ ફિલ્મો જોતા હોઇએ છીએ જેમાં મનોરંજન હોય, આજે મોટાભાગે ફિલ્મો સેક્સ, લવ, ક્રાઇમ, રોમાંસ, ફેશનની આસપાસ જ ફરતી હોય છે.
”’ન ઇશ્ક બા અદબ રહા ન હુસ્નમેં હયા રહી,
હવસ કી ધૂમધામ હૈ નગર નગર ગલી ગલી,
કદમ કદમ ખુલે હુવે હૈં મક્રો ફન કે મદ્રસે,
મગર યે મેરી સાદગી કે દેખીયે કે આજભી,’
જાણે અજાણે એ બધી વસ્તુઓની ખોટી અસર આપણા વ્યક્તિત્વ પર પડતી હોય છે. જ્ઞાનમાં વૃદ્ધિ કરતી કે સામાજિક સંદેશો આપતી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવી ફિલ્મો જોવાની જે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરે. જે સમાજમાં પ્રસરતી સમસ્યાઓ પ્રત્યે જાગૃત કરે. મહાપુરૃષોના જીવન પર બનાવેલી ફિલ્મો, વિશ્વમાં થયેલ મોટી ઘટનાઓનું સત્ય દર્શાવતી ડોક્યુમેન્ટરીઓ, વિગેરે જોવાનું તમને ગમશે.

પ્રતિભાની ઓળખ અને વિકાસ :

કારકિર્દીને ફાસ્ટ ટ્રેક ઉપર રાખી પ્રતિસ્પર્ધીઓને પાછળ મૂકી નક્કી કરેલી મંજીલે પહોંચનારાઓના વિવિધ લક્ષણો હોય છે. તેનું અનુસરણ કરવાથી જ સફળતા મળી શકે. તમારી પ્રતિભા તમારા વ્યક્તિત્વનો પરિચય આપે છે. તમે જેટલી પ્રસિદ્ધ વ્યક્તિઓને જાણતા હશો તમે જોશો કે તેઓ તેમનામાં રહેલ કોઇક પ્રતિભાના સંપૂર્ણ વિકાસથી જ પ્રસિદ્ધ બન્યા છે. એ ગાયક હોય કે લેખક, નેતા હોય કે ટીચર. તમે તમારી પ્રતિભાને ઓળખો, ટેલંટને ઓળખવાની ટેલંટ પણ આવડવી જોઇએ. તમે તમારા મિત્રો સહઅધ્યાયીઓ કે કુટુંબીજનોની મદદ લઇ શકો છો. કેમકે પ્રતિભાના વિકાસ જેટલો જટીલ છે તેને ઓળખવું પણ એટલું જ જટીલ છે. આપણા અલ્લાહે દરેક માણસમાં કંઇકને કંઇક ખૂબીઓ તો મૂકી જ છે. ડ્રામા, આર્ટ, કળા પણ શીખી શકાય. જેઓ ટેલેન્ટેડ હોય છે તેઓ અધૂરૃં ભણેલા હોય તો પણ આગળ નીકળી શકે છે.

શોર્ટ ટર્મ કોર્સિસ :

આજના ઇન્ફોર્મેશન યુગમાં તમારા ભણતર સાથે શોર્ટ ટર્મ કોર્સિસ પણ તમને આગળ વધવા સપાર્ટીંગ વિલની જરૃર પૂરી પાડશે. કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન તો અચૂક મેળવી લેવું.

ભાષા શીખો :

આપણે ગુજરાતીઓ અંગ્રેજી ભાષામાં બહુ પાછળ છીએ. તમારી કારકિર્દીને સુંદર બનાવવા માંગતા હોવ તો તમે ફક્ત માતૃભાષા પર આધારિત ન રહો. (માતૃભાષા ન આવડતી હોય તો સર્વપ્રથમ એ જ શીખો)
‘છોડના ભાષા કો અપની હિસ્ટ્રી કો ભૂલ જાના
યહી કામ કાફી હૈ કૌમ કો મિટાને કે લિયે’
એક કરતાં વધુ ભાષા તો આવડવી જ જોઇએ. માતૃભાષા (ઉર્દૂ, હિન્દી, ગુજરાતી વિગેરે) સિવાય આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજી અને અરબી પણ શીખવી જોઇએ. જે તમને તમારા કે બીજાના ઘર્મગ્રેંથોને સમજવામાં પણ મદદરૃપ નિવડશે.

ક્રિએટીવ સ્ટડી ગ્રુપ :

સ્ટડી ગ્રુપએ તમે જે કંઇ નવું શીખો છો,ભણો છો, જાણો છો, તે તમારી મેમરી માં સુરક્ષિત રાખવા અને બીજા સુધી પહોચાડવા માટેનો સરસ રસ્તો છે. સ્ટડીગ્રુપ પાઠ્યક્રમની પુસ્તકો સિવાયનું વાંચો અને લાઇબ્રેરીઓની મુલાકાત લો.પોતાની લાઇબ્રેરી બનાવો, નવા વિચારોની આપલે કરો. યાદ રાખો, ઇતિહાસમાં ઘણા પરિવર્તનો વિચારોની આવી જ ચર્ચાથી આવ્યાં છે. તમને તમારો વિચાર નાનો લાગતો હોય પણ એમાં નવી ક્રાંતિ પેદા કરવાની શક્તિ હોઇ શકે. સમાજમાં થતા પરિવર્તનો પર નજર રાખો. સમય, જગ્યા નક્કી કરો. ચર્ચાનો વિષય જો પહેલાથી નક્કી થાય તો વધુ સારૃં રહેશે.

સ્પોર્ટ્સ :

યુવાનો મોટાભાગે ક્રિકેટના રસિયા હોય છે. જેમને રમતા નથી આવડતું તે માત્ર નિહાળવામાં પોતાનો કિંમતી સમય વેડફે છે. અમેરિકા, જાપાન, ઇઝરાયલ વિગેરે વિકસિત દેશોની કેમ ક્રિકેટ ટીમ નથી, ક્યારે વિચાર્યું છે? વિચારજો. પાંચ પાંચ દિવસ સુધી મેચ ચાલે ને ડ્રો થાય. આખો દિવસ ક્રિકેટ જોવામાં જાય તો કયા દેશની પ્રગતિ થાય. આપણી રાષ્ટ્રીય રમત હોકી કે પ્રાચીન રમત કબડ્ડી કેટલા યુવાનોને આવડે છે. યુવાનો તો ઠીક સરકાર પણ કોઇ તસદી લેતી નથી. ઇનડોર કે આઉટડોર ગેમ શીખો જેનાથી સ્વાસ્થ્ય સારૃં બને, શરીર મજબૂત થાય અને મગજનો વિકાસ થાય. સમય બગાડનારી કે આળસ ફેલાવનારી રમતથી દૂર રહો. આટલી મારી સલાહ.

ગેમ્સ :

મોબાઇલ અને ઇન્ટરનેટ ગેમ્સનું બજાર ગરમ છે. નાના બાળકોથી લઇ યુવાનો અને મોટેરાઓ પણ આવી ગેમ્સ રમવામાં પોતાનો સમય વેડફે છે. ભૂલકાઓ પોતાનું ભણતર બગાડે છે. મોટાઓ સમય વેડફીને સમાજથી અળગા રહેવા માંડે છે. જેની ગંભીર અસરો આજના સમાજ પર વર્તાય રહી છે. આજે વધુ પ્રચલિત ગેમોમાં અશ્લીલતા અને હિંસા ભરપૂર હોય છે. જેની વિકૃત અસર નવયુવાનો અને બાળકોના મગજ પર પડ છે. કેટલીક સાયન્ટિફિક અને પઝલ ગેમો હોય છે જે મગજ કસવામાં મદદરૃપ થાય છે. તેનો ઉપયોગ પણ થઇ શકે પરંતુ જરા સાચવીને, ટેવના પડી જાય!

નોકરી :

ઘણાં બધા વિદ્યાર્થીઓના કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી મોટાભાગે તેઓ વચ્ચેથી અભ્યાસ છોડી દેતા હોય છે. એવાં વિદ્યાર્થીઓ રજાઓમાં તેમના શિક્ષણના ખર્ચાઓ પૂરા કરવા કોઇ જોબ જોઇન્ટ કરી શકે છે. એડવર્ટાઇઝિંગ ફિલ્ડમાં, સોફ્ટવેર ફર્મ, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, કમિશન એજન્ટ, કોલ સેન્ટર કે બી.પી.ઓ. વિગેરેમાં આસાનીથી જોબ મળી શકે છે. (કોલ સેન્ટરમાં જતાં પહેલાં ખૂબ વિચારજો)

નવી રેસિપી શીખો :

આ વખતે વેકેશનમાં કોઇ નવી ડિશ બનાવતા શીખો. આ માત્ર વિદ્યાર્થિનીઓ જ નહીં પણ વિદ્યાર્થીઓને પણ કામ લાગે છે. ટ્રાવેલિંગમાં, લાંબી ટૂરમાં કે પરદેશમાં નોકરી લાગે ત્યારે ક્યારેક એવું જોવા મળે છેે કે જેમને કઇ રાંધતાં નથી આવડતું તેમને ઘણી તકલીફોનું સામનો કરવો પડે છે. કોઇક નવી વાનગી રાંધતાં શીખો. જેથી તમે તમારા કુટુંબમાં પણ મદદ કરી શકો. કેટલાક માતા-પિતા તો નવી રેસિપી બનાવવાનોે ઉત્સાહ પેદા કરવા કંઇક પૈસા પણ આપતા હોય છે. પોતાના હાથે બનાવેલી વાનગીનો જે સ્વાદ મળે છે તે મોટી હોટલોમાં પણ મળી શક્તો નથી.

સમર કેમ્પ :

આ રજાઓને યાદગાર બનાવવા તમે મિત્રો સાથે સમર કેમ્પમાં જોડાઇ શકો છો. નવું નવું શીખવા નવી જગ્યાઓની મુલાકાત લો, પ્રાકૃતિક જગ્યાઓ, પર્વતો, બગીચાઓ, મ્યુઝિયમો, કિલ્લાઓ, ઐતિહાસિક ઇમારતો, આશ્રમો, પ્રાણી સંગ્રાહલયો, ગામડાઆ વિગેરેની મુલાકાત લઇ શકાય. કુઆર્ને વર્ણવેલા કિસ્સાઓ કે કૌમોના અવશેષોની મુલાકાત શક્ય હોય તો અચુક લેવીજો સમરકેમ્પ મોંઘું પડતું હોય તો સૌથી આસાન ઉપાય આ છે કે તમારા મિત્રો કે સંબંધીઓને ત્યાં જઇ સમર વેકેશનની મજા માણી શકો છો.

અધ્યાત્મ :

આખું વર્ષ ચિંતામાં જ ગયું. આવતું નવું સત્ર ફરી એ જ ચિંતાઓ લાવશે. ચિંતારહિત થવા કેટલાંક લોકો અધ્યાત્મ ગુરૃઓ પાસે જઇ યોગા કે મેડીટેશન શીખતા હોય છે. એ કોઇ હંગામી વસ્તુ નથી. તમારામાં આંતરિક શક્તિઓનાં વિકાસ માટે અલ્લાહ સાથે તમારો સંબંધ ગાઢ હોવો જોઇએ. જેણે આ અવસર આપ્યો છે એને જ ભૂલી જવું એ તો બહુ મોટી નમકહરામી છે.
‘તુમ શોખ સે કોલેજ મેં પઢો, પાર્કમેં જાઓ
જાઇઝ હૈ ગુબ્બારોમેં ઉડો, ચર્ખમેં ઝૂલો
પર એક સુખન બંદએ આજિઝ કી રહે યાદ
અલ્લાહ ઔર અપની હકીકત કો ન ભૂલો’
વેકેશનની બીજી પ્રવૃત્તિઓમાં ખોવાઇ અલ્લાહને ન ભૂલતાં. અલ્લાહ સાથે તમારો સંબંધ મજબૂત બનાવવા ઝિક્ર, દુઆઓ, કુઆર્નનું પઠન અને મનન તથા કુઆર્ન યાદ કરવું તમારા સમયપત્રકમાં જરૃરથી સામેલ રાખો. સફરમાં કુઆર્ન તમારી સાથે રાખો પ્રાકૃતિક જગ્યાઓ પર જાઓ ત્યારે કુઆર્ને વર્ણવેલી આયતોમાં મંથન કરવાની મજા આવશે. ”અલ્લાહની યાદ (ઝિક્ર) હૃદયને શાંતિ આપે છે” (કુઆર્ન) જ્યાં શાંતિ હોય ત્યાં ચિંતાનો સવાલ જ ઊભો ન થાય. જો શક્ય હોય તો રાત્રે તહજ્જુદની ટેવ પાડો. કેટલાંક વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે કે પરિણામ સુધી ખૂબ નમાઝો, તિલાવત કે દુઆઓ કરતા હોય છે; પણ પાછળથી એમાં કમી આવે છે. આપણે આવું ન કરીએ. આપણે અલ્લાહ સાથે આપણો સંબંધ હંમેશ માટે ગાઢ બનાવવા પ્રયત્ન કરવાનો છે. આ સંબંધ તમારામાં ઉર્જાનું સર્જન પણ કરશે અને તમને ચિંતા મુક્ત રાખી તમારામાં સારા ગુણોનું સિંચન પણ કરશે.

સેલ્ફ ડિફેન્સ :

આજના યુગમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ શીખવાની ખૂબ જ જરૃર છે. હેલ્થ કલબ જોઇન કરો, કરાટે, કૂંગફૂ, વિગેરે શીખી શકાય. સરકાર દ્વારા ચલાવતા રાયફલ ટ્ર્નિંગ કોર્સ કરી શકાય. ડિજાસ્ટર મેનેજમેન્ટ માટે, સ્વિમિંગ, ફાયરમેન, વિગેરે શીખી શકાય. પણ મિત્રો! યાદ રાખો આપણે બધું જ પોેતાની સુરક્ષા અને સમાજની રક્ષા માટે જ શીખવવાનું છે. તેનો દુરૃપયોગ કરવા માટે નહીં.

સમાજ સેવા:

અલ્લાહનો શુક્ર છે કે તેણે આપણને બધી જ સવલતો આપી છે. પણ ઘણા બધા માણસો એનાથી વંચિત છે. આ રજાઓમાં આપણે સમાજમાં વસતા જુદા જુદા લોકોની સેવા કરવા સદ્કાર્ય કરી આ વેકેશનનો સદ્ઉપયોગ કરી શકીએ. હોસ્પિટલમાં દર્દીઓની સેવા, યતીમખાના કે ઘરડાઘરની મુલાકાત, શૈક્ષણિક, સ્વાસ્થ્ય અને સફાઇ, પર્યાવરણ કે નાગરિક અધિકારો માટે કામ કરતી એન.જી.ઓ. સાથે જોડાઇ સમાજના ઉદ્ધાર માટે કેટલાંક કાર્યો કરી શકીએ.
‘સબ કુછ હો રહા હૈ ઇસ તરક્કી કે ઝમાનેમેં
મગર ક્યા ગઝબ હૈ આદમી ઇન્સાન નહીં હોેતે’
વાસ્તવમાં તો આપણે આ સમાજના અભિન્ન અંગ છીએ. જ્યાં સુધી સમાજ સુખી ન થાય ત્યાં સુધી આપણે સુખી છીએ એમ કહી શકાય નહીં. કોઇ માણસના શરીરના કોઇ ભાગમાં પીડા થતી હોય તો શરીરને સુખી ન કહી શકાય. આપ સ.અ.વ. એ પણ ફરમાવ્યું કે સમાજ શરીર જેવું છે તેના એક ભાગમાં તકલીફ હોય તો બીજા ભાગને તેની તકલીફ થાય છે.

આ બધુ ક્યાં મળે :

ટુંકાગાળાના વેકેશનમાં આટઆટલા કામો ??? કોઇક એવી જગ્યા બતાવો જ્યાં આ બધુ એકી સાથે શીખી શકાય. વ્યક્તિત્વનો વિકાસ થાય, નૈતિક સીંચન થાય, સારા મિત્રો મળે આધ્યાત્મિક વિકાસ થાય સમાજ પ્રત્યેની જ્વાબદારીનો એહસાસ પેદા થાય અને ગરીબોની સેવાનું અવસર મળે તો આવો એસ.આઇ.ઓ જેવા સંગઠન સાથે જોડાઇ પોતાના અને સર્વે માનવજાતના સુખ અને શાંતિના સ્વપ્નને સાકાર કરોે અને સમાજ પ્રતિ પોતાનો ઋણ સ્વિકાર કરી પોતાની જવાબદારીનો અહેસાસ પ્રતિત કરીને તેને નિભાવવા માટે હરહંમેશ જાગૃક્તા સાથે કાર્યશીલ રહો.

rashid.sio@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments