(મક્કામાં અવતરિત થઈ * રુકૂઅ : ૧ * આયતો : ૩૬)
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧. વિનાશ છે તોલ-માપમાં હાથચાલાકી કરનારાઓ માટે
૨. જેમની સ્થિતિ એવી છે કે જ્યારે લોકો પાસેથી લે છે, તો પૂરેપૂરું લે છે
૩. અને જ્યારે તેમને માપીને કે તોલીને આપે છે, ત્યારે તેમને ઓછું આપે છે.
૪-૫. શું આ લોકો નથી સમજતા કે એક મોટા દિવસે એમને ઉઠાવીને લાવવામાં આવવાના છે ?
૬. તે દિવસે જ્યારે સૌ લોકો સમગ્ર સૃષ્ટિના રબ (માલિક) સામે ઊભા હશે.
૭. કદાપિ નહીં, ચોક્કસપણે દુરાચારીઓની કર્મનોંધ કારાવાસના દફતરમાં છે.
૮. અને તમે શું જાણો કે શું છે તે કારાવાસનું દફતર ?
૯. તે એક ગ્રંથ છે, લેખિત.
૧૦. વિનાશ છે તે દિવસે ખોટું ઠેરવનારાઓ માટે !
૧૧. જેઓ બદલાના દિવસને ખોટું ઠેરવે છે.
૧૨. અને તેને ખોટું નથી ઠેરવતો પણ દરેક તે મનુષ્ય જે હદથી વધી જનાર દુરાચારી છે.
૧૩. તેને જ્યારે અમારી આયતો સંભળાવવામાં આવે છે તો કહે છે, ”આ તો જૂના જમાનાની વાર્તાઓ છે.”
૧૪. કદાપિ નહીં, બલ્કે વાસ્તવમાં તેમના હૃદયો પર તેમના દુરાચારોનો કાટ ચઢી ગયો છે.
૧૫-૧૬. કદાપિ નહીં, નિશ્ચિતપણે તે દિવસે આ લોકો પોતાના રબના દર્શનથી વંચિત રાખવામાં આવશે, પછી આ લોકો જહન્નમમાં જઈ પડશે,
૧૭. પછી તેમને કહેવામાં આવશે કે આ તે જ વસ્તુ છે જેને તમે ખોટી ઠેરવતા હતા.
૧૮. કદાપિ નહીં, નિઃશંક સદાચારીઓની કર્મનોંધ ઉચ્ચ શ્રેણીના લોકોના દફતરમાં છે.
૧૯. અને તમને શું ખબર કે શું છે તે ઉચ્ચ શ્રેણીના લોકોનું દફતર ?
૨૦-૨૧. એક લેખિત ગ્રંથ, જેની દેખરેખ નિકટવર્તી ફરિશ્તાઓ કરે છે.
૨૨. નિઃશંક સદાચારી લોકો ખૂબ આનંદમાં હશે,
૨૩. ઊંચી બેઠકો પર બિરાજીને નિહાળી રહ્યા હશે,
૨૪. તેમના મુખ પર તમને સુખ-સમૃદ્ધિની તેજસ્વિતા જણાશે.
૨૫. તેમને સર્વોત્તમ અને વિશુદ્ધ સીલબંધ શરાબ પીવડાવવામાં આવશે
૨૬. જેના પર કસ્તુરીની મહોર લાગેલી હશે. જે લોકો બીજાઓથી આગળ વધી જવા માગતા હોય તેઓ આ વસ્તુ પ્રાપ્ત કરવામાં આગળ વધવાનો પ્રયત્ન કરે.
૨૭. તે શરાબમાં તસ્નીમ (બુલંદીથી વહેતા ઝરણાં)નું મિશ્રણ હશે,
૨૮. આ એક ઝરણું છે જેના પાણી સાથે નિકટવર્તી લોકો મદિરાપાન કરશે.
૨૯. અપરાધી લોકો દુનિયામાં ઈમાન લાવનારાઓની હાંસી ઉડાવતા હતા,
૩૦. જ્યારે તેમના પાસેથી પસાર થતા તો આંખો મિચકારીને તેમના તરફ ઇશારા કરતા હતા,
૩૧. પોતાના કુટુંબીજનો તરફ પાછા ફરતા ત્યારે ખૂબ મજા લેતા પાછા ફરતા હતા,
૩૨. અને જ્યારે તેમને જોતા તો કહેતા હતા કે આ બહેકી ગયેલા લોકો છે,
૩૩. જો કે તેઓ તેમના પર દેખરેખ રાખનાર બનાવીને મોકલવામાં આવ્યા ન હતા.
૩૪. આજે ઈમાન લાવનારાઓ કાફિરો (ઇન્કાર કરનારાઓ) પર હસી રહ્યા છે,
૩૫ આસનો પર બિરાજીને તેમની દશા જોઈ રહ્યા છે,
૩૬. મળી ગયું ને કાફિરોને તેમના તે કૃત્યોનું પુણ્ય જે તેઓ કર્યા કરતા હતા !