Friday, March 29, 2024
Homeઓપન સ્પેસઅરબી અને બિનઅરબીમાં ભેદ હોઈ શકે ?

અરબી અને બિનઅરબીમાં ભેદ હોઈ શકે ?

ઈસા બિન અબ્દુલ્લાહ હાશ્મી પોતાના પિતાથી અને તેઓ તેમના પિતાથી વર્ણન કરે છે કે બે સ્ત્રીઓ પોતાની કોઈ જરૂરત કાજે હઝરત અલી રદિ.ની સેવામાં હાજર થઇ… જેમાંથી એક અરબ હતી અને બીજી બિનઆરબ લોંડી (સેવિકા) હતી. હઝરત અલી રદિ.એ બંનેની ફરિયાદ સાંભળ્યા પછી બંનેને અમુક જથ્થામાં ખાવાની ચીજો અને ચાલીસ ચાલીસ દિર્હમ આપવાનો આદેશ કર્યો. લોંડી પોતાના ભાત્રની ખાવાની સામગ્રી અને ચાલીસ દિર્હમ લઈને જતી રહી. અરબ સ્ત્રીએ કહ્યું, “હે મુસલમાનોના સરદાર! તમે મને પણ એટલું જ આપ્યું જેટલું આ લોંડીને આપ્યું; જ્યારે કે હું આઝાદ અરબ સ્ત્રી છું અને તે લોંડી છે.” તે સ્ત્રીને હઝરત અલી રદિ.એ જવાબ આપ્યો, “મેં અલ્લાહ મહાનના ગ્રંથમાં ખૂબ ચિંતન મનન કર્યું પણ મને તેમાં એવી કોઈ વાતન મળી કે ઇસ્માઈલના વંશજોને ઇસ્હાકના વંશજો પર કોઈ ઉચ્ચતા પ્રાપ્ત હોય.”  (હદીસ સંગ્રહ- બયહકી)

હઝરત અલી રદિ. જેવી વિભૂતી વિષે એ કલ્પના જ કેવી રીતે કરી શકાય કે તેઓ એક આરબ અને બિનઆરબ વચ્ચે ભેદ ઊભો કરશે. જ્યારે કે ઇસ્લામ તો આવ્યો જ છે એટલા માટે કે માનવતાનું અપમાન કરવાની આ ખીણને પૂરી દે. ઇસ્લામ મુજબ ભાષા, વંશ, રંગ, જાતિનો તફાવત તો અલ્લાહના ચિહ્નોમાંથી એક ચિહ્ન છે. આ કંઈ પરસ્પર ઉચ્ચતા, પ્રાથમિકતા કે મોટાઈ ઊભી કરનારી ચીજો નથી. અલ્લાહ કુઆર્નમાં કહે છે, “અલ્લાહ સમીપ સન્માનપાત્ર તે છે જે તમારામાં સૌથી વધુ ઈશભય રાખનારો છે.”

આ વાતો જાણવા છતાં પણ જ્યારે તે આરબ સ્ત્રી ઇસ્લામનો મકસદ ન સમજી શકી. અજ્ઞાનતાની વાતો કરવા લાગી અને એ ભ્રમમાં રહી કે તેનો અરબ વંશજી સંબંધ તેને ઇસ્લામથી સમીપ કરી દેશે તો સમયના ખલીફા હઝરત અલી રદિ.એ જરૂરત અનુભવી કે તેને આ ભ્રમથી વાસ્તવિકતા સમજાવી દેવામાં આવે. આ સ્ત્રીને આ વાત સમજાવવાનો અંદાજ હઝરત અલી રદિ.નો કેટલો પ્રેમાળ અને સરસ હતો. તેમણે કહ્યું, “મેં અલ્લાહના ગ્રંથમાં ચિંતન કર્યું પરંતુ મને તેમાં એવું કંઈ જ ન દેખાયું કે રંગ અને વંશ કે જાતિના આધારે એક મનુષ્યને બીજા ઉપર ઉચ્ચતા પ્રાપ્ત હોય. અલ્લાહના ગ્રંથની તાલીમ તો કહે છે કે તમામ માનવ આદમની સંતાન છે, અને આદમને માટીમાંથી બનાવવામાં આવ્યા હતા. ”

આ પ્રસંગમાં તે તમામ લોકો માટે જેમણે દીનના પ્રચાર-પ્રસારના માર્ગે ચાલવાનો નિર્ધાર કર્યો છે, એ સંદેશ છે કે તેઓ શૈૈતાનની જેમ જ્યાં ઇચ્છા હોય ત્યાં ન ભાગતા રહે ન તેની દોરવણી પર ધ્યાન આપે. બલ્કે પોતાના સામે માનવ ઉપકારક સ.અ.વ.ની તાલીમ રાખે જે એ છે કે મુસલમાન મુસલમાનનો ભાઈ છે, ન તે તેને શત્રુના હવાલે કરે છે ન પોતે તેના ઉપર અત્યાચાર કરે છે.

આ વાત પ્રાચીન સમયમાં પણ અને અર્વાચીન સમયમાં પણ છે કે ઘણાં બધા લોકો ધન-સંપત્તિને આધાર બનાવી પોતાની ઉચ્ચતાનું પ્રદર્શન કરે છે. અમુક લોકો કબીલા અને ખાનદાનના કારણે પોતાને શક્તિશાળી અને મોટા સમજે છે. અમુક બીજા લોકો સત્તા અને હોદ્દાના કારણે ગર્વ કરતા ફરે છે. પરંતુ ઇસ્લામની નજરમાં આ બધું તુચ્છ છે. કુઆર્ન સ્પષ્ટ ચેતવણી આપે છે, “હે નબી ! કહી દો કે જો તમારા પિતાઓ અને તમારા પુત્રો, અને તમારા ભાઈઓ, અને તમારી પત્નીઓ, અને તમારા સગા-સંબંધીઓ, અને તમારા તે ધન-દોલત જે તમે કમાવ્યા છે, અને તમારા તે વેપાર-ધંધા જેના મંદ પડી જવાનો તમને ભય છે, અને તમારા તે ઘર જે તમને પસંદ છે, તમને અલ્લાહ અને તેના રસૂલ અને તેની રાહમાં જિહાદ (સંઘર્ષ)થી વધુ પ્રિય છે તો રાહ જુઓ જ્યાં સુધી અલ્લાહ પોતાનો નિર્ણય તમારા સામે લઈ આવે, અને અલ્લાહ અવજ્ઞાકારીઓનું માર્ગદર્શન નથી કરતો.” (સૂરઃ તૌબા-૨૪)

અમુક દીનના આવાહકો અને નિમંત્રકો પણ આ ચીજમાં તફાવત નથી કરી રહ્યા. જેથી આપણે જોઈએ છીએ કે તેઓ પોતાની ગુરૃતાગ્રંથીને વળગી રહે છે. પોતાને વિવિધ કક્ષાએ, કોઈ ખાસ્સી ચીજ સમજે છે. અને તેમ છતાં એ સમજે છે કે તેઓ દીનની સેવા કરી રહ્યા છે. જ્યારે કે જો તેઓ પોતાની જાતની ન્યાયપૂર્વક મૂલવણી કરે તો તેમણે એ કહેવું જોઈએ કે તેઓ પોતાની જાતિ અને બિરાદરીની જ સેવા કરી રહ્યા છે, દીનનું કામ નથી કરી રહ્યા.

જો તમે ઇચ્છો તો પોતાના ઇતિહાસના પૃષ્ઠોને પલટાવીને વાંચી જુઓ – તમને જાણ થઈ જશે કે, આ ગંદી વિચારધારા જ કાર્યરત્ હતી. જાણે આપણા ગૌરવ, ઉચ્ચતા અને શાણપણને છિન્ન-ભિન્ન કરી નાખ્યું અને વિશ્વ સત્તાની કમાન આપણા હાથમાંથી છીનવી લીધી. આપણે આ ભેદભાવોને તરછોડી ન શકયા, પરિણામે ટુકડા અને તેના ટુકડા અને મુસ્લિમ સમુદાય વેર-વિખેર થતો ગયો.

એક સમય એવો હતો કે જ્યારે ઇસ્લામી શાસનમાં ઉપરોક્ત ઘૃણાસ્પદ બાબતોને કોઈ સ્થાન ન હતું. તમામ વ્યવસ્થા સમાનતાના ધોરણે ચાલતી હતી, જેથી વૈશ્વિક ફલક ઉપર ઇસ્લામ તમામ માનવો માટે ઉપકારક અને આશ્રયદાતા બની રહ્યો હતો, જેને સામે રાખીને જ પ્રસિદ્ધ કવિ અલ્લામા ઇકબાલે કહ્યું હતું કે,

એક હી સફમેં ખડે હો ગએ મહેમૂદો અયાઝ

ન કોઈ બંદા રહા ન કોઈ બંદા નવાઝ

(અયાઝ – બાદશાહ મહેમૂદનો ગુલામ હતો.)

ઇસ્લામના મહાન ચિંતક અને ચતુર્થ ખલીફા હઝરત અલી રદિ.ના સમયના આ પ્રસંગમાં આપણા પ્રશિક્ષણનો અમલી સંદેશ છે. આપણે તેનાથી સબક પ્રાપ્ત કરવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments