અઝાબે દાનિશે હાઝિર સે બા ખબર હૂં મે,
કિ ઇસ આગ મેં ડાલા ગયા હૂં મે મિસ્લે ખલીલ (અલે.)
“દીને ઇસ્લામ જે દરેક મુસલમાન માટે શ્રધ્ધાના વિષયમાં દરેક વસ્તુથી શ્રેષ્ટ છે- તે માનવીના મન અને તેની કેન્દ્રીય શકિતઓને નષ્ટ નથી કરતો, પરંતુ તેના આચરણ માટે મર્યાદાઓ નિશ્રિત કરે છે. આ મર્યાદાઓને નિશ્રિત કરવાનું પારિભાષિક નામ શરિયત અથવા ઇલાહી કાનૂન છે. સ્વાભિમાન, પછી તે મુસોલિનીનું હોય કે હિટલરનું હોય, ઇલાહી કાનૂનની રાહે બની જાય તો તે મુસલમાન બની જાય છે. મુસોલિનીએ હબશા ફકત પ્રદેશ ભૂખને સંતોષવા ખાતર વેરાન કરી નાખ્યું, જયારે મુસલમાનોએ તેમના ઉન્નતિના સમયમાં હબશાની આઝાદીને સુરક્ષિત રાખી હતી. આ તફાવતનું કારણ ફકત એ જ છે કે પ્રથમ વર્ણનમાં સ્વાભિમાન ઇલાહી કાનૂનનું પાબંદ નથી. જયારે બીજા વર્ણનમાં ઇલાહી કાનૂન અને અખ્લાકનું પાબંદ છે. આ રીતે દરેક મામલાઓમાં સ્વમાનની સ્વતંત્રતાની સીમાઓના નિયંત્રણનું નામ શરીઅત છે. અને શરીઅતને અંતઃકરણથી અનુસરવાનું નામ આદ્યાત્મિકમાર્ગ (તરીકત) છે. જયારે અલ્લાહ તઆલાના ફરમાનો અંતરાત્મામાં એટલી હદ સુધી પ્રવેશીજાય કે અંગત દુશ્મની કે મૈત્રી બાકી ન રહે પરંતુ ફકત અલ્લાહની રઝામંદી જ તેનો મુખ્ય ધ્યેય બની જાય તો આ સ્થિતિને ઇસ્લામના કેેટલાક સુફી બુઝુર્ગોએ ‘ફના ફિલ્લાહ‘ કહ્યુ છે, જયારે કેટલાકે તેનું જ નામ જિંદગી રાખ્યું છે.”- અલ્લામા ડૉ.મુહમ્મદ ઇકબાલ રહ.
જન્મ, બાળપણ, અને શિક્ષણઃ
ડૉ. મુહમ્મદ ઇકબાલનો જન્મ ૯, નવેમ્બર, ૧૮૭૭ના દિવસે સિયાલકોટ (પંજાબ)માં થયો હતો. માતા-પિતાએ શરૃઆત થી જ શિક્ષણ અને કેળવણી પ્રત્યે ખાસ ધ્યાન આપ્યું. તેથી માતા-પિતાની કેળવણીનું જ આ પરિણામ હતુ કે સવારે વહેલા ઊઠીને મોડા સુધી કુઆર્નની તિલાવત કરવાની આદત બાલ્યા-વસ્થા થી જ ડૉ.ઇકબાલને પડેલી હતી. આપનો પિતાજીએ આપને એક વખત સવારે કુઆર્ન મજીદ પઢતી વખતે શિખામણ આપી હતી કે. ” બેટા, જયારે તમે કુઆર્ન મજીદ પઢો, તો એમ સમજીને પઢો કે આ તમારા જ ઉપર ઉતર્યું છે. એટલે કે અલ્લાહ તઆલા ખુદ તમારી સાથે વાત કરે છે.” બાળ ઇકબાલે ડાહ્યા બાળકની માફક અબ્બાની આ શિખામણને મનમાં ગાંઠ વાળીને બાંધી દીધી. અને જિંદગી પર્યંત આ શિખામણને યાદ રાખી. બાળઇકબાલ સમયને વેડફી નાબતીર રમત-ગમત અને રઝળપાટ થી માઇલો દૂર હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક મદ્રસામાં પ્રાપ્ત કર્યું. પછી સિયાલકોટના જ સ્કોચ-મીશન સ્કૂલમાં અને પછી કોલેજમાં દાખલ થયા. તે આબા બ્લોકના બહુજ હોશિયાર વિદ્યાર્થી હતા. આથી સ્કૂલના જીવન દરમ્યાન ધણી વખત સ્કોલરશીપો અને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા. આપ સ્કૂલના અભ્યાસ દરમ્યાન સિયાલકોટની જુદી-જુદી મસ્જીદો અને મદ્રસાઓના જુદા-જુદા મૌલાનાઓની સેવામાં રહીને ફારસી-ભાષા શીખતા રહ્યા. સ્કૂલના સમય થી જ પરિપકવ અને મજબૂત શાયરીઓ કરવા લાગ્યા હતા. માધ્યમિક શિક્ષણ પછી બી.એ કરવા માટે લાહોર આવ્યા. અને અહીંની ગવર્મેન્ટ કોલેજમાં એડમીશન લીધુ. ૧૮૯૭માં ટોપ માર્કસ સાથે બી.એ. પાસ કર્યું. ઇગ્લીશ અને અરબી આ બે વિષયોમાં સમ્રગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવીને બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા. આ પછી આપે ફિલોસોફીનાં વિષય રાખ્યાં, અને ેએ જ કોલેજમાં એમ.એ. કરવા લાગ્યા. ૧૮૯૯માં એમ.એ. ની પરીક્ષામાં પણ આખી યુનિવર્સિટીમાં ટોપ કરીને ગોલ્ડ-મેડલ પ્રાપ્ત કર્યો.
કુમારાવસ્થાથી જ અશઆર કહેવા લાગ્યા હતા. તેથી ૧૮૯૫માં જયારે અભ્યાસ અર્થે લાહોર આવ્યા. તો મિત્રોના આગ્રહ થી વિવિધ મુશાયરાઓમાં પોતાની ગઝલો વાંચી સંભળાવવાનું શરૃ કર્યુ એક નવયુવાન શાયરના આવા પરિપકવ અને મજબૂત અશઆર સાંભળીને પ્રભુધ્ધ શાયરોએ એજ સમયે ઇકબાલની ઊરજ અને પ્રતિભાની ભવિષ્યવાણી ભાખી દીધી હતી. ‘અંજુમને હિમાયતે ઇસ્લામના ૧૯૦૦ના વાર્ષિક જલ્સામાં ઇકબાલે આપની નઝમેનાલાએ યતીમ પઢી, જેની ખૂબજ વ્યાપક ચર્ચાઓ થઇ. કેટલાક વર્ષો સુધી ‘ અંજુમને હિમાયતે ઇસ્લામના વાર્ષિક જલ્સાઓમાં ઇકબાલે પોતાનો કલામ પ્રથમ ગદ્ય-પદ્ય રીતે અને પછી હલ્કા મઘુર સ્વરે સંભળાવતા રહ્યા. એમની લોકપ્રિયતાની એ સ્થિતિ હતી કે એમની નજમ સાંભળવા માટે એ જલ્સાઓમાં શ્રોતાઓની સંખ્યા મોટા ભાગે દસ-દસ હજારથી પણ વઘી જતી હતી. અને સૌ લોકો એકાગ્ર થઇને એમનો કલામ સાંભળતા હતા. એમ.એ. કર્યા પછી ઇકબાલ ઓરિએન્ટલ કોલેજ, લાહોરમાં હિસ્ટ્રી, ફિલોસોફી, અને રાજનીતિ શાસ્ત્રના વ્યાખ્યાતા (લેકચર) તરીકે નિયુકત થયા. ૧૯૦૩માં આપની રચના ‘ઇલ્મુલ ઇકિતસાદ’ વિષય પર એક પુસ્તક પ્રસિધ્ધ થયુ. એ જ વર્ષે ગવર્મેન્ટ કોલેજ, લાહોરમાં ફિલોસોફી અને ઇંગ્લીશના ઇસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિયુકત થયા. પરંતુ આ નોકરી કરતાં વધારે શોખ આપને વિદ્યા પ્રાપ્ત કરવાનો હતો. આથી ૧૯૦૫માં ઊચ્ચ વિદ્યાભ્યાસ માટે આપ યુરોપ રવાના થયા. યુરોપમાં આપના રોકાણની મુદ્દત ત્રણ વર્ષની રહી. આ ટૂંકા ગાળામાં આપે કેમ્બ્રીજ યુનિવર્સિટી થી બૈરિસ્ટરની પરીક્ષા પાસ કરી. જર્મની ની ‘મ્યૂનીચ યુનિવર્સિટીમાંથી મેટા-ફિઝિકસ ઓફ પર્શિયા’ના વિષય પર એક મહા-નિબંધ લખીને પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ નિબંધ ઉપર આપને કેમ્બ્રીજ યુનિવર્સિટી તરફથી એક વિશેષ સર્ટિફિકેટથી પણ સન્માનિત કરવામાં આવ્યા. આ રોકાણ દરમ્યાન આપે લગભગ છ મહીના લંડન યુનિવર્સિટીમાં અરબીના પ્રોફેસર તરીકે પ્રોફેસર આર્નેલ્કની બદલીમાં સેવાઓ અર્પિત કરી. ધણા બધા વ્યાખ્યાનો પણ આપ્યા. જેમાં ઇસ્લામ વિષે આપવામાં આવેલ તેમના છ વ્યાખ્યાનો પ્રસંશાને પાત્ર છે.
બતા તેરી રઝા કયા હૈ”
દોલત, યશ ,કિર્તી હંમેશા ઇકબાલના પાછળ પાછળ દોડતી રહી, અને ઇકબાલ જીવન પર્યત એ બધાથી નિર્મોહી બનીને પોતાના ધ્યેય તરફ પૂરપાટ દોડતા રહ્યા લાહોરમાં જયારે ઇકબાલની શાયરીની નવી-નવી ચર્ચાઓ શરૃ થઇ હતી, તે દિવસોમાં પણ આપને ધણા બધા મેગેઝીન્સ,અખબારો,સમાચાર પત્રો અને મહેફીલો તથા સંસ્થાઓના મેળાવડાઓ માટે ઓફરો આવવા લાગી હતી, પરંતુ ઇકબાલે મોટા ભાગે નકારના રૃપેજ જવાબો આપ્યા.
૧૯૦૮માં જયારે આપ યુરોપથી ડૉકટર અને બેરિસ્ટર એટલો બનીને લાહોર પરત ફર્યો, તો ચીફ કોર્ટમાં વકીલાત શરૃ કરી. એ જ અરસામાં આપને ગવર્મેન્ટ કોલેજ, લાહોરના ફિલોસોફી વિભાગના પ્રમુખ તરીકેનો હોદ્દો સ્વીકારવા માટે આગ્રહ કરવામાં આવ્યો. પરંતુ ડૉ ઇકબાલે પોતાની પ્રવૃતિઓની વ્યસ્તતાના કારણે લચારી દર્શાવી. પરંતુ કોલેજ તરફ ખૂબ જ આગ્રહ વધવાથી અને બીજી તરફ ચીફ કોર્ટના પદાધિકારીઓ પણ કોઇપણ ભોગે આપને છોડવા માટે તૈયાર ન હોવાથી છેવટે શિક્ષણાધિકારીઓ અને ચીફ કોર્ટ બંને એ મળીને વચ્ચેનો રસ્તો કાઢ્યો, અને નક્કી કરવામાં આવ્યું કે સવારના સમયે ડૉ.ઇકબાલ કોલેજમાં સેવા આપશે, અને ત્યાર પછી અદાલતમાં આવીને પ્રેકટીશ કરશે. સરકારથી આ વાતની કાયદેસર પરવાનગી લેવામાં આવી કે ડૉ.ઇકબાલના કેસો અદાલતમાં આવી જાય. આશરે દોઢેક વર્ષ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપ્યા પછી ડૉ.ઇકબાલે ગવર્મેન્ટ કોલેજમાંથી રાજીનામું આપી દીધું. આવા ઊચ્ચ અને પ્રતિષ્ઠિત હોદ્દા પર થી રાજીનામું એટલા માટે આપ્યું કે તે નોકરીને એક પ્રકારનું બંધન સમજતા હતા. અને પોતાના વિચારોની અભિવ્યકિતની સ્વતંત્રતામાં તુચ્છમાં તુચ્છ પાબંદી પણ તેમને સ્વીકાર્ય નહોતી.
સ્વમાનના જાણભેદુ અને ખુદાના પ્રવકતાઃ
૧૯૧૫માં આપનો ફારસીમાં આધ્યાત્મિક કાવ્ય સંગ્રહ ‘ઇસરારે ખુદી’ પ્રકાશિત થયો. પછી ૧૯૧૮માં તેના જ શેષ ભાગ રૃપે ‘રમૂઝે બે ખુદી’ પ્રગટ થઇ ડૉ. ઇકબાલની શાયરી કોઇ આનંદ માણવાની કે દિલ્લગી અથવા કોઇ શોખીન હસીનાની ઝુલ્ફોની લટો અને વળની બંદીવાન નથી આ એક દિલેર વ્યકિતની ઉદ્દેશપૂર્ણ શાયરી છે. ડૉ.ઇકબાલની શાયરીમાં એક વિશિષ્ટ અંગ છે. ખૂદી ખૂદીથી એમનો આશય ઘમંડ, ગર્વ, અભિમાન અને અહંકાર નથી, પરંતુ તે દૃઢતા અને આત્મવિશ્વાસ છે જે અલ્લાહ ઉપર ભરોસાના ફળ સ્વરૃપે વ્યકિતમાં ઉત્પન્ન થાય છે.આ દૃઢતા અને આત્મવિશ્વાસની તે ફિલોસોફી છે જેની શકિતના આઘારે એક મુઠ્ઠી માટીનો માનવી તોફાનીનો દિશા બદલી શકે છે. ખડકોથી ટક્કર લઇ શકે છે. નિઃશંક ડૉ.ઇકબાલની શાયરીમાં પ્રેમને બુધ્ધિ ઉપર અનેક ગણી શ્રેષ્ટા પ્રાપ્ત છે, પરંતુ ઇકબાલ પ્રેમને તેના સ્વાભાવિક અર્થમાં નહીં, પરંતુ તેના વાસ્તવિક અર્થમાં ઉપયોગે છે. પ્રેમથી તેમનો આશય મજનૂનાં લયલા પ્રયત્નો પ્રેમ નહીં, પરંતુ એક બંદાનો પોતાના રબ સાથેનો પ્રેમ છે, એક ઉમ્મતીનો પોતાના નબી (સલ્લ.) પ્રત્યેનો પ્રેમ છે તે ઘણા કાર્યોમાં વ્યાકુળ બનીને એ પાગપણને યાદ કરે છે જેમાં એક અલ્પ માનવીમાં આવુ કહેવાની હિંમત હોય છે કે “તૂ કામ ન કરવા માટે બહાના ન શોઘ” તેમના દૃષ્ટિકોણ પ્રમાણે જમાનાના લોકો દીવાનગીની હકીકતને સમજી શકયા નથી. દીવાનગીની વાસ્તવિકતા એ છે કે તે અલ્પનું વિશાળ સ્વરૃપ છે. અને આ દીવાનગી જે અલ્પ બની જાય તેને જ માફક આવે છે.
૧૯૨૨માં ડૉ.ઇકબાલનો એક ‘કાવ્ય-સંગ્રહ પયામે મશ્રીક’ના નામથી પ્રકાશિત થયો.૧૯૨૪માં ‘બાન્ગે દરા’ ડૉ.ઇકબાલના પ્રથમ ઉર્દુ કાવ્ય સંગ્રહ તરીકે પ્રસિધ્ધ થયો. ‘ઝબૂરે અજમ’ (૧૯૨૭), જાવેદનામા (૧૯૩૨) અને ‘બાલે જિબ્રીલ’ (૧૯૩૫) દ્વારા આપ પોતાના દિલનું દર્દ કોમ સમક્ષ વારંવાર પ્રગટ કરતા રહ્યા. અને ઉમ્મતના રોગની દવા કરવામાં વ્યસ્ત રહ્યા. જિંદગીની મુશ્કેલીઓથી બચીને દૂર ભાગવુ એ આપના દૃષ્ટિકોણમાં પરાજય સમાન છે. આપ આધુનિક પ્રગતિ અને વિજ્ઞાનના વિરોધી ન હોતા, પરંતુ તે આ રહસ્યને જાણતા હતા કે આંતરિક પરિવર્તન જયારે-જયારે થયુ છે તે શાળાઓ, કોલેજોમાં મહેલોના એશ-આરામમાં નથી થયું, પરંતુ જંગલો અને ઊપવનોમાં થયું છે. આ જ કારણ થી તે લાગણીમય અંદાઝમાં આપણા પૂર્વજોની સાદગી અને વનવાસને યાદ કરે છે, જે તેમના દૃષ્ટિકોણ પ્રમાણે આદ્યાત્ત્મિક સફળતાની સર્વોત્તમ ચાવી છે. તે વારંવાર ઉમ્મતના નવયુવાનોને હૈદર જેવી શકિત, અબુઝર જેવા ક્રાંતિકારક વિચારો, સલમાન જેવી સત્ય-પ્રયતાની યાદ અપાવે છે.તે કહે છે કે શાહીનનો માળો બાદશાહના મહેલોના ગુબંજોમાં નથી હોતો, પરંતુ પર્વતોના ખડકો ઉપર હોય છે. ડૉ.ઇકબાલની ‘ઝબે કલીમ’ ૧૯૩૬માં પ્રકાશિત થઇ, જેમાં પશ્રિમની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર ફકત શાયરીમાં જ નહીં, પરંતુ તાર્તિક (ફિલ્સુફી) રીતે પણ ભારે પ્રહાર કર્યા છે. જો કે શરીઅતના રંગ કયાંય પણ પ્રભાવિત થયેલા દેખાતાં નથી, બેચાર જગ્યાએ જ જોવા મળે છે. આ જ વર્ષે આપનો બીજો એક ફારસી કાવ્ય-સંગ્રહ પસ ચેહ પાયદ કુર્દા એ અકવામે મશ્રિક પ્રકાશિત થયો. અંતમાં ૧૯૩૮માં ‘અરમુગાને હિઝાર’ પ્રકાશિત થઇ.આપની શાયરીના ઉદૃેશનો જે દરજ્જો તેના સાહિત્યજ્ઞાનનો પણ છે. ભાગ્ય જે કોઇ શેઅર બોધ પાઠ અને ઉપદેશ ખાલી હશે. અને ભાગ્યે જ કોઇ શાયરીનો શોખીન ઇકબાલના કોઇ શેઅરને ફકત ધાર્મિક ઉપદેશ કહીને રદ કરી શકે. આપના અશઆરમાં અજબ પ્રકારનો સંબંધ જોવા મળે છે. પ્રત્યક્ષ આંખે જોયેલ શાક્ષીઓનું કથન છે કે જયારે તબિયતમાં ઉમંગ પેદા થતો, ત્યારે એકી સાથે અસંખ્ય અશઆર કહી જતા હતા. અને પાછળથી તેને એજ ક્રમ પ્રમાણે કોઇ પણ જાતના ફરક વગર કાગળ ઉપર લખી લેતા હતા. ખૂદ આપના કથન પ્રમાણે જયારે તબિયતમાં ઉમંગ હોય તો એક રાતમાં ત્રણ-ત્રણસો અશઆર કહ્યા છે.
અલ્લામા ઇકબાલની શાયરીની જાહોજલાલી, સ્વરના ચઢાવ-ઉતારને તેમની જિંદગીની સાદગી સાથે સરખાવવામાં આવે તો આશ્રર્ય થાય છે. એમને ન ખાવાની ચિંતા હતી ન પહેરવાની મોટે ભાગે દિવસમાં એક જ વખત જમવા પર સંતોષ માનતા હતા. એક વખત એમના નામની પ્રસંશા સાંભળીને એક ધોબી એમના ઘરે આવ્યો, અને નોકરને પૂછયુ ઃ ” ડૉ. ઇકબાલ કયાં છે?” નોકરે એમના તરફ ઇશારો કરી દીધો. સાદી બનિયન અને લુંગીના પહેરવેશમાં આપ ઘરના ચોકમાં આરામ ફરમાવી રહ્યા હતા. ઘોબીએ તેમને બીજો નોકર સમજીને પૂછયું, “ડૉ.ઇકબાલ કયાં છે?” ધોબીએ એ સમયે દાંતમાં આંગળી દબાવી દીઘી, જયારે ડૉ.ઇકબાલે હસીને જવાબ આપ્યો કે “હું જ છું. આવો,બેસો.”
ઇસ્લામ સાથેનો આપનો સંબંધ ફકત શાયરી અને બીજાઓને ઊપદેશ આપવા સુધી જ મર્યાદિત ન હોતો, પરંતુ તે ઇસ્લામને પોતાના મન-મસ્તિષ્ક, દિલ અને જીવનમાં ધારણ કરી ચુક્યા હતા કુમારા વસ્થા થી જ આ નિયમ હતો કે સવારે ૩-૪ વાગે ઉઠી જતા અને ફજરની નમાઝ સુધીનો સમય તહજ્જુદની નમાઝ અને તિલાવતે કુઆર્નમા પસાર કરતા હતા. તે ઇસ્લામની નાની-નાની બાબતો ઉપર પણ અત્યંત નમ્રતા અને શ્રધ્ધા પૂર્વક અમલ કરતા હતા. જેમ કે આપના બ્રિટનમાં નિવાસ દરમ્યાન ટૉયલેટ માટે રૃમમાંથી હંમેશા લોટો હંમેશા સાથે લઇને જવાનો તેમનો નિયમ હતો દરરોજ તેમનું આ કાર્ય દેખીને તેમની યજમાન (લેન્ડ લેડી) એ તેમને આનું કારણ પૂછયું જો ડૉ.ઇકબાલની જગ્યાએ બીજો કોઇ હોત તો કદાચ શરમ અનુભવત પરંતુ ડૉ.ઇકબાલે ઇસ્લામની પવિત્રતા અને ચાખ્ખાઇના નિયમોની એવી સ્પષ્ટતા પૂર્વક અને આત્મ વિશ્વાસથી સમજાવ્યું કે યજમાન ખાતૂન પોતે પણ આ નિયમોને અનુસરવા માટે તૈયાર થઇ ગયા.
શાહીન રાજકારણની શેરીઓમાં
શરૃઆતમાં ડૉ. ઇકબાલની શાયરીઓમાં જમાનાથી પ્રભાવિત થઈને દેશપ્રેમ, વતનપ્રેમની ઝલક પ્રગટ થતી હતી, પરંતુ યુરોપમાં રાષ્ટ્રવાદના પરિણામો અને પ્રથમ વિશ્વયુદ્ધની વિનાશકતા નિહાળીને તે આ દૃષ્ટિકોણની નીચતાને ધિક્કારવા લાગ્યા, અને ઇસ્લામી સમાનતા અને ભાઈચારાનો સંદેશ સમગ્ર માનવ સમાજના નામે શબ્દોના મોતીમાં પરોવીને પ્રસારિત કર્યો. અલ્લામા ઇકબાલને અંગ્રેજોએ ‘સર’ના ઇલ્કાબથી સન્માનિત કર્યા.
જયાં સુધી પ્રકૃતિનો સંબંધ છે ડૉ.ઇકબાલ એક સુફી પ્રકૃતિના અને એકાંત પસંદ સ્વભાવના ધારક હતા પરંતુ જયારે ચાહકોનો આગ્રહ વધી ગયો, તો ડૉ.ઇકબાલે રાજકરણની શેરાઓમાં પણ પર્દાપણ કર્યો. અને આ રીતે ‘શાયરે મશ્રિકે’ પોતાના દીવાનખંડમાંથી જ નહીં, પરંતુ રાજભવનમાં પણ સત્યનું ગીત પ્રસારિત કર્યું. ૧૯૨૬માં લાહોરના ચૂંટણી ક્ષેત્રથી કાઉન્સીલના સભ્યના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા. કાઉન્સીલના મેમ્બરશીપ માટે તે સમયે પણ અને વર્તમાન સમયમાં પણ લોકો ન જાણે કેટ-કેટલા પાપડો વણે છે અને ન જાણે કેટ-કેટલા પૈસા જરાપણ સંકોચ વિના લૂંટાવે છે. પરંતુ ડૉ. ઇકબાલે એવો કંઇ પણ વ્યવહાર કર્યો નહીં ભાષણો પણ બિલ્કુલ મર્યાદિત જ ચૂંટણી સભાઓમાં આપ્યા. એમાં પણ વોટ માંગવાના બદલે સિઘાન્તિક વાતો સુધી જ પોતાને મર્યાદિત રાખ્યા. એમનું સંપૂર્ણ અભિયાન તેમના મિત્રો અને હિત ચિંતકોએ જ ચલાવ્યું. તેને ડૉ.ઇકબાલની અખ્લાકી અસરનું પરિણામ કહો કે જયારે તેમના નામાભિધાનની જાહેરાત થઇ તો બે પ્રખર રાજકારણીઓ એ પોતાના ઉમેદવારી પત્રો સ્વેચ્છાએ તેમની તરફેણમાં પરત ખેચી લીઘા. ડૉ.ઇકબાલ પ્રચંડ બહુમતિથી કાઉન્સીલમાં ચૂંટાઇ આવ્યા. કાઉન્સીલની મેમ્બરશીપના જમાનામાં આપે કોમના ઘણા અગત્યના કામોને અંજામ આપ્યો. આ સમયે દેશમાં એક ઉપદ્રવી વર્ગ એવા લોકોનો પેદા થવો હતા જે ગંભીરતા પૂર્વક ધાર્મિક ચર્ચા કરવાના બદલે સીઘા ગાળા-ગાળી ઉપ જ ઉતરી આવતા હતા. અને દેશની સામ્પ્રદાયિક સદભાવના માટે કાતિલ ઝહેર સમાન સાબિત થઇ રહ્યા હતા. આવી રીતે સામ્પ્રદાયિક તોફાનો શરૃ થયા હતા. આથી ડૉ.ઇકબાલના અભિયાનના લીધે ૧૯૨૭માં ઘાર્મિક આગેવાનોની માનહાની કરવા વાળાઓ વિરૃઘ્ઘ એક કાનૂન પસાર કરવામાં આવ્યો. ખેડૂતોને ન્યાય અપાવવાથી લઇને ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાયેલ રોગચાળાની રોકથામ માટે પગલાં લીધાં.દરેક જગ્યાએ ડૉ.ઇકબાલ કોમના મસીહા તરીકે તરી આવ્યા. કાઉન્સીલના બીજા કેટલાક કાઉન્સીલના હિન્દુસ્તાની મેમ્બરોથી વિપરીત આપે અંગ્રેજોની જી હજુરી કરવાથી સાફ ઇન્કાર કરી દીધોે. અને ‘હક ગોઇ વ બેબાકી’ ના ‘આઇને જવામર્દી’ પર અડગ રહ્યા. તેમણે કાઉન્સીલમાં બ્રિટીશ હકુમતની આ માન્યતાનું ખંડન કર્યુ કે સંપૂર્ણ જમીન ઉપર હકુમતની માલિકી હોય છે. આપે ઇતિહાસ અને ખુદ બ્રિટીશ ેફિલોસોફરોના હવાલાથી જાહેર મિલ્કત જપ્ત કરવાની માન્યતાનું ખંડન કર્યુ, અને તમામ દલીલો આપીને ફર્ઝ અદા કરી દીધો.
રાજકરણના મેદાનમાં જયારે ાપ આવ્યા તો બહુ જલ્દીથી સામાન્ય જનતા અને ખાસ લોકોમાં આપએ એક આગવુ સ્થાન પ્રાપ્ત કરી લીધું ડિસેમ્બર ૧૯૩૦માં મુસ્મિમ લીગના વાર્ષિક અધિવેશન (અલ્હાબાદ)માં આપે પ્રમુખ તરીકે ની ફરજોને અંજામ આપ્યો. તે ઇચ્છતા હતા કે દુનિયાને ઇસ્લામી જીવન વ્યવસ્થા પ્રમાણે ચાલીને દેખાડી દે. આથી આપએ આપના પ્રમુખિય પ્રવચનમાં માંગ કરી કે, અખંડ હિન્દુસ્તાનમાં એક ફેડરેશનના બેનર હેઠળ આંતરિક સમસ્યાઓ માટે તમામ સ્વતંત્ર મુસ્લિમ રાજયોને લાવવા માટે માંગ કરી. આગળ જતાં આ જ માંગણીને મુસ્લિમ લીગે તોડી મરોડીને પાકિસ્તાનનો દૃષ્ટિકોણ ઘડી કાઢયો. પરંતુ એનાથી ડૉ.ઇકબાલ અલગ રહ્યા ડૉ.ઇકબાલે મુસ્લિમોને સાચા અર્થમાં કોમ તરીકે કદાપિ નથી ગણ્યા. પરંતુ હંમેશા મુસલમાનોની હેસિયતને એક દાયી (આમંત્રણ) તરીકે ગણી છે. કદાચ આ જ કારણથી તે હંમેશાં મુસલમાનોને સદાકત (સચ્ચાઇ), અદાલત (ઇન્સાફ) અને શુજાઅત (વીરતા) નો પાઠ આપતા રહ્યા, જેના કારણે તેમનાથી દુનિયાની ઇમામત (નેતૃત્ત્વ)નું કામ લેવામાં આવશે.
૧૯૨૮માં આપે મદ્રાસમાં છ ફિલોસોફીના લેકચરો આપ્યા. જે છાપામાં Reconstruction of Religious thought in Islam ના શિર્ષકથી પ્રસિધ્ધ થયા. મદ્રાસના આ પ્રવાસના પ્રસંગે આપે દક્ષિણ હિન્દુસ્તાનના ધણા મહત્ત્વના સ્થળોનો પ્રવાસ ખેડયો. અને લેકચર્સ આપ્યા. મૈસુર બેગલોર શ્રીરંગ પટ્ટમ, અને પછી હૈદરાબાદ આવી ગયા. ૧૯૩૧ અને ૧૯૩૨માં બીજી અને ત્રીજી ગોળમેજી કોન્ફરન્સમાં હાજરી આપવા યુરોપ ગયા. યુરોપના આ પ્રવાસો દરમ્યાન આપે ધણા બઘા અગ્રગણ્યા પ્રખ્યાત વ્યકિતઓથી મુલાકાતો કરી. ફિલોસોફી પર ગસ્સાના, ઇટલીના ડિયરેકટર મુસોલિની સાતે મુલાકાત કરી સ્પેનનો પ્રવાસ વિશિષ્ટ ભાવુકતા સાથે કર્યો. ત્યાં ‘મસ્જીદે કરતબા’ ની જિયારત કરી અને તેમાં અઝાન આપવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યુ. ‘ઇલ્મનાં મોતી’ અને આપના બુઝુર્ગોની કિતાબો જોઇ લીધા પછી આપ કૃતરી દિલ સાથે ‘મુઅતમ ઇસ્લામિયા’ માં હાજરી આપવા માટે બૈતુલ મકદસ તશરીફ લઇ ગયા. ૧૯૩૩માં અફઘાનિસ્તાનના શાહના આમંત્રણ પર ધાર્મિક અને શૈક્ષણિક કાર્યો માટે સલાહ-મશવરા આપવા માટે બીજા આલીમો સાથે ડૉ.ઇકબાલ અફઘાનિસ્તાન રવાના થયા.
૧૯૩૫ થી આપની તબિયત ખૂબજ વધારે બગડી ગઇ. ખોરાક એક તો પ્રથમ થી જ ઓછો હતો, હવે બિલ્કુલ નામ માત્રનો રહી ગયો. ડૉ.ઇકબાલ આ જમાનાના ઘારા શાસ્ત્રીઓથી ઘણાં નિરાશ હતા. અને તેમનામાં ઇશારાઓમાં સમજવાની પ્રવીણતા અને મિલનસાર પ્રકૃતિના અભાવની ફરિયાદ કરતા રહેતા. તેમને યુવાનોથી પ્રેમ અને આશાઓ હતી કે તેઓ જ સિતારાઓ ઉપર રસ્સો (દોરડુ) નાખવાની તેમની મનો કામનાને સફળ બનાવશે. કદાચ આ જ કારણ થી તેમણે ૧૯૩૭-૩૮માં નવયુવાન ચિંતક અબુલ આલા મવદૂદી(રહ.)ને પઠાણકારે આવવાનું આમંત્રણ આપ્યું હતુ.જેથી બંને સાથે મળીને પવિત્ર ઇસ્લામિક લાઇન પર એક નાના દારૃલ ઇસ્લામની સ્થાપના કરે. પરંતુ અફસોસ કે જિંદગીએ તેમને દગો દીધો, અને અલ્લામા ઇકબાલ ૨૧, એપ્રીલ,૧૯૩૮નાં દિવસે આ ફાની દુનિયાથી કૂચ કરીને સર્વશ્રેષ્ટ મિત્રને જઇ મળ્યા. (ઇન્ના લિલ્લાહે ….)
ઝર્બે કલામ
ડૉ.ઇકબાલનો જમાનો રાજકીય અને સામાજીક ઉથલ-પાથલનો જમાનો હતો. ખાસ કરીને મુસલમાનોની વાંકી-ચૂકી લાઇનો, બેચેન દિલ, અને રૃચિ વગરના સિજદા હતા. ડૉ.ઇકબાલે તેમને બતાવ્યુ કે એનું કારણ એ છે કે તેમના દિલોમાં જુસ્સો બાકી નથી રહ્યો. એમણે ફકત કોમની બીમારીઓનું નિદાન ન જ નથી કર્યુ, પરંતુ એક કુશળ ડૉકટર તરીકે તેનો ઇલાજ પણ સૂચવ્યો છે. એમના સમયમાં ઉસ્માનિયા ખિલાફતના પતનની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાથી મોટા- મોટા મુસ્લિમ આગેવાનો પતા વગરના કયાંય ખોવાઇ ગયા હતા. પરંતુ આ તમામ હતાશાઓથી ઉપર ઉકબાર અવાજ ફકત ડૉ.ઇકબાલનો અવાજ હતો, જેણે કોમને ‘ખૂને સદ હજાર અંજુમ સે હોતી હૈ સહર પયદા’નો આશાજનક સંદેશ પ્રસારિત કર્યો. આ તે સમય હતો , જયારે મુસલમાનો ભૌતિક સુખ-સામગ્રી અને હોદ્દાઓ તથા નોકરીઓની પાછળ વગર વિચારે દોડતા ભાગી રહ્યા હતા. અલ્લામા ઇકબાલે તેમને ‘સિતારોં સે આગે’ ની સૂઝ આપી અને બતાવ્યું કે એમની મંઝિલ વાદળી રંગીન ચક્રથી પણ દૂર છે તે આ ધરતી અને આકાશ માટે બનાવવામાં આવી છે.
આ તે જમાનો હતો જયારે લોકો પશ્રિમના અનુંકરણમાં આધળા બનીને દોડી રહ્યા હતા, ડૉ.ઇકબાલે સૂટ-બૂટ પહેરીને પણ મિલ્લતને પૂર્વજોના દિલ અને શૌર્ય ને શોઘી લાવવા માટે લલકાર્યા છે. આપે પશ્રિમી સંસ્કૃતિ અને પશ્રિમી જીવન પધ્ધતિની પોલ ખોલી રાખી દીધી છે. અને અફસોસ સાથે જાહેર કર્યુ છે કે આ સંસ્કૃતિનો ચહેરો જરૃર ઉજળો છે પરંતુ અંદરથી તેમના દિલો ચંગેઝથી પણ વધુ મેલા છે. લોકશાહી જેની પ્રશંસા પોતાના અને પરાયા બધા જ કરતા હતા, પરંતુ તેના વિશે ડૉ.ઇકબાલની જ આ ટીપ્પણી હતી કે આ પધ્ધતિની નિર્ભરતા બહુમતિ ઉપર રહેલી છે. ન્યાય ઉપર નિર્ભર નથી. એમણે દીન અને રાજનીતિને જુદા-જુદા ખાનાઓમાં વહેંચવાની પશ્રિમી ચાલથી કોમને ખબરદાર કર્યા. અને નિડરતાપૂર્વક (લૌમતા લાઇમ) આ વાત જાહેર કરી કે દીનને રાજનીતિ થી દૂર રાખવામાં આવશે તો તેનું પરિણામ અંધા-ઘૂંઘી સિવાય બીજુ કંઇ નહીં આવે. આપ મુસલમાનોને એ ગુણોથી સુસજ્જ જોવા માગતા હતા જે ગુણોથી તેમણે તેમની શાયરીમાં શાહીનને સુશોભિત કર્યો છે. તે મુસલમાનોના સફેદ લોહીની ફરિયાદ કરતા હતા અને ઇચ્છતા હતા કે ફરીથી એક વાર તેમનું લોહી લાલ અને ગરમ બને. એટલા માટે આપ ઉમ્મતને ‘પલટવું’ અને ‘ઝપટવું’ ના રહસ્ય અને તેના ઉદ્દેશથી માહિતગાર કર્યા.
તે સુફીવાદના વિરોધી ન હતા, પરંતુ આજની સુફીવાદના વિરોઘી હતા. જે ઉમ્મતના નવજવાનોને શાહીન સમાન સિફતોના બદલે અત્યંત નિર્માલ્યનો સબક શીખડાવે છે. અલ્લામા ઇકબાલે કોમને પોતાના નજીવા મસ્લકી તફાવતનો નજર અંદાઝ કરીને ઇસ્લામના દુશ્મનોની ચાલાકીઓને, ઓળખવા, સમજવા અને તેમની યુક્તિઓની નિષ્ફળ બનાવવા માટે ઉભાર્યા છે. આપે બતાવ્યું છે કે દુનિયાની માનવતા ઇસ્લામના સત્ય માર્ગના અનુયાયીઓની પ્રતિક્ષા કરી રહી છે કે તે પોતાને હિંમત નિર્ભયતા, ઊચ્ચ અખ્લાક, દિલને મોહી લેનાર વાણી અને દિલમાં હમદર્દી જેવા સદગુણો સફરના ભાથા રૃપે સાથે રાખીને દુનિયાના કાફલાનું નેતૃત્વ ની ફરજોને અદા કરે.
ડૉ.ઇકબાલની સાદનની સ્થિતિ એ હતી કે તે અલ્લાહથી ઇશ્ક ને તેની પરાકાષ્ટાની હદે ઇચ્છતા હતા, અને નિર્ભયતાની પરાકાષ્ટા હતી કે તે ખુદાના દરબારમાં પોતાની ફરિયાદને વિશાળ શિકવાના રૃપમાં લખીને પેશ કરી દીધી. જયારે આ શિકવા અને તેની ગુસ્તાખીનો ખૂબ જ ઉહાપોહ મચી ગયો, તો આપે પોતે જવાબે શિકવામાં મુસલમાનોનો પતન અને તેના કારણોનો સંપૂર્ણ નકશો શબ્દોમાં દોરીને મૂકી દીધો.આજના મુસલમાનોમાં અને પૂર્વજોમાં શું તફાવત છે તેને સૂર્યના પ્રકાશની મારૃફ સ્પષ્ટ કરી દીધું, અને ફરીથી ઉન્નત મંઝિલો કેવી રીતે સર કરી શકાય તેનું વર્ણન કર્યુ.
અલ્લામા ઇકબાલ સાચા અર્થમાં ઇસ્લામના શાયર હતા. ઇન્કિલાબના શાયર હતા. આપના અશઆર દ્વારા આપે એકલ પંડે આંદોલનની શરૃઆત કરી દીધી. જેનો પાયો શુધ્ધ રીતે કુઆર્ન અને સુન્નત ઉપર આઘારિત હતો, અને જેમા નિશાન પર ઉમ્મતની દરેક તે બીમારી હતી જેના કારણે ઉમ્મતની નબળાઇ અને વ્યાકુળતાની આશંકા હોય, આપ જીવન ભર વતનિયતના બૂતના વિરોધમાં યોધ્ધા, ફિરકા-પરસ્તીના વિરૃધ્ધમાં એક ખુલ્લી તલવાર, અને ઉમ્મતની એકતાના અડીખમ પ્રહરી બનીને રહ્યા અને આપે આપની જિંદગીને આ દુનિયાના કેદખાનાને આશિયાના સમજનારાઓને તેમની ભૂલનો અહેસાસ કરાવવામાં ખર્ચ કરી નાખી.
ડૉ.ઇકબાલના વિચારો અને શાયરીઓ આજે પણ સેંકડો આત્માઓના દિલોની ધડકણ છે.અને તેણે ન જાણે કેટલાય ગાઢ નિંદ્રામાંથી જગાડીને સત્યના માર્ગ ઉપર લાવીને આગળ વધવાની પ્રેરણા આપી છે. ન જાણે કેટલાય સત્યના ઝંડા ધારીઓને જિંદગીના સંગ્રામ માટે ‘મર્દાના શમશીર’ ઉપલબ્ધ કરી છે અને આજ પ્રર્યત આ ક્રમ ચાલુ જ છે.
અલ્લાહતઆલાથી દુઆ છે કે તે અલ્લામાની રૃહ ને શાન્તિ અને આખેરતમાં સફળતાં અને કામરાની અર્પણ કરે. અને મિલ્લતના નવજવાનોને ‘ઝર્બે કલીમ’ના સાચા મિત્ર બનાવે, કે જેથી ગુલામીની દરેક ઝંજીરને તે ઝૌકે યકીનની તલવાર વડે કાપીને મૂકી દે. આમીન …..!