Tuesday, December 10, 2024
Homeલાઇટ હાઉસહું તે છું જે પથ્થરમાંથી આઈનો બનાવું છું

હું તે છું જે પથ્થરમાંથી આઈનો બનાવું છું

સૈયદ સઆદતુલ્લાહ હુસેની

ડૉક્ટર નજાતુલ્લાહ સિદ્દીકી સાહેબ પણ વિદાય થઈ ગયા.અને પોતાના પાછળ પોતાના યુગપ્રવર્તક કારનામાઓની અમીટ છાપ છોડતા ગયા. ધ્યેયની બુલંદી અને વ્યક્તિત્વની મહાનતા સાથે મોટા લોકોની સૌથી મોટી ખૂબી એ હોય છે કે તેમનો પાલવ વિશ્વમાનવ સમૂહને ફાયદો પહોંચાડવા માટે તદ્દન નવા અને અનોખા પુરષ્કારોથી છલોછલ હોય છે. જે કંઇ જગત જાણે છે તે કહી દેવું કોઈ કમાલની વાત નથી. અજમાવી દેવાયેલા માર્ગો પર આગળ વધવા માટે કોઈ મોટા માણસના સહારાની જરૂરત નથી. જાણીતા અને પ્રચલિત નુસખાઓના પ્રયોગ માટે કોઈ હોશિયાર તબીબના માર્ગદર્શનની આવશ્યકતા નથી. ખરેખર મોટા લોકો એ છે જે તે વાતો બતાવે જે આપણામાંથી કોઈ નથી જાણતુ. એ માર્ગો બતાવે જેનાથી અજાણ હોવાના કારણે આપણી મંઝિલ ખોવાયલી હતી. એવા અલભ્ય નુસખાઓ લઈને આવે જેનાથી મહેરૂમ રહેવાના કારણે આપણે પોતાના રોગને અસાધ્ય સમજીને નિરાશ થઇને બેસી રહીએં.


જે સંશોધન જગતમા છે સંશોધક
દરેક યુગમાં કરે છે પરિક્રમા તેની જમાનો


જે ખાસ ગુણો ડૉ.સાહેબ મર્હુમને બીજાઓથી અલગ પાડે છે તે આ જ છે કે તેઓ સાચા અર્થમા સંશોધક હતા. નવા માર્ગો અને નવા આવિષ્કારની શોધ અને તપાસ તેમના વ્યક્તિત્વનું અત્યંત પ્રભાવશાળી પાસુ હતું. પરંતુ નવા માર્ગોની શોધનો અર્થ તેમના સમીપ કદાપી એ ન હતો જેની બીક ઈકબાલને સતાવતી હતી.


લેકીન મુજે ડર હૈ કે યે આવાઝે તજદીદ
મશરીકમે હૈ તકલીદે ફીરંગીકા બહાના


મૌલાના મૌદુદી રહ.ની જેમ તેમની ખાસિયત પણ એ હતી કે ન તેઓ પ્રાચીન રિવાયતના કેદી હતા અને ન અર્વાચીન રોશનીથી તેમની આંખો અંજાઈ જતી હતી. તેમનું સંશોધન જ્યાં સ્થગિત થઈ ગયેલી પ્રણાલિકાપસંદી પર કારમો ઘા હતો ત્યાં કુંઠીત થઈ ગયેલા આંધળા અનુસરણીય સ્વભાવથી પણ મુક્તિનું અસરકારક આહ્વાન હતું જે પશ્ચિમના દોરેલા વર્તુળોથી બહાર નીકળીને વિચારવાની કોઈ યોગ્યતા નથી ધરાવતા. ઈસ્લામી અર્થશાસ્ત્ર પર તેમનું યુગપ્રવર્તક કામ હોય કે ઈસ્લામી ચળવળની કાર્યપદ્ધતિ પર તેમના વૈચારીક પ્રયત્નો હોય, દરેક જગ્યાએ તેમની આ અડગતા અને સમતોલપણુ સ્પષ્ટ મહેસૂસ થાય છે.

વિદ્યાર્થીકાળમાં ડૉ.સાહેબથી પ્રથમ પરિચય સ્વભાવિક રીતે ઈસ્લામી અર્થશાસ્ત્રથી સંબંધિત તેમના પુસ્તકો દ્વારા થયો. અગીયારમા ધોરણના સાયન્સના એક વિદ્યાર્થી માટે જેણે કયારેય કોઈપણ સ્તરે અર્થશાસ્ત્ર વાચ્યું ન હતું, અર્થશાસ્ત્ર કે બેન્કિગની કલ્પનાઓને સમજવી સરળ ન હતી. ડૉ.સાહેબના પુસ્તકોએ ન માત્ર અર્થશાસ્ત્રનો પરિચય કરાવડાવ્યો બલ્કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં પણ રસ પેદા કરી દીધો. મૌલાના મૌદુદી રહ. ના પુસ્તકોએ જ્ઞાન અને શિક્ષણની ઈસ્લામી કલ્પનાઓથી માહિતગાર કરાવ્યા હતા. તેનાથી જાણ થઇ કે આ નિર્દેશો પર કોઈ ક્ષેત્રમાં જાે કોઈ ચોક્કસ પ્રકારનું કામ થઇ શકયુ છે તો તે ઈસ્લામી અર્થશાસ્ત્રનું ક્ષેત્ર છે અને આ કામનો યશ નજાતુલ્લાહ સિદ્દીકી સા.ના ફાળે જાય છે જેમને સાચી રીતે ઈસ્લામી અર્થશાસ્ત્રના પિતામહ કહેવાય છે. મૌલાના મૌદુદી રહ.નું વાકય “રૂઢિચુસ્તો જેવો કમાલ નહીં બલ્કે સંશોધકોનો કમાલ” હંમેશા મગજમાં ઘુમરાતુ રહેતુ અને આ વાકયના અમલીસ્વરૂપની રીતે ડૉ.સાહેબનું પ્રતિબિંબ મગજમાં ઉપસતુ.

આ જ એ જમાનો હતો જ્યારે તેહરીકે ઈસ્લામીના અભ્યાસની પણ ગંભીરતાથી કોશિશ ચાલુ હતી. મૌલાના મૌદુદી રહ.એ તેહરીકે ઈસ્લામીની જે કલ્પના આપી હતી તે ખૂબ જ પ્રભાવિત કરનારી અને દીલ-દીમાગને અપીલ કરનારી હતી પરંતુ સ્વતંત્ર ભારતમાં આ કલ્પના આધિન તેહરીકને આગળ કેવી રીતે વધારવી? આ પ્રશ્નનો સંતોષકારક ઉત્તર, તે વખતના ઉપલબ્ધ તેહરીકના સાહિત્યમાં ખૂબ ઓછો મળતો હતો. કયાં તો મૌલાનાનું પુસ્તક ‘સિયાસી કશ્મકસ’ વગેરે હતા અથવા પછી તદ્દન સૈદ્ધાંતિક ચર્ચાઓ હતી. મને યાદ આવે છે કે ત્યારે આ વિષય પર અસંખ્ય મિત્રો અને બુઝુર્ગોથી ચર્ચાવિચારણા થતી રહી પરંતુ દીલ-દીમાગને સંતોષ પ્રાપ્ત ન થયો. એ જ સમયગાળામાં કયાંકથી ડૉ.સાહેબની એક પુસ્તિકા “ઈસ્લામી નિશાતે શાન્યાકી રાહ” ઉપલબ્ધ થઈ. આ પુસ્તિકાએ ખૂબ સફળતાપૂર્વક એક ઊગતા નવયુવાનના દીમાગની ઉલઝનોને દૂર કરી આપી અને ભારતમાં ઈસ્લામી તેહરીકના નકશાને સંપૂર્ણ રીતે સ્પષ્ટ અને રોશન કરી આપ્યો. પાછળથી થોડા સુધારા સાથે એ પુસ્તિકા “તેહરીકે ઈસ્લામી અસરે હાજિરમે” નામથી પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ. મેં હંમેશા આ પુસ્તકની મારા ઉપકારક પુસ્તકોમાં ગણત્રી કરી છે. હું માનું છું કે ભારતની ઈસ્લામી ચળવળના માર્ગોને નિશ્ચિત કરવામાં આ પુસ્તકની મહત્વની ભૂમિકા રહી છે.

આ ઘટનાઓએ ડો.સાહેબથી અનહદ પ્રેમ અને લગાવ દીલમાં પેદા કરી દીધો હતો. તેહરીકના વિચારોથી પ્રભાવિત આપણા નવયુવાન માનસો માટે તેમની હૈસિયત એક આદર્શની હતી. તેમનાથી મુલાકાતની ખૂબ ઈચ્છા હતી. સંયોગ એવો કે આ ઈચ્છા ઘણા વર્ષૉ સુધી પૂરી ન થઈ શકી. અને તેમનાથી પ્રથમ મૂલાકાત ૧૯૯૯માં તે વખતે થઈ જ્યારે હું એસ.આઈ.ઓ.ના પ્રમુખ તરીકે દિલ્હીમા રહેતો હતો અને ડો.સાહેબ અલીગઢ આવેલા હતા. પોતાના ઉપકારકથી મળવા માટે હું અલીગઢ પહોંચ્યો અને પહેલી મુલાકાતમાં જ ડૉ.સાહેબથી એવો હળીમળી ગયો કે જાણે વર્ષોની ઓળખાણ ન હોય!

ડો.સાહેબ મર્હુમની પ્રથમ સ્પષ્ટ ખાસિયત પોતાના ધ્યેય અને મિશન પ્રત્યે તેમની એકાગ્રતા, સાચી વફાદારી, અને તન્મયતા સાથે ન્યોછાવર થઈ જવું હતું. પંદર વર્ષની ઉમરમાં તેમણે તેહરીકની સેવા માટેનું એક ક્ષેત્ર નક્કી કર્યુ અને પછી સમગ્ર જીવન તેને સમર્પિત કરી દીધું. વિવિધ વ્યક્તિઓથી તેમના જે પત્રવહેવાર થયા છે તેનો સંગ્રહ તેમણે મર્યાદિત સંખ્યામાં સમીપના વર્તુળમાં સરકયુલેશન માટે પ્રસિદ્ધ કરાવ્યો હતો. આ સંગ્રહમાં તેમના પત્રો વાચવાથી તે ભાવના અને ઉમંગનો અંદાજાે આવે છે જે પંદર વર્ષની ઉમરથી પંચોતેર વર્ષ (આ સંગ્રહની પ્રસિદ્ધિ સુધી) સુધી ઉમરના દરેક તબક્કે ઈસ્લામી અર્થશાસ્ત્રના સંબંધે તેમનામાં કાર્યરત રહ્યો. નાની ઉમરમાં જ તેઓ પોતાના સમયના વિશ્વકક્ષાના અર્થશાસ્ત્રીઓથી પત્રવહેવાર કરતા અને તેમના સામે પ્રશ્નો ઊભા કરતા દેખાય છે. તેમનો પત્ર સંગ્રહ વાંચતા સ્પષ્ટ જણાય છે કે ચોંકાવી દેનારી વાતોથી છલોછલ દિમાગનો સ્વામી આ નવયુવાન, પોતાના મેદાનમાં કંઈક મોટું અને અનોખું કામ કરવાનો છે. વિદ્યાર્થીકાળમાં જ મર્હુમે અંગ્રેજીમાં ઈસ્લામીક થોટના નામે એક સામયિક પ્રકાશિત કરવાનું શરૂ કર્યુ હતું. તેની ફાઈલો પણ તેમના ત્યાં જાેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમાં પણ એક નવયુવાન દિમાગની સર્જનશક્તિ, એક નવિનવિશ્વ અને નવી સભ્યતાની રૂપરેખાની ભાવના અને દ્રષ્ટિકોણ તેમજ ધગશ અને નિશ્ચય લખાણની લીટી લીટીમાંથી જાેવા મળે છે.

પછીથી આ સ્વપ્ન તેમના જીવનની સૌથી મોટી દિલચશ્પી બની ગયું અને સમગ્ર જીવનનો પ્રત્યેક મહત્વનો નિણર્ય અને દરેક પગલું આ જ સ્વપ્નને બુનિયાદ બનાવીને લેવામાં આવ્યું. તેના જ ખાતર વૃદ્ધાવસ્થાના અંતિમ પડાવ સુધી ચિંતાશીલ અને કાર્યરત રહ્યા. અને સોળ-સત્તર વર્ષની રમવા કુદવાની ઉમરથી લઈને એંસી- પંચાસી વર્ષની આરામની ઉમર સુધી જિંદગીના તમામ શ્વાસ, શરીર અને પ્રાણની બધી શક્તિઓ અને લોહીની એક એક બુંદ આ જ સ્વપ્નને ભેટ ચઢાવી દીધી. વાસ્તવિકતા એ છે કે કોઈ મોટા કામ માટે પોતાના મકસદ અને લક્ષ્ય વિષે આટલું સ્પષ્ટ માનસ, તેના માટે આટલી એકાગ્રતા અને તેના ખાતર સંઘર્ષ અને પ્રયત્નો અને ભોગ તથા બલિદાનનું આ કક્ષાનુ સ્તર એક અનિવાર્ય જરૂરત છે. તે જ્યાં સુધી કોઈ આદર્શ વ્યક્તિના મનમસ્તિષ્ક પર છવાઈ ન જાય, તે કોઈ મોટું કામ કરી શકતી નથી.


મેરા કમાલે શેઅર બસ ઈતના હે અય જિગર
વો મુજપે છા ગયે મે જમાને પે છા ગયા


નજાત સા. મર્હુમે ઈસ્લામી અર્થશાસ્ત્રનુ બીજ વાવ્યું. તેનું સિંચન કર્યુ. આ છોડને જીગરના ખૂનથી ઉછેળ્યો અને એક ઘટાડાર વૃક્ષ બનાવી દીધું. તેમના પત્રોથી જાણ થાય છે કે જ્યારે તેમણે ઈસ્લામી અર્થશાસ્ત્રનું સ્વપ્ન જાેયુ હતું તે વખતે આ એક તદ્દન અજાણી કલ્પના હતી. મોટા મોટા અર્થશાસ્ત્રીઓ માટે પણ આ તદ્દન નવી અને અશક્ય વસ્તુ હતી. આનો મજાક પણ ઉડાવવામાં આવ્યો. પરંતુ આજે ઈસ્લામી અર્થશાસ્ત્ર એક વિખ્યાત સાયન્સ છે. દુનિયાના મહત્ત્વના વિધાલયોમાં તેના કાયમી વિભાગો છે. અબજાે ડૉલરના નાણાં રોકાણ સાથે એક લાંબા પહોળા ઓદ્યોગિક સંકૂલો તેની બુનિયાદ પર અસ્તિત્વમાં આવી ચૂકયા છે. અને તેની કલ્પનાઓ ખૂબ ઝડપથી દુનિયાને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે..

એક સાચા બાગબાનની જેમ ડો.સાહેબ ન માત્ર આ છોડના વિકાસમાં જ લાગેલા રહ્યા બલ્કે જે નકામા ઝાડ ઝાંખરા આ છોડના હિતેચ્છુ બનીને તેના ચોતરફ ઊગવા લાગ્યા અથવા ઉધઈ બનીને તેની જડોને ખાવા લાગ્યા, તેની સફાઈ તરફ પણ હંમેશા ધ્યાન આપતા રહ્યા. એવા દરેક વલણનો મુકાબલો કર્યો જે ઈસ્લામી અર્થશાસ્ત્રને તેના ખરા ધ્યેય અને સ્પીરીટથી અલગ દિશામાં લઈ જઈને ફીકહના બહાનાના સહારે મૂડીવાદી અર્થવ્યવસ્થાના જ એક સ્વરૂપમાં બદલી દેવા માંગતા હતા. તેમનું ઈસ્લામી અર્થશાસ્ત્રનું વિઝન, ઈસ્લામની ન્યાય અને સમાનતાની વ્યવસ્થાની બુનિયાદ પર એક સંપૂર્ણ પરિવર્તનનું વિઝન હતું. પાછળથી દુર્ભાગ્યે ઈસ્લામી અથૅશાસ્ત્ર પણ નાણાકીયકરણ financialisationના વૈશ્વિક વલણનો શિકાર બનતું ગયું. પ્રથમ સંપૂર્ણ અર્થશાસ્ત્રથી ઘટી જઈને ઈસ્લામી નાણાં વ્યવસ્થા સુધી સિમિત થઈ ગઈ. પછી નાણાકીય વ્યવસ્થાએ પણ બેન્કિગ સુધી પોતાને સિમિત કરી દીધી. અને બેન્કિગમાં પણ ભાગીદારી equity-basedના અસલ ઈસ્લામી સ્વરૂપના બદલે ફીકહી બહાના ઊભા કરીને main stream બેન્કિગમાં થીગડા મારવાના વલણનો પ્રભાવ વધતો ગયો. ડો.સાહેબ મર્હુમે આવા દરેક વલણનો નીડરતાથી મુકાબલો કર્યો. ખાસ કરીને અંતિમ ઉમરમાં તેમનાથી જ્યારે પણ વાતચીત થઈ, આ સંદર્ભે તેમની ચિંતા અને ઉદ્વેગ હંમેશાં મહેસૂસ થયો. ભારતના ખાસ સંજાેગોમાં પણ ઈસ્લામી અર્થશાસ્ત્રને આધાર બનાવીને તેઓ સતત પ્રવૃત્ત રહ્યા. ઘણીબધી સંસ્થાના સલાહકાર અને સરપરસ્ત રહ્યા. એશોસીએશન ફોર ઈસ્લામીક ઈકોનોમિકસ જેવી સંસ્થાઓ કાયમ કરી. છેવટ સુધી ઈન્ડિયન સેન્ટર ફોર ઈસ્લામીક ઈકોનોમિકસની સરપરસ્તી કરતા રહ્યા. ડો.સાહેબના આ ક્ષેત્રમાં જીવનપર્યત પ્રયત્નો જ્યાં ઈસ્લામી અર્થશાસ્ત્રના ઈતિહાસનો એક ઉજ્જવળ અધ્યાય છે ત્યાં નવયુવાનો માટે બીજા શૈક્ષણિક મેદાનોમાં આ પ્રકારની focused સતત અને ધૈર્યની પરીક્ષા કરી નાખતા પ્રયત્નો માટે ચળવળ પણ ઊભી કરી આપે છે અને પદચિહ્નો પણ બને છે. અલ્લાહ પોતાની ખાસ કૃપાથી બીજા શિક્ષણ ક્ષેત્રો માટે પણ આવા ખમતીધર મુસાફરો અતા ફરમાવે અને સ્વંય ઈસ્લામી અર્થશાસ્ત્રમાં પડનારી ખોટની પણ ભરપાઈ ફરમાવે. આમીન.

ઈસ્લામી અર્થશાસ્ત્ર સંબંધે તેમની અમૂલ્ય સેવા અને પાયાથી લઈને ધાબા સુધી આ ઈમારતના સંપૂર્ણ નિર્માણમાં તેમની મુખ્ય ભૂમિકા છતાં તેમના વ્યક્તિત્વને માત્ર આ મેદાન સુધી સિમિત કરી દેવું તેમના સાથે જુલ્મ કર્યો કહેવાશે. તેઓ એક સર્વવ્યાપી વ્યક્તિત્વના માલિક હતા અને તેમની સેવા જેટલી મહાન છે એટલી જ સર્વવ્યાપી પણ છે.

ડો.સાહેબ બંધારણને ઘડનારી એ મજલીસે નુમાઈન્દગાનના સભ્ય હતા જેણે દેશની આઝાદી પછી જમાઅતે ઈસ્લામી હિંદના પ્રથમ બંધારણને મંજૂરી આપી હતી. લગભગ ૧૯૬૫થી વિદેશગમન સુધી તેઓ સતત કેન્દ્રીય સલાહકાર સમિતિના સભ્ય રહ્યા. વિદેશગમન પછી પણ જમાઅતના નીતિ વિષયક ર્નિણયોમા મોટાભાગે સામેલ રહ્યા. મર્કઝી મજલીસે શૂરાની બેઠકોમાં તેમની હાજરી ભરપુર તૈયારી સાથે થતી. તેમાં તેમની ચર્ચાઓ અને દરખાસ્તો અને મત ગંભીરતા સાથે કરેલ અભ્યાસ અને શોધકાર્ય પછી જ રજુ કરતા. મિટિંગો કે કમિટીઓ કે તરબીયતી બેઠકમાં તેઓ પોતાની વાત ખૂબ મહેનતથી તૈયાર કરીને લેખિત સ્વરૂપે જ મૂકતા. કુર્આન, સુન્નત અને ઈસ્લામની બુનિયાદો સાથે તેહરીકના નીતિ વિષયક બાબતો માટે તેમણે સમકાલીન શિક્ષણ, સમાજશાસ્ત્ર, રાજકીય બાબતોથી ભરપૂર લાભ ઉઠાવ્યો. આર્થિક બાબતો તો તેમનો ખાસ વિષય હતો જ. આ બધા ગંભીર પ્રયાસો વડે ભારતની ઈસ્લામી ચળવળ માટે બદલાતી પરિસ્થિતિમાં અમલ કરવા પાત્ર અને લાભદાયક કાર્યપદ્ધતિ બનાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી..

ડો.સાહબ ભારતની ઈસ્લામી તેહરીકનુ સૌથી મહત્વનું કામ દીનની દાવત આપવાને સમજતા હતા એ જ રીતે મુસ્લિમ ઉમ્મતની બધી દિશાઓમાં પ્રગતિ અને તેને સામાજિક શક્તિરુપે તૈયાર કરવાની કોશિશો પણ તેમના નજીક ખૂબ મહત્વની હતી. અને તરબીયત તથા વ્યક્તિત્વ ઘડતરના કામમાં પણ તેમની ભૂમિકાને ભૂલી શકાય તેમ નથી.
ગત સદીના અંતમાં તેમની પ્રથમ મૂલાકાતથી લઈને હમણાં થોડા વષૅ અગાઉ તેમની બિમારી વધી જવા સુધી બુઝુર્ગ વ્યક્તિઓમાં મારો. સૌથી વધારે સંપકૅ મર્હુમ સાથે જ રહ્યો. અમે તેમને અમારા લેખો જાેવા અને સુધારણા માટે મોકલતા તો તરત જ જવાબ આપી ને અથવા સલાહ સૂચનથી અમારી હિંમત વધારતા એ જ રીતે અમારા જેવા વિદ્યાર્થી કક્ષાના લોકોને તેઓ પણ પોતાના લેખો પ્રસિદ્ધ કરતા પહેલાં મોકલતા અને અમારા સૂચનો માંગતા અને કયારેય અમારી ટીકાઓ પર ખોટું લગાવવાને બદલે ખુશ થતા અને અમને પીઠબળ પુરુ પાડતા. વિચારો અને મત પ્રદર્શિત કરવાની જે હિંમત મે ડો.સાહેબમાં જાેઈ તે ભાગ્યે જ કંયાક જાેવા મળી. જે વાતને સાચી સમજતા તેને કહેવામાં કયારેય સંકોચ ન કરતા. કયાંક કોઈ સૂફીનુ કથન વાચ્યું હતુ કે “ખુદાનો ડર બુદ્ધિનો આરંભ છે અને ખુદાનો સાચો ડર દરેક ટીકાકાર અને પ્રત્યેક વિરોધીના ડરથી મુક્તિ અપાવે છે એટલે બીજાની ટીકાઓ અને વિરોધોથી નીડરતા એ પણ બુદ્ધિનો આરંભ છે.”

ડો.સાહેબ મર્હુમનો સ્વભાવ આની સંપૂર્ણ છબી હતી. તેમણે જે વાત સાચી સમજી અને જે મહેસૂસ કર્યુ તેને પૂરી પ્રમાણિકતા સાથે કહી દીધી. તાજેતરમાં મે ઠેરઠેર લાઈફ લોન્ગ લર્નિંગની જરૂરત અને મહત્વને પોતાના વકતવ્યનો વિષય બનાવ્યો છે.આના ઉપર વાત કરતી વખતે પણ દિમાગમાં હંમેશા ડો.સાહેબનુ વ્યક્તિત્વ ઊભરાઈ આવ્યું. ઉમરના અંતિમ તબક્કામાં પણ નવી ચીજાે શીખવાનો ઉમંગ અને સલાહિય્યત મે તેમનામાં જાેઈ એવી કયાંય જાેવા ન મળી. જેમ કે ઈ-મેલનુ ખાસ ચલણ ન હતું એવામાં જ તેમણે તેને અપનાવી લીધું.. એ વાત મને અને મારી પત્નીને કાયમ યાદ રહી કે અમારા નિકાહ પર ઈમેલ દ્વારા મુબારકબાદી એન્જિનિયરીગના મિત્રો સિવાય માત્ર ડો.સાહેબથી જ પ્રાપ્ત થઈ હતી. તે પછી દરેક પત્રમાં તેઓ મારી પત્નીને પણ તેમના નામ સાથે યાદ કરતા અને અમારા હકમાં દુઆ કરતા. મને તેમને મળવા માટે તે તમામ સ્થળોએ જવાનો મૌકો મળ્યો જયાં ભારતમાં તેમનો નિવાસ રહેતો.. અલીગઢ.. તેમનું વતન ગોરખપુર.. મુબઈ.. દીલ્હી.. જ્યાં તેમણે અંતમાં રહેઠાણ બનાવી દીધું હતું. દરેક જગ્યાએ મર્હુમની અને તેમની મુહતરમ અહલ્યાની જેટલા સ્નેહ અને મુહબ્બત તથા ઉમળકા સાથે મહેમાનગતીનો અનુભવ થયો એ હંમેશા યાદ રહેશે. દેખિતી રીતે આ વાતો ઘણી નાની છે પરંતુ તેના વડે તરબીયત તથા વ્યક્તિત્વ ઘડતરના અમલમાં સફળતાના મહત્ત્વના રહસ્યો છતા થાય છે.

અલ્લાહ તઆલા મર્હુમને પોતાની રહેમતના સાનિધ્યમાં જગા અતા ફરમાવે.. તેમની ખિદમતોને કુબુલ ફરમાવે.. આ ખિદમતોની બરકતોને તેમના માટે કાયમી સદ્‌કાનું માધ્યમ બનાવે..આપની ખૂબીઓનુ અનુકરણ કરવાની આપણને તૌફીક અપૅણ કરે..આમીન.

(ઉર્દુથી ગુજરાતી.. મુહમ્મદ અમીન શેઠ) –•–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments