Tuesday, December 10, 2024
Homeલાઇટ હાઉસશમએ મહેફિલની જેમ સૌથી જુદા, સૌના રફીક મૌલાના ફારૂકખાન

શમએ મહેફિલની જેમ સૌથી જુદા, સૌના રફીક મૌલાના ફારૂકખાન

ઈદુલ અઝહાની તૈયારીઓના હંગામા દરમ્યાન અચાનક આ સમાચારે સમગ્ર માહૌલને ગમગીન બનાવી દીધો કે મૌલાના ફારૂકખાન આ નષ્ટ થઈ જનારી દુનિયાથી રુખસત થઈ ગયા. રહમાન અને રહીમની અસીમ મહોબ્બત અને તેની અઝમતનો હરદમ જીવંત અને ક્રિયાશીલ પ્રતિભાવ, મૌલાના મર્હૂમના વ્યક્તિત્વની સૌથી વિશેષ ખાસિયત હતી. આ ખુદામસ્ત બંદાને હાજર થવા માટે અરફાના દિવસની પવિત્ર-પાવન ક્ષણો પસંદ કરવામાં આવી. અને મૌલાના ફારૂકખાન મર્હૂમ થઈને ઈદુલ અઝહાના દિવસે તકબીરોની સદાઓથી ગૂંજતા વાતાવરણમાં પોતાની અંતિમ આરામગાહમાં પોઢી ગયા. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહી રાજિઊન.
મૌલાના ફારૂકખાન મર્હૂમ ઘણા પાસાથી એક ખાસ પ્રકારના વ્યક્તિત્વના માલિક હતા. તેઓ તેહરીકે ઇસ્લામીના એ સુવર્ણ સિલસિલા અને કડીનો હિસ્સો હતા જેમણે પોતાના સમય અને પોતાની કુવ્વતો અને સલાહિયતોની સમગ્ર પૂંજી, પૂરી એકાગ્રતા સાથે અલ્લાહના દીનની ખાતર વકફ કરી દીધી હતી અને પોતાના ખૂને જિગર અને ઇલ્મ-ફનથી તેહરીકના વિવિધ મેદાનોનું સિંચન કર્યું હતું. તેઓ ઇલ્મના સમુદ્ર હતા અને તેમનો જ્ઞાનભંડાર આશ્ચર્યજનક વિવિધતાથી ભરેલો હતો. કુઆર્ન, હદીસ, ફિલોસોફી, ધર્મોનો તુલનાત્મક અભ્યાસ, હિંદુધર્મ અને તેની ફિલોસોફી, અખ્લાકિયાત, રૂહાનિયત, સાહિત્ય અને શાયરી વગેરે ક્ષેત્રોમાં તો તેમના ઊંડા લખાણો અને કૃતિઓ મૌજૂદ છે. પરંતુ તેમની મહેફિલોમાં ઉપસ્થિત રહેનારા જાણે છે કે તે સિવાય પણ તેઓ અનહદ જ્ઞાનનો ખજાનો હતા જેના ઝગઝગાટથી તેમની મહેફિલો હરદમ ઝળહળતી રહેતી હતી. તેઓ કુઆર્નના અનુવાદક પણ હતા. મુફસ્સિર પણ હતા. કલામે નુબુવ્વતના લેખક હતા. આધુનિક શિક્ષણપ્રાપ્ત નવયુવાનોની એક પૂરી પેઢી, તેમનીબ તેહરીરોથી ઇલ્મેહદીસના મૂલાધારથી વાકેફ થઈ હતી. ઉર્દૂની સાથે હિંદીના પણ ખૂબ મોટા પાયાના સાહિત્યકાર હતા. સંસ્કૃત, હિંદી સાહિત્ય અને ભારતીય ફિલોસોફીના પોતાની પંક્તિમાં સૌથી ઉચ્ચ વિદ્વાન હતા. શાયર હતા. ફિલ્સૂફ હતા. પરંતુ આપણા જેવાઓ માટે તેમના વ્યક્તિત્વનું સૌથી ચુંબકીય પાસું, તેમની કલન્દરી અને દુરવેશી હતી. દુરવેશી અને ખુદામસ્તીના પ્રાચીન કિસ્સાઓ તેમના વ્યક્તિત્વમાં જીવંત થઈ ગયા હતા. તેમની મહેફિલમાં પહોંચીને હંમેશાં એ એહસાસ થતો કે,
ન તખ્તો તાજમેં, ન લશ્કરો સિપાહ મેં હૈ !
જાે બાત મર્દે કલન્દરકી બારગાહ મેં હૈ !

તેમની જાત તે હિજાઝી ર્નિધનતાનો સુંદર નમૂનો હતી જેના વિષે ઇકબાલે કહ્યું હતું:
હિંમત હૈ અગર તો ઢૂંઢ વો ફુક્ર (દરિદ્રતા)
જિસ ફુક્રકી અસલ હૈ હિજાઝી
ઇસ ફુક્રસે આદમીમેં પેદા
હોતી અલ્લાહકી શાને બેનિયાઝી

ન રહેણીકરણીમાં આરામ કે સુખસગવડની અપેક્ષા, ન લિબાસ કે પોશાકમાં આલિમો જેવી વિશેષતાની કોશિશ, ન પોતાની ઉચ્ચતાના ચિન્હો સ્થાપિત કરવામાં કોઈ દિલચસ્પી અને ન વિનમ્રતાનો ખોટો દેખાવ, ન મોટા દેખાવવાનો લોભ, સમગ્ર જગતથી અલિપ્ત તે પોતાની ખુદામસ્તીમાં હંમેશાં એવા ઓતપ્રોત રહ્યા કે આ નચિંતતા (બેનિયાઝી) તેમના વ્યક્તિત્વનો મહત્ત્વનો અધ્યાય બની ગયો.
અલ્લાહતઆલાની જાત અને શિફાતથી તેમનું વ્હાલભર્યું જાેડાણ તેમના સ્વભાવમાં એવી રીતે ઓતપ્રોત થઈ ગયું હતું કે એને તેમની લાગણીઓનું સૌથી મહત્ત્વનું કેન્દ્ર, સ્વભાવની સ્પષ્ટ દેખાતી વિશેષતા અને તેમની જ્ઞાનપિપાસાનો મહત્ત્વનો સિદ્ધાંત કહી શકાય છે. ખુદાનું નામ લેતાં જ તેમની આંખોમાં એક અદ્‌ભૂત ચમક પેદા થઈ જતી હતી અને સ્વરમાં ખાસ પ્રકારનો લુત્ફ સાફ દેખાવા લાગતો.
આ ખુદાની જાતથી મહોબ્બત જ હતી જેણે તેમને કલામે ઇલાહીના ખાદિમ અને આશિક બનાવી દીધા હતા. તેમના દર્સે કુઆર્નમાં જે સરળતા અને સહજતાની કેફિયત જાેવા મળતી હતી તે બીજે કયાંય ખૂબ ઓછી જાેવા મળતી હતી. દર્સ દરમિયાન તેઓ જે પણ કહેતા કલામે ઇલાહીમાં ડૂબીને કહેતા. અને સાંભળનારના હૃદયના તાર ઝણઝણાવી દેતા. અલ્લાહતઆલાએ તેમને ખૂબ મોટું સન્માન એ અર્પણ કર્યું હતું કે ઉત્તર ભારતના બિનમુસ્લિમ સમાજને કુઆર્નથી જાેડવા અને પરિચિત કરાવવામાં તેમને પેશ્વાઈનો મુકામ પ્રાપ્ત હતો. તેમણે ન માત્ર હિંદીમાં કુઆર્નનો અનુવાદ કર્યો બલ્કે પોતાની આકર્ષક મહેફિલો અને મનમોહક ગુફતેગુ દ્વારા દેશબાંધવોના એક મોટા સમૂહમાં કુઆર્નને જાણવાનો અને સમજવાનો સાફ સ્વચ્છ શોખ પેદા કરી દીધો.
તેઓ આપણી વચ્ચે એ ગણ્યાગાંઠ્‌યા લોકોમાંથી હતા જેમણે હિંદુ ફિલોસોફીને તેના ઊંડાણમાં જઈને તેની જ ભાષામાં વાંચીને સમજી હતી. દેશબાંધવોને સંબોધન કરતી વખતે તેમની ભાષા અને શબ્દો જ નહીં બલ્કે સ્વર, સંવાદ, અંદાજ, દલીલોની પદ્ધતિ અને ઉદ્‌બોધનની રીત પણ તેના અનુરુપ જાેવા મળતી. આ જ કારણ છે કે તેમની મહેફિલોમાં દેશબાંધવો પણ ખાસ દિલચસ્પી લેતા. જૂની દિલ્હીમાં અમે ઘણીવાર જાેયું છે કે ભણેલા ગણેલા હિંદુ પુરુષો-મહિલાઓ શ્રદ્ધાપૂર્વક દૂરસુદૂરથી તેમની સેવામાં હાજર થઈને કલાકો સુધી તેમની વાતો રસપૂર્વક સાંભળતા.
જૂની દિલ્હીમાં તેમના હુજરા સુધી પહોંચવું આસાન ન હતું. જામા મસ્જિદથી આગળ કોઈ ગાડી જઈ શકતી ન હતી. લાંબે સુધી પગપાળા જવું ખૂબ મુશ્કેલ કામ હતું. પરંતુ તેમનું આકર્ષણ મુસ્લિમ-બિનમુસ્લિમ તમામને ખુશી ખુશી આ કષ્ટ ઉપાડવા તૈયાર કરતું.
મૌલાનાથી પ્રથમ મુલાકાત ત્યારે થઈ જ્યારે હું એસ.આઈ.ઓ. મહારાષ્ટ્રનો પ્રમુખ હતો..અમે પૂનાના મેમ્બર્સ કેમ્પમાં તેમને આમંત્રિત કર્યા હતા. ડૉ.ફઝલુર્રહમાન ફરીદી મર્હૂમ પણ આમંત્રિત હતા. મુકામી જમાઅતે ફરીદી સા.ના માનમાં અર્થશાસ્ત્રમાં રસ ધરાવતા શહેરના ખાસ લોકો માટે વ્યાજરહિત અર્થવ્યવસ્થા પર એક પ્રોગ્રામ રાખ્યો હતો. ફરીદી સા.ની ફલાઇટ અચાનક કેન્સલ થઈ ગઈ અને તેઓ એ દિવસે ન આવી શકયા. આમંત્રિતો તો આવી ગયા હતા. કોઈએ કહ્યું મૌલાના ફારૂકખાન સા. હાજર છે તેમને બોલાવી લેવાય. પણ મૌલાના ફારૂકખાં સા. અને ફાયનાન્સ ને અર્થશાસ્ત્ર?! અમુકને વાંધો હતો. પણ પછી ર્નિણય થયો અને મૌલાના ફારૂકખાન સા.એ વ્યાજરહિત અર્થ વ્યવસ્થા પર અદ્‌ભુત વકતવ્ય આપ્યું. ખુદાના રાઝિક હોવાના ગુણને કેન્દ્રીય વિષય બનાવીને પોતાના ખાસ સૂફી અંદાજમાં મૌલાનાએ સ્પષ્ટ કર્યુ કે રોજી આપનાર ખુદા વ્યાજસહિત અર્થવ્યવસ્થાની પરવાનગી આપી શકતો નથી. અમારા માટે આ તદ્દન નવો અનુભવ હતો.
તેહરીકી લિટરેચરના ખાસ દલીલસભર અને બૌદ્ધિક અંદાજ કરતા આ બ્યાન તદ્દન અલગ હતું. અમે વિચારી પણ ન હોતા શકતા કે ઇસ્લામી અર્થશાસ્ત્ર પર આ અંદાજથી પણ વાત થઈ શકે છે. હાજરજનો પણ ખૂબ પ્રભાવિત થયા અને અમે તો જાણે મૌલાનાના દામનના કેદી બની ગયા.
એ પછી જ્યારે પણ દિલ્હી જવાનું થયું જૂની દિલ્હી જઈને મૌલાનાની મહેફિલમાં થોડો સમય રહ્યા વગર સફર અધૂરો લાગતો. હું મારા દરેક મિત્રને પણ મૌલાનાની મહેફિલમાં લઈ ગયો; ત્યાં સુધી કે શાદી પછી તરત દિલ્હીના એક ટૂંકા રોકાણ દરમ્યાન મારી બેગમને લઈને પણ આપની સેવામાં હાજર થયો. મૌલાનાની મહેફિલ ઐવાને આમ હતી, તેમાં કોઈ પણ ગમે તે સમયે જઈ શકતું હતું. દરેક બાજુ કિતાબોના કબાટોથી ભરાયેલો એક જૂનો ઓરડો અને ટેબલ પર પુસ્તકો અને કાગળોના થપ્પાઓ અને ટેબલ પાછળ એક ખુરશી પર પાછળની તરફ માથું ટેકવીને બેસેલું ભરેલી ઊંડી આંખો સાથે વિચારમગ્ન મસ્ત એક કલન્દરાના વજૂદ. મૌલાનાના આ ઓરડાનું દૃશ્ય કયારેય ન બદલાયું. થોડીક વાર અહીં બેસીએ તો ખબર પડે છે કે ઘણા કામો અહીં એક સાથે થઈ રહ્યા છે. એક તરફ એક સાહેબ બેઠા છે; મૌલાનાને પોતાના લેખનો મુસદ્દો સંભળાવી રહ્યા છે. એક તરફ એક બિનમુસ્લિમ વિદ્યાર્થિની શુદ્ધ હિંદીમાં સવાલો પૂછી રહી છે. મૌલાના વચ્ચે વચ્ચે કાગળ ઉઠાવીને પોતાના લેખને પૂરો કરવા મથી રહ્યા છે. ત્રણ ચાર વ્યક્તિઓ ખુરશીઓ પર બેઠી છે જેમને સંબોધીને મૌલાના જાત જાતની વાતો કરી રહ્યા છે. આ દરમ્યાન પોતે ઊઠીને ટેબલના ડ્રોવરમાંથી કોફીમેકર કાઢે છે. પાણી ગરમ કરીને પછી પોતાની ખાસ ચા બનાવે છે. કોઈ ઊઠીને તેમને મદદ કરે છે. આ બધા કામ એક સાથે સમાંતર રીતે એ અંદાજથી ચાલી રહ્યા હોય છે કે ત્યાં કોઈને કંઈ જ વિચિત્ર નથી લાગતું. પછી વિચાર કરતાં ખ્યાલ આવે છે કે આ કેટલો મુશ્કેલ મામલો છે કે મૌલાનાના એકાંત અને જાહેરમાં કોઈ ફરક નથી. આ મહેફિલોમાં જ તેઓ ફિલોસોફીની ગૂંચવણો પણ ઉકેલી નાંખે છે. લખી પણ લે છે. ચિંતન-મનન પણ કરી લે છે અને લોકોની જ્ઞાનપીપાસાને પણ સંતોષી દે છે.
મિસ્લે ખુરશીદ સહર ફિક્ર કી તાબાની મે
શમએ મહેફિલકી તરહ સબસે જુદા સબકા રફીક

પછીથી જયારે તેમનું રહેઠાણ મર્કઝ દિલ્હીથી જાેડાયેલ ઇમારતમાં તબદીલ થઈ ગયું તો કયારેક તેઓ ફજ્રની નમાઝ પછી મર્કઝમાં ચાની મહેફિલમા આવતા. મૌલાના આવતા તો પછી તેઓ આ મહેફિલનું કેન્દ્ર બની જતા અને પછી મહેફિલ ખૂબ લાંબી થઈ જતી. અમને યાદ જ ન રહેતું કે આઠ વાગે એક વીડિયો કોન્ફરન્સ એટેન્ડ કરવાની છે અને નવ વાગે કોઈને એપોઇન્ટમેન્ટ આપેલી છે. અલ્લાહે મને વિવિધ પ્રકારના એહલે ઇલ્મની મહેફિલોથી લાભાન્વિત થવા મોકા આપ્યા છે. ઇસ્લામી વિશેષજ્ઞો, અલ્લાહવાળાઓ, વિખ્યાત વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો અને કાનૂનશાસ્ત્રીઓની. પણ કદાચ મૌલાના ફારૂકખાનની મહેફિલ સિવાય કોઈ બીજી મહેફિલમાં આ વિશેષતા મેં જાેઈ નથી કે તમે આ મહેફિલથી કયારેય પણ ખાલી દામન લઈને નથી ઊઠતા. થોડીક મિનિટો પણ બેસો તો ભલે હંસીમજાકની જ વાતો કેમ ન હોય. ઇલ્મ અને હિકમતનું કોઈ અનોખું મોતી અને ફિક્ર-ખ્યાલનો કોઈ અછૂતો દૃષ્ટિકોણ તમે ચોક્કસ તમારા ખોળામાં લઈને ઊઠશો.
મૌલાનાના ઇન્તેકાલ પર ઉર્દૂના એક જાણીતા સાહિત્યકારના આ વાક્યો મગજમાં ગૂંજી રહ્યા છે જે તેમણે અલ્લામા ઇકબાલની આ દુનિયાથી વિદાય પર લખ્યા હતા. તેને સામાન્ય ફેરફાર સાથે રજૂ કરી રહ્યો છુંઃ
આ મહેરૂમીનો ઘા અને વેદના ખટકે છે કે સમુદ્રનો સંગાથ તો નસીબ થયો અને વીણી શકયા માત્ર થોડી કાંકરીઓ!!? પણ પછી વિચારૂં છું કે વ્યક્તિત્વ, ઇલ્મ ને ફઝ્‌લ, અઝમતને કમાલના ઝરણાંઓથી કંઈક મેળવી લેવું એવી ચીજ નથી જેને સમયના ગજથી માપી શકાય. એટલા માટે સાનિધ્ય અને મુલાકાતમાં ફૈઝ અને લાભાન્વિત થવા જે મોકો મળ્યો એ માટે આભાર માનવો જાેઈએ, અને તેમની ફિક્ર અને કલામ અને વ્યક્તિગત્‌ ઉત્તમ ગુણધર્મોની યાદોની દૌલત, જે સમય અને યુગની પાબંદીઓથી આઝાદ છે, તેનાથી વધારેમાં વધારે અભિરુચિ અને શોખ સાથે લાભ ઉઠાવતા રહેવાનું ચાલુ રાખવું જાેઈએ. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments