અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
“તારો રબ જાણે છે જે કંઈ આ લોકોએ હૃદયોમાં છૂપાવી રાખ્યું છે અને જે કંઈ તેઓ જાહેર કરે છે. તે જ એક અલ્લાહ છે જેના સિવાય કોઈ ઉપાસનાને પાત્ર નથી. તેના જ માટે પ્રશંસા છે દુનિયા (આલોક)માં પણ અને આખિરત (પરલોક)માં પણ, શાસન તેનું જ છે અને તેના જ તરફ તમે સૌ પાછા લઈ જવામાં આવશો. હે નબી ! આમને કહો, ક્યારેય તમે વિચાર્યું કે જો અલ્લાહ કયામત સુધી તમારા ઉપર હંમેશ માટે રાતને ઢાંકી દે તો અલ્લાહ સિવાય તે કયો ઉપાસ્ય છે જે તમને પ્રકાશ લાવી આપે ? શું તમે સાંભળતા નથી?” (સૂરઃ કસસ-૨૮ આયતો ૬૯-૭૧)
વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આ કહેવા પાછળનું કારણ આ છે કે એક વ્યક્તિ કે લોકોનું એક સમુહ દાવો કરી શકે છે કે તેણે તેમના જીવનનો જે માર્ગ પસંદ કર્યો હતો તે તમામ પાસાઓ તપાસીને કર્યો હતો. અને તેઓ તેમના માર્ગના સાચા હોવા અંગે મજબૂત દલીલોના આધારે સંપૂર્ણ સંતુષ્ટ હતા. તેઓ એમ પણ કહી શકે છે કે તેમના મંતવ્યની વિરુદ્ધ જે દલીલો તેમની સમક્ષ મુકવામાં આવી હતી તે તેમને સહમત કરવામાં નિષ્ફળ નિવડી હતી. તેવો એવો દાવો પણ કરી શકે છે કે તેમની પસંદગી ઈમાનદારીપૂર્વકની હતી અને એવી કોઈપણ ઘટના ઘટી ન હતી કે જે તેમના ખ્યાલને બદલી શકે.
આવી દલીલો અલ્લાહ સમક્ષ ચાલી જાય તેમ નથી. અલ્લાહ ફકત તે જ નથી જાણતો જે દેખીતુ અને તાદૃશ્ય હોય. પરંતુ તે એ પણ જાણે છે કે મનની અંદર કયા ખ્યાલો છે. અલ્લાહ માટે વ્યક્તિનું દિલ અને દિમાગ ખુલ્લા રહસ્યની જેમ છે. તે વ્યક્તિનો એહસાસ, લાગણી, ઇચ્છા અને ઇરાદાને ખૂબ સારી રીતે જાણે છે. અલ્લાહ જાણે છે કે સત્ય કોને, કેવી રીતે અને કોના દ્વારા પહોંચ્યું હતું. અલ્લાહ આ પણ જાણે છે કે સત્યથી વિમુખ થઈ અસત્યને કબૂલ કરવા પાછળ કયા ઉદ્દેશો હતા.