Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસઅસ્હાબુલ ઉખદૂદ (ખાડાવાળા લોકો)ની બોધ કથા

અસ્હાબુલ ઉખદૂદ (ખાડાવાળા લોકો)ની બોધ કથા

ઇતિહાસના અટારીએથી ………………………………………………………… પ્રશિક્ષણના પગલાં

હઝરત સુહૈબ (રદી.) વર્ણન કરે છે કે એકવાર અલ્લાહના અંતિમ રસૂલ (સલ્લ.) એ ફરમાવ્યું, તમારાથી અગાઉના જમાનામાં એક બાદશાહ થઈ ગયો, તેના પાસે એક જાદુગર હતો. જ્યારે તે જાદૂગર વૃદ્ધ થઈ ગયો તો તેણે બાદશાહને વિનંતી કરી કે હું વૃદ્ધ થઈ ચૂક્યો છો. તમે કોઈ છોકરાને મારા સાથે કરી દો, જેથી હું તેને જાદુ શીખવી દઉં. બાદશાહે તેના પાસે એક છોકરાને મોકલી આપ્યો અને તે જાદુ શીખવા લાગ્યો. તે છોકરાના રસ્તામાં એક પાદરી રહેતો હતો. છોકરો તેના પાસે બેસી ગયો. તેની વાતો સાંભળી જે તેને ઘણી સારી લાગી. હવે તેણે નિત્યક્રમ બનાવી લીધો કે જાદુગરના પાસે જતાં, જ્યારે તે પાદરીના પાસેથી પસાર થતો તો થોડીવાર માટે તેના પાસે બેસી જતો. આમ કરવામાં મોડું થતું તો જાદુગર તેને મારતો. આ વાતની ફરિયાદ છોકરાએ પાદરીથી કરી. પાદરીએ તે છોકરાને કહ્યું, તને જાદુગરના મારનો ભોય હોય તો તેને કહી દેવાનું કે મને ઘરેથી મોડું થઈ ગયું, ઘરે અમુક કામ આવી ગયું હતું. અને જ્યારે ઘરવાળા ઠપકો કરે તો કહી દેવાનું કે જાદુગરના પાસે મોડું થઈ ગયું. તે પાદરીની આ યુક્તિ ઉપર અમલ કરી રહ્યો હતો કે એ દિવસ તેનો સામનો એક મહાકાય પશુથી થઈ ગયો જેણે લોકોનો રસ્તો રોકી દીધો હતો. છોકરાએ લોકોને કહ્યું, “આજે હું બતાવીશ કે જાદુગર સારો છે કે પાદરી.” તે પછી તેણે એક પથ્થર ઉઠાવ્યો અને કહ્યું, “હે અલ્લાહ જો પાદરીની વાતો જાદુગરની વાતોની તુલનામાં સારી છે અને તને પસંદ છે તો આ જાનવરને મારી નાંખ કે જેથી આ લોકો જતાં રહે.” આમ કહીને તેણે તે જાનવરને પથ્થર માર્યો, જેનાથી જાનવર મરી ગયું અને લોકો પોતાના રસ્તે જતા રહ્યાં. તે પછી છોકરો પાદરીના પાસે આવ્યો અને આ બનાવ કહી સંભળાવ્યો. પાદરીએ કહ્યું, “દીકરા આજે તુ મારાથી પણ શ્રેષ્ઠ છે, જે ચીજ હું તારા અંદર જોઈ રહ્યો હતો તે આજે પુરી થઈ ગઈ. તને આજમાઈશમાં નાંખવામાં આવશે. જ્યારે તારા ઉપર સંકટ આવે તો મારૃ નામ ના બતાવજે.” આ છોકરો આંધળા અને કોઢીઓને સાજા કરી દેવા લાગ્યા. લોકો તેનાથી તમામ રોગોનો ઇલાજ કરાવતા હતા. બાદશાહના એક દરબારીને આ વાતની ખબર પડી જે આંધળો થઈ ગયો હતો. તે ભેટ સોગાદ લઈને તે છોકરા પાસે ગયો અને કહ્યું, “જો તુ મને સાજો કરી દઇશ તો આ બધું તારુ હશે.” છોકરાએ કહ્યું, “હું કોઈને સાજો નથી કરતો, રોગ મટાડવાનું કામ તો માત્ર અલ્લાહ જ કરે છે, જો તમે અલ્લાહ ઉપર ઈમાન લઈ આવો તો હું અલ્લાહથી દુઆ કરૃં, તે તમને સાજા કરી દેશે.” તે વ્યક્તિ ઇમાન લઈ આવ્યો અને પછી અલ્લાહે તેની આંખો સારી કરી દીધી. આંખો સાજી થઈ ગયા પછી તે વ્યક્તિ બાદશાહના દરબારમાં આવ્યો અને દરરોજની જેમ આવીને બેસી ગયો. બાદશાહે કહ્યું, “તમારી આંખોની રોશની કોણે પાછી આપી?”

તેણે કહ્યું, “મારા તમારા પાલનહાર રબે મને સાજો કર્યો.” બાદશાહે કહ્યું, “શું મારા સિવાય પણ તારો કોઈ બીજો રબ છે?” તેણે કહ્યું, “મારો અને તમારો રબ અલ્લાહ જ છે.” બાદશાહે તેને આ વાત ઉપર યાતનાઓ આપી ત્યાં સુધી કે તેણે છોકરાનું ઠેકાણું બાદશાહને બતાવી દીધું. જેથી તે છોકરાને બાદશાહ સામે હાજર કરવામાં આવ્યો. બાદશાહે તે છોકરાને પૂછ્યું, “હે છોકરા! તારું જાદુ એ હદે પહોંચી ગયું છે કે તું આંધળા અને કોઢીઓને સાજા કરી દે છે?” છોકરાએ કહ્યું, “હું કોઈને સાજો નથી કરતો. સાજો કરનારો અને રોગથી મુક્ત કરનારો તો અલ્લાહ છે.” બાદશાહે તેને યાતનાઓ આપવાની શરૃ કરી અને ત્યાં સુધી આપતો રહ્યો કે છેવટે તેણે પેલા પાદરીનું ઠેકાણું બતાવી દીધું. જેથી પાદરીને હાજર કરવામાં આવ્યો. પાદરીથી કહેવામાં આવ્યું કે તું તારા દીનથી, તારા ધર્મથી ફરીજા. તેણે સ્પષ્ટ ના પાડી દીધી. બાદશાહે કરવત મંગાવી, કરવતને માથાના વચ્ચે મૂકીને તેના શરીરના બે ટૂકડા કરી નાંખ્યા. તે પછી તે દરબારીને બોલાવવામાં આવ્યો. તેનાથી પણ દીનથી ફરી જવાનું કહેવામાં આવ્યું પરંતુ તેણે પણ ઇન્કાર કરી દીધો. જેથી તેના માથા ઉપર પણ કરવત મૂકીને તેના શરીરના પણ બે ટૂકડા કરી દેવામાં આવ્યા. છેવટે તે છોકરાને બોલાવવામાં આવ્યો અને તેનાથી પણ તેના દીનથી અલગ થઈ જવાનું કહેવામાં આવ્યું. તેણે તદ્દન ના પાડી દીધી. જેથી તેને અમૂક લોકોને સોંપી દેવામાં આવ્યો અને બાદશાહે તેમને કહ્યું, “આને ફલાણા પહાડ ઉપર લઈ જાવ અને પહાડના શિખરે લઈ જઈને જો આ પોતાના દીનથી અલગ થવા રાજી થઈ જાય તો ઠીક નહીંતર તેને ત્યાંથી નીચે ગબડાવી દેજો.” જેથી તે લોકો તેને તે પર્વત ઉપર લઈ ગયા. જ્યારે પર્વત ઉપર ચડી ગયા તો છોકરાએ કહ્યું, “હે અલ્લાહ! મને આમનાથી બચાવી લે.” આ છોકરાની દુઆથી પર્વતે તે લોકોને હલાવી નાંખ્યા. પરિણામે તેઓ પર્વત ઉપરથી ગબડીને મરણને શરણ થઈ ગયા. ત્યાંથી તે છોકરો બાદશાહ પાસે આવ્યો. બાદશાહે પૂછ્યું, “તારા સાથે જે લોકો હતા તેમનું શું થયું?” તેણે કહ્યું, “મને અલ્લાહે તેમનાથી બચાવી લીધો.” બાદશાહે ફરીવાર તેને અમૂક લોકોને હવાલે કર્યો અને કહ્યું કે આને લઈ જાવ અને એક હોડીમાં બેસાડી દો. જ્યારે તમે લોકો મઘદરિયે પહોંચો તો તેને પૂછજો. જો આ તેના દીનથી ફરી જવા તૈયાર થઈ જાય તો સારૃં, નહિંતર તેને સમુદ્રમાં ફેંકી દેજો. જેથી તે લોકો તેને બાદશાહના આજ્ઞા મુજબ લઈ ગયા. છોકરાએ ફરીવાર દુઆ કરી. “હે અલ્લાહ! મને આમનાથી બચાવી લે.” જેથી હોડી ઊંધી વળી ગઈ અને તે તમામ ડૂબી ગયા પરંતુ છોકરો બચી ગયો. છોકરો ફરીથી બાદશાહ પાસે આવ્યો. બાદશાહે પૂછ્યું, “તારા સાથે હતા તેમનું શું થયું?” તેણે કહ્યું, “મને અલ્લાહે બચાવી લીધો અને તે બધાને ડૂબાડી દીધા.” તે પછી છોકરાએ જાતે બાદશાહને કહ્યું, “તમે મને ત્યાં સુધી નથી મારી શકતા જ્યાં સુધી તે તરીકો નહીં અપનાવો જે હું તમને બતાવું.” બાદશાહે પૂછ્યું, “તે શું?” છોકરાએ કહ્યું, “બધા લોકોને મેદાનમાં ભેગા કરો, પછી મને એક થડ ઉપર લડકાવી દેજો, પછી મારા ભાથામાંથી એક તીર કાઢીને તેને ધનુષ્ય ઉપર ચડાવજો અને પછી કહેજો, ‘છોકરાના રબ અલ્લાહના નામથી’… પછી આ તીર મારા ઉપર ચલાવજો, જ્યારે તમે આવું કરશો ત્યારે જ મને મારી શકશો.” જેથી બાદશાહે બધા લોકોને એક વિશાળ મેદાનમાં ભેગા કર્યા અને તે છોકરાને ખજૂરના થડ સાથે બાંધી દીધો. પછી તેના ભાથાંમાંથી તીર કાઢીને ધનુષ્ય ઉપર ચડાવ્યું અને ‘છોકરાના રબ અલ્લાહના નામથી’ એમ કહીને તીર ચલાવી દીધું. તીર છોકરાની કાનપટ્ટી ઉપર વાગ્યું તેણે પોતાનો હાથ કાનપત ઉપર મૂક્યો અને મૃત્યુ પામ્યો. આ જોઈને તમામ લોકો પોકારી ઉઠ્યાં અને છોકરાના રબ ઉપર ઇમાન લઇ આવ્યા. તે પછી બધા લોકો તે છોકરાને બાદશાહ પાસે લાવ્યા અને તેનાથી કહ્યું, “તે જોઈ લીધું. જેનાથી તુ ભયભિત થતો હતો, તેણે જ તને પાડી દીધો. જે લોકો ઈમાન લઈ આવ્યા છે.!!!

બાદશાહે રસ્તાના કીનારે ખાડાઓ ખોડવાનો આદેશ આપ્યો. ખાડા ખોદાઈ ગયા એટલે તેમાં આગ સળગાવવાના આદેશ આપ્યા અને ઘોષણા કરી દેવામાં આવી કે, “જે વ્યક્તિ પોતાના નવા દીન (ધર્મ)થી અલગ ન થઈ જાય તેને આ આગમાં નાંખી દો.” તેના કર્મચારીઓએ આવું જ કર્યું ત્યાં સુધી કે એક સ્ત્રીનો વારો આવ્યો જેના સાથે તેનું બાળક પણ હતું. જ્યારે તેને આગમાં નાંખવા લાગ્યા તો તે પાછળ હસ્વા લાગી. તેના બાળકે કહ્યું, “માં ધીરજ રાખો તમે સત્યમાર્ગે છો.” (હદીસસંગ્રહઃ મુસ્લિમ)

આ બોધ કથામાં જે ઉલ્લેખ છે, તેનો સંબંધ અસ્હાબુલ ઉખદૂદથી છે જેને કુઆર્નમાં હંમેશ માટે તેની સૂરઃ બુરૃજમાં સુરક્ષિત કરી દેવામાં આવ્યો છે.

અલ્લાહના અંતિમ પયગંબર સલ્લ.નું કથન છે કે, સૌથી વધારે સખત આજમાઈશ અલ્લાહના પયગંબરો ઉપર આવી. પછી તે સદ્ચરિત્ર ઉચ્ચકોટીના લોકો ઉપર પછી તે લોકો ઉપર જે આદર્શરૃપ હતો. મનુષ્યની પોતાની દીન ઉપર આચરણના પ્રમાણ મુજબ કસોટી થાય છે. જ્યારે કોઈનો દીન મજબૂત હોય છે તે અડગ હોય છે તો આજમાઈશ અને સંકટો પણ વધુ આપે છે.

આ ખાડાવાળા લોકોના આ પ્રસંગથી આપણને એક બોધ એ મળે છે કે ઇસ્લામની દા’વત આપનારાઓની તમન્ના અને ઇચ્છા એ હોય છે કે દાવતનું પ્રભુત્વ થઈ જાય. જેથી છોકરો ઝાલીમ બાદશાહને એ કામ ઉપર તૈયાર કરે છે જે તે છોકરાના કતલથી જ શક્ય હતું. પરંતુ આ કામ અને આ ભોગ એવો હતો જેનાથી દાવતના મિશનને જ ફાયદો પહોંચવાનો હતો. તેના એક બલિદાનથી સેંકડો લોકો સત્યમાર્ગને પામી શક્યા. અમુક લોકો તો આ પ્રકારની આજમાઈશની કલ્પના પણ કરી શકતા નથી.

આ પ્રસંગથી એક બોધ એ મળે છે કે મરવાનું તો તમામ લોકોને છે પરંતુ માત્ર દાવતનું મિશન ધરાવતા લોકો જ એવા છે જેમને મૃત્યુ પછી પણ આલોક અને પરલોકમાં ઇઝ્ઝત અને સન્માન પ્રાપ્ત થાય છે.

આ મહાન અને જવલ્લે જોવા મળતા પ્રસંગથી અંતિમ બોધ આપણને એ મળે છે કે અલ્લાહ સમયાંતરે એવો લોકોને આગળ ધરાવતો રહે છે, જે લોકો માટે દીનની પુનઃસ્થાપનાનું કામ કરતા રહે છે. જેવી રીતે અલ્લાહે આ છોકરાને તૈયાર કર્યો કે તે પોતાની કોમના લોકોના ઇમાનને યોગ્ય અને દુરસ્ત કરે અને તેને મજબૂત કરવાનું કારણ અને માધ્યમ બને.

કુઆર્ન આ પ્રકારના બોધ પ્રસંગોનું વર્ણન કરે છે અને તેના દ્વારા ઈમાનવાળાઓનું પ્રશિક્ષણ કરે છે. દાવત આપનારા આવાહકો માટે જરૂરી છે કે તેઓ આ પ્રસંગો અને બોધકથાઓને વાંચે અને તે મુજબ પોતાના જીવનની પોતાની પ્રવૃત્તિઓની અને પોતાના આચરણની સમીક્ષા કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments