Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસઆતંકવાદને દૂર કરવાના નામે આતંકનું સામ્રાજ્ય ઊભું કરવાનો પ્રયાસ એટલે - ગુજકોટોક

આતંકવાદને દૂર કરવાના નામે આતંકનું સામ્રાજ્ય ઊભું કરવાનો પ્રયાસ એટલે – ગુજકોટોક

હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા ગુજકોટોકનો કાયદો નવી બોટલમાં જુના દારૃની જેમ માત્ર નામ બદલીને ગુજકોકને બદલે ગુજકોટોક ખૂબજ ઝડપથી, જરૂરી ચર્ચાવિચારણા કર્યા વગર, જુના ગુજકોક કાયદામાં સુચવેલા સુધારાઓનો સમાવેશ કર્યા વગર બહુમતીના જોરે પસાર કરી દીધો. કોઈ જરૂરી કાયદાઓ આ સત્રમાં પસાર કરવાના હોય તો માનનીય રાજ્યપાલના લિસ્ટમાં હોવા જોઈએ. તેમાં પણ ગુજકોટોકનો સમાવેશ થતો નથી. ૨૦મી માર્ચના ગેજેટમાં અચાનક ઉતાવળે તેનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. બિલને ડ્રાફ્ટ કરાવવા માટે જરૂરી મહેનત પણ કરી હોય તેવું લાગતુ નથી. મહારાષ્ટ્ર સરકાર સાથે ભેગા મળીને મકોકા કાયદામાં થોડાક જરૂરી ફેરફારો કરી બનાવ્યું હોય તેવો આભાસ થાય છે.

અગાઉ ગુજરાત સરકાર દ્વારા ગુજકોકનો કાયદો બેથી ત્રણ વખત પસાર કરવામાં આવ્યો હતો. જેને એક વખત રાજ્યપાલ અને બે વખત જે તે સમયના રાષ્ટ્રપતિ માનનીય એ.પી.જે. અબ્દુલ કલામ અને પ્રતિભા પાટિલે જરૂરી સુધારાઓ સુચવીને પરત કર્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે જે તે વખતે માનનીય અડવાણી ગૃહમંત્રી હોવા છતાં પણ આ બિલને જરૂરી સુધારાઓ સુચવીને પરત કરવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સરકાર અને સંજોગો દેશનું વાતાવરણ બદલાયું હોવાથી ઉપરાંત હાલમાં જ મહારાષ્ટ્રમાં ગૌવંશ પ્રતિબંધના કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જવાને કારણે ગુજરાત સરકાર આ બિલને પસાર કરવામાં ખુબજ ઉત્સાહિત જણાય છે. અને આ વખતે બિલ ઉપર રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર લાગી જશે તેવો દ્રઢ વિશ્વાસ પણ ધરાવે છે.

કોઈપણ કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવે એટલે સૌથી પહેલો મૂળ પ્રશ્ન ઊભો થાય કે આ કાયદો અત્યારે શાના માટે? કેમ? કોના માટે? જે માટે સરકારે દર્શાવેલા જાહેર કારણોની પાછળ અનેક ગર્ભિત કારણો છુપાયેલા હોય છે. જેને હીડન એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત આ ગુજકોટોક કાયદામાં આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના બન્નેનો એક સાથે સમાવેશ કેમ કરવામાં આવ્યો છે તે બાબત પણ ગંભીર વિચારણા માંગી લે તેવો છે.

કોઈપણ કાયદો જો પ્રજાલક્ષી, માનવતાલક્ષી, દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાના આશયથી ઘડવામાં આવ્યો હોય તો પ્રજા તરફથી તેને સારો આવકાર મળવો જોઈએ. સરકાર સામાન્ય રીતે જનહિત માટે જ કાયદાઓ ઘડતી હોય છે. પરંતુ ગુજકોકનો ભુતકાળમાં પણ અને ગુજકોટોકનો વર્તમાનમાં પણ ખુબજ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. જનઆંદોલનો છેડાઈ રહ્યા છે. પ્રજા તરફથી જાતજાતની શંકા-કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવાઈ રહ્યું છે કે આ કાયદાનો રાજકીય રીતે દુરૃપયોગ મોટા પાયે થઈ શકે છે. સામાન્ય નાગરિકની જાસુસી કરવી, કોઈપણ કારણ આપ્યા વગર નિર્દોષોની ધરપકડ કરી તેમને રંજાડવા, તેમને જામીન પણ ન મળી શકે. દિવસો તો શું ૬ મહીના સુધી તેમને ગોંધી રાખવાનો પરવાનો મળી જાય, પોલીસના દમનકારી વલણ દ્વારા કબુલાતને પુરાવો માનવામાં આવે જેના આધારે સજા કરી શકાય, વધુમાં આ કાયદો પ્રજાલક્ષી કે માનવતાલક્ષી નથી. દેશના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ કરે છે. વર્તમાન કાયદાઓ અને તેમની આત્માની વિરૂદ્ધ છે.

આતંકવાદને આજે રાજ્ય, દેશ અને દુનિયા માટે સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. તેને ડામવા માટે જાતજાતના કાયદાઓ ઘડવામાં આવી રહ્યા છે. આતંકવાદને કેન્દ્રમાં રાખી દુનિયાના દેશો પોતાની વિદેશ નીતિ ઘડી રહ્યા છે. આતંકવાદની નાની-સરખી ઘટના કે માહિતી પણ મીડિયામાં પ્રમુખ સ્થાન મેળવે છે. ખરૃં છે આ બધુ હોવું જ જોઈએ. કારણકે આતંકવાદની ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોના જાન-માલ તબાહ થઈ જાય છે. આતંકવાદ એ માનવતાની વિરૂદ્ધ છે. તેને રોકવાના તમામ શક્ય પ્રયાસો થવા જ જોઈએ. તેના માટે યોગ્ય કાયદાઓ જો જરૃર જણાય અને વર્તમાન કાયદાઓ યોગ્ય કે પર્યાપ્ત ન હોય તેવા સંજોગોમાં નવા કાયદાઓ ઘડવા જોઈએ. આવા કાયદાઓ અત્યંત જરૂરી હોઈ શકે. પરંતુ તે સંતુલન કરતા હોવા જોઈએ. કોઈ એક તરફ ઢળી જતા ન હોવા જોઈએ. કાયદા આતંકવાદની ઘટનાઓ કરતા પણ વધૂ ક્રુર અને દમનકારી ન હોવા જોઈએ. તેમાં લાભ કરતા નુકસાનનું પ્રમાણ ખૂબજ વધુ ન હોવું જોઈએ. પ્રજાહિતને બદલે પ્રજાને રંજાડનારા ન હોવા જોઈએ. વર્તમાન કાયદાઓની વિરૂદ્ધ અને માનવ અધિકારોનું ખુલ્લેઆમ હનન કરતા ન હોવા જોઈએ. હવે કે જ્યારે ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક ૨૦૧૫’ને પસાર કરી દેવામાં આવ્યો છે તો તેનું મૂલ્યાંકન કરવું યોગ્ય લેખાશે. તેની ચકાસણી કરી તેના સારા-નરસા પાસાઓને તપાસવા જોઈએ.

સૌ પ્રથમ આતંકવાદ શું છે? આતંકવાદ વિશ્વની સૌથી ગંભીર સમસ્યા હોવા છતાં સમગ્ર વિશ્વ આતંકવાદની સામે લડવા એકમત અને સહમત હોવા છતાં આજદિન સુધી આતંકવાદને વ્યાખ્યાયિત કરવામાં કેમ નથી આવ્યો? કે આતંકવાદની વ્યાખ્યા કરવામાં સમગ્ર વિશ્વ નિષ્ફળ કેમ રહ્યું છે? અથવા તેની ખરી વ્યાખ્યા કેમ કરવા દેવામાં નથી આવતી? તેનું સૌથી મુખ્ય કારણ છે અમેરિકા!!! કારણ કે આતંકવાદની જે પણ વ્યાખ્યા કરવામાં આવે તેની અંદર અમેરિકાનો સમાવેશ આપોઆપ થઈ જાય છે. ઉપરાંત સામ્રાજ્યવાદ, વિસ્તારવાદ, કે મૂડીવાદ ઉપર રચાયેલા અનેક દેશોનો તેમાં સમાવેશ થઈ જતો હોવાથી આતંકવાદની સર્વસ્વીકૃત કોઈ વ્યાખ્યા આજદિન સુધી કરવામાં આવી નથી કે કરી શકાય તેમ નથી. હવે જે આતંકવાદ નિશ્ચિત જ ન હોય તેને રોકી કે ડામી કઈ રીતે શકાય. અને આ જ કારણ છે કે વિશ્વ આતંકવાદને રોકવામાં સરેઆમ નિષ્ફળ રહ્યું છે. તેમ છતાં આતંકવાદ બાબતે જે કંઈ સમજ પ્રવર્તે છે તેને જેમનું તેમ માની લઈએ તો તેને ડામવામાં આ ગુજકોટોક કાયદો કઈ રીતે અસરકારક ભાગ ભજવી શકે તેના ઉપર પણ વિચાર કરી જોઈએં.

એક તરફ હાલની ગુજરાત સરકાર અને અગાઉની મોદી સરકાર ૫૬ ઈંચની છાતી ફુલાવીને કહી ચુકી છે કે ગુજરાતમાંથી આતંકવાદને સંપૂર્ણપણે ડામી દેવામાં આવ્યો છે. તેના ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને આ હકીકત પણ છે કે છેલ્લા ૧૨-૧૫ વર્ષમાં કોઈ નાની એવી આતંકવાદી ઘટના પણ ગુજરાતમાં બની નથી. ગુજરાતની વ્યાપારી પ્રજા તેની સાક્ષી પણ છે અને આ બાબતે સરકારે ખૂબ યશ અને નામના પણ મેળવી છે. તો પછી આવા સમયે ગુજકોટોકના કાયદાને પસાર કરવો અનેક પ્રશ્નો અને શંકાઓ ઊભી કરે છે. એવું જણાય છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ, જમીન સંપાદન કાયદાની વિરૂદ્ધની ચળવળો, કર્મશીલો દ્વારા માનવ અધિકાર હનન વિરૂદ્ધની ચળવળો તેમજ સરકાર વિરૂદ્ધના અનેક આંદોલનોને કચડી નાંખવા માટે આવા કસમય ગુજકોટોકનો કાળો કાયદો લાવી રહી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ જાહેર ધરણા અને રેલીઓનું આયોજન અવાર-નવાર કરતી રહે છે. સરકારની સામે વિરોધ પ્રદર્શનો યોજતી રહે છે. જે માટે લાલદરવાજા ખાતે આવેલું સરદારબાગ ઉપયુક્ત સ્થળ છે જ્યાં અનેક ધરણાઓ અને વિરોધ પ્રદર્શનો થતા રહ્યા છે. પરંતુ આ વખતે કે જ્યારે ગુજકોટોક કાયદાનો વિરોધ કરવા માટે ત્યાં જાહેર દેખાવો કરવા પરવાનગી માંગવામાં આવી ત્યારે ટ્રાફિક સમસ્યા જેવું વ્યર્થ કારણ આગળ ધરીને પરવાનગી આપવામાં આવી નહીં. આ જ બાબત દર્શાવે છે કે સરકાર આ કાયદા વિરૂદ્ધ અત્યારથી જ અવાજ બુલંદ કરવા દેવા નથી માંગતી.

આ ગુજકોટોકનો કાયદો કેટલાક લોકો દ્વારા કરવામાં આવતા આતંકવાદને રોકવાના બદલે સરકારી આતંકવાદને પ્રસ્થાપિત કરવામાં બળ પુરૃં પાડેે તેવી શક્યતાઓ વધારે છે. આ કાયદો ક્રિમીનલ લૉના સીવિલાઈઝેશનની પણ વિરૂદ્ધ છે. ક્રિમિનલ કાયદા મુજબ આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તમે નિર્દોષ છો. આ કાયદા મુજબ તમે અપરાધી છો જ્યાં સુધી તમે પોતાને નિર્દોષ પુરવાર ન કરો. ક્રિમિનલ કાયદા મુજબ આરોપીનો આરોપ પુરવાર કરવાની જવાબદારી રાજ્યની છે. આ કાયદા મુજબ આરોપી પોતે નિર્દોષ છે તે પુરવાર કરવાની જવાબદારી સ્વંય તેના પોતાની છે. કોઈ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવે તો તેનો સભ્ય કે જેણે કોઈ જ ગુનો આચર્યો ન હોય તેમ છતાં તેને આરોપી માની ધરપકડ કરી શકાય. આવા સંગઠન સાથે જો કોઈ વ્યક્તિએ પૈસાની લેવડદેવડ કે સંદેશની આપલે કરી હોય જેમાં કોઈ વાંધાજનક કે કાયદા વિરૂદ્ધની કોઈ બાબત ન હોય તેમ છતાં માત્ર તેમની સાથે વ્યવહારના કારણે તેની અટકાયત કરી શકાય છે. ક્રિમિનલ લૉમાં પોલીસ સમક્ષ કનફેશનને પુરાવો ગણવામાં આવતો નથી. આ કાયદા મુજબ પોલીસ સમક્ષ કરેલા કનફેશનને પુરાવો ગણવામાં આવે છે અને તેના આધારે તેને સજા થઈ શકે છે. અક્ષરધામ કેસમાં પોલીસ કનફેશનને પુરાવા તરીકે ગણીને તેના આધારે સજા કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે ૧૧ વર્ષ પછી તેમને નિર્દોષ છોડી દીધા હતા. ક્રિમિનલ કાયદા મુજબ આરોપીની ધરપકડ પછી ૨૪ કલાકની અંદર તેને કોર્ટ સમક્ષ રજૂ કરવો જરૂરી છે. આ કાયદા મુજબ આરોપીને ૬૦ દિવસથી ૧૮૦ દિવસ સુધી ઇલ-લિગલ (ગેરકાયદેસર) ડિટેનશન કરવાની જોગવાઈ છે જે માનવ અધિકારનું ખુલ્લું ઉલ્લંઘન છે. ક્રિમિનલ લૉમાં એન્ટિ-સિપેટરી-બેઈલ જે તે ગુનામાં મળવા પાત્ર છે. આ કાયદામાં એન્ટિ-સિપેટરી-બેઈલની કોઈ જોગવાઈ નથી. ક્રિમિનલ લૉમાં આતંકવાદી કૃત્ય અને સંગઠિત કૃત્ય બન્નેને અગલ દર્શાવવામાં આવ્યા છે. આ કાયદામાં બન્નેને સાથે સામેલ કરવામાં આવ્યા છે. આતંકવાદી કૃત્યમાં વ્યક્તિ મરવા-મારવા માગે છે જ્યારે સંગઠિત ગુનામાં વ્યક્તિઓે પૈસા બનાવવા માગે છે. આ કાયદામાં પોલીસને અબાધિત સત્તાઓ આપી દેવામાં આવી છે. એમ કહી શકાય કે આ કાયદા દ્વારા પોલીસીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત આ કાયદો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ પેદા કરે છે.

કોઈપણ કાયદા પસાર કરતા અગાઉ એ જોવાની જરૃર છે કે આ કાયદાની ખરેખર જરૃર છે કે નહીં? આ કાયદો કેટલો ઉપયોગી થઈ શકે? આ કાયદો નૈતિક અને ન્યાયિક છે કે નહીં? આ કાયદો અમલમાં મુકી શકાય તેવો છે કે નહીં? આ કાયદાને પસાર કર્યા પછી અપેક્ષિત પરિણામો શું હોઇ શકે છે? વગેરે વગેરે.

આ અગાઉ ટાડા અને પોટા જેવા કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. તેનું જરાક અવલોકન કરવું યોગ્ય જણાશે. ટાડા અને પોટા બાબતે એન.એચ.આર.સી. એ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, આ કાયદાઓ બિનજરૂરી છે. અને અંતે વિરોધ થતા તે કાયદાઓને દૂર કરવામાં આવ્યા છે. આવા કાયદાઓ કેટલા સફળ થયા છે તે જોઈએ. ૧૯૯૪ સુધી ૭૬ હજાર લોકોની આ કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી ૩૫ ટકા લોકોની ટ્રાયલ થઈ હતી. માત્ર ૧ ટકા લોકોને જ સજા થઈ હતી. ૧ ટકા લોકોને સજા કરવા માટે આ કાયદાએ ૯૯ ટકા લોકોના જીવન બરબાદ કર્યા હતા. ૧૯૯૬માં ૨૨ હજારની ધરપકડ સામે કન્વિકશન માત્ર ૦.૮ ટકા થયું હતું. જે આ કાયદાને સંપૂર્ણપણે નિષ્ફળ જણાવે છે.

રાજ્યની જાગૃત પ્રજા અને માનવ અધિકાર માટે લડતા કર્મશીલો ઉપરાંત ભૂતકાળમાં આવા કાળા કાયદાઓનો ભોગ બનેલા સમાજના લોકો કે ભવિષ્યમાં ભોગ બનવાની શક્યતા ધરાવતા હોય તેવા લોકોએ આ કાયદાનો ગુજરાતના ગામેગામ જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવાની જરૃર છે. સમાજના અગ્રણીઓએ પ્રતિનિધિમંડળ બનાવીને રાજ્યપાલની મુલાકાત કરી તેમને આ કાળા કાયદાના અપેક્ષિત પરિણામોથી માહિતગાર કરીને તેને રોકવા માટે નમ્ર વિનંતી કરવાની જરૃર છે. આ કાયદા બાબતે સુપ્રિમ કોર્ટમાં પણ જઈ શકાય તેમ છે. પરંતુ મહારાષ્ટ્રના મકોકા કાયદાને સુપ્રિમ કોર્ટે બહાલી આપી હોવાથી તેની શક્યતા ઓછી જણાતી હોવા છતાં માનવતા ખાતર સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવી જોઈએ. તેમજ બધી જ સંસ્થાઓનું એક સહિયારૃ આવેદનપત્ર લાખો સહીઓ સાથે માનનીય રાષ્ટ્રપતિશ્રીને પણ મોકલવું જોઈએ.

મો. ૯૧૭૩૪૬૩૦૯૦
idk.gujarat@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments