Friday, March 29, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઆત્મવિશ્વાસ : સૌથી મોટી મૂડી

આત્મવિશ્વાસ : સૌથી મોટી મૂડી

બર્બર વંશથી સંબંધ રાખનાર ઉમૈયા વંશના સેનાપતિ તારિક બિન ઝિયાદે (મૃ.ઇ.સ.૭૨૦) ઇ.સ.૭૧૦માં આફ્રિકાની ઉત્તરેથી સમૃધ્ધભૂમિ (વાસ્તવમાં એણના નામ જબલ અલ તારિકનું અપભ્રંશ થઇને જિબ્રાલ્ટર થયું છે.)માં થઇને સ્પેનના દક્ષિણ કિનારે પોતાના સાથીઓ સાથે ચઢાઇ કરી ત્યારે પોતાના સાથીદારોને આદેશ આપ્યો કે બધી નૌકાઓ બાળી નાખવામાં આવે. સાથી સિપાહીઓએ કારણ પુછ્યું ત્યારે તારિક બિન ઝિયાદે એમને કહ્યું કે આપણે આગળ જવા માટે આવ્યા છીએ. પાછા જવા માટે નહીં. આવો ગજબનો આત્મવિશ્વાસ ધરાવનાર સેનાપતિ ક્યારેય પણ પરાજિત ન થાય. ઇતિહાસ સાક્ષી છે કે તારિક બિન ઝિયાદે યુરોપ ઉપર સૌ પ્રથમ મુસ્લિમ આક્રમણમાં વિજયી ઝંડો લહેરાવ્યો.

જીવનમાં વિજયી થવા માટે, સફળ થવા માટે હથિયારોની નહીં આત્મવિશ્વાસની આવશ્યક્તા પડે છે. જેઓ જીતવામાં માને છે તેઓથી જ યુદ્ધક્ષેત્રો જીતાય છે. તેઓ જ જીતે છે જેઓ માને છે કે અમે જીતીશું. ઇમર્સને કહ્યું હતું એમ આત્મવિશ્વાસ, સફળતાનું સૌથી મોટું રહસ્ય છે.

ઇતિહાસમાં અમર થઇ ગયેલા કેટલાક મહાપુરૃષોની જીવનકથામાંથી આપણને શીખવા મળે છે કે આ જ આત્મવિશ્વાસના બળે એલેકઝાન્ડર ધી ગ્રેટ કે નેપોલિયન બોનાપાર્ટ કે ઉમર બિન ખત્તાબ રદિ. કે ખાલિદ બિન વલીદ રદિ. જેવા યોદ્ધાઓ પ્રતિકુળ પરિસ્થિતિઓમાં પણ યુદ્ધ જીતતા રહ્યા.

આ જ આત્મવિશ્વાસના બળે મોહનદાસ કરમચંદ ગાંધીએ આખી અંગ્રેજી હુકુમતના પાયા હચમચાવી નાખ્યા. આ જ આત્મવિશ્વાસના બળે આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલાએ રંગભેદની નીતિ વિરૂદ્ધ રણશિંગુ ફુંકી ગોરાઓને આ નીતિ રદ કરવા મજબૂર કર્યા. આ જ આત્મવિશ્વાસના આધારે અરવિંદ કેજરીવાલ નામનો એક આમ આદમી કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજો સામે પડકાર ફેંકી રહ્યો છે. મીડિયાને એક પૈસોય આપ્યા વિના એ હીરો બની ગયો છે. ઇમર્સને કહ્યું હતું હીરોઇઝમ કે હીરોવાદનો અર્ક આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસ ન હોય તો માણસ ઝીરો છે. જેની પાસે બધું જ હોય પણ આત્મવિશ્વાસ ન હોય તો એ જીવનની કસોટીઓ સામે, સામાજિક મુશ્કેલીઓ સામે કે આર્થિક મુંઝવણો સામે ટકી શકે નહીં. એનાથી ઉલટું જેમની પાસે કશું જ નથી હોતું એ માત્ર આત્મવિશ્વાસની મૂડીના આધારે જીવનમાં આગળ નીકળી જાય છે. પૈસા નહીં પરંતુ આત્મવિશ્વાસ એ માણસની મોટામાં મોટી મૂડી છે.

સ્વામી વિવેકાનંદે યોગ્ય જ કહ્યું હતું કે જેને પોતાની જાતમાં વિશ્વાસ નથી અને ઇશ્વરમાં પણ વિશ્વાસ નહીં હોય. જેને પોતાનામાં વિશ્વાસ ન હોય એ બીજાનો વિશ્વાસ કેવી રીતે કરી શકે? બીજાનો વિશ્વાસ કરવો હોય તો પહેલાં માણસે પોતાની જાત ઉપર વિશ્વાસ કરતાં શીખવું જોઇએ. રામકૃષ્ણ પરમહંસે તો ત્યાં સુધી કહી દીધું કે આત્મવિશ્વાસ જીવન છે, આત્મવિશ્વાન ન હોવું મૃત્યુ છે. એનો અર્થ એવો થયો કે આત્મવિશ્વાસ જીવનનું એક અભિન્ન અંગ છે. સારી રીતે જીવવું હોય તો એના વિના જીવી શકાય નહીં. આત્મવિશ્વાસ માનવજીવનને સંપૂર્ણ બનાવે છે. ટોલ્સટોયે કહ્યું હતું વિશ્વાસ જ જીવનનું ચાલક બળ છે. જીવનમાં ડગલે ને પગલે મુશ્કેલીઓ આવતી રહે છે. સંબંધોમાં તાણ ઉભી થાય છે. ધંધામાં ખોટ આવે છે. અણધારી આફતો આવી જાય છે. એવા સમયે માણસ પોતાના આત્મવિશ્વાસ અને ધીરજના બળે અડીખમ ઉભો રહે છે.

જીવનમાં સફળ થવા માટે આત્મવિશ્વાસ એટલો જ આવશ્યક છે જેટલું જીવવા માટે શ્વાસની જરૃર હોય છે. બોવીએ કહ્યું હતું આપણી ઘણીખરી નિષ્ફળતાનું કારણ આપણી જાત ઉપરનો અવિશ્વાસ હોય છે. આ આત્મવિશ્વાસ બજારમાં ક્યાંય મળતો નથી. એને તો પોતાની જાતે જ કેળવવું પડે છે. આત્મવિશ્વાસ વધારવા માટેની આ રહી કેટલીક તરકીબો –

* પોતાની જાતને ક્યારેય બીજા કરતા હલકી ન ગણો. પોતાને સર્વોપરી માનવાની જરૃર નથી પરંતુ એકદમ હલકટ માની લેવાની પણ આવશ્યક્તા નથી. બીજા લોકો સાથે સરખામણી કરવી નહિ. બીજાને સરખામણીમાંથી જ લઘુતાગ્રંથિ જન્મે. લઘુતાગ્રંથિ છોડો. તમે બીજા કરતાં જરાય ઉતરતા નથી એ હંમેશા યાદ રાખો.

* જે કામમાં કાચા છો, જેનાથી બીક લાગે છે એ કામને વારંવાર કરો. પ્રેકટીસ મેક્સ મેન પરફેક્ટ. વારંવાર એ જ કામ કરવાથી એનો હાઊ દૂર થશે. વિશ્વાસ વધશે. કોઇપણ કાર્ય કરો તો આત્મવિશ્વાસથી કરો. ગાંધીજીએ કહ્યું હતું વિશ્વાસ વિના કાર્ય કરવું એટલે આંધળા કુવામાં પડવું.

* કોઇની સાથે પણ વાતચીત કરો તો સંપૂર્ણ આત્મવિશ્વાસથી કરો. સામેવાળા ઉપર પ્રભાવ તો પડશે જ પરંતુ તમારી અંદર રહેલી ખામીઓ પણ દૂર થશે. એક વાત યાદ રાખજો વાતચીતમાં આત્મવિશ્વાસ તમારી ચતુરાઇ કરતા વધારે મહત્વનું છે.

* માણસના મોટાભાગે આત્મવિશ્વાસ ન હોવાનું કારણ એની અજ્ઞાનતા પણ હોય છે. આત્મવિશ્વાસ વધારવું હોય તે જ્ઞાન મેળવો. તમે જે ક્ષેત્રમાં છો એનું જ્ઞાન હોવું આવશ્યક છે. પોતપોતાના ક્ષેત્રનું અનુભવ હોવું એ તો સારી વાત છે પરંતુ એની સાથે એ વિષયનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. આ જ્ઞાન હશે તો આત્મવિશ્વાસ વધુ ઊંચો હશે.

* કોઇપણ કાર્ય શરૃઆતમાં મુશ્કેલ લાગે છે. કામ મુશ્કેલ છે એવા વિચારથી એને શરૃ જ નકરવું એ મહાનમુર્ખાઇ છે. એકવાર કામ શરૃ કરી દો એટલે આપોઆપ તમારામાં વિશ્વાસ વધતો જશે. એ ક્યારે પુરૃં થઇ જશે એ તમને ખબર પણ નહીં પડે. માત્ર વિચાર કર્યા કરવાથી કોઇ કામ પુરૃં થતું નથી. એના માટે એકશન જરૂરી છે. આ કાર્ય માટેની પ્રેરણા તમારી અંદર રહેલા આત્મવિશ્વાસ થકી જ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments