Thursday, October 10, 2024

આદર્શ રાજકારણ

ઇસ્લામી રાજ્યતંત્રનું ઘડતર ત્રણ મૂળ સિદ્ધાંતો પર થયેલું છેઃ

તૌહીદ (એકેશ્વરવાદ), રિસાલત અને ખિલાફત, આ ત્રણ સિદ્ધાંતોને સમજ્યા વિના ઇસ્લામી રાજકારણને વિસ્તારપૂર્વક સમજવું અઘરું છે એટલે જ સૌથી પહેલાં હું એમનો જ ટૂંકમાં ખુલાશો કરીશ.

તૌહીદનો અર્થ એ છે કે ખુદા (અલ્લાહ) આ દુનિયાનો અને એની સમગ્ર વસ્તીના ખાલિક (પેદા કરનાર), પરવરદિગાર (પાલનહાર) અને માલિક છે. હકૂમત અને સરકાર એની જ છે. કોઈ કાર્યને કરાવવાનો તથા કોઈ કાર્યોથી મના કરવાનો અધિકાર એનો જ છે અને બંદગી અને તાબેદારી કેવળ એના જ માટે છે અને બીજો કોઈને એમાં ભાગીદાર બનાવી ન શકાય. આપણું આ અસ્તિત્વ કે જેના કારણે આપણે મોજૂદ છીએ, આપણા આ શારીરિક અવયવો તેમજ શક્તિઓ કે જે વડે આપણે કામ કરીએ છીએ અને તે અધિકારો કે જે આ દુનિયાની વસ્તુઓ ઉપર ધરાવીએ છીએ તેમજ સ્વયં તે બધી વસ્તુઓ કે જેના પર આપણે પોતાના અધિકારો ચલાવીએ છીએ, એમાંની કોઈ પણ વસ્તુ ન આપણે પોતે પેદા કરેલી છે, અને ન પોતે મેળવેલી છે, પરંતુ એ બધી જ આપણને ખુદાએ અર્પણ કરેલી છે અને એ બક્ષિશમાં ખુદા સાથે બીજો કોઈ ભાગીદાર નથી. માટે આપણા અસ્તિત્વનો ધ્યેય, આપણી શક્તિઓનો ઉપયોગ તથા આપણા અધિકારોની હદ નક્કી કરવી એ ન તો આપણું પોતાનું કાર્ય છે અને ન તો કોઈ બીજાને એ બાબતમાં દખલ દેવાનો સહેજે હક્ક છે. એ તો કેવળ એ ખુદાનું જ કાર્ય છે જેણે આપણને આ શક્તિઓ અને અધિકારો સહિત પેદા કર્યા અને દુનિયાની અનેક વસ્તુઓ આપણા ઉપયોગમાં આપી. તૌહીદનો આ સિદ્ધાંત માનવીની હાકિમી અથવા માનવીની ખુદમુખ્તયારી-મનફાવતીસત્તા-ને જડમૂળથી રદ કરી દે છે. એક માનવી હોય અથવા એક કુટુંબ, એક વર્ગ હોય કે એક પાર્ટી, એક કોમ હોય કે પછી સામૂહિક રીતે આખા જગતના ઇન્સાનો, હાકિમીનો હક્ક એમનામાંથી કોઈને માટે નથી. હાકિમ (હુકમ કરનાર) કેવળ ખુદા અને તેના હુકમ, કાનૂન અથવા કાયદો છે.
રિસાલતઃ ખુદાનો કાનૂન જે માર્ગે બંદા સુધી આવે છે તેનું નામ રિસાલત છે. એ માર્ગે આપણને બે વસ્તુઓ મળે છેઃ એક,’કિતાબ’ જેમાં ખુદાએ પોતાનો કાનૂન વર્ણવ્યો છે અને બીજી, કિતાબનો પ્રમાણિત ખુલાસો જે ખુદાના સંદશેવાહક તરીકે રસૂલ સ.અ.વ.એ પોતાની વાણી તથા વર્તન દ્વારા રજૂ કરી છે. ખુદાની કિતાબમાં તે બધા જ સિદ્ધાંતો વર્ણવી દેવામાં આવ્યા છે કે જેમના આધાર પર માનવીની જીવન-વ્યવસ્થા ઘડાવવી જોઈએ અને રસૂલ સ.અ.વ.એ ‘કિતાબ’ના હેતુ મુજબ પ્રત્યક્ષ રીતે એક જીવનવ્યવસ્થા ઘડીને, ચલાવીને અને એની બધી જ આવશ્યક વિગતો જણાવીને આપણા માટે એક નમૂનો કાયમ કરી દીધો છે. ઇસ્લામી પરિભાષામાં આ જ બે વસ્તુઓ (કિતાબ અને સુન્નત) ના સંમિશ્રણને શરીઅત કહેવામાં આવે છે અને એ જ તે મૂળભૂત બંધારણ છે જેના પર ઇસ્લામી રાજ્ય કાયમ થાય છે.

ખિલાફતઃ હવે ખિલાફત વિષે ચર્ચા કરીએ. આ શબ્દ (ખિલાફત અરબી ભાષામાં નયાબત (પ્રતિનિધિત્વ)ના અર્થમાં વપરાય છે. ઇસ્લામી દૃષ્ટિકોણ મુજબ દુનિયામાં માણસની સ્થિતિ એવી છે કે તે જમીન ઉપર ખુદાનો નાયબ છે. એટલે કે તેના (અલ્લાહના) મુલ્કમાં તેના આપેલા અધિકારોનો ઉપયોગ કરે છે. જ્યારે તમે કદી કોઈ માણસને પોતાની મિલ્કતનો કારભાર સોંપો છો તો તે વેળા સ્વાભાવિક રીતે જ ચાર વાતો આપની સમક્ષ હોય છે. એક એ કે મિલ્કતના મૂળ માલિક તમે પોતે છો નહીં કે તે માણસ. બીજું એ કે તમારી મિલ્કતમાં તે માણસે તમારી સૂચનાઓ પ્રમાણે કામ કરવું જોઈએ. ત્રીજું એ કે તેણે પોતાના અધિકારો તે સીમાની અંદર રહીને જ વાપરવા જોઈએ જે તમે નિશ્ચિત કરી દીધી છે. ચોથું એ કે આપની મિલ્કતમાં તેણે તમારી ઇચ્છા પૂરી કરવી જોઇએ, નહીં કે તેની પોતાની. આ ચાર વસ્તુઓ એવી છે કે નાયબનો શબ્દ ઉચ્ચારતાં જ માનવીના ખ્યાલમાં આવી જાય છે. જો કોઈ નાયબ એ ચારે શરતો પૂરી ન કરે તો તમે કહેશો કે તે નયાબતની હદથી આગળ વધી ગયો અને એણે એ કરાર તોડી નાખ્યો કે જે નયાબતમાં આવશ્યક રીતે સમાયેલો છે. બિલ્કુલ આ જ અર્થમાં ઇસ્લામ ઇન્સાનને ખુદાનો ખલીફા વર્ણવે છે અને એની ખિલાફતમાં પણ ચારે શરતો સમાયેલી છે. આ રાજકીય દૃષ્ટિકોણ મુજબ જે રાજ્ય કાયમ થશે તે ખરી રીતે ખુદાની હાકિમિયત હેઠળ ઇન્સાનની ખિલાફત હશે જેને ખુદાના મુલ્ક (દેશ)માં તેણે આપેલી સૂચનાઓ પ્રમાણે અને તેણે નક્કી કરેલી હદોમાં રહીને તેની ઇચ્છા પૂરી કરવી પડશે.
ખિલાફતની આ સમજૂતીના સંબંધમાં એક બીજી વાત પણ સમજી લો કે એ અર્થમાં ઇસ્લામી રાજકારણ કોઇ એક માણસ કે કુટુંબ અથવા વર્ગને ખલીફા નથી ગણતું પરંતુ તે આખા સમાજને ખિલાફતના (નાયબના) હોદ્દા પર નિયુક્ત કરે છે જે (સમાજ) તૌહીદ (એકેશ્વરવાદ) અને રિસાલતના મૂળભૂત સિદ્ધાંતોને માન્ય રાખીને નાયબ તરીકેની શરતો પૂરી કરવા તત્પર હોય. એવી સોસાયટી સામૂહિક રીતે ખિલાફતની ઝંડાધારી છે અને એ ખિલાફત એની પ્રત્યેક વ્યક્તિના ફાળે જાય છે. આ જ તે બિંદુ છે જ્યાં ઇસ્લામમાં જમહૂરિયત (જનતંત્ર)ની શરૃઆત થાય છે. એ ઇસ્લામી સમાજની પ્રત્યેક વ્યક્તિ ખિલાફતના હક્કો તથા અધિકારો ધરાવે છે. આ હક્કો અને અધિકારોમાં બધા જ માણસો સરખી રીતે ભાગીદાર છે. કોઈ એકને બીજા પર સરસાઈ નથી તેમજ એક બીજાના એ હક્કો તેમજ અધિકારો છીનવી પણ નથી શકતો. રાજ્યનો કારભાર ચલાવવા માટે જે સરકાર રચાશે તે આ જ વ્યક્તિઓની ઇચ્છાથી રચાશે. આ જ માણસો પોતાના ખિલાફતના અધિકારોમાંથી એક ભાગ તેને (હકૂમતને) સોંપાશે. એ હકૂમતની રચનામાં એમનો મત સામેલ રહેશે અને એમની સલાહથી જ એ ચાલશે. જે એમનો વિશ્વાસ મેળવી શકશે તે એમના વતી ખિલાફતની ફરજો અદા કરશે અને જે એમનો વિશ્વાસ ગુમાવશે તેને હોદ્દા પરથી હટી જવું પડશે. આ રીતે જોતાં ઇસ્લામી જનતંત્ર એક સંપૂર્ણ જનતંત્ર છે. એટલું સંપૂર્ણ કે જેટલું સંપૂર્ણ કોઈ જનતંત્ર હોઈ શકે છે. અલબત્ત જે વસ્તુ ઇસ્લામી લોકશાહીને પાશ્ચાત્ય લોકશાહીથી જુદી પડે છે તે એ છે કે પશ્ચિમનો રાજકીય દૃષ્ટિકોણ જમહૂરી હાકિમિયત અર્થાત્ પ્રજાની સત્તાને માને છે અને ઇસ્લામ જમહૂરી ખિલાફતને ત્યાં (પાશ્ચાત્ય રાજકારણમાં) પ્રજા પોતે જ બાદશાહ છે જ્યારે અહીં બાદશાહત ખુદાની છે અને પ્રજા તેની ખલીફા છે ત્યાં પોતાનું બંધારણ પ્રજા પોતે જ ઘડે છે જ્યારે અહીં એને તે બંધારણ (કિંવા શરીઅત) મુજબ અમલ કરવો પડે જે તેને ખુદાએ પોતાના રસૂલ સ.અ.વ. મારફતે આપ્યું છે. ત્યાં સરકારનું કાર્ય પ્રજાની ઇચ્છા પૂરી કરવાનું હોય છે જ્યારે અહીં સરકાર તે જ તેની રચના કરનાર પ્રજાનું કાર્ય ખુદાની ઇચ્છા પૂરી કરવાનું હોય છે. ટૂંકમાં પાશ્ચાત્મી લોકશાહી એક નિરંકુશ ખુદાઈ છે જે પોતાના અધિકારોનો ઉપયોગ મન ફાવે તેમ કરે છે. એથી વિરૂદ્ધ ઇસ્લામી લોકશાહી ખુદાઈ કાનૂનને આધીન છે જે પોતાના અધિકારો અથવા સત્તાનો ઉપયોગ તેની સૂચનાઓ અનુસાર તેણે નક્કી કરેલી હદોમાં રહીને જ કરે છે.

એ રાજ્યનો હેતુ કુઆર્ન (ઇશ્વરીય ગ્રંથ)માં સાફ સાફ બતાવવામાં આવ્યો છે કે તે ભલાઈઓને કાયમ કરે, વૃદ્ધિ આપે અને ફેલાવે કે જે ભલાઈઓ વડે જગતનો ખુદા (ખુદાવંદેઆલમ) જીવનને સુશોભિત જોવા માગે છે અને તે બુરાઈઓને અટકાવે, દબાવે અને દૂર કરે કે જીવનમાં જેનું અસ્તિત્વ ખુદાવંદેઆલમને પસંદ નથી. ઇસ્લામમાં રાજ્યનો હેતુ કેવળ એટલો જ નથી કે તે દેશની વ્યવસ્થા જાળવી રાખે અને કોઈ ેએક ખાસ કોમની સામૂહિક ઇચ્છાઓ પૂરી કરે. એથી જુદું ઇસ્લામ તેની સમક્ષ એક ભવ્ય હેતુ રાખે છે જે પૂર્ણ કરવા માટે તેણે પોતાના બધા જ સાધનો તેમજ શક્તિઓનો ઉપયોગ કરવાનો હોય છે અને તે ઉચ્ચ હેતુ એ છે કે ખુદા પોતાની જમીનમાં તેમજ પોતાના બંદાઓના જીવનમાં જે સુંદરતા, જે ભલાઈ, આબાદી, કલ્યાણ તથા પ્રગતિ જોવા ઇચ્છે છે તે તાદશ્ય થઈ જાય અને બગાડના તે સર્વ પ્રકારો નાબૂદ થઈ જાય જે ખુદાની સર્વજ્ઞતા મુજબ (બુરાઈઓ) એની ભૂમિને ખેદાન-મેદાન તેમજ એના બંદાઓના જીવનને ખરાબ કરનાર છે. આ ધ્યેય રજૂ કર્યા પછી ઇસ્લામ આપણી સમક્ષ ભલાઈ અને બુરાઈ બન્નેનો એક સાફ ચિતાર પણ રજૂ કરે છે. જેમાં ઇચ્છિત ભલાઈઓ તેમજ નાપસંદ બુરાઈઓ ચોકખી રીતે બતાવી દેવામાં આવી છે. આ ચિતારને નજર સમક્ષ રાખી દરેક યુગ તેમજ દરેક જાતના વાતાવરણમાં ઇસ્લામી રાજ્ય પોતાનો પ્રોગ્રામ ઘડી શકે છે.

ઇસ્લામની સ્થાયી માંગણી એ છે કે જીવનના પ્રત્યેક વિભાગમાં અખ્લાકી (નૈતિક) નિયમોનું પાલન કરવામાં આવે. એટલે જ એ પોતાના રાજ્ય માટે પણ એવી અટલ નીતિ (Policy) નિર્ધારિત કરી દે છે કે એનું રાજકારણ નિષ્પક્ષ ઇન્સાફ, નિર્ભય સત્ય તથા ખરી ઇમાનદારી પર જ કાયમ થશે અને રહેશે. તે રાષ્ટ્રીય અથવા વહીવટી અથવા કોમી મસ્લેહતો (લાભો)ના કારણે જૂઠ, દગો કે અન્યાયને સાંખી લેવા તૈયાર નથી. દેશની અંદર સરકાર અને પ્રજા વચ્ચેના પરસ્પર સંબંધ હોય અથવા દેશની બહારની બીજી કોમો સાથેનો આંતરાષ્ટ્રીય વ્યવહાર હોય. બન્નેમાં તે સચ્ચાઈ, પ્રમાણિકતા અને ન્યાયને સ્વાર્થ તેમજ લાભોથી પાક રાખવા ઇચ્છે છે. મુસ્લિમ પ્રજાની જેમ જ મુસ્લિમ રાજ્ય પર પણ તે એવી પાબંદી મૂકે છે કે જે કોલ-કરાર કરો તેને પૂરો કરો. લેવડ-દેવડના પ્રમાણ સરખા રાખો, જે કંઇ કહો છો તેવું જ કરો અને જેવું કરો છો તેવું જ કહો, પોતાના અધિકારની સાથે સાથે પોતાના ફરજોને પણ યાદ રાખો અને બીજાઓની ફરજો જોતી વેળા તેઓની અધિકારો પણ ન ભૂલો, પોતાની શક્તિને જુલ્મને બદલે ન્યાય કાયમ કરવાનું સાધન બનાવો, હક્કને સદા હક્ક સમજો અને તેને અદા કરો. સત્તાને ખુદાની અમાનત સમજો અને એનો ઉપયોગ એ વાતને ખાતરી પૂર્વક માનીને કરો કે એ અનામતોનો પૂરેપૂરો હિસાબ આપણે ખુદા સમક્ષ આપવાનો છે.

ઇસ્લામી રાજ્ય જો કે પૃથ્વીના કોઈ ખાસ ભાગમાં જ સ્થપાય છે. પરંતુ તે ન તો ઇન્સાની હક્કોને કોઇ ખાસ ભૌગોલિક હદમાં મર્યાદિત રાખે છે અને ન તો શહેરી (નાગરિક અથવા Civil) હક્કોને જ્યાં સુધી ઇન્સાની હક્કોને લાગે વળગે છે ત્યાં સુધી ઇસ્લામ પ્રત્યેક માનવી માટે અમુક મૂળભૂત હક્કો નક્કી કરે છે અને દરેક પરિસ્થિતિમાં તેને જાળવવાનો હુકમ કરે છે. પછી ભલે તે દોસ્ત હોય કે દુશ્મન અને ભલે તેની સાથે સુલેહશાંતિનો સંબંધ હોય કે યુદ્ધનો. માનવ-રક્ત દરેક સ્થિતિમાં માનને પાત્ર છે અને હક્ક વિના (નાહક્ક) એ લોહી રેડી શકાય નહિ. સ્ત્રી, બાળક, વૃદ્ધ, બીમાર અને ઘાયલ વ્યક્તિઓ પર હાથ ઉગામવો કદી ઉચિત નથી. સ્ત્રીની ઇઝ્ઝત (શિયળ) દરેક સંજોગોમાં માનને પાત્ર છે અને તેને કદી બેઆબરૃ ન જ કરી શકાય. ભૂખ્યો માણસ રોટીનો, વસ્ત્રહીન માણસ કપડાનો અને ઘાયલ અથવા બીમાર માણસ દવા-દારૃનો હંમેશા હક્કદાર છે, પછી ભલે તે દુશ્મન કોમ સાથે સંબંધ ધરાવતો હોય. આ અને આ જ પ્રકારના અમુક હક્કો ઇસ્લામે પ્રત્યેક માનવીને ઇન્સાન હોવાના કારણે અર્પણ કર્યા છે અને ઇસ્લામી રાજ્યના બંધારણમાં તેમને (એ હક્કને) મૂળભૂત હક્કો (Fundamental Rights) તરીકે ગણવામાં આવ્યા છે. હવે રહ્યા નાગરિક હક્કો (Citizen’s Rights) તો તે પણ ઇસ્લામ કેવળ તે જ માણસોને નથી આપતો જેઓ ઇસ્લામી રાજ્યની હદની અંદર જન્મેલા હોય પરંતુ પ્રત્યેક મુસ્લિમ ભલે તે દુનિયાના ગમે તે ભાગમાં જન્મ્યો હોય ઇસ્લામી રાજ્યની હદમાં દાખલ થતાં જ આપમેળે જ ત્યાંનો નાગરિક બની જાય છે અને ત્યાં જન્મેલા શહેરી (National by Birth)ની જેમ જ બધા હક્કોનો સમાન હક્કદાર બની જાય છે. પૃથ્વી-પટ પર જેટલાયે ઇસ્લામી રાજ્યો હશે તે બધાની વચ્ચે નાગરિકતા સંયુક્ત (Common Citizenship) રહેશે. એક મુસ્લિમને કોઈ પણ મુસ્લિમ રાજ્યમાં દાખલ થવા માટે પાસપોર્ટની જરૃર નહી રહે. મુસલમાન કોઈ પણ જાતના વિભાગીય કે વતની ભેદભાવ વિના દરેક ઇસ્લામી રાજ્યમાં મોટામાં મોટી જવાબદારીભર્યા હોદ્દા લાયક બની શકે છે. ઇસ્લામી રાજ્યમાં વસતા ગેરમુસ્લિમો માટે ઇસ્લામે અમુક હક્કો નિર્ધારિત કરી દીધા છે અને જે અનિવાર્ય રીતે ઇસ્લામી બંધારણના એક ભાગ રૃપ રહેશે. ઇસ્લામી પરિભાષામાં ગેરમુસ્લિમને ‘ઝિમ્મી’ કહેવામાં આવે છે અર્થાત્ જેનું રક્ષણ ઇસ્લામી રાજ્યે પોતાના ઝિમ્મે (માથે) લઈ લીધું. ‘ઝિમ્મી’ના જાન, માલ અને આબરૃ, મુલમાનના જાન, માલ અને આબરૃની જેમ જ રક્ષણને તેમજ માનને પાત્ર છે. ફોજદારી (Criminal) અને દીવાની (Civil) કાનૂનોમાં મુસ્લિમ અને ઝિમ્મી વચ્ચે કોઈ ભેદભાવ નથી. ‘ઝિમ્મી’ઓના પોતાના કાયદાઓ (Personal Laws)માં ઇસ્લામી રાજ્ય માથું નહિ મારે, ‘ઝિમ્મી’ઓને વિચાર, માન્યતા તેમજ ધાર્મિક રીત-રિવાજો તથા પૂજાપાઠની પૂરી આઝાદી રહેશે. ‘ઝિમ્મી’ પોતાના ધર્મનો કેવળ ફેલાવો જ નહિ પરંતુ કાયદાની હદમાં રહીને ઇસ્લામ પર ટીકા પણ કરી શકે છે.

આ અને આવા જ બીજા અનેક હક્કો ઇસ્લામી બંધારણ મુજબ બિનમુસ્લિમ પ્રજાને આપવામાં આવ્યા છે અને એ સ્થાયી હક્કો છે જે ત્યાં સુધી પાછા લઈ ન શકાય જ્યાં સુધી તેઓ ઇસ્લામી રાજ્યની જવાબદારીમાંથી નીકળી ન જાય. કોઈ ગેરમુસ્લિમ રાજ્ય પોતાની મુસ્લિમ પ્રજા ઉપર ગમે તેવા જુલ્મ કરે પણ તેના જવાબમાં એક મુસ્લિમ રાજ્ય માટે ઉચિત નથી કે કોઈ પોતાની બિનમુસ્લિમ પ્રજા ઉપર શરીઅત વિરૂદ્ધ સહેજ પણ હાથ ઉઠાવે. તે એટલે સુધી કે જો આપણી સરહદની બહાર બધા જ મુસ્લિમોને કતલ કરી નાખવામાં આવે તો પણ આપણે આપણી હદમાં એક પણ બિનમુસ્લિમનું લોહી હક્ક વિના રેડી શકતા નથી.

અમારતઃ ઇસ્લામી રાજ્ય-વ્યવસ્થાની જવાબદારી એક અમીરને સોપવામાં આવશે જેનું સ્થાન જનતંત્રના પ્રમુખ (President)ની જેમ સમજવું જોઈએ. બંધારણના નિયમોને માન્ય રાખનાર ઉમરલાયક પ્રત્યેક પુરૃષ તથા સ્ત્રીને અમીરની પસંદગીનો હક્ક રહેશે. ચૂંટણીનું ધોરણ એ રહેશે કે ઇસ્લામની રૃહ (આત્મા)થી જાણકારી, ઇસ્લામી વિચાર તથા વર્તન, ખુદાના ભય તેમજ સમજ બૂઝના ધોરણે ક્યો માણસ સમાજના વધુમાં વધુ માણસોનો વિશ્વાસ ધરાવે છે. એવા માણસને અમારત (પ્રમુખપદ) માટે ચૂંટવામાં આવશે.પછી તેની મદદ માટે એક મજલિસે શૂરા (સલાહકાર સમિતિ) બનાવવામાં આવશે અને તે પણ લોકોએ જ ચૂંટેલી હશે. અમીર માટે એ જરૂરી રહેશે કે દેશનો વહીવટ એ સમિતિની સલાહથી ચલાવે. એક ‘અમીર’ ત્યાં સુધી જ સત્તા પર રહી શકશે જ્યાં સુધી તે લોકોના વિશ્વાસ જાળવી રાખે. વિશ્વાસ ગુમાવતા એને પોતાની જગ્યા ખાલી કરવી પડશે અને જ્યાં સુધી લોકોનો વિશ્વાસ એના પર કાયમ રહેશે ત્યાં સુધી હકૂમતના બધા જ અધિકારો તેને મળી રહેશે. તે સલાહ સમિતિની બહુમતિની વિરૂદ્ધ પોતાનો (Veto Power) વાપરી શકશે અને તેની સરકારની ટીકા કરવા માટે સામાન્ય શહેરીઓને પૂરો હક્ક રહેેશે.

ઇસ્લામી રાજ્યમાં કાયદાનુ ઘડતર તે હદોની અંદર જ રહેશે. જે (હદો) શરીઅતે નિર્ધારિત કરી દીધી છે. ખુદા અને રસૂલ સ.અ.વ.ના હુકમો કેવળ પાલન કરવા માટે છે. કોઈ ધારાસભા તેમાં ફેરફાર કરી શકતી નથી. રહ્યા તે હુકમો જેમાં બે અથવા તેથી વધુ અર્થઘટન સંભવિત હોય તો એવા સંજોગોમાં શરીઅતનો હેતુ જાણી કાઢવો એવા માણસોનું કામ છે જેઓ શરીઅતનું જ્ઞાન ધરાવતા હોય. માટે એવી બાબતો મજલિસે શૂરા પોતાની તે પેટા સમિતિ (Sub Commitee)ને પ્રસ્તુત કરશે જે આલિમો (વિદ્વાનો) પર રચાયેલી હોય. ત્યાર બાદ એક વિશાળ ક્ષેત્ર એવી બાબતોનું છે જેમાં શરીઅતે કોઈ હુકમ નથી આપ્યો, તો એવી બાબતોમાં કાયદા બનાવવા માટે મજલિસે શુરા (ધર્મ)ની હદોની અંદર રહીને સ્વતંત્ર છે.

અદાલત (ન્યાયતંત્ર)ઃ ઇસ્લામમાં ન્યાયતંત્ર સરકારના તાબા હેઠળ નહિ પરંતુ સીધું ખુદાને જવાબદાર હોય છે. ન્યાયતંત્રના હોદ્દૈદારોની નિમણુંક તો વહીવટી સરકાર જ કરશે પરંતુ જ્યારે એક વ્યક્તિ ન્યાયના આસને આવી જશે તો તે ખુદાના કાનૂન મુજબ લોકોની વચ્ચે નિષ્પક્ષ ફેંસલા કરશે અને તેના ન્યાયની અસરથી ખુદ સરકાર પણ બચી નહિં શકે. તે એટલે સુધી કે ખુદ રાજ્યના મોટામાં મોટા શ્રીમંતને પણ વાદી કે પતિવાદી હોવાના કારણે તે (અદાલત) સમક્ષ એવી રીતે જ હાજર થવું પડશે જે રીતે એક સામાન્ય નાગરિક રજૂ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments