મનુષ્ય દુનિયામાં અલ્લાહનો ટ્રસ્ટી અને પ્રતિનિધિ છે અને તેથી તેણે કુઆર્નમાં દર્શાવ્યા મુજબ અલ્લાહના માર્ગદર્શક આદેશો મુજબ શિષ્ટાચાર અને સમજદારી સાથે ન્યાય, મર્યાદા અને સલામતી વાળુ જીવન વ્યતીત કરવુ જોઇએ. “તે જ છે જેણે તમને ધરતીના ખલીફા (પ્રતિનિધિ, નાયબ) બનાવ્યા અને તમારામાંથી કેટલાકને કેટલાકની સરખામણીમાં વધુ ઉચ્ચ દરજ્જા આપ્યા, જેથી જે કંઇ તમને આપવામાં આવ્યું છે તેમાં તમારી પરીક્ષા કરે. નિઃસંદેહ તમારો રબ સજા આપવામાં પણ ઘણોં ઝડપી છે અને ઘણો દરગુજર કરનાર અને દયાળુ પણ છે.” (સૂરઃઅન્આમ-૧૬૫). ટ્રસ્ટી તરીકે મનુષ્ય દ્વારા કોઇપણ રીતે ભ્રષ્ટ આચરણ અને બીજાને નુકસાન પહોંચાડવાની વૃત્તિને આવકાશ નથી. દુનિયામાં જીવન એ માત્ર અસ્તિત્વ નથી પરંતુ એક મોટી જવાબદારી છે. જીવનમાં સંઘર્ષના અનિવાર્ય ગુણધર્મની સાથે ઉત્તરદાયિત્વ ભેળવાતા અંજામ કાંતો સારો બદલો કે સજા હોઇ શકે. અલ્લાહે પોતાના પ્રતિનિધિને જરૂરી લક્ષણો, ગુણવત્તા અને શક્યતાઓ બક્ષીને મોકલ્યું છે કે જેથી જીવનના હેતુને હાંસલ કરી શકાય. કુઆર્નમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, “હવે દુનિયામાં તે ઉત્તમ સમુદાય તમે છો, જેને મનુષ્યના માર્ગદર્શન અને સુધારણા માટે ઊભું કરવામાં આવ્યું છે, તમે ભલાઇના આજ્ઞા આપો છો, બૂરાઈથી રોકો છો અને અલ્લાહ ઉપર ઈમાન ધરાવો છો.” (સૂરઃઆલેઇમરાન-૧૧૦). આનો અર્થ છે કે મુસ્લિમોને સમાજના આ બે કાર્યો સોંપવામાં આવ્યા છે. જો તેઓ આ કાર્યો નથી કરતા તો અલ્લાહ તરફથી તેમને સજા કરવામાં આવશે. દરેક મનુષ્ય બીજાની સુખાકારી માટે જવાબદાર છે. હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ આ ફિલસુફીને હિકમતપૂર્વક વર્ણવ્યું છે કે, “તમારામાંથી દરેક ભરવાડ (ઘેટા બકરા ચરાવનાર) છે અને તમે બધા પોતાના ઘેટા બકરા માટે જવાબદાર છો.” (બુખારી).
ઇસ્લામ પૂર્નજીવનનો વિચાર આપે છે જેમાં દરેક વ્યક્તિને જીવનનો હિસાબ આપવાની મોટી જવાબદારી છે. તેથી સમાજની સૌથી પહેલી જવાબદારી અને સરકારની કામગીરી આ છે કે તે તેના નાગરિકોને જીવન માટે પુરતી સલામતી અને સમુદ્ધિ પુરી પાડે. હાકિમ (સત્તાધીશ), ટ્રસ્ટી તરીકે લોકોને તેમના વિશ્વાસની જવાબદારી અદા કરે. લોકોએ સાવધાની પુર્વક એવા લોકોને સત્તા સોંપવી જોઇએ જે તેના માટે પુરતા લાયક હોય. સત્તા સોંપી દીધા પછી પોતાના સત્તાધીશોને તેઓ પુરતો સહકાર આપે. કેમકે સત્તા સોંપવાની પસંદગી એ અલ્લાહ તરફથી તમને આપવામાં આવેલી ભેંટ છે.
જ્યારે રસૂલુલ્લાહ (સ.અ.વ.) હિજરત કરીને મદીના પહોંચ્યા તો એમણે પહોંચતાની સાથે જ એ રાજ્યતંત્રની સ્થાપના કરી અને જોતજોતામાં એક શહેર અસ્તિત્વમાં આવી ગયું. મદીના સમવાયતંત્ર જેવી વ્યવસ્થા સાથે ઉભર્યું. જેના સર્વેસર્વા રસૂલુલ્લાહ (સ.અ.વ.) હતા. તેમણે લોકોના માનવહક્કો પુરા પાડ્યા. આ માનવહક્કો પોતાના નેતા પર ‘બૈત’ (નિષ્ઠા)ના પરિણામ સ્વરૃપે હતા. બૈત એ નેતા અને લોકો વચ્ચે એક કરાર જેવું હતુ. જેમાં નેતા ઇસ્લામી કાયદાના પાલન માટે વચન આપતો અને લોકો બદલામાં પ્રજાધર્મનુ વચન આપતા. હકીકતમાં બૈત નેતાની ચૂંટણી સમાન હતી. બૈત વગર નેતાને રાજ્યના વડા તરીકે વર્તવાની કાયદેસરતા નહોતી. હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ લોકો પાસેથી બૈત લીધી. ઇસ્લામમાં લોકશાહીની સ્થાપનાનુ સ્પષ્ટ ઉદાહરણ છે કે તેમણે દુનિયાથી જતા પુર્વે પોતાના અનુગામીને નિમ્યો નહીં. તેમણે ઇરાદાપૂર્વક આ મહત્વનો નિર્ણય પ્રજા પર છોડ્યો કે જેથી તેમની શિક્ષા પર આધારિત તેઓ નિર્ણય લઇ શકે. સત્તાને હાથમાં લેવા માટે સૌથી વિશ્વાસપાત્ર એવા અબુબક્ર રદિ.ને બહુમતિ લોકોએ પસંદ કર્ર્યા અને રાજ્યના સર્વોચ્ચ પદે બૈત લઇ તેમને મંજૂર કર્યા.
તેમની નિમણુંક પછી તેમની પહેલી જાહેર સભામાં લોકોને સંબોધતા તેમણે કહ્યું, “તમે લોકોએ મને પોતાનો નેતા બનાવ્યો છે. છતાં હું કોઇપણ રીતે તમારાથી ઉપર નથી. હું સાચો હોઉં તો મને સહકાર આપો અને ભૂલ કરૃ તો મારી સુધારણા કરો. મારૃ અનુસરણ ત્યાંસુધી કરો જ્યાં સુધી હું અલ્લાહ અને તેના રસૂલ (સ.અ.વ.)ને અનુસરતો રહું અને જો તેનાથી વિચલિત થાઉં તો મને ન અનુસરો.”
ઇસ્લામમાં નૈતૃત્વને એક અમાનત અને જવાબદારી સમજવામાં આવી છે. સત્તાધીશ આ જવાબદારી માટે સર્વસત્તાધીન અલ્લાહ સામે જવાબદેહ (એકાઉન્ટેબલ) છે. તેની સાથે સાથે તે પોતાની કાબેલિયત અનુસાર આ જવાબદારી માટે લોકો સમક્ષ પણ જવાબદેહ છે. તકવા, સંઘર્ષ, જ્ઞાન અને નિખાલસતા આ મુલ્યો અને નિયમોનો અલ્લાહ આદેશ આપે છે કે જેના પર સારો નૈતૃત્વનો આધાર છે.
“… તમારામાંથી જેઓ ઇમાનવાળા છે અને જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, અલ્લાહ તેમને ઉચ્ચ દરજ્જા પ્રદાન કરશે, અને તમે જે કંઇ કરો છો અલ્લાહને તેની ખબર છે.” (સૂરઃમુજાદલા-૧૧)
કુઆર્નમાં પ્રયોજવામાં આવેલ ‘ઇમામ’ શબ્દનો અર્થ થાય છે માર્ગદર્શનનુ ઉદ્ગમ સ્થાન. તેથી નેતાઓએ લોકોને સાચા રસ્તા માટે માર્ગદર્શન આપવું જોઇએ અને એક આદર્શની રીતે વર્તવુ જોઇએ. નીચેની આયતમાં અલ્લાહ કહે છે કે મુહમ્મદ (સ.અ.વ.) તમારી વચ્ચે એક આદર્શ છે.
“હકીકતમાં તમારા માટે અલ્લાહના રસૂલ (ઈશદૂત)માં એક ઉત્તમ આદર્શ હતા…” (સૂરઃઅહઝાબ-૨૧)
આમ મુહમ્મદ (સ.અ.વ.)ના જીવન, આચરણ, તેમની શિક્ષા અને વ્યક્તિગત ગુણોના અભ્યાસ પરથી નેતૃત્વના મુલ્યવાન પાઠ શીખી શકાય છે. મુહમ્મદ (સ.અ.વ.)એ ઇમાન લાવનારાઓને એ રીતે ઘડયા કે તેઓ એક સંયોજન સંસ્થા બની ગયા. તેમને શિક્ષા આપી કે એક મજબૂત નેતા પાસે મજબૂત ઇમાન અને શ્રદ્ધા હોય છે. મુહમ્મદ (સ.અ.વ.) હિકમત, હિમ્મત, જ્ઞાન, તટસ્થતા અને એક્તા ઉમ્મતના લક્ષણો પૈકી હોવાનું કહેવામાં આવ્યું છે. ખલીફાઓએ કુઆર્ન અને સુન્નતની શિક્ષાઓના અનુસરણ દ્વારા એક આદર્શ નેતાની ભૂમિકા અદા કરતા તેમના અનુયાયીઓને સાચા રસ્તાનુ માર્ગદર્શન આપ્યું અને એક દૃષ્ટાંતરૃપ માનવીય જીવન જીવીને પોતાની જવાબદારી નિભાવી. આદર્શ ઇસ્લામી શાસન એ લોકોની મિલકત છે વ્યક્તિગત કે અનુવંશિક નથી. મિલ્લતને લગતા નિર્ણયો સલાહ-સુચનોની પ્રક્રિયા થકી જ લેવાવા જોઇએ. મોમીનોની યોગ્યતા આ શબ્દો દ્વારા કરવામાં આવી છે.
“જેઓ પોતાના રબનો આદેશ માને છે, નમાઝ કાયમ કરે છે, પોતાના મામલાઓ પરસ્પર સલાહ-મસ્લતથી ચલાવે છે.” (સૂરઃશુરા-૩૮)
“અને દીનના કાર્યોમાં તેમને પણ વિચાર-વિમર્શમાં સામેલ રાખો.” (સૂરઃઆલેઇમરાન-૧૫૯)
રાજકીય ફિલસુફીના ઇતિહાસમાં ગૌરવશાળી કુઆર્ન એ પ્રથમ પુસ્તક છે જે શાસન વ્યવસ્થાને મંજૂરી અને સલાહ-સુચનો દ્વારા ચલાવવાની વાત કરે છે. આ આયતો તમામ સમુદાયો માટે છે. તેથી વિધાનસભામાં તમામ સમુદાયોનું પ્રતિનિધિત્વ હોવું જોઇએ અને સાચા પ્રતિનિધિત્વને હાંસલ કરવા માટે વિધાનસભ્યોની ચૂંટણી મુક્ત અને બહોળા મતાધિકાર સાથે થવી જોઇએ. મુહમ્મદ (સ.અ.વ.) રાજ્ય અને વ્યવસ્થાને લગતા દરેક સંદર્ભ માટે પોતાના સહાબીઓ પાસેથી તેમના ઇરાદા અને મરજીને પુછતા હતા. ગઝવ-એ-ઉહદ વખતે મુહમ્મદ (સ.અ.વ.) શૂરા (સલાહકાર સમીતિ) બોલાવી કે કેવી રીતે દુશ્મનોનો સામનો કરીએ. શહેરની અંદર રહીને પ્રતિકાર કરવો જોઇએ કે પછી ખુલ્લા મેદાનમાં જઇને લડવુ જોઇએ. મોટાભાગના સહાબીઓએ ખુલ્લા મેદાનમાં જઇ લડવાનો વિચાર વ્યક્ત કર્યો. જ્યારે મુહમ્મદ (સ.અ.વ.)નો પોતાનો મત શહેરમાં રહીને પ્રતિકાર કરવાનો હોવા છતાં તેમણે પોતાના મતને લોકો પર ઠોકી બેસાડવાને બદલે બહુમતી લોકોના મતોને માન્ય રાખી ખુલ્લા મેદાનમાં લડવાનો ફેંસલો કર્યો.
ન્યાય એ મહત્વનો ગુણ છે. જે આદર્શ શાસનનો હાર્દ છે. મુહમ્મદ (સ.અ.વ.) અને તેમના ખલીફાઓએ ન્યાયને ખૂબ મહત્તા આપી છે. કુઆર્નમાં અલ્લાહ કહે છે કે, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! ન્યાયના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનાર બનો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરૂદ્ધ અસર સ્વયં તમારા ઉપર અથવા તમારા માતા-પિતા અને સગાઓ ઉપર જ કેમ ન પડતી હોય. મામલાથી સંબંધ ધરાવનાર પક્ષ ચાહે ધનવાન હોય કે ગરીબ, અલ્લાહ તમારાથી વધુ તેમનો શુભેચ્છક છે…” (સૂરઃનિસા-૧૩૫). આ આયત ન્યાયનુ સર્વોચ્ચ ધોરણ નક્કી કરે છે. જે બીજા ધર્મ કે વ્યવસ્થામાં જોવા નથી મળતા. મુહમ્મદ (સ.અ.વ.)ના જમાનામાં મકઝૂમ કબીલાની એક સ્ત્રીએ ચોરી કરી. સ્ત્રી હોવાના કારણે કેટલાક સહાબીઓએ દરમિયાનગીરી કરવાની કોશિશ કરી. (કે સજામાં તેને માફી આપવામાં આવે). મુહમ્મદ (સ.અ.વ.)એ તેઓને વખોડી કાઢતા કહ્યું, “હે લોકો, તમારા પહેલાના લોકોએ પ્રભાવશાળી વ્યક્તિઓના કિસ્સામાં સખ્તાઇપૂર્વક નિયમોની પાબંદી ન કરી અને ફકત કમજોર અને ગરીબ લોકો ઉપર જ મર્યાદાઓની પાબંદી કરી. અલ્લાહની કસમ જો મારી દિકરી ફાતમા પણ ચોરી કરતા પકડાઇ હોત તો મે તેના હાથ કાપી નાખ્યા હોત.”
ખલીફા ઉમર રદિ. યહૂદી વિરૂદ્ધના એક કેસમાં કાઝી પાસે ગયા. ખલીફાને જોઇને તેમના આદરમાં કાઝી પોતાની ખુરસી પરથી ઉઠી ગયા. તેમની આ ચેષ્ટાથી ખલીફાએ તેમને કાઝી પદેથી તરત જ બરતરફ કર્યો. ઇસ્લામી રાજ્યમાં સામાજીક સલામતી ખૂબ મહત્વ ધરાવે છે કે જેમાં જીવન નિર્વાહ અને નાગરીકોની સુખાકારીનો સમાવેશ થાય છે. મુહમ્મદ (સ.અ.વ.)એ ઇસ્લામનો જ પ્રચાર કર્યો હોવા છતાં તેમણે લોકોને છૂટ આપી કે તેઓ પોતાની મરજીયનુસાર ધર્મ પાડી શકે છે. (ઇસ્લામમાં બળજબરી નથી) ઇસ્લામી રાજ્યમાં યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને પારસીઓ કરારથી સભ્યો હતા. જ્યારે બિન મુસ્લિમ લોકો મુસ્લિમ રાષ્ટ્રના સભ્ય બનતા તો તેમને પોતાની આસ્થાઓ મુજબ ધર્મ પાડવાની છૂટ હતી. મુહમ્મદ (સ.અ.વ.)એ સામાજીક કરાર વિકસાવ્યો હતો, એક સંધી, જે તમામ કબીલાની આગેવાની દ્વારા બંધનકર્તા હતી. જેમાં લખ્યું હતું મુહમ્મદ (સ.અ.વ.) તેમના નેતા છે અને ઇસ્લામી રાજ્યનો કાયદો તેમજ સહકાર, શહેરનો પ્રતિકાર કરવામાં મદદ અને રહેવાસીઓને રક્ષણ આપવાની બાબતો બંધનકર્તા રહેશે.
આ બંધારણ એક મતના મહત્વને અને શાસન માટે સહકારને સ્થાપિત કરે છે. ઇસ્લામી અર્થ વ્યવસ્થામાં જાહેર કલ્યાણ અને સામાજીક ન્યાય ખૂબ મહત્વની આર્થિક જવાબદારી હતી. આ રાજ્યની જવાબદારી છે કે એકાએક આપત્તિ સમયે, હંગામી બેરોજગારી સમયે, કુટુંમ્બના વાલીના અચાનક મૃત્ય સમયે લોકોને સહારો પુરૃ પાડે. ખલીફા ઉમર બિન ખત્તાબ રદિ.ના જમાનામાં અરબમાં ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ ઉદ્ભવી. ખલીફાએ સીરીયા, ઇરાક અને ઇજિપ્તના ગવર્નરને કઠોળ તથા અન્ય જીવન જરૂરીયાતની વસ્તુઓ મોકલવાનું કહ્યું. દરેકને દર મહીને ઘઉં, જૈતૂનનું તેલ અને સરકો ચોક્કસ માત્રામાં પરંપરાગત રીતે આપવામાં આવ્યા.
ઝકાત, ઉશ્ર, સદ્કો, જીઝીયો (બિન મુસ્લિમોને સલામતી પુરી પાડવાનો કર), અને ખુમ્સ (માલે ગનીમતનો પાંચમો હિસ્સો) રાજ્યના વિકાસ, જીવન સ્તર ઊંચે લઇ જવા અને ગુનાવૃત્તિને ખતમ કરવા માટે બેતુલમાલમાં જમા કરવામાં આવતા હતા. ઇસ્લામનું શિક્ષણ છે કે મનુષ્યો એકમાત્ર મિલ્કતના માલિકો છે. કોઇની મિલ્કત કે પૈસા પર અતિક્રમણ કરવું કે પૈસાને બેફામ વેડફવું ઇસ્લામ વિરૂદ્ધનું કૃત્ય છે. મુહમ્મદ (સ.અ.વ.)એ એક સહાબીને મહેસૂલ અધિકારી તરીકે યમન મોકલ્યા. જ્યારે તે યમનથી પાછા ફર્યા તો ત્યાંના લોકોએ તેમને ઘણી ભેટસોગાદો આપી હતી. (રૃશ્વત નહીં.) રસૂલુલ્લાહ (સ.અ.વ.)એ તે ભેટસોગાદોને બેતુલમાલમાં જમા કરાવવાનો આદેશ આપ્યો કેમકે તે ભેટસોગાદો તેમને નહીં તેમના હોદ્દાની રૃએ મળી હતી. આમ ઇસ્લામે હોદ્દેદાર વ્યક્તિઓ દ્વારા ભેટસોગાતો નહીં સ્વિકારવાના નિયમથી લાંચરૃશ્વતના દરવાજાને બંધ કરી દીધા.
ખલીફા ઉમર ફારૃક રદિ. ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરૃં પાડ્યું છે. ખલીફા એક વ્યક્તિ સાથે શાસન વ્યવસ્થા વિશે ચર્ચા કરી રહ્યા હતા, પેલી વ્યક્તિએ હવે ખાનગી જીવનની વાતો વિશે ચર્ચવાનો શરૃ કરી દીધું, ખલીફાએ તરત જ એમ કહેતા ચિરાગ ઓલવી નાખ્યું કે લોકોના નાણાંનો ઉપયોગ ખાનગી ઉપયોગ માટે ન થવો જોઇએ. અબુબક્ર રદિ. ખલીફા થતા તેમણે પોતાનો વેપાર ધંધો રાજ્યની કામગીરી માટે છોડી દીધું હતું. તેથી તેમનું ગુજરાન ચલાવવા માટે બેતુલમાલ – રાજ્ય નાણાંભંડોણમાંથી નાનકડી રકમ આપવામાં આવતી. તેમના મૃત્ય સમયે તેમના પરિવારજનોને પોતાની તમામ મિલ્કતો રાજ્ય નાણાંભંડોળમાં જમા કરાવી દેવાની સુચના આપી હતી. ખલીફા ઉમરના જમાનામાં સહાબીઓએ તેમનું માનદવેતન વધારી દેવાની દરખાસ્ત મુકી, ઇસ્લામી કાર્યક્ષેત્રનો વિસ્તાર બહોળો થઇ ગયો હોવા છતાં અને બેતુલમાલ નાણાંકીય રીતે ખુબ મજબૂત થઇ ગયુ હોવા છતાં તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો.
મુહમ્મદ (સ.અ.વ.) અને તેમના ચાર ખલીફાઓ દ્વારા ઇસ્લામી વ્યવસ્થા મુજબ જે રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી તે સરકાર ચલાવવાની લોકશાહી વ્યવસ્થા કહી શકાય. કારણકે સંપૂર્ણ ન્યાય, સલામતી, સમાનતા, સમૃદ્ધિ, પ્રગતિ અને આદર્શ નેતૃત્વના નિયમો તે લોકોની લાક્ષણિકતા હતી. કુઆર્ન મુહમ્મદ (સ.અ.વ.)નું જીવન અને ખલીફાએ રાશિદાનું આચરણ આદર્શ શાસન ચલાવવાના સુંદર નિયમો અર્પણ કરે છે.
પયગમ્બરે ઇસ્લામ મુહમ્મદ (સ.અ.વ.) અને સાચા રસ્તે માર્ગદર્શિત ખલીફાઓ દ્વારા સ્થાપિત શાસન વ્યવસ્થા મનુષ્યજાત માટે અનુસરણને પાત્ર છે. તે સાચી લોકશાહી, ટોળાશાહી અને સરમુખ્ત્યારશાહીથી સંપૂર્ણ મુક્ત અલ્લાહની પુરેપુરી હાકેમિયત હતી. તે જમાનામાં શાસક અને તેના વિષયોની ફરજો અને જવાબદારીઓ સાફ દર્શાવવામાં આવી હતી. નેતાગીરીના જે નીતિ-નિયમો તેમના દ્વારા અમલી બનાવવામાં આવ્યા તે વંશીય, ધાર્મિક, ભૌગોલિક બંધનોથી બિલ્કુલ પર હતા. તે નીતિ-નિયમોને સમજી શામેલ કરી અમલીરૃપ આપી આપણી વર્તમાન વ્યવસ્થા પણ એક આદર્શ વ્યવસ્થા બની શકે છે.