“એટલા માટે તમે મને યાદ રાખો, હું તમને યાદ રાખીશ, અને મારો આભાર માનો, કૃતઘ્ન ન બનો.” (સૂરઃ બકરહ-૧૫૨)
એમ તો સમગ્ર સૃષ્ટિમાં અલ્લાહનું શ્રેષ્ઠ સર્જન માનવી છે તેમાં કોઈ બેમત નથી. તેની પાસે જ્ઞાાન અને વર્તનની શક્તિ છે. તે એટલો બધો શક્તિશાળી છે કે તે પક્ષીની જેમ ઊડી શકે છે અને માછલીની જેમ પાણીમાં તરી શકે છે. પર્વતોમાં માર્ગ કાઢી શકે છે અને ચંદ્ર પર પગ મૂકી શકે છે. તેની શક્તિ અપાર છે. પરંતુ એક બીજી હકીકત પણ છે અને તે એ છે કે માનવી ખૂબ જ કમજોર છે, ઉતાવળો છે, પરિસ્થિતિથી પ્રભાવિત થઈ જનારો છે. સરળતા ઉંબરે પહોંચે તો ફૂલી જાય છે અને કંઇક ગુમાવવાનું આવે તો નિરાશ થઈ જાય છે. દુનિયામાં માનવીએ વિજ્ઞાાનની ક્ષિતિજ પાર કરી છે પરંતુ તે એકલો કંઈ કરી શકતો નથી. તેણે પળેપળ કોઈના સહકારની, મદદની, માર્ગદર્શનની, પીઠબળની, શરણની, ઉપકારની જરૃર હોય છે. માનવીના પ્રકૃતિમાં આ સ્વભાવ છે કે તેઓ તેને મદદ કરનારા કે તેના ઉપર ઉપકાર કરનારા, તેને માર્ગદર્શન આપનારા લોકોનો આભાર માને છે. જે વ્યક્તિમાં આભારપૂર્ણની વૃત્તિ હોતી નથી તેને સમાજમાં લોકો સારી નજરથી જોતા નથી, બલ્કે એવા માનવીને લોકો હલ્કું, સ્વાર્થી, અહંકારી, સ્વછંદી વગેરે નામોથી યાદ કરે છે. વ્યક્તિ જે કંઈ મેળવવા માંગે છે તે કોઈની મદદથી તેને મળે તો તે મદદ કરનાર વ્યક્તિનો આભાર માને છે; આ સામાન્ય લક્ષણ છે પરંતુ બીજાના મુકાબલામાં ઓછું મળે ત્યારે ખુશ દિલીથી તે તેનો આભાર માને એ ઉચ્ચ કક્ષાનું લક્ષણ છે. આ ભાવ સૌથી વધુ પોતાના સર્જનહાર માટે હોવો જોઈએ. તેણે આપણને જીવન આપ્યું છે, અને એ પણ માનવ તરીકે. આ જીવન જ સૌથી મોટી નેઅ્મત છે, જીવનથી દુનિયાની સુંદરતા છે, ઇન્સાન તરીકે જન્મ લેવું આપણા હાથની વાત ન હતી આપણા અલ્લાહે જ આપણી ઉપર આ ઉપકાર કર્યો છે. જીવનનો ઉત્સાહ આપ્યો, સ્વસ્થ્ય અને સુંદર શરી આપ્યું.
દુનિયામાં ઘણાં લોકો છે જેઓ પોતાના દુઃખો કે સંસાધનની કમીથી દુઃખી નથી પરંતુ બીજાના સુખો અને તેમની વૈભવી જીવન શૈલી જોઈને દુઃખી થાય છે. પોતાના ઉપરની વ્યક્તિને જોઈને તેને વંચિતપણાનું અહેસાસ થાય છેે જેના લીધે તે નાશુક્રી બનાવે છે. જે તેનામાં ક્રોધ, નિરાશા, લાલચ વગેરે જેવા દુર્ગુણો પેદા કરે છે અને કેટલાક કિસ્સામાં તો દરિદ્રતાના ભાવથી પીડાતી વ્યક્તિ હિંસાનો માર્ગ પણ અપનાવી લે છે.
ઓછું હોય તો આભારપણાનો ગુણ વિકસાવવાની જરૃર છે. મોટા પાયે અલ્લાહની ને’મતો પ્રાપ્ત હોય ત્યારે આ ગુણ પોતાની સુંદરતાને વણેલું ઓછું હોય છે. બીજો તકલીફમાં હોય તો પણ આપણે અલ્લાહનો આભાર માનવો જોઈએ કે આપણા પાલનહારે આપણને આ બીમારીથી દૂર રાખ્યો અને આપણે પોતે બીમાર હોેઈએ ત્યારે પણ અલ્લાહે આપેલી બીજી ને’મતોનો આભાર માનવો અને અત્યાર સુધી અલ્લાહે આપણને સ્વસ્થ રાખ્યા તે બાબતે અલ્લાહનો આભાર માનવો. જે દરેક પરિસ્થિતિમાં આ લક્ષણને વળગેલી રહે એ જ સાચી વ્યક્તિ. શુક્ર ગુજારીનો તકાદો છે કે વ્યક્તિ પોતાના માલિકે હકીકી સાથે વધુ ને વધુ સંબંધ ગાઢ બનાવે. અલ્લાહના રસૂલ સ.અ.વ. તમામ ગુનાહોથી પાક (માસૂમ) હતા છતાં રાત્રે ઊભા રહી અલ્લાહની એટલી બંદગી કરતા કે તેમના પગ પર સોજો આવી જતો. એક વાર એક સહાબી રદિ.એ પૂછયું કે આપ સ.અ.વ.ના આગળ પાછળના બધા કસૂર માફ કરી દેવામાં આવ્યા છે તો પછી આપ આવું કેમ કરો છો? તો આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે શું હું એક શુક્રગુજાર બંદો ન બનું. (બુખારી, મુસ્લિમ.)
આ ગુણનો લાભ આ છે કે વ્યક્તિનું મન શાંત બને છે, તે નાસીપાસ થતો નથી. આવી વ્યક્તિમાં સકારાત્મક ઉદ્ભવે છે અને અલ્લાહનો વાયદો પણ છે જો તમે શુક્રગુજાર બનશો તો હું તમને વધુ આપીશું.