Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસઇસ્લામી આંદોલન માત્ર લોકોના મન અને વિચારોને બદલીને જ લાવી શકાય :...

ઇસ્લામી આંદોલન માત્ર લોકોના મન અને વિચારોને બદલીને જ લાવી શકાય : સૈયદ સઆદતુલ્લાહ હુસૈની

ગયા અંકમાં સઆદતુલ્લાહ હુસૈની, ઉપાધ્યક્ષ જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા ISISને વખોડતો સાક્ષાતકાર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. યુટ્યુબ પર તજલ્લી પ્રોડકશન્સની ચેનલ પર આ ઇન્ટરવ્યુના બે ભાગ ઉપલબ્ધ છે. યુવાસાથીના વાંચકમિત્રો માટે આ અંકમાં બીજા ભાગનું લેખાંતર રજૂ કરીએ છીએં.

પ્રશ્ન : જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા ISIS (દાઈશ)નો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે?

ઉત્તર : વિરોધ તો બહુ નાનો શબ્દ છે, જમાઅત આગળ વધીને ISISને ઇસ્લામ દુશ્મન તાકત ગણાવી રહી છે. જમાઅત ઇસ્લામી મૂલ્યોની ધ્યજવાહક રહી છે અને તેની જવાબદારીમાં આવે છે કે તેના દ્વારા સત્યને સત્ય અને અસત્યને અસત્ય બતાવવામાં આવે. જે રીતે ISIS જુલમ અને ખૂનામરકીના ખેલ ખેલી રહ્યું છે તેનો વિરોધ કરવો અમે ઇસ્લામી ફરજ સમજીએ છીએં. બીજુ કારણ એ છે કે આ સમગ્ર ફિત્નો ઇસ્લામના નામે થઈ રહ્યો છે અને સામાન્ય લોકોમાં ખૂબ ગેરસમજો ઊભી રહી છે. આથી તેમને વખોડવાની અમારી જવાબદારી બેવડાઈ જાય છે.

પ્રશ્ન : ISISની પાછળ કઈ તાકતોનો હાથ હોઈ શકે છે?

ઉત્તર : ISIS એક સિક્રેટ ગ્રુપ અથવા ગુપ્ત સમુહ છે અને આવા સમૂહો વિશે કંઈ ચોક્કસ કહેવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ તેમની કાર્યપ્રણાલી પર નજર નાખીએ તો પ્રથમ તો તેઓ ઇસ્લામમાં જિહાદ વિશે જે કાનૂનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું ખુલ્લું ઉલ્લંઘન કરે છે. બીજી વાત છે તે તેઓ એવા સમયે ગતિશીલ થયા છે જ્યારે ઇસ્લામને એક વિકલ્પ તરીકે સ્વીકૃતિ મળવાના સંકેતો મળી રહ્યા હતા. આરબ ક્રાંતિઓ પછી ઇસ્લામ માટે લોકોની કુતૂહલતા વધી રહી હતી. આવા સમયે ઇસ્લામના નામે આવી વિકરાળ અને અમાનવીય હરકતો માત્ર ઇસ્લામ દુશ્મનો જ કરી શકે. ત્રીજી બાબત તેમના હથિયારોથી જેઓ પોતાની જાન ગૂમાવી રહ્યા છે તે લોકોની. અત્યાર સુધીમાં તેમણે સીરિયાના લોકો પર અત્યાચાર ગુજારનાર બશર અલ અસદની સરકારના કોઈ સ્થાનો પર કબજો નથી મેળવ્યો. આનાથી વિરુદ્ધ તેઓ એવી ઇસ્લામી ચળવળોના લડવૈયાઓને પોતાના શિકાર બનાવી રહ્યા છે જેઓએ અત્યાચાર સામે લડત આદરી છે. ISIS દ્વારા ઇખ્વાનુલ મુસ્લીમુન અને બીજી ઇસ્લામી ચળવળોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેઓ ઇસ્રાઈલ સામે લડયા હોય તેવા પણ ક્યાંયથી સમાચાર મળ્યા નથી. આ તમામ બાબતોથી સ્પષ્ટ થાય છે કે તેઓ ક્યાં તો ઇસ્લામ વિરોધી તાકતોના એજન્ટ્સ છે અથવા અનાયાસે તેમના હાથોની કઠપૂતળી બની ગયા છે.

પ્રશ્ન : શું તમને લાગે છે કે ભારતના યુવાનો ISIS પ્રત્યે આકર્ષાયા છે?

ઉત્તર : ભારતીય મુસલમાનો એકંદરે ખૂબ સમજદાર અને દૂરંદેશ રહ્યા છે. અહીંની ઇસ્લામી ચળવળો, મુસ્લિમ સંસ્થાઓ, અને સામાજિક આગેવાનોએ એક સ્વરમાં ISISને નકારી દીધું છે. આ બાબત પર હું અલ્લાહનો શુક્ર અદા કરૃં છું. શક્ય છે કે એકાદ બે આવા બનાવો બન્યા હોય અને અમૂક યુવાનો તેમનાથી પ્રભાવિત થયા હોય. આ થવા પાછળનું કારણ સમજવું સાવ સરળ છે. વિશ્વભરમાંથી મુસલમાનો પરના અત્યાચારના સમાચારો સામાન્ય છે. વળી પાછું સોશ્યલ મીડિયાના આગમનથી એક ખૂણાની ખબર વિશ્વભરમાં કોઈ પણ ઠેકાણે વિજળી વેગે પહોંચી જાય છે. આમ ક્યારેક હતાશા અને નિરાશાના કારણે યુવાનો ભટકી ગયા હોય તેવા બનાવો બની શકે. પરંતુ આવા યુવાનોને કારણે સમગ્ર મુસ્લિમ સમુદાય સંકટમાં મૂકાઈ જાય છે. આથી કરીને આવા યુવાનોને કુઆર્ન અને હદીષના આદેશો સામે રાખીને આવા મૂર્ખતા અને અત્યાચારવાળા માર્ગ પર ન ચડવા દેવા તે સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી છે.

પ્રશ્ન : ઇસ્લામ એક સંપૂર્ણ જીવન વ્યવસ્થા છે અને જીવનના દરેક ક્ષેત્રને તે આવરી લે છે. આ પ્રકારની માન્યતાઓને કારણે આવા સમૂહોનો જન્મ થાય છે તેવી ચર્ચાઓ પણ થતી હોય છે. આપ શું માનો છો?

ઉત્તર : ના, આ બાબત યોગ્ય નથી. ઇસ્લામ સંપૂર્ણ જીવનવ્યવસ્થા છે તેવી માન્યતા કોઈ એક મુસ્લિમ સમૂહની નથી પરંતુ તમામ મુસલમાનોની આ સંયુક્ત માન્યતા છે. અમૂક ઇસ્લામી ચળવળો જરૃરથી આ બાબતને લોકો સમક્ષ લાવે છે પરંતુ એકંદરે તમામ મુસલમાનોનો આ સંયુક્ત મત છે. ISIS જેવા અંતિમવાદી સંગઠનોની અને ઇસ્લામી ચળવળોની કાર્યપ્રણાલીમાં આભ જમીનનું અંતર છે. હા, કોઈ વાતો બંને વચ્ચે સમાન હોઈ શકે જેમ કે તેઓ પણ કુઆર્ન અને હદીષને દલીલ બનાવે છે અને ઇસ્લામી ચળવળો પર કુઆર્ન અને હદીષમાંથી પોતાની પ્રેરણા મેળવે છે. ઇસ્લામી ચળવળો અને દાએશ જેવા સંગઠનો વચ્ચે પાયાનો ફરક એ છે કે ઇસ્લામી ચળવળો ઇસ્લામને શાંતિના ધ્વજવાહક તરીકે જુવે છે. ઇસ્લામી ચળવળો પોતાની વાતો અને દલીલો વડે લોકોના મન, મષ્તિષ્ક અને વિચારોને બદલવા માંગે છે. આના માટે તેઓ કોઈ શોર્ટ કટ અથવા ટૂંકો માર્ગ અપનાવવાને યોગ્ય નથી સમજતા. તેમના મત મૂજબ ઇસ્લામી મૂલ્યો પર સમાજની સ્થાપના ત્યારે જ શક્ય છે જ્યારે લોકો ખુશીથી પોતાને ઇસ્લામ માટે સમર્પિત કરી દે. ઇસ્લામી ચળવળના ખૂબ મોટા વિચારક મૌલાના મૌદૂદી (રહ.) દ્વારા લખાયુ છે કે ઇસ્લામી આંદોલન ક્યારેય પણ કોઈ ગુપ્ત માર્ગે અથવા હિંસક માર્ગે સફળ થઈ શકે નહીં. જમાઅતે ઇસ્લામી હિંદ જે આ દેશની પ્રખર ઇસ્લામી ચળવળ છે જેણે પોતાના બંધારણમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તે ભારતીય બંધારણ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યપ્રણાલી અપનાવશે નહીં. આગળ વધીને તે સમાજમાં વેરઝેર વધે અને વર્ગીય ખેંચાખેંચ થાય તે પ્રકારની કોઈ પણ કામગીરીમાં પણ સાથ આપશે નહીં અને તેવી રીત અપનાવશે નહીં.

પ્રશ્ન : આ ફીત્નાઓ ડામવામાં ઉલ્માએકીરામ અને સામાજિક આગેવાનોએે શું ભાગ ભજવવો જોઈએ?

ઉત્તર : પ્રથમ કામ તો વૈચારિક રીતે આવી વિચારધારાઓને પરાસ્ત કરવાનું છે. ઇસ્લામનું, કુઆર્ન અને હદીષનું સાચુ શિક્ષણ સામે લાવીને આ અંતિમવાદી સંગઠનોની પોકળતા અને તેઓ સત્ય માર્ગથી કઈ રીતે ફંટાઈ ગયા છે તે સાબિત કરવાનું છે. જિહાદની અને ખિલાફતની સાચી પરિકલ્પના યુવાનો સમક્ષ લાવવી ખૂબ જરૂરી છે. બીજુ કામ છે યુવાનોને આશા અપાવવાનું છે કે ઇસ્લામ તરફ લોકો આકર્ષિત થઈ રહ્યા છે અને ઇસ્લામ માટે તેઓ શાંત અને લોકોને ઉપયોગી થાય તેવી રીતો અપનાવીને પોતાનું યોગદાન આપી શકે છે. તેમની શક્તિ અને ઊર્જા દ્વારા સમાજઉપયોગી કામો કરવા માટે તેમને પ્રેરિત કરવામાં આવે. તેમને સમજાવવામાં આવે કે ઇસ્લામના નામે એકવાર મોતને ઘાટ ચઢી જવું તો આસાન છે પરંતુ સવારસાંજ તેના માટે મહેનત કરીને, પોતાના પરસેવા વડે તેનો સાચો સંદેશ પહોંચાડવો તે સાચો જિહાદ છે.

પ્રશ્ન : આવા કપરા સમયે ઇસ્લામનો સાચો સંદેશ કઈ રીતે ફેલાવવો જોઈએ?

ઉત્તર : જરૂરત છે કે દરેક બિનમુસ્લિમ વ્યક્તિને ઇસ્લામમાં શાંતિ અને ન્યાય માટે જે શિક્ષણ આપવામાં આવ્યું છે તે પહોંચાડવામાં આવે. આના માટે શક્ય તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે, ચર્ચા અને વિચારણા કરવામાં આવે, લેખો લખવામાં આવે, ટીવીનો ઉપયોગ કરવામાં આવે, ઇન્ટરનેટનો તથા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે અને પોતાની વાત પહોંચાડી દેવામાં આવે. જો આપણે આવું નહીં કરી શકીએ તો દુનિયા અને આખેરત એમ બંનેમાં આપણને સખત નુકશાન વેઠવું પડશે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments