Tuesday, June 25, 2024
Homeઓપન સ્પેસઇસ્લામી નેતૃત્વનું સન્માન

ઇસ્લામી નેતૃત્વનું સન્માન

ઇતિહાસની અટારીએથી ……………………… પ્રશિક્ષણના પગલાં

અલ્લાહ તઆલા કુઆર્નમાં ફરમાવે છે,

“હે લોકો, જેઓે ઈમાન લાવ્યા છો! અલ્લાહ અને તેના રસૂલથી આગળ ન વધો અને અલ્લાહથી ડરતા રહો, અલ્લાહ બધું જ સાંભળનાર અને જાણનાર છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! પોતાનો અવાજ પયગંબરના અવાજથી ઊંચો ન કરો, અને ન પયગંબર સાથે ઊંચા અવાજે વાત કરો જે રીતે તમે પરસ્પર એકબીજા સાથે કરો છો, ક્યાંક એવું ન બને કે તમારું બધું કર્યું-કરાવ્યું નષ્ટ થઈ જાય અને તમને ખબર પણ ન પડે. જે લોકો અલ્લાહના રસૂલની સાથે વાત કરતી વખતે પોતાનો અવાજ નીચો રાખે છે તેઓ હકીકતમાં તે જ લોકોે છે જેમના હૃદયોને અલ્લાહે પરહેઝગારી (ઈશપરાયણતા) માટે પારખી લીધા છે. તેમના માટે ક્ષમા છે અને મહાન બદલો.” (સૂરઃ અલ-હુજુરાત ૧ થી ૩)

અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ. સાથે અદબનો આ જ તરીકો અને અલ્લાહને રસૂલ સ.અ.વ.થી આદેશોની પ્રાપ્તિ અને તેના અમલીકરણનો આ તરીકો બતાવવામાં આવ્યો. આ તરીકો અને અદબ શરીઅતના બુનિયાદી સિદ્ધાંતોમાંથી છે અને તેના જ ઉપર અમલ કરવો જરૂરી છે. તેનો પ્રથમ અને અંતિમ આધાર અલ્લાહનો તકવા (ઇશભય) છે. હદીસમાં આવે છે કે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ જ્યારે વિખ્યાત સહાબી હઝરત મઆઝ બિન જબલ રદી.ને યમનના ગર્વનર બનાવીને રવાના કર્યા તો પૂછયું, “ફેંસલો કેવી રીતે કરશો?” હઝરત મઆઝે કહ્યું, અલ્લાહના ગ્રંથ (કુઆર્ન) દ્વારા … પૂછયું “જો તેમાં ન મળે તો?” તેમણે કહ્યું, અલ્લાહના રસૂલની સુન્નત (કથન અને આચરણ)થી ફરમાવ્યું, “જો ત્યાં પણ ન મળે તો?” મઆઝે કહ્યું, હું ઇજ્તેહાદ (સંશોધન) કરીશ. આ સાંભળીને અલ્લાહના રસૂલ સ.અ.વ.એ તેમની છાતી થપથપાવી અને ફરમાવ્યું, “અલ્લાહનો આભાર છે, જેણે પોતાના રસૂલના દૂતને તે ચીજ અર્પણ કરી, જેનાથી અલ્લાહ પ્રસન્ન થાય છે.” (હદીસ સંગ્રહ – અહમદ,અબુદાઉદ, તિરમીઝી)

એક અન્ય હદીસ (કથન)માં છે કે અલ્લાહના રસૂલ સ.અ.વ. પોતાની અંતિમ હજ્જના પ્રસંગે સહાબા કીરામ (રસૂલના સન્માનીય સાથીઓ)થી પૂછયું, “આ કયો મહીનો છે”?

સહાબા કીરામ રદી.એ કહ્યું, અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ. વધુ જાણે છે. આપ સ.અ.વ. એ ફરમાવ્યું, “શું આ હરામ (સન્માનયુક્ત) મહીનો નથી?” તમામ લોકોએ જવાબ આપ્યો, “બિલકુલ હે અલ્લાહના રસૂલ”. પછી અલ્લાહના રસૂલ સ.અ.વ.એ પૂછયું, “આ કઈ જગા છે?” બધાએ જવાબ આપ્યો, અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ. વધારે જ્ઞાાન ધરાવે છે. આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “શું આ હરામ (સન્માનીય શહેર) શહેર નથી?” બધાએ જવાબ આપ્યો, “કેમ નહીં?” હે અલ્લાહના રસૂલ આ હુરમતવાળુ શહેર જ છે. પછી આપ સ.અ.વ.એ પૂછયું, “આ કયો દિવસ છે?” બધાએ જવાબ આપ્યો, અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ. વધુ જાણે છે. આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “શું આ કુર્બાનીનો દિવસ નથી?” બધાએ એક સૂરે જવાબ આપ્યો, “કેમ નહીં, હે અલ્લાહના રસૂલ! આ કુર્બાનીનો જ દિવસ છે.”

અલ્લાહના રસૂલ સ.અ.વ. સમક્ષ અદબ, મર્યાદા, સન્માન અને તકવાની આ સ્થિતિ હતી, જે કુઆર્નના ઉપરોક્ત આદેશમાં દર્શાવી છે કે અલ્લાહના રસૂલ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ જાણતા હોવા છતાં તેના સીધો જવાબ આપવાનાં બદલે એમ કહેવામાં આવતું કે “અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ. બહેતર જાણે છે.”

બીજા પ્રકારનો અદબ અને સન્માન એ હતું જે નબી સ.અ.વ.થી વાતચીત અને પુછપરછ કરતી વખતે લોકો જાળવતા હતા. દીલમાં પોતાના નબીનું અત્યંત ઉચ્ચ કક્ષાનું સન્માન કરતા હતા. જે નબી સ.અ.વ.થી વાતચીત કરતી વખતે તેમના અવાજના, બોલવાની લઢણમાં અને હાવભાવથી સ્પષ્ટ દેખાતુ હતું. તે એવી રીતે કે તેમના દરમ્યાન અલ્લાહના રસૂલ સ.અ.વ.નું વ્યક્તિત્વ અને આપની બેઠક સ્પષ્ટ તરી આવતી હતી. બહારથી આવતા તદ્દન અજાણ્યા વ્યક્તિને પણ ખબર પડી જતી હતા કે અલ્લાહના રસૂલ મુહમ્મદ સ.અ.વ. કોણ છે? અલ્લાહ તઆલા સ્વયં મુસલમાનોને પોતાના પયગમ્બર સ.અ.વ.નો અદબ અને સન્માન જાળવવાનો આદેશ આપે છે અને તેમને અમુક રીતે ન કરવાથી ડરાવે છે. કુઆર્ન કહે છે, “જે લોકો અલ્લાહના રસૂલના સાથે વાત કરતી વખતે પોતાનો અવાજ નીચો રાખે છે તેઓ હકીકતમાં તે જ લોકોે છે જેમના હૃદયોને અલ્લાહે પરહેઝગારી (ઈશપરાયણતા) માટે પારખી લીધા છે. તેમના માટે ક્ષમા છે અને મહાન બદલો.” (સૂરઃ હુજુરાત-૪૯ઃ૩)

બુખારીનું વર્ણન છે કે ઇબ્ને અબુ મલ્કીયા કહે છે કે સમીપ હતું કે લોકોમાં બે ઉત્તમ વ્યક્તિઓ, એટલે હઝરત અબુબક્ર રદી. અને હઝરત ઉમર રદી. બર્બાદ થઈ જતા. બન્યું એવું કે એક વાર અલ્લાહના રસૂલ સ.અ.વ. પાસે બનુ તમીમનું એક પ્રતિનિધિમંડળ આવ્યું તો પરસ્પર વિવાદમાં આ બંનેનો અવાજ મોટો થઈ ગયો. આ હીજરી સન ૯ નો બનાવ છે. બનુ તમીમના લોકો સાથે તેમના પ્રશિક્ષણ માટે અમુક લોકોને મોકલવાના હતા અને તેમનો અમીર કોણ હોય તે વાત ચર્ચામાં હતી. એક એ કહ્યું, અકરઅ બિન હાબીસને અમીર બનાવો, બીજા સાહેબે એક બીજી વ્યક્તિનું નામ આપ્યું જેમનું નામ કેઅકાઅ ઇબ્ને મઅબદ હોવાનું જાણ્યા મળ્યું. આ વાતે હઝરત અબુબક્ર રદી.એ હઝરત ઉમર રદી.થી કહ્યું, “તમે મારો વિરોધ જ કરવા માંગો છે.” હઝરત ઉમરે કહ્યું, “નહીં, મારો ઇરાદો આપનો વિરોધ કરવાનો ન હતો. આ તકરારમાં બંનેના અવાજ મોટા થઈ ગયા. જેના સંબંધે અલ્લાહ તઆલા તરફથી આ ઉપરોક્ત આયાતનું અવતરણ થયું. જેમાં અલ્લાહે તેમને ડરાવ્યા કે ક્યાંક તમારા કાર્યો અને કરેલા કામો વ્યર્થ અને વિનિષ્ટ ન થઈ જાય. આ સાંભળીને તેમના હૃદય કાંપી ઉઠયા અને અલ્લાહની આ ઘોષણાથી તેઓ તદ્દન હલી ગયા. તે પછી જીવનપર્યંત અલ્લાહના રસૂલ સ.અ.વ.ના સાનિધ્ય અને સેવામાં તેમના અવાજ ક્યારેય બુલંદ ન થયા.”

મુસલમાનોએ આ પ્રણાલિકાને ખુબ સારી રીતે જાળવી અને માત્ર નબી સ.અ.વ.ના વ્યક્તિત્વ સુધી જ નહીં દરેક જ્ઞાાની વ્યક્તિ અને સન્માનીય વ્યક્તિત્વ અને વિદ્વાન શિક્ષક સાથે આ જ પ્રકારે અદબ અને સન્માનની જાળવણી કરવામાં આવી.

અદબ અને સન્માનના પ્રથમ પ્રકારનો આદેશ એટલા માટે આપવામાં આવ્યો કે ઇસ્લામી નેતૃત્વનું સ્થાન શું છે અને અલ્લાહના આદેશ પાછળ શું હેતુ અને ડહાપણ છુપાયેલા છે, તેનું મહત્વ જાણવા મળે અને અદબ તથા સન્માનના બીજા પ્રકારનો આદેશ એટલા માટે આપવામાં આવ્યો કે એ બતાવવામાં આવે કે કયાદત અને નેતૃત્વનું સન્માન કેમ જરૂરી છે અને આ બંને પ્રકારો ઇસ્લામી શરીઅતના તમામ આદેશો અને ખુલાસાઓનો આધાર છે. એટલા માટે જ ઇમાનવાળાઓ માટે અલ્લાહના આદેશોનો ધ્યેય સ્પષ્ટ થવો પણ અત્યંત જરૂરી છે અને નેતૃત્વને તેનું સાચુ સ્થાન અને તેને ઇઝ્ઝત, ગૌરવ અને સન્માન આપવું પણ જરૂરી છે. કેમ કે તે પછી જ આદેશોનું મહત્વ, તેની કિંમત, તેનું મુલ્ય અને તેના ઉપર ચાલવાનું મહત્વ શું છે તેનો અંદાજો આવી શકે. આ છે તે આકાશી ઘોષણા અને સૃષ્ટિના સર્જનહાર-પાલનહારના આદેશ, જે એટલા માટે કરવામાં આવી કે ઇસ્લામી નેતૃત્વનું મહત્વ લોકોના હૃદયમાં વસી જાય – સ્થાપિત થઈ જાય અને તેમનો પોતાના નેતૃત્વ સાથે મળીને કામ કરવાની કાર્યપદ્ધતિ અને મર્યાદા તેમજ આચારસંહિતાનું જ્ઞાાન થાય. કેમ કે જ્યાં સુધી નેતૃત્વ ન હોય, અમલીકરણ શકય નથી, અને જો કાઈદ અને આગેવાન અને અમીરનું અનુસરણ કે આજ્ઞાાપાલન ન કરવામાં આવે તો નેતૃત્વનું વજુદ જ અર્થહીન થઈ જાય છે. પછી એ પણ છે કે ભલાઈના મામલાઓમાં જ અનુસરણ છે. ઇસ્લામની આજ શિક્ષા અને પ્રશિક્ષણ છે અને ઇસ્લામનો સંદેશ પહોંચાડનારા ધ્વજવાહકોએ આનું પાલન કરવું જ જોઈએ. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments