મારો આ સંદેશ એ નવયુવાનો માટે નથી કે જે ફક્ત વાંચનનો શોખ ધરાવતા હોય, ન એ લોકો માટે છે જેમના વાણી અને વર્તનમાં આકાશ – પાતાળનો તફાવત હોય. મારો આ સંદેશ એ નવયુવાનો માટે પણ નથી કે જેમના ઈરાદાઓને મનેચ્છાની એક સામાન્ય લહેર માટીના મહેલની માફક નાબૂદ કરી નાખે છે. એ નવયુવાનો માટે આ નથી લખાતુ કે જેઓ સત્તાની લાલ આંખ જોઈ પોતાનો માર્ગ બદલી નાખે છે ન એ લોકો માટે કે જેમને લાલચનો એક નાનકડો વંટોળ પણ જમીનથી અલગ કરી દે છે.
મારો આ સંદેશ તો એ શેરદિલ નવયુવાનો માટે છે જેઓ ફોલાદી ઈરાદાઓ ધરાવે છે. જેમના હૃદયમાં માનવતાની ચિંતા ઠાંસી ઠાંસીને ભરેલી છે. જેઓ પ્રેમના અજોડ પ્રતીક છે અને જેઓ વિશ્વશાંતિ અને ન્યાય માટે હંમેશા કાર્યશીલ છે, જેમના હૃદય આશા અને ઉમ્મીદોથી ભરપૂર છે.
આવા લોકો માટે જ કહેવાયું છે
“મીટા દે અપની હસ્તી કો જો કુછ મરતબા ચાહે,
કે દાના ખાખ કે મિલ કે ગુલેગુલઝાર હોતા હૈ.”
જો નવયુવાનો પોતાનામાં અને સમાજમાં કોઈ પરિવર્તન લાવવાનો ઈરાદો કરી લે તો પછી કોઈ શક્તિ તેને તેના પરિવર્તનને રોકી શકતી નથી. સંયમ અને પવિત્રતાનો સૂર્ય જ્યારે હૃદયરૃપી આકાશ પર પ્રકાશિત થાય છે ત્યારે તે જીવનના દરેક ક્ષેત્રને પ્રજવલિત અને પ્રકાશિત કરી મૂકે છે. તેનો દરેક ખૂણો અંધકાર અને અજ્ઞાનતાથી મુક્ત થઈ જાય છે. તેમના હૃદય જાગૃત અને ઈશ્વરમય બની જાય છે. અસત્ય અને અન્યાયી વ્યવસ્થા માટે તેઓ પડકાર બની જાય છે.
રમઝાનનો આ મહિનો આ સંયમને ઉજાગર કરવા માટે આવે છે. પરંતુ અફસોસ કે આપણી બેદરકારી અને ગફલત કાયમ રહે છે. કેટલાક રિવાજો અને રૃઢિપ્રથાઓમાં આ મહિનાને આપણે કેદ કરી દીધો છે. કરૃણતા એ છે કે આપણે તેનાથી બેઅસર અને મનેચ્છાઓના ઉપાસક બનીને રહી ગયા છીએ. જ્યારે કે આપણે તો એ નબી (સ.અ.વ.)ના ઉમ્મતી છીએ કે જેમનું સમગ્ર જીવન ઈશ્વરમય અને અલ્લાહના પ્રેમમાં વિત્યુ. સંયમ એ અલ્લાહના પ્રેમના પડદા પાછળ છૂપાયેલા ઈશ્વરીય ભયનું નામ છે. કુઆર્ન રમઝાનનો આત્મા છે તો સંયમ તેનો હેતુ. કુઆર્ન જે માર્ગદર્શનનો અખૂટ સ્ત્રોત છે તેનાથી ફક્ત તે લોકો જ સંતૃપ્ત થઈ શકે છે જેઓ સંયમી છે.
હે નવયુવાન ! તારા જીવનને સંયમના પ્રકાશથી પ્રકાશિત કરી તેને કુઆર્નના બીબામાં ઢાળી દે. આ જ હેતુ માટે રમઝાન આપણી વચ્ચે આવે છે. કુઆર્ન પોકારે છે “દોડી પડો તે માર્ગ ઉપર જે તમારા રબની બક્ષિસ (ક્ષમા અને મુક્તિ) અને તે જન્નત (સ્વર્ગ) તરફ જાય છે, જેની વિશાળતા ધરતી અને આકાશો જેવી છે અને તે એ અલ્લાહથી ડરનારા લોકો માટે તૈયાર કરવામાં આવી છે” (સુરઃ આલે ઇમરાન – ૧૩૩)
“હે હૈદરના પ્રેમી નવયુવાન ! તને હઝરત અલી (રદી.)ની વાત યાદ નથી આવતી કે હિંમતવાળો માણસ તો એ છે જે મેદાનમાં નીકળી દરેક પડકારનો સામનો કરે.એ માણસ હિંમત વાળો નથી જે કપરા સંજોગોમાં માત્ર તેના બાપ-દાદઓની ગાથાઓ સંભળાવે.” ફક્ત પોતાના બાપ દાદાઓની ગાથાઓ ગાઈ સંભળાવીને સંતોષ પામનારાઓની તો ખોટ નથી પરંતુ તેને ફરી પુનરાવર્તિત કરવાવાળાઓની આજે તાતી જરૃર છે. નફસ (મન) પર કાબૂ મેળવવો પણ એક પડકાર છે. શું છે આ મન ? મનેચ્છાઓનું મહેલ, જ્યાં ખાઈ-પી ને મોજમજા કરવી અને સ્ત્રી સુખ તથા ભૌતિક ભોગ વિલાસ જ સર્વસ્વ માનવામાં આવે છે. આ મનેચ્છાઓની ગુલામી છે. રોઝા માણસને આ ગુલામીમાંથી મુક્ત કરી ઊચ્ચ ધ્યેય માટે તૈયાર કરે છે. જે મનેચ્છાઓ ઉપર કાબૂ મેળવી શકે છે તે વિશ્વ પર શાંતિ અને સલામતીનું શાસન કરી શકે છે. તે જ ન્યાય કરી શકે છે. જે પોતાના મન ઉપર ઈશ્વરના નિયમોને પ્રસ્થાપિત કરી શકે તેનાથી જ આશા રાખી શકાય કે વિશ્વમાં ઈશ્વરીય ન્યાયપૂર્વક શાસનની ધૂરા યોગ્ય રીતે સંભાળી શકશે. મનેચ્છાઓનો ગુલામ વ્યક્તિ કોઇ સારૃ ઐતિહાસિક કાર્ય કરી શકતું નથી. મન પર વિજય મેળવવા વાળો માણસ સંતોષી અને આશાવાદી બને છે. તે નિરાશાથી પર અને હતાશાથી કોશો દૂર હોય છે. ન કાયર બને છે ન કંજૂસ, ન આળસુ બને છે. ન જીવન ધ્યેયથી બેદરકાર. તે તો હંમેશા નીત-નવા પડકાર ઝીલવા માટે તૈયાર રહે છે.
હે મારી કોમના નવયુવાનો ! શું તમારા હૃદયો હજુ પણ મૃતપ્રાયઃ છે ? તેમાં ચેતના અને જીવનનો સંચાર ક્યારે થશે ? શું તમને માનવતાની આ હાલત ઉપર તરસ નથી આવતી? શું તમે ભૂખથી ટળવળતા બાળકોને જોઈને પણ નિષ્ઠુર રહી શકો છો. બિમાર અને ગરીબોની પોકારો તમારા કાને નથી પડતી? શા માટે નિર્જીવ બનીને મિસ્કીન અને તરછોડાયેલા અને યતીમોની દશાને નિહાળી રહ્યા છો ? વિધવાઓ અને નિરાધારોની પોકારો છતાં તું નિસ્તેજ શાને છે ? વિશ્વભરમાં અન્યાય અને અત્યાચારની બોલબાલા સામે તું નિસ્પૃહ થઈને કેમ બેઠો છે ? જો સાચે જ તું આવો છે અને તારો અંતર આત્મા મરી પરવાર્યો છે તો પછી રમઝાન આવશે અને જશે એનાથી તું શું મેળવીશ ?
રમઝાન તો આવે છે જ એ માટે કે તારા હૃદયને કુમળુ બનાવી દે. તે બીજાઓના દુઃખદર્દથી દ્રવી ઉઠે તેવું તેમાં તત્ત્વ મૂકી જાય. અલ્લાહના રસૂલ (સ.અ.વ.)એ ફરમાવ્યું “રમઝાન ગમખ્વારી અને હમદર્દીનો મહિનો છે.” (બયહકી)
હે નવયુવાન ! તું એ ભુલીશ નહીં કે તારૃ ઘર, પડોશી, સમાજ, કોમ અને રાષ્ટ્રનો તારા ઉપર હક્ક છે. સુંદર અને કોમળ હૃદયથી જ આશા રાખી શકાય કે તે અન્યોના હક્કો પૂરા કરશે. ઉપકાર કરવાનું ખમીર અને ક્ષમતા તેમાં છે. જરા યાદ કરો એ નવયુવાનોને જેમણે પોતાનું સમગ્ર જીવન અન્યો માટે સમર્પિત કરી દીધું. મુહમ્મદ બિન કાસિમ એક નિરાધાર સ્ત્રીની પોકાર ઉપર સીંધ સુધી દોડી આવે છે. તારિક બિન ઝિયાદ સ્પેનવાસીઓને અન્યાય અને અત્યાચારથી છોડાવે છે. શું તે ઈતિહાસ નથી વાંચ્યો રબી બિન આમિનો ? રૃસ્તમના દરબારમાં ઇસ્લામની સમાનતા અને માણસના સ્વતંત્રતાની વાત કેટલી હિંમતપૂર્વક કહી હતી.
યાદ રાખો, ધૈર્ય ડરી જવાનું નામ નથી, ભયભીત થવાનું નામ નથી, અત્યાચાર સહી જવાનું નામ નથી અને વાસ્તવિકતાથી ભાગવાનંું નામ નથી. ધૈર્ય એ સિધ્ધાંતોને વળગી રહેવાનું નામ છે, કપરા સંજોગો ભલે ને હોય, વંચિત થઈને રૃદન કરવું ધૈર્ય નથી. અત્યાચાર સહીને પોક મૂકવી ધૈર્ય નથી. અન્યાય સામે આંખ આડા-કાન કરવા ધૈર્ય નથી. ધૈર્ય તો વંચિત રહીને બીજાને આપવાનું નામ છે. ધૈર્ય તો અત્યાચારી અને શોષિત બંનેને સત્ય માર્ગ તરફ બોલાવવાનું નામ છે. ધૈર્ય તો ન્યાયની પ્રસ્થાપના માટે બધુ સહી જવાનું નામ છે. તેથી અલ્લાહના રસૂલ (સ.અ.વ.)એ ફરમાવ્યું “રમઝાન ધૈર્યનો મહિનો છે.” શું બિલાલ (રદી.) યાદ નથી ? તેમની પેલી પોકાર “અહદ (ઈશ્વર એક છે)…. અહદ (ઈશ્વર એક છે)….” રણની તપતી માટી ઉપર અત્યાચાર સહન કરીને કરેલો આ પોકાર એ ધૈર્ય છે.
કેટલી બધી સમસ્યાઓ છે પાણીની, વિસ્થાપિતોની, ગરીબ ખેડૂતોની, બાળ મજૂરોની, સ્ત્રીઓની, ભ્રૃણ હત્યાની…, ઊચનીચ-છૂતછાતની સમસ્યા હોય કે સરકાર અને મૂડીવાદીઓની અન્યાયી આર્થિક નીતિઓ… આ સમસ્યાઓનું નિરાકરણ ખૂબ જરૂરી છે અને મુશ્કેલ પણ. પરંતુ તે કરવું જ રહ્યું અને તેના માટે સૌથી મોટો જરૂરી ગુણ છે, તે ધૈર્ય છે. અલ્લાહ પણ હંમેશા તેના સાથે હશે અલ્લાહ તઆલા પોતે કુઆર્નમાં ફરમાવે છે. “અલ્લાહ ધૈર્ય રાખવાવાળાની સાથે છે.” (સૂરઃબકરહ)
હે તારૃણ્ય નવયુવાન ! તારા ચારિત્ર્યની કિંમત કરજે યુવાનોના નશામાં તેને બરબાદ ન કરજે. મનેચ્છાઓની પાછળ ત્વરિત આનંદ મેળવવામાં તું તારા અંતરાત્માના સુખનો સંહાર ન કરજે. અશ્લીલતા અને અનૈતિકતાની નજીક પણ ન જજે કેમકે આનંદ પૂરો થઈ જશે, પરંતુ સુખ નાબૂદ થઈ જશે અને તે આચરેલા ગુનાહો બાકી રહેશે.
હે નવયુવાન ! તારી નજરોની રક્ષા કરજે, ખોટું જોવાથી અને બીજાને નાનો જોવાથી. ઘૃણાની દૃષ્ટિથી અને બીજાઓની ખામિયો શોધવાથી. તારી જીભને સંભાળજે, તે ખોટું ના બોલે, મોટું ના બોલે, જુઠ્ઠુના બોલે, તોછડુ ના બોલે, હલકું અને અપશબ્દ ના બોલે, કોઇનો હૃદય દુભાવવાથી , વાયદો તોડવાથી, ચાડીચુગલી અને દગા-ફરેબથી. જીભના સ્વાદ માટે અને મનના આનંદ માટે હરામ માલથી પોતાનું પેટ ના ભરજે. આ જ પ્રમાણે તારા કાનની અને શરીરના અંગોની પણ આ જ પ્રમાણે રક્ષા કરજે કે તે ખોટું ના કરે. શરીરના દરેકે દરેક અંગનો રોઝો હોય છે અને તે જ સાચો રોઝો છે. અલ્લાહના રસૂલ (સ.અ.વ.)એ ફરમાવ્યું, “તમારામાંથી સૌથી શ્રેષ્ઠ એ છે જેનું ચારિત્ર્ય શ્રેષ્ઠ હોય.” ચરિત્ર્યની શ્રેષ્ઠતા પણ કેવી ? પોલાદ જેવી, કે કોઈ કલીયોપેટ્રા (મિસ્રની રાણી) પોતાની સુંદર આંખોથી માર્ક એન્ટોની અને જુલિયસ સીઝરને જખ્મી ન કરી શકે યુસુફ (અલૈ)ને યાદ કરો, કે કઠોર કારાવાસમાં જવુ મંજૂર હોય પણ ઝુલૈખાના મલિન ઇચ્છાઓ સફળ ન થઇ શકે. ફરી કોઈ રૃપ સુંદરી તમે પોતાના સુંદર વાળોનાં વાદળોમાં કેદ ન કરી શકે. છીપની કાંચળીમાં ઢળેલી કોમળ કાયાની મસ્ત અદાઓ તને પોતાના માયા-જાડમાં ન સપડાવી શકે. કોઈ મસ્તાની આંખો અને કામણગારી કાયા તમારા ઈરાદાઓને તોડી ન શકે ત્યારે સમજજો કે જીત તમારી છે.
હે બાજનજર નવયુવાન ! તારા ઈરાદાઓ ચુસ્ત, હોંસલાઓ મજબૂત અને ધ્યેય ઊચ્ચ હોય. તે માટે શ્રેષ્ઠ ચારિત્ર્ય જરૂરી છે. શરીરસુખ પામવામાં આત્મીય સુખને ભૂલશો નહીં. થોડા માટે વધુને છોડશો નહીં. સંકીર્ણતા માટે વિશાળતાને ખોશો નહીં. યાદ કરો મુસઅબ (રદી.), સલમાન ફારસી (રદી.) અને હુસૈન (રદી.) જેવા નવયુવાનોને જેમનું જીવન ઊચ્ચ ધ્યેય માટે સમર્પિત હતું.
મુજે મહોબ્બત ઉન જવાનો સે હે સિતારો પે જો ડાલતે હે કમન્દ
હે નવયુવાનો ! તમે નથી જાણતા કે રમઝાનની મહત્તા કુઆર્નથી છે, કયામત સુધીના માનવીઓ માટે માર્ગદર્શન. સત્ય અને અસત્ય વચ્ચે ભેદ કરવાવાળો. આ કુઆર્ન Master Key છે. જીવનના દરેક તાળાઓ આસાનીથી ખોલી નાખે છે. કુઆર્ન જ્યાં આજ્ઞાકારી વ્યક્તિઓના હૃદય પર શ્રદ્ધાની ઇમારતનું નિર્માણ કરે છે ત્યાં જ સાથે સાથે આ લોકો વડે અસત્ય, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાના શૈતાની કિલ્લાઓ પર હુમલો કરે છે તેને માનનારાઓના ફિકર અને કર્મ તેમજ સંસ્કાર અને સંબંધોમાં રહેલા શૈતાની પ્રભાવો સામે જંગ છેડે છે આ ગ્રંથ માત્ર વ્યક્તિની સુધારણા નથી કરતો પણ તેને સુરાજ્યના નિર્માણ માટે તૈયાર કરે છે. કુઆર્ન હાથમાં લઈને દુનિયામાંથી અસત્ય અને અત્યાચારને નેસ્તનાબૂદ કરવાની હિંમત મેળવવાનો મહિનો એ રમઝાન છે. કુઆર્ન જ્ઞાન અને ડહાપણનો દરિયો છે એની સુરક્ષાની ચિંતા કરવાનું તું છોડી દે, એની સુરક્ષાતો અલ્લાહે પોતાના માથે લીધી છે. તારૃ કામ તો તેને વાંચી સમજીને અમલ કરવાનો છે. આ ફક્ત તિલાવતની કિતાબ નથી પણ હિદાયત અને માર્ગદર્શનની કિતાબ છે. તેની તિલાવતમાં પણ અલ્લાહે પુણ્ય રાખેલ છે પરંતુ તેનો હક્કતો ત્યારે જ અદા થયો લેખાશે જ્યારે તેનો સંદેશ દુનિયાના દરેક માણસને આપણે પહોંચાડી દઈએ. આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું “પહોચાડીદો મારા વતી ભલે એક વાત (જાણતા) હોય.”
કશ્તિએ હક કા જમાને મેં સહારા તુ હૈ
અસરે નો રાત હૈ ધુંધલા સા સિતારા તુ હૈ
થોડાક દિવસો પછી આ મહીનો પોતાની કૃપા અને કરૃણાના પુષ્પોે વરસાવી વિદાઈ લેશે. પછી આ ઈદ તમને મુબારક મારો સહમંઝિલ તેને ખબર છે? ઈદનો દિવસ કોઈ યુદ્ધમાં વિજય થવાનો ઉલ્લાસ નથી, ન કોઈ મહાન વ્યક્તિનો જન્મ દિવસ, ન કોઈ કૌમનો રાષ્ટ્રીય પર્વ. ઈદનો અર્થ આનંદ, ખુશીનો છે. ઈદ વાસ્તવમાં પોતાની મનેચ્છઓ પર વિજય મેળવવાનું ઉત્સવનું નામ છે. જે અલ્લાહ તરફથી રોઝા રાખનારાઓ માટે ઇનામનો દિવસ છે. મન પર વિજય, કેટલી મોટી છે આ વિજય! અને વિજયીમનના વ્યક્તિત્વનું શુ કહેવું? તેમને ન કોઈથી નિંદા હોય ન ફરિયાદ, ન કોઈ જીવસૃષ્ટિથી ઘૃણા હોય ન શત્રુતા. ઇશ્વરની પ્રસન્નતા તેના જીવનનું કેન્દ્ર બિંદુ હોય છે. તે આ ઉત્સવની શરૃઆત તેના પાલનહાર સામે નમાઝ પઢીને કરે છે. આવો આ મક્કમ ઇરાદા સાથે ઈદનું ઉત્સવ ઉજવીયે કે હવે મન (ઇન્દ્રિયો)ના દાસ બનીને નહી પણ તેના સ્વામી બનીને જીવન વ્યતીત કરીશું આ દૃઢ સંકલ્પ સાથે આગળના દિવસોની શરૃઆત કરીશુ તો જ આપણે રમઝાનનો હેતુ સાર્થક કર્યો કહેવાય અને એવા જ લોકોને કુઆર્નમાં અલ્લાહ સંબોધતા ફરમાવે છે “કહો, ‘હું તમને બતાવું કે આનાથી વધુ સારી વસ્તુ કઈ છે ? જે લોકો તકવા (ઈશભય અને સંયમ)નો વ્યવહાર અપનાવે તેમના માટે તેમના રબના પાસે બાગ છે, જેના નીચે નહેરો વહેતી હશે, ત્યાં તેમને શાશ્વત જીવન પ્રાપ્ત થશે, પવિત્ર પત્નીઓ તેમની સંગિની હશે અને અલ્લાહની પ્રસન્નતા તેમને પ્રાપ્ત થશે. અલ્લાહ પોતાના બંદાઓના આચરણ ઉપર ઊંડી નજર રાખે છે.” (સૂરઃ આલે ઇમરાન – ૧૫)