Tuesday, June 25, 2024
Homeમનોમથંનઈદ મુબારક

ઈદ મુબારક

રમઝાનુલ મુબારકનો પવિત્ર મહિનો આપણો મહેમાન હતો જે રહેમતો અને બરકતોની ભેટ-સોગાદ લઈને આવ્યો હતો. તે પોતાની સાથે સેહરી તથા ઇફતારની બેવડી ખુશીઓ લઈને આવ્યોહતો, તે પોતાની સાથે રોઝાની પ્રફુલ્લ પળો લઈને આવ્યો હતો, તે પોતાની સાથે કુઆર્નનો સંદેશ લઈને આવ્યો હતો અને તે પોતાની સાથે એક હજાર રાત્રિઓથી બહેતર શબેકદ્ર પણ લઈને આવ્યો હતો તે પોતાની તમામ રહેમતો, બરકતો અને ને’મતો લઈને આપણી વસ્તીઓમાં આવ્યો હતો. તેણે પોતાની પાસેનું બધું જ આપણી વચ્ચે વહેંચી-લુંટાવી દીધું અને; હવે… હવે તે આપણી નેકીઓના વળતર માટે, આપણા ગુનાહોની મગફિરત માટે આપણી ભલામણ કરવા અલ્લાહની હજૂરમાં જઈ રહ્યો છે. વિદા થઈ ચૂક્યો છે અને આમ રમઝાનની વિદાય પછી તેના ઇનામરૃપે મળેલ ઈદુલ ફિત્ર આપણી વચ્ચે છે. અને આ ઈદુલ ફિત્ર રમઝાનુલ મુબારકના રોઝાઓના ઇનામ રૃપે આપણા રબ, માલિક અને સર્જનહાર અલ્લાહતઆલા તરફથી મળેલ ખુશીનો દિવસ છે. આથી સંજોગો ગમે તેવા મુશ્કેલ કે પ્રતિકૂળ હોય છતાં આપણે આભારરૃપે નમાઝ પણ અદા કરીએ છીએ અને પરસ્પર એકબીજાને હાર્દિક ઈદ મુબારક પણ પાઠવીએ છીએ. આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે જ નહીં બલ્કે રાજ્યસ્તરે પણ બિરાદરાને મિલ્લત ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા  છે, કેટલાક જેલોમાં સબડી રહ્યા છે, તો કેટલાક આડકતરી રીતે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવા સંજોગોમાં આ આપણી જવાબદારી થઈ પડે છે કે, સૌને પોતાની દુઆઓમાં તો સામેલ કરીએ જ પરંતુ સાથોસાથ શક્ય હોય તેમને પોતાની ઈદની ખુશીઓમાં સામેલ કરવા શક્ય  હદે મદદરૃપ બનીએ. આ રમઝાન અને રોઝાઓ દ્વારા મળેલ શિક્ષણનો પણ તકાદો છે, ઇસ્લામ તથા કુઆર્નનો પણ સંદેશ છે અને અલ્લાહતઆલાનો આદેશ પણ છે.

ખૈર ! ઈદ મુબારક છે એ તમામ લોકોને જેઓ મુશ્કેલ તથા પ્રતિકૂળ સંજોગોમાં જીવી રહ્યા છે, પરંતુ પોતાના રબની રેહમતથી નિરાશ નથી. સાથે જ અલ્લાહના એ તમામ બંદાઓને પણ ઈદ મુબારક  છે જેઓ અલ્લાહના કલેમાની અને દીનની સર્વોપરિતા માટે સક્રિય છે. આ ઈદ એમને પણ મુબારક થાય જેમણે ઇસ્લામ ઉપર ગેરઇસ્લામને પ્રાથમિકતા આપવા ઇન્કાર કરી દીધો છે, અને જેમનું માનવું છે કે દીને-ઇસ્લામની પૂર્ણતા બાદ તેને લાગુ તથા વ્યકત કરવા માટે કોઈ એવો માર્ગ અપનાવી શકાય નહીં જેનું દષ્ટાંત કુઆર્ન તથા સીરતમાં મળતું ન હોય. ઈદ મુબારક થાય તેમને પણ કે જેઓ તમામ માનવ-રચિત વાદો વ્યવસ્થાઓ અને માર્ગો ઉપર પ્રાકૃતિક દીન ઇસ્લામને પ્રાધાન્ય આપે છે. ઈદ મુબારક મુબારક થાય તેમને કે જેમની નજીક જો દુનિયામાં કોઈ વસ્તુ કીંમતી છે તો તે ફકત  અલ્લાહનો ખૌફ, બીક, ઈમાનદારી, તકવા (સંયમ) અને પરહેઝગારી છે. ખૂબ ખૂબ ઈદ મુબારક તેમને પણ થાય જેઓ દૌલતના બદલે પોતાનો અંતરાત્મા અલ્લાહ અને રસૂલ સ.અ.વ.નું આજ્ઞાપાલન ને અનુસરણ વેચતા નથી. ઈદ મુબારક તેમને પણ થાય કે જેમને પૂરેપૂરી ખાત્રી છે કે નેકી ત્યાં સુધી પ્રાપ્ત થઈ શકતી નથી કે જ્યાં સુધી આપણે અલ્લાહના માર્ગમાં એ વસ્તુઓ કુર્બાન ન કરી દઈએ જેમનાથી આપણને પ્રેમ છે. ઈદ મુબારક થાય તેમને જેઓ હવાની દિશા જોઈને ઓછી મહેનત અને સહેલાઇમાં સપડાતા નથી, અને તેમને પણ ઈદ મુબારક થાય જેઓ કુઆર્ન તથા સુન્નતના કોઈ આદેશને આજના યુગમાં પણ નઉઝુબિલ્લાહ કાળગ્રસ્ત નથી સમજતા, અને તેમને પણ કે જેઓ કુફ્ર, શિર્ક તથા જૂઠી વ્યવસ્થા સાથે સમજૂતી નથી કરતા, અને ઈદ મુબારક થાય તેમને કે જેઓ અસત્ય કે ખોટી વ્યવસ્થાની મોહક હવાઓમાં પોતાની હોડીઓના શેઢોને ઉડાવવા પ્રયત્ન નથી કરતા, ઈદ મુબારક થાય તેમને પણ કે જેઓ મુશ્કેલીઓ, મુસીબતો અને અજમાયશોને જોઈને ખોટા ડહાપણના ડેરામાં દાખલ નથી થતા, અને ઈદ મુબારક થાય તેમને પણ જેઓ સમજે છે કે દીનની અભિવ્યક્તિની કોઈ રીત એનાથી બહેતર નથી થઈ શકતી કે જે ઉસ્વએ નબી સ.અ.વ.થી સાબિત ન થતી હોય અથવા તો કુઆર્ન તથા સીરતથી ટકરાતી હોય.

આમ આજે  આપણે જોવાનું  છે કે જે રીતે આપણે ઈદ ઉજવીએ છીએ અને એકબીજાને ઈદ મુબારક પાઠવીએ છીએ તે ઉપર જણાવેલ બાબતો સાથે કેટલી મેળ ખાય છે! જે રીતે આજે સમાજમાં ગરીબોની ઉપેક્ષા મનમાની રીતો ઉપર આચરણ ખોટી તથા જૂઠી વ્યવસ્થાઓ સાથે સમજૂતી અને રમઝાનના રોઝા પૂરા થતાં જ શૈતાની કામોમાં લાગી જવું અને તિલાવતે કુઆર્નને છોડી દેવી તેમજ મસ્જિદો ખાલી થઈ જવી જેવી બાબતો અપનાવી લેવાય છે, તેમાં સાચા અર્થમાં ઈદ મુબારક સાર્થક થાય છે કે કેમ તે જોવાની જરૂરત છે.

આશા છે આ વખતે ગરીબો, મિસ્કીનો, અનાથો, હાજતમંદો અને વંચિતોને પોતાની ઈદની ખુશીઓમાં સામેલ કરી , અને રમઝાનુલ મુબારકની ઇબાદતોની અસર આગામી રમઝાન એટલે કે બાકીના અગિયાર મહિનાઓ સુધી જળવાઈ રહે તેવી પ્રતિજ્ઞા કે દ્દઢ સંકલ્પ સાથે ઈદ ઉજવી અને પરસ્પર એકબીજાને ઈદ મુબારક પાઠવીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments